Wednesday, 20 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ચાલો આપણે દુનિયા થી ક્યાંક દૂર ભાગી જયિએ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ચાલો આપણે દુનિયા થી ક્યાંક દૂર ભાગી જયિએ!
દેવેન્દ્ર પટેલ

 

 

 

 

શિવકલી.
મધ્ય પ્રદેશના એક નાનકડા ગામમાં રહેતી હતી. તે ગ્રેજ્યુએટ હતી. તેના પતિનું નામ ઓમપ્રકાશ. ઓેમપ્રકાશના મોટા ભાઈનું નામ રઘુવીર અને નણંદનું નામ રાની. રાનીને પણ દૂરના એક ગામમાં પરણાવી દેવામાં આવી હતી. ઓમપ્રકાશ તેની પત્ની શિવકલિ સાથે અને રઘુવીર તેની પત્ની સાથે અલગ અલગ રહેતો હતો.


લગ્નના પાંચ વર્ષ થયા પરંતુ શિવકલીની ગોદ ભરાઈ નહોતી. સાસરીમાં બધા જ પ્રકારનું સુખ હતું પરંતુ આટલા વર્ષો બાદ પણ તેની કૂખ ખાલી હોવાથી શિવકલી દુઃખી હતી. બાળક થાય તે માટે તેણે અનેક બાધાઓ રાખી હતી. અનેક પ્રકારના વ્રત-ઉપવાસ પણ કર્યા. પતિ ઓમ પ્રકાશ પણ કહેતો કે, ઈશ્વરની ઈચ્છા હશે ત્યારે આપણને સંતાન સુખ પ્રાપ્ત થશે.


એક દિવસ ઓમપ્રકાશ સવાર સવારમાં નોકરીએ જવાની તૈયારી કરતો હતો ત્યાં જ તેના બનેવીનો ફોન આવ્યોઃ 'તમારી બહેન રાનીને ઝેરી મેલેરિયા થઈ ગયો છે. તેને મેં ઝાંસીની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરાવી છે. તમે ચારેક દિવસ માટે શિવકલીને હોસ્પિટલ મોકલો તો તે રાનીની દેખરેખ રાખશે. હું ઘેર જઈ મારા બાળકોની સંભાળ રાખીશ.'


ઓમપ્રકાશે તરત જ શિવકલીને બસમાં બેસાડી ઝાંસી મોકલી દીધી. શિવકલીના આવતા જ રાનીનો પતિ તેના ચાર બાળકોને લઈ ગામડે જતો રહ્યો.રાની હોસ્પિટલના જનરલ વોર્ડમાં હતી. રાત પડતા જ શિવકલી ખાઈ-પીને સૂઈ ગઈ. તેણે પોતાની પથારી રાનીના પલંગની બાજુમાં જ લગાવી દીધી. દવા લીધા બાદ રાની તો ઊંઘી ગઈ પણ શિવકલીને ઊંઘ આવતી નહોતી. વળી બહાર સખત ઠંડી હતી. ફર્શ પણ ઠંડી હતી. વળી બાજુમાં એક બીજી મહિલા દર્દથી કણસતી હતી. આવા માહોલમાં ઊંઘ ના આવતા શિવકલી ઊભી થઈને વોર્ડની બહાર નીકળી. તે લોબીમાં એક બાંકડા પર જઈ બેસી ગઈ.


થોડીવાર બાદ એક યુવાન તેની પાસે આવ્યો અને બાંકડા પર તેની નજીક બેસી ગયો. તે બોલ્યોઃ 'ઊંઘ નથી આવતી તમને?'


શિવકલીએ હા પાડીઃ 'ઠંડી બહુ લાગે છે અને અંદર એક દર્દી ચીસો પાડી રહી છે!'


'ઓહ!' : કહેતા એ યુવાને કહ્યું: 'સાચી વાત છે. મારા કાકાને પુરુષોના વોર્ડમાં દાખલ કર્યા છે. ત્યાં પણ માહોલ એવો છે કે, આપણને ઊંઘ જ ના આવે.'


વાતોવાતોમાં બેઉ વચ્ચે પરિચય થયો. ગામની વાતો, સગાં-સંબંધીની વાતો, સમાજની વાતો થઈ. બીજા દિવસે કોણ જાણે કેમ પણ શિવકલીને ફરી રાતના સમયે વોર્ડની બહાર લોબીમાં જવાનું મન થયું. ફરી તે એ જ બાંકડા પર જઈ બેઠી. થોડીવારમાં એ યુવાન પણ આવ્યો. એ બોલ્યોઃ 'મને ખબર જ હતી કે તમે આજે પણ અહીં આવશો.'


શિવકલીનું હૃદય ઝંકૃત થયું. એણે કહ્યું: 'કાલે આપણે વાતો તો બહુ કરી પરંતુ હું તમારું નામ પૂછવાનું ભૂલી ગઈ.'

'મારું નામ અમરીષ.'

'સરસ નામ છે. મારું નામ શિવકલી.'

અમરિષ બોલ્યોઃ 'શિવકલી પણ એટલું જ સુંદર નામ છે.'

બેઉ લોબીના આછા ઉજાસમાં એકબીજા સામે જોઈ મુસ્કરાયાઃ અમરિષ બોલ્યોઃ 'આજે પણ ઠંડી ઘણી છે.'


અમરિષ બોલ્યો : 'ઠંડીમાં તમને એકલાને ગમે છે?'

શિવકલી એ પ્રશ્નની ભીતરમાં રહેલી વાત ના સમજે એટલી નાદાન નહોતી. આમ છતાં એ પ્રશ્ન એને ગમ્યો. એ બોલીઃ 'તમને ગમે છે?'

'ના.'

'તો હું શું કરું?' : શિવકલીએ પૂછયું: 'તમે લગ્ન કરેલા છે?'

'ના. અને તમે?'

શિવકલીએ કહ્યું: 'હા.'

અમરિષે પૂછયું: 'કેટલાં વર્ષ થયા?'

'પાંચ'

'બાળકો?'


અમરિષનો એ પ્રશ્ન શિવકલીના હૃદયના મર્મ સ્થાનને હચમચાવી ગયો. તેના ચહેરા પર છૂપાવી રાખેલું દર્દ ઉપસી આવ્યું. તેની આંખોના પાણીની કોર બંધાઈ એણે નીચે જોતાં કહ્યું: 'બાળકો નથી. ઈશ્વરની ઈચ્છા થશે, ત્યારે…'


અમરિષે શિવકલીની નજીક સરકતાં તેના હાથ પકડી લીધો. શિવકલીએ તેનો કોઈ વિરોધ ના કર્યો. આમેય તેને એક સાંત્વનાની જરૂર હતી. શિવકલીને લાગ્યું કે કોઈ સ્વજન તેને સ્પર્શી રહ્યું છે. સાથે સાથે તે એક સ્ત્રી પણ હતી. તેમાં પહેલી જ વાર એક પર પુરુષનો સ્પર્શ થયો હતો. શાયદ અજાણતાં જ તેને એ સ્પર્શ ગમ્યો હતો. બસ એ દિવસે બીજી કોઈ જ વાત ના થઈ. શિવકલી અને અમરિષ એકબીજાથી અજનબી હોવા છતાં ચુપચાપ એકબીજાનો હાથ પકડી બેસી રહ્યા,મૌન રહ્યા. આજે કોઈ જ બીજી વાતો ના થઈ. છેલ્લા ઊઠતાં ઊઠતાં અમરિષે શિવકલીના માથાને પોતાની તરફ ખેંચી છાતીએ લગાડયું. શિવકલીને એ સાનિધ્યમાં એક ઊંડી સાંત્વના પ્રાપ્ત થઈ.


ત્રીજા દિવસની રાત્રે શિવકલી ફરી વોર્ડની બહાર લોબીમાં ગઈ. આજે અમરિષ પહેલેથી જ બહાર બાંકડા પર બેઠેલો હતો. રોજ કરતાં આજે ઠંડી વધુ હતી. શિવકલી અને અમરિષ વચ્ચે ના સમજાય તેવો સંબંધ વિકસી રહ્યો હતો. શિવકલી સ્વયં રૂપાળી અને નાજુક હતી. તો બીજી બાજુ અમરિષ તો હજુ કુંવારો અને આકર્ષક યુવાન હતો. બંનેને એકબીજા માટે આકર્ષણ ઊભું થયું હતું. એક અપરિણિત હતો તો બીજી પરિણીતા હતા. યુવાનને સ્ત્રીનું આકર્ષણ હતું તો સ્ત્રીને સંતાનની લાલસા હતી. આજે બેઉ એકબીજાની બાજુમાં બેઠાઃ એકબીજાને વધુ સ્પર્શીને બેઠા. વર્ષોથી એકબીજાને ઓળખતા હોય તેમ બેઠા. અમરિષનો હાથ શિવકલીની પીઠ પર ફરી રહ્યો હતો. પરપુરુષના સ્પર્શમાં એેક અનેરો આનંદ આવી રહ્યો હતો.


ધીમેથી અમરિષે કહ્યું: 'શિવકલી!'

'હં'

'તમને બાળક થતું નથી તો તમે કોઈ ડોક્ટરને ના બતાવ્યું?'

'ના'

'કેમ?'

'બસ. એમ જ.'

અમરિષ બોલ્યોઃ 'તમારા પતિમાં તો કોઈ ખામી નથી ને?'

'મને ખબર નથી.'

'તો તમે…?'

'બોલોને….': શિવકલીએ એ અધૂરો પ્રશ્ન પૂરો કરવા ઈજન આપ્યું.


અમરિષ બોલ્યોઃ 'તમને હું ગમું છું?'

'હા.'

'કેટલો ગમું છું?'

'મને ખબર નથી.'

અમરિષ બોલ્યોઃ 'મને લાગે છે કે આપણે પહેલાં મળ્યા હોત તો સારું.'

'એટલે?'

આપણે પહેલાં મળ્યાં હોત તો આપણે બંને જ લગ્ન કરી લેત. તમને સંતાન પણ હોત' અમરિષ બોલ્યો.


'પણ તમે મારાથી નાના છો'?

'એટલો બધો નાનો નથી. હવે હું યુવાન છું.'

શિવકલી બોલીઃ 'એ તો લાગે જ છે. તમે કોઈનેય ગમી જાવ તેવા છો.'

'તમને પણ?'

'હા'

'તો છોડી દો ઘર. ચાલો આપણે બેઉ આ દુનિયાથી દૂર ક્યાંક ભાગી જઈએ. હું તમારી જિંદગી તમામ પ્રકારના સુખોથી ભરી દઈશ. તમારું નિસંતાનત્વ દૂર કરી દઈશઃ' અમરિષ બોલ્યો.


શિવકલીના ચહેરા પર ચમક આવી ગઈ. તે અમરિષની આંખોમાં જોઈ રહી. એણે જોયું તો એક યુવાનની આંખોમાં ઘોડાપૂર હતું. તે એના જીવનમાં છવાઈ જવા માગતો હતો. તે બોલીઃ 'ક્યારે ભાગી જઈશું?'


'કાલે જ.'

'પણ અહીં મારી નણંદ છે ને!'

'તો એક કામ કરો કાલે ફરી અહીં મળીએ. આ હોસ્પિટલના ત્રીજા માળે સ્પેશિયલ રૂમ્સ છે. એ બધા જ ખાલી છે. ઉપર કોઈ વોર્ડ બોય નથી. કાલે રાતે ત્યાં જ નિરાંતે મળીએ. ત્યાં જ બેસીને શું કરવું તે વિચાર કરીએ.'


શિવકલીના મનમાં તેની કૂખ ખાલી હતી તે વાત હજુ ખૂંચતી હતી. તે એક તક અને એકાંત ઝડપી લેવા માગતી હતી. એણે વિચાર્યું કે અમરિષ સાથે ભાગી જવું એના કરતાં અમરિષથી એક સંતાનની માતા બનવું તે વધુ વ્યવહારું છે. તે બોલીઃ 'ઠીક છે, કાલે રાતે આપણે ફરી મળીશું. મારે બીજો કોઈ વિચાર કરવો નથી. બસ, તમે મને એક સંતાન આપો. હું કાલે આવી જઈશ!'


બીજો દિવસ પસાર થઈ ગયો. સાંજ પડી, રાત પડી. આજે પણ બહાર ઠંડી વધુ હતી. આજે તો અમરિષ ક્યારનો ય લોબીના બાંકડા પર આવીને બેસી ગયો હતો. સમય વીતતો ગયો, વાત આગળ વધતી રહી. પણ કોણ જાણે કેમ શિવકલી હજુ આવી નહીં. અમરિષને ઈંતજાર વધતો ગયો. તેના ઈંતજારની હવે હદ આવી ગઈ હતી, તે લોબીમાં આંટા મારવા લાગ્યો, પણ શિવકલી આવી નહીં. કેટલીક વાર બાદ એક વોર્ડ બોય આવ્યો તેણે પૂછયું: 'તમારું નામ અમરિષ છે?'


'હા'

'તો લ્યો આ ચિઠ્ઠી.' વોર્ડ બોયે એક ચિઠ્ઠી આપી. અમરિષે ચિઠ્ઠી ખોલી. તેમાં લખ્યું હતું: 'આઈ એમ સોરી. હું આવી શકીશ નહીં. પ્રેગનન્ટ બનવા માટે હું પતિતા બનવા તૈયાર નથી. ગઈરાત્રે મેં ખૂબ વિચાર કર્યો. હું મારા પતિને દગો કરી શકીશ નહીં. જેટલો પણ સમય સાથે પસાર કર્યો તેને એક સ્વપ્ન સમજીને મને ભૂલી જાવ. મારી નણંદને આજે રજા આપી દીધી છે અમે જઈએ છીએ……….. ' શિવકલી.


અને અમરિષ એ પત્રને વારંવાર વાંચતો રહ્યો. કેટલીયે વાર બાંકડા પર એકલો એકલો બેસી રહ્યો. તેને હતું કે શાયદ શિવકલી હજુ યે આવશે. પણ તેમ ના થયું.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuNRB4kBcZJB69P%3DOUuAHcRmdCFa-8LjvdtEd2DL7d-bw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment