ફલેટ પાસે પહોંચીને બેલ મારવા જતા પ્રોફેસર સલીમના હાથ એક મિનિટ અટકયા. શું જવાબ આપશે આજે પણ પોતે સાઇદાને ? એ જ નિરાશા, એ જ જવાબ..પત્નીનું એક નાનું સરખું સપનું પૂરું કરવા પણ પોતે અસમર્થ.. સાઇદાના ચહેરા પર છવાતી ઉદાસી તેમનાથી સહન નહોતી થતી.. પણ ઉપાય ? શું કરે પોતે ?મનમાં આક્રોશ છવાતો હતો. પણ એ કેવો વાંઝિયો આક્રોશ હતો એનું ભાન આ થોડા સમયના અનુભવે થઇ ચૂકયું હતું.
પ્રો.સલીમ જીવનમાં પહેલી વાર લાચારી અનુભવી રહ્યા.આજ સુધી કેવી ખુમારીથી જીવતા આવ્યા હતા.
અને આજે..?
વરસોથી જે આદર, માન સન્માન અનુભવતા આવ્યા હતા એ આજે જાણે પળવારમાં ભાંગીને ભૂક્કો થઇ ગયા હતા.
આજે સવારે કેવી હોંશથી, વિશ્વાસથી નીકળ્યા હતા. હાશ ! આજે તો નકાર નહીં સાંભળવો પડે. આજે પોતે પોતાના ખાસ વિધાર્થી ચિરાગ ત્રિવેદી પાસેથી ખાલી હાથે પાછા નહીં જ ફરે. આવીને સાઇદાનો દામન ખુશીથી ભરી દેશે.સાઇદાની આંખો કેવી ચમકથી ઉભરાશે.. એની આંખોમાં કેવી ખુશીની લહેર ફરી વળશે. ચાર, પાંચ મહિનાથી ચાલતી રઝળપાટનો અંત આવી જશે..પણ…
એક નિશ્વાસ સાથે પ્રો.સલીમે બેલ વગાડી. કહો કે વગાડવી પડી.
સાઇદા જાણે બેલની પ્રતીક્ષામાં બારણા પાસે જ ઉભી હતી. તુરત બારણું ખૂલ્યું. ચહેરા પર કૃત્રિમ હાસ્ય ફરકાવી પ્રો.સલીમ અંદર દાખલ થયા.
આજે તો થાકી ગયો. એકી સાથે કેટલા કામ પતાવતો આવ્યો.
' સાઇદા, બહું ભૂખ લાગી છે. પહેલાં ફટાફટ થાળી પીરસ ,બીજી બધી વાત પછી.. હું ફ્રેશ થઇને આવું. શ્યામા નથી દેખાતી ?
શ્યામા આજે તેની એક બહેનપણીનો બર્થ ડે હોવાથી તેની પાર્ટીમાં ગઇ છે.આવતા થોડું મોડું થશે.
હા, હમણાં રહીમ પણ નથી એટલે બિચારીને એકલું લાગે જ ને ?
શું થાય ? રહીમની જોબ જ ટ્રાવેલીંગની.ચાલ, હું બે મિનિટમાં આવું. આપણે પહેલા જમી લઇએ..પહેલા પેટપૂજા પછી બીજી બધી વાત.
કહેતા પ્રો.સલીમ જલદીથી બાથરૂમમાં ઘૂસ્યા.અણગમતી વાત..જે થોડી ક્ષણો પાછળ ઠેલાણી તે.
જમતા જમતા કોઇ ફાલતું જોક કરી હસતા રહ્યા.
સાઇદા અપાર ધીરજવાળી હતી. જમીને મુખવાસ આપતા સાઇદા ધીમેથી પૂછી રહી. શું થયું ? ચિરાગે પણ એ જ વાંધો ઉઠાવ્યો કે શું ? શું કરે તે પણ ? તેની પોતાની ગમે તેટલી ઇચ્છા હોય પણ… એ જ કારણ કે બીજું કંઇ ?
બીજા કોઇ કારણને તો અવકાશ જ કયાં છે ? પૈસાનો કે એવો કોઇ પ્રશ્ન હોય તો આસાનીથી સોલ્વ થઇ શકે.પણ આ પ્રશ્ન તો નથી આપણા હાથની વાત કે નથી અન્ય કોઇના હાથની વાત..
હકીકતે આ પ્રશ્ન જ પાયા વિનાનો ન કહેવાય ?
એ બધું આપણે સમજીએ છીએ.. કદાચ બીજા બધા પણ મનમાં તો સમજે છે પણ અમલ કરી શકે એમ નથી. આપણા સમાજમાં આજે પણ..
કહેતા પ્રો.સલીમ અટકયા.. એક ને એક વાત કેટલી વાર કરવાની ? છેલ્લા એક મહિનાથી આ વાત સેંકડો વાર તેમની વચ્ચે ચર્ચાઇ ચૂકી હતી. વ્યથા ઠાલવવા કે આક્રોશ વ્યક્ત કરવા સિવાય બીજું શું કરી શકાય એમ હતું ?
પીડાભરી થોડી મૌન પળો..
જો કે સાવ ના નથી પાડી.પણ તેણે એક શરત મૂકી છે. કંઇક અચકાતા પ્રો.સલીમ ધીમે રહીને બોલ્યા.
શરત ? ફલેટ લેવામાં વળી શરત કેવી ? પૈસા તો આપણે એ કહે એ રીતે અને તુરત આપી શકીએ એમ છીએ. વાત પૈસાની નથી. તો ? કેવી શરત ?
ચિરાગે કહ્યું, ' તમારી વહુ શ્યામા હિંદુ છે. ફલેટના નંબર સામે એના પિયરનું આખું નામ લખીએ. ." શ્યામા મોહનલાલ થાનકી " .
તો એને બીજો કોઇ વાંધો નથી.દસ્તાવેજ તો ગમે તેમ કરીને એ આપણા નામે કરી આપશે. બસ આપણે મુસ્લીમ છીએ એની જાણ ફલેટમાં આસપાસ કોઇને ન થવી જોઇએ.
બિચારો કહે, ' સર, ઘરમાં તમે ગમે તે ધર્મ પાળો..એ જોવા કોણ આવવાનું છે ? તમે તો આમ પણ પૂરા વેજીટેરિયન છો એની મને કયાં જાણ નથી ? બીજું બધું હું સંભાળી લઇશ.' એ બિચારો તો ગળગળો થઇ ગયો હતો.આવી શરત કહેતા પણ અચકાતો હતો.
સર, મારા પર તમારા કેટલા ઉપકાર છે. આજે હું જે કંઇ છું એ તમારે લીધે જ તો છું. નાતજાતના ભેદભાવ પણ મને કયાં નડવાના ? તમે જ તો અમને એ બધું શીખવ્યું છે. પણ સર, આ પ્રોજેકટ મારા એકલાનો નથી.અને મારા પાર્ટનર ચુસ્ત, કટ્ટરવાદી હિંદુ છે..એને નાતજાતની બધી દીવાલ આડે આવવાની જ.. એથી હું મજબૂર છું. એકવાર કોઇ મુસ્લીમનું નામ આવે એટલે બીજા ફલેટ વેચવામાં ખાસ્સી તકલીફ પડે.અહીં કોણ કોણ..કેવી જ્ઞાતિના લોકો રહે છે.એવી પૂછપરછ નવો ફલેટ લેનાર પહેલાં કરતો હોય છે આજકાલ કેવા સંજોગો છે એની તમને તો જાણ છે.એમાં તમારા જેવા વિદ્વાન, સજ્જનનો ભોગ પણ લેવાય છે.પણ સર, આઇ એમ હેલ્પલેસ.. બાકી જો તમે શ્યામાભાભીને નામે લેવા તૈયાર હો તો કાલે ફલેટ તમારો. '
અરે, પણ આવી તે કંઇ શરત હોતી હશે ? આપણી પહેચાન છિનવવાનો કોઇને હક્ક નથી. સાઇદાના અવાજમાં અકળામણ ઉભરી આવી.
' મને પણ એ જ વાત અકળાવે છે. વહુના નામ સામે મને કોઇ વાંધો નથી. એને આપણે દીકરી માનીને સ્વીકારી જ છે ને ? પણ આવા કોઇ કારણસર આવું કરવું પડે એ મને કોઇ રીતે મંજૂર નથી. જે થવાનું હોય તે થાય. બરાબર ને ? '
સાઇદાનું માથું હકારમાં હલ્યું.પણ તેની આંખ છલકાઇ આવી. જિંદગી આખી જે એકતા માટે ઝઝૂમ્યા..આજે તેનો જ ભોગ આપવાનો ? અરે, દીકરાના પ્રેમનો પણ હસતે મોઢે કોઇ જ આનાકાની સિવાય સ્વીકારીને શ્યામાને આ ઘરમાં એક માનભર્યું સ્થાન આપ્યું હતું. અને આજે..?
પત્નીની વ્યથા સમજતા પ્રો.સલીમે કંઇ બોલ્યા સિવાય પત્નીનો હાથ હાથમાં લીધો.
બંને મૌન બનીને કયાંય સુધી એમ જ બેસી રહ્યા. મૌન સ્પર્શ દ્વારા એકમેકને હૂંફ આપવા મથી રહ્યા.બંનેની નજર સમક્ષ અનેક દ્રશ્યો પસાર થતા રહ્યા.
સલીમ અને સાઇદા એટલે જાણે મેઇડ ફોર ઇચ અધર..સલીમ નાનપણથી હિંદુના પડોશમાં મોટો થયો હતો. બંને કુટુંબમાં ઇદ અને દિવાળી એકી સાથે ઉજવાતા આવ્યા હતા.મોટા થયા બાદ કોલેજમાં પણ હિંદુ છોકરાના રૂમ પાર્ટનર તરીકે વરસો સુધી રહેવાનું આવ્યું.માંસાહાર છૂટયો. અને સંપૂર્ણ શાકાહારી બન્યો. મિત્ર અનિલ ગીતાના પાઠ કરતો એ સાંભળીને ગીતામાં રસ પડયો. અને પછી ગીતાના અધ્યયનમાં એવા તો ડૂબી ગયા કે પ્રોફેસર બન્યા પછી અનેક જગ્યાએ ગીતાના પ્રવચનો આપવાનું આમંત્રણ તેમને મળવા લાગ્યું. ગીતાના નિષ્ણાત તરીકે તેમની ગણના થવા લાગી.
અભ્યાસ પૂરો થયા બાદ સલીમ કોલેજમાં લેકચરર તરીકે જોડાયા. રીટાયર થયા ત્યાં સુધી તેમની કારકિર્દી ઉજ્જ્વળ રહી. હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ તરીક વરસો સુધી સેવા આપ્યા બાદ હવે એક મહિના પહેલા તેઓ રીટાયર થયા હતા. કોલેજમાં વિધાર્થીઓ વચ્ચે પ્રો.સલીમનું નામ આદરપૂર્વક લેવાતું હતું. તે વિધાર્થી પ્રિય પ્રોફેસર હતા. વિધાર્થીઓને તેમના માટે લાગણી અને સ્નેહ હતા. પ્રોફેસર પણ વિધ્યાર્થીઓને તેમના સંતાનની જેમ ચાહતા. હિંદુ કે મુસ્લીમ જે પણ વિધ્યાર્થીને કોઇ પણ જાતની જરૂર હોય તે પ્રો.સલીમનો દરવાજો ખખડાવતા અને કદી નિરાશ પાછા ન ફરતા. નાતજાતના ભેદભાવ સામે તેમને સખત નફરત હતી. તક મળતા જ એ સંદેશ આપવાનું તે કદી ચૂકતા નહીં તેમને માટે મંદિર કે મસ્જિદનૂં સ્થાન સમાન હતું.અવારનવાર તેમના પ્રવચનોમાં પણ તેઓ કુરાન અને ગીતામાં કહેલી વાતોની સરખામણી કરીને બંનેના ઉપદેશમાં રહેલી સામ્યતા સમજાવતા રહેતા. નાતજાતના ભેદભાવ સિવાયનો સમાજ એ તેમનૂં સપનું હતું.
જોકે છેલ્લા ઘણાં સમયથી દેશમાં પ્રસરી રહેલી ધાર્મિક અસહિષ્ણુતાથી તેઓ વ્યથિત રહેતા.મંદિર મસ્જિદના વિવાદના ઉકેલ માટે તેઓ હમેશા કહેતા કે ત્યાં એક હોસ્પીટલનું નિર્માણ કરવું જોઇએ.જયાં હિંદુ, મુસ્લીમ બધાને નિઃશુલ્ક સારવાર મળી શકે. તેમના દરેક લેક્ચરમાં આવા અનેક મુદ્દાઓ આવતા રહેતા. થોડા લોકોને પણ અસર થાય તો તેમની મહેનત વસૂલ..આવા કોઇ વિચારે જયારે પણ તક મળે ત્યારે આ મુદ્દો તે ચોક્ક્સપણે દાખલા દલીલો સાથે પૂરી નિખાલસતાથી ચર્ચતા.
સદનસીબે પત્ની સાઇદા પણ એવા જ વિચારો વાળી મળી હતી.તેમનું સહિયારૂ જીવન કોઇ માટે ઇર્ષ્યારૂપ તો કોઇ માટે પ્રેરણારૂપ બની રહેતું. નાનકડા રહીમના આગમન પછી તો જીવન જાણે કિલ્લોલ કરી ઉઠયું. દિવસોને પાંખો આવી હતી.
મોટા થયા પછી રહીમે જયારે હિંદુ ધર્મની શ્યામાને પસંદ કરી ત્યારે પણ એક ક્ષણના હિચકિચાહટ સિવાય પતિ પત્ની બંનેએ પુત્રની પસંદગી પર સંમતિની મહોર લગાવીને શ્યામાને પૂરા પ્રેમથી ઘરમાં અપનાવી હતી. તેનું નામ બદલવાની વાત વિચારી પણ નહોતી. શ્યામા ઘરમાં કનૈયાની પૂજા કરતી. એ માટે એક નાનું મંદિર પણ હોંશે હોંશે પ્રો.સલીમે લાવી આપ્યું હતું. ધર્મને નામે ઘરમાં કોઇ પ્રોબ્લેમ નહોતા. નમાઝ અને આરતી બંને આ ઘરમાં સમાન રીતે થતા. શ્યામા પણ આવા સાસુ સસરા મળવાથી પોતાને જાતને નસીબદાર માનતી હતી. આ ઘરમાં તે દૂધમાં સાકરની માફક ભળી ગઇ હતી. કયાંય ધર્મના નામે કોઇ બંધન, કોઇ રોકટોક નહોતા.
કોલેજના કવાર્ટરમાં રહેલા પ્રોફેસરને હવે નિવૃતિ બાદ સ્વાભાવિક રીતે જ કવાર્ટર ખાલી કરવાનું હતું. એમાં તો કોઇ પ્રોબ્લેમ નહોતો. પરંતુ વરસોથી આ એરિયામાં રહ્યા હોવાથી પત્ની અને પુત્રને આ એરિયાનું એક આકર્ષણ હતું, એક લગાવ હતો. એથી આજુબાજુમાં જ કયાંક ફલેટ લેવાના પ્રયાસો તેમણે શરૂ કર્યા હતા. ફલેટ શોધતી વખતે તેમને કલ્પના સુધ્ધાં નહોતી કે તેમની જ્ઞાતિ આમાં બાધારૂપ બની રહેશે અને તે પણ આટલી જડ રીતે.મુસ્લીમ શબ્દ સાંભળતા જ બિલ્ડર ચોખ્ખી ના પાડી દેતો અને તેમને કોઇ મુસ્લીમ એરિયામાં ઘર શોધવાની સલાહ આપતો. અરે જાણીતો બિલ્ડર સુધ્ધાં તેમને સોરી કહીને એ જ સલાહ આપતો. બધેથી આ એક જ વાત નડતરરૂપ બનીને ઉભી રહેતી.
ચિરાગ ત્રિવેદી તેમનો ખાસ વિધ્યાર્થી હતો. જેને પ્રોફેસર માટે ખૂબ આદર હતો અને તેના વિધાર્થી કાળમાં પ્રોફેસર સલીમે તેમને ખૂબ મદદ કરી હતી.આજે તે એક સફળ બિલ્ડર બન્યો હતો. તેથી પ્રોફેસરને ખૂબ આશા હતી કે ત્યાં તો નિરાશ નહીં જ થવાય..પરંતુ…
પ્રોફેસરની અંદર એક આગ ઉઠી હતી.પોતે મુસ્લીમ છે એ એક જ તેમના જીવનનો માપદંડ હતો ? સેંકડો હિન્દુ વિધ્યાર્થીઓને તેમણે શિક્ષણ નહોતું આપ્યું ? હિંદુઓ તેમના માર્ગદર્શન માટે નહોતા આવતા ? તેમની જાત કયાં એમાં આડી આવી હતી ? બધા સાથે મળીને તેમણે દિવાળી કે જન્માષ્ટમી નહોતી ઉજવી ? તેઓ હિંદુઓને શિક્ષણ આપી શકે, તેમને માર્ગદર્શન આપી શકે, તેમને ઘેર જમવા જઇ શકે કે તેમને જમવા પણ બોલાવી શકે.એમાં કોઇને કશો વાંધો નહોતો આવતો પણ એમની બાજુમાં રહી ન શકે..આ કયાંનો ન્યાય હતો ? અરે, તેમના અનેક હિંદુ મિત્રો હતા જે કહેતા..તમે તો સવાયા હિંદુ છો. અમે તો બહાર જઇએ છીએ ત્યારે નોનવેજની મજા પણ માણી લઇએ છીએ..અને ગીતાના સંદેશની જેટલી સમજણ તને પડે છે એટલી તો અમને પણ નથી પડતી.અમે તો અર્થ સમજયા વિના પોપટની જેમ શ્લોકો રટી જનારા..તમારી તો વાત જ ન્યારી..
આવું કહેનારા લોકો પણ આજે પાણીમાં બેસી ગયા હતા.
કોઇ બિલ્ડર તેમને આ એરિયામાં ફલેટ આપવા ટસનો મસ નહોતો થતો.અને આ જ તેમની વેદનાનું કારણ બન્યું હતું. થોડા વધારે પૈસા આપવા પણ તેઓ તૈયાર હતા પણ પરિણામ શૂન્ય.
જીવનભર જે સિધ્ધાંત માટે ઝઝૂમ્યા તે આજે નેવે મૂકવાના હતા. જો આ એરિયામાં ફલેટ જોઇતો હોય તો તેમની પોતાની સ્વતંત્ર પહેચાન, સ્વમાન બધું હોડમાં મૂકવાનું હતું.એક સાચુકલા માણસ તરીકેની તેમની ઑળખાણ પૂરતી નહોતી ? શા માટે આવા કોઇ લેબલ ? પણ તેમનો એ આક્રોશ વાંઝિયો સાબિત થયો હતો. તેમની જીવનભરની તપસ્યા જાણે નિષ્ફળ થઇ હતી.આજે પહેલી વાર કદાચ આ હદે તેઓ નિરાશ થયા હતા.શું કરવું તે સૂઝતું નહોતું. પોતાના અસ્તિત્વને નકારતી આવી કોઇ શરત કેમ સ્વીકારી શકાય ? આવી શરત સ્વીકારવી એટલે પોતે પોતાની જાતનું અવમૂલ્યન કરીને હાર માની લેવી એમ જ ને ?
શાંત અને સરળ સ્વભાવની સાઇદા તો આવી શરતની વાત સાંભળીને જીવનમાં પહેલી વાર આક્રોશમાં કેટલું યે બબડી ઉઠી હતી.
આ તે કોઇ રીત છે ? આવી તે શરત હોતી હશે ?
પતિ પત્ની ન જાણે કયાં સુધી આમ જ મૌનનું કવચ ઓઢીને બેસી રહેત..
પણ બેલ વાગતા સાઇદાને બારણું ખોલવા ઉભા થવું પડયું.
ધારણા મુજબ શ્યામા જ પાર્ટીમાંથી આવી હતી.આવીને ઉત્સાહથી મમ્મી, પપ્પાને પાર્ટીની વાત કરવા લાગી.
અચાનક કંઇક યાદ આવતા તે બોલી ઉઠી.. ' મમ્મીજી, આપણે તે દિવસે વાત થયેલી ને ? લગાવવી છે શરત ? બોલો..હુ જ જીતવાની હોં.' સાસુ વહુ વચ્ચે કોઇ ને કોઇ શરતો અવારનવાર લાગતી રહેતી.
' શરત ? શાની શરત ? શરતની વાત હવે પછી કરી છે તો ખબરદાર છે. શરત શબ્દ આ ઘરમાં ન જોઇએ શું સમજી ? '
શ્યામા સ્તબ્ધ..મમ્મીને આજે આ શું થઈ ગયું ? કદી ગુસ્સે ન થનાર મમ્મી આજે આવી ક્ષુલ્લ્ક વાતમાં..? તેણે સસરા સામે જોયું.
બે ચાર ક્ષણ પછી સસરાના ઇશારે તે ધીમે પગલે પોતાના રૂમમાં ચાલી.
પ્રો. મૌન રહીને સાઇદાને સ્પર્શથી આશ્વાસન આપવા મથી રહ્યા.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuntVsMZtbha5uBQKddZE%2BtfjKPWqxrS4aF84T%3DUHtKcg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment