Sunday, 17 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ‘ઉરી’નો કેફ ઉતર્યો નથી ને આતંકીઓએ ફરી આપણું નાક વાઢી લીધું... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



'ઉરી'નો કેફ ઉતર્યો નથી ને આતંકીઓએ ફરી આપણું નાક વાઢી લીધું!
એકસ્ટ્રા અફેર-રાજીવ પંડિત

 

 

 

 

લાંબા સમયની શાંતિ પછી જમ્મુ અને કાશ્મીરમાં ફરી વાર આતંકવાદી હુમલો થયો. જમ્મુ અને કાશ્મીર માટે આતંકવાદી હુમલા એ નવી વાત નથી પણ ગુરુવારે થયેલો આતંકવાદી હુમલો એ રીતે મહત્ત્વનો છે કે, આ હુમલો આપણા લશ્કરી જવાનો પર થયો છે ને હુમલો એટલો ભયંકર છે કે આપણા 18 જવાનો શહીદ થઈ ગયા. આ આંકડો તો પ્રારંભિક છે ને જેમ જેમ સમાચાર આવતા ગયા તેમ તેમ આંકડો વધતો જાય છે એ જોતાં શહીદોનો આંકડો વધી પણ શકે. એ જ હાલ ઈજાગ્રસ્તોમાં છે. શરૂઆતના અહેવાલોમાં 40 જવાનો ઘાયલ થયા હોવાની વાત છે પણ એ આંકડો પણ વધી શકે કેમ કે જે કાફલા પર હુમલો થયો તેમાં 1000 જેટલા જવાન હતા.


આ હુમલામાં આપણે સાવ ઊંઘતા જ ઝડપાયા એમ કહીએ તો ચાલે. આપણી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના જવાનોનો કાફલો જમ્મુથી શ્રીનગર જઈ રહ્યો હતો ને આતંકવાદીઓ તેમને ઉડાવી દેવા માટે ટાંપીને જ બેઠા હતા. પુલવામા પાસે અવંતીપુરા નામે ગામ છે ને આ ગામ પાસે આતંકવાદીઓએ વિસ્ફોટકો ભરેલી એક કાર મૂકી રાખેલી. આપણા જવાનોએ દૂરથી આ કારને જોઈ તો હશે જ પણ તેમાં તેમને કશું શંકાસ્પદ ના લાગ્યું એટલે આખો કાફલો આગળ વધ્યો. આ કાફલામાં વીસેક વાહનો હતાં ને 1000 જેટલા જવાનો હતા.


આપણા જવાનોનાં વાહનો કાર પાસે આવ્યાં કે તરત જ કારમાં છુપાઈને બેઠેલા આતંકવાદીએ કારને જવાનોની બસમાં ઘૂસાડી દીધી ને બ્લાસ્ટ કરીને તેના ફૂરચેફૂરચા કરી નાંખ્યા. આખી કારમાં વિસ્ફોટકો ઠાંસી ઠાંસીને ભરેલા હતા એટલે ભયંકર ધડાકો થયો ને આપણા કેટલાય જવાનોના શરીરોના પણ ફૂરચેફૂરચા ઊડી ગયા. બાકી હતું તે છુપાઈને બેઠેલા આતંકવાદીઓએ બેફામ ગોળીબાર શરૂ કરી દીધો ને ગ્રેનેડ ઝીંકવા માંડ્યા. આપણા જવાનો પહેલાં તો વિસ્ફોટકોના હુમલા માટે જ તૈયાર નહોતા. તેમાં વળી ગોળીબાર ને ગ્રેનેડ ઝીંકાયા તેના કારણે રીતસરની અંધાધૂંધી થઈ ગઈ. લશ્કરી જવાનો આ પ્રકારની સ્થિતિમાં કઈ રીતે વર્તવું તેની તાલીમ પામેલા હોય છે એટલે તરત મોરચો સંભાળી લીધો ખરો પણ ત્યાં લગીમાં બહુ મોટું નુકસાન થઈ ગયું હતું. જે બસ સાથે કાર અથડાઈ તેમાં 55 જવાન હતા ને તેમાંથી કોઈ બચ્યું હોય તેવી શક્યતા નથી.


આ હુમલાની જવાબદારી પાકિસ્તાનમાં રહીને આપણી મેથી મારતા જૈશ-એ-મોહમ્મદ નામના આતંકવાદી સંગઠને લીધી છે. જૈશ-એ-મોહમ્મદે તો આ હુમલો કરનારા આતંકવાદીનું નામ અને તેની તસવીર પણ બહાર પાડી છે. આ આતંકવાદીનું નામ આદિલ અહમદ ઉર્ફે વકાર છે તેવો દાવો પણ આ સંગઠને કર્યો છે. આ દાવો સાચો છે કે નહીં એ આપણને ખબર નથી કેમ કે હુમલો કરનારો તો ઢબી ગયો છે. જૈશનો દાવો સાચો છે કે એ પછી તેણે ચાલુ ગાડીમાં ચડી બેસીને જશ ખાટવા ગમે તેનું નામ ફેંકી દીધું છે એ ખબર પડવાની નથી. આપણને તેમાં રસ પણ નથી કેમ કે આપણા માટે કોણે આ કારસ્તાન કર્યું એ મહત્ત્વનું છે જ નહીં. આપણા આટલા બધા જવાનો સાગમટે શહીદ થયા એ જ મહત્ત્વનું છે.


આ આતંકવાદી હુમલાના કારણે આ દેશના ઈતિહાસમાં વધુ એક કલંકિત પ્રકરણ ઉમેરાયું છે ને વાસ્તવમાં તો આપણું નાક જ વઢાઈ ગયું છે. જમ્મુ અને કાશ્મીર માટે આતંકવાદી હુમલા નવી વાત છે જ નહીં. આપણે કાશ્મીરથી હજારો કિલોમીટર દૂર બેઠા છીએ એટલે આપણને રોજેરોજ ખબર ના પડે. બાકી ત્યાં તો રોજ એકાદ-બે હુમલા થતા જ હોય છે ને તેમાં એકાદ- બે જણ તો પતી જ જાય છે. જો કે આતંકવાદીઓ સામાન્ય લોકો પર હુમલા કરે ને તેમને મારી નાંખે એ અલગ વાત છે ને જવાનોને મારી નાંખે એ અલગ વાત છે. સામાન્ય લોકો નિ:સહાય ને નિ:શસ્ત્ર હોય છે. અત્યાધુનિક મશીનગનો ને બીજાં હથિયારો સાથે આવતા આતંકવાદીઓનો સામનો કરવાનું તેમનું ગજું ના જ હોય. અચાનક થતા હુમલા સામે એ સજ્જ પણ ના હોય એ જોતાં એ લોકો તો પોતાના જીવ બચાવી લે તો પણ ઘણું કહેવાય એવી હાલત હોય છે.


લશ્કરી જવાનોના કિસ્સામાં સાવ અલગ સ્થિતિ છે. એ લોકો ગમે તે સ્થિતિને ને ગમે તેવા હુમલાને પહોંચી વળવા માટે સજ્જ હોય છે. તેમનું તો કામ જ એ છે ને લશ્કરનો અર્થ જ લડવું એવો છે. આતંકવાદીઓ પાસે હોય તેના કરતાં વધારે શક્તિશાળી હથિયારો તેમની પાસે હોય છે ને વાહનોનાં સુરક્ષા કવચ હોય છે. તેમની પાસે ગુપ્તચર તંત્રનું પીઠબળ પણ હોય છે. આટલું બધું હોય ત્યારે ખરેખર તો એક પણ જવાન આતંકવાદી હુમલામાં ના મરવો જોઈએ. એ છતાં આ હુમલો થયો ને આટલા બધા જવાનો શહીદ થયા એ ખરેખર આપણી કરુણતા કહેવાય. આપણને સુરક્ષિત રાખવાની જવાબદારી જેમના માથે છે એ લોકો પણ સુરક્ષિત નથી એ જોઈને ખરેખર આઘાત પણ લાગે.


વધારે આઘાત એ જોઈને લાગે કે, આતંકવાદીઓએ આ હુમલો અચાનક નથી કર્યો. આ પહેલાં પંજાબના ગુરદાસપુર કે કાશ્મીરના ઉરીમાં લશ્કરી જવાનો પર આતંકવાદી હુમલા થયેલા જ. એ હુમલા પણ શરમજનક હતા કેમ કે આતંકવાદીઓ લશ્કરી જવાનોના સુરક્ષા કવચને ભેદીને અંદર ઘૂસી ગયેલા. જો કે એ બધા લશ્કરી થાણા પર થયેલા જ્યારે અહીં તો સીઆરપીએફના જવાનોના કાફલા પર હુમલો થયો છે. આતંકવાદીઓને સીઆરપીએફનો કાફલો પસાર થવાનો છે તેની પાકી બાતમી હતી ને આ કાફલાને ઉડાવી દેવા માટે વિસ્ફોટકો ભરેલી કાર તૈયાર રાખીને એ બેઠા હતા. લશ્કર પાસે પોતાનું ગુપ્તચર તંત્ર હોય છે, કાશ્મીરમાં તો ઠેર ઠેર લશ્કરી છાવણીઓ પણ છે ને એ છતાં આતંકવાદીઓ આટલો મોટો હુમલો કરવાના છે તેની ગંધ સુધ્ધાં ના આવી એ વધારે આઘાતજનક કહેવાય.


સીઆરપીએફના જવાનો પર થયેલો આ હુમલો આપણા લશ્કર પર થયેલો અત્યાર લગીનો સૌથી મોટો હુમલો છે. આ પહેલાં કાશ્મીરમાં પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)ને સાવ અડીને આવેલા બારામુલ્લા જિલ્લાના ઉરીમાં લશ્કરી કેમ્પ પર આતંકવાદીઓ ત્રાટક્યા ને આપણા 20 જવાનોનાં ઢીમ ઢાળી દીધાં એ સૌથી મોટો હુમલો હતો. સપ્ટેમ્બર 2016માં થયેલા આ હુમલામાં ચાર આતંકવાદીઓ આર્મી કેમ્પની આસપાસ બનાવેલી કાંટાળી વાડ કાપીને વહેલી સવારે સાડા પાંચ વાગે અંધારાનો લાભ લઈને કેમ્પની અંદર ઘૂસી ગયેલા. આતંકવાદીઓએ આપણા જવાનોને લિટરલી ઊંઘતા ઝડપી લીધા હતા. આતંકવાદીઓએ બેફામ ગોળીબાર શરૂ કર્યો ને પછી ઉપરાછાપરી ગ્રેનેડ ઝીંકીને તબાહી મચાવી દીધી હતી. આપણા જવાનોએ તરત જ હથિયારો ઉપાડીને વળતો જવાબ આપ્યો પણ ત્યાં લગીમાં આતંકવાદીઓ છેક અંદર લગી ઘૂસી ગયેલા ને તેના કારણે મૃત્યુ આંક વધારે થઈ ગયેલો.


આ હુમલાના જવાબમાં નરેન્દ્ર મોદી સરકારે પાકિસ્તાનમાં જઈને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આ સર્જિકલ સ્ટ્રાઈક પરથી બનેલી ફિલ્મ 'ઉરી' હજુ એકાદ મહિના પહેલા જ રિલીઝ થયેલી. આપણા જવાનોની બહાદુરીને દર્શાવતી 'ઉરી' ફિલ્મનો કેફ હજુ ઉતર્યો નથી ત્યાં આતંકવાદીઓએ ઉરી કરતાં પણ મોટો હુમલો કરીને આપણી આબરૂના ધજાગરા કરી નાંખ્યા. આપણે 'ઉરી' ફિલ્મ જોઈને તેના વખાણ કરવામાંથી ઊંચા નહોતા આવતા ને આપણા શાસકો 'ઉરી' ફિલ્મ બતાવીને પોરસાતા હતા ત્યારે આતંકવાદીઓ તેના કરતાં પણ મોટો હુમલો કરવાની તૈયારીમાં લાગેલા હતા. આપણે 'ઉરી'ના કેફમાં એટલા ખોવાયેલા હતા કે કશી ખબર જ ના પડી ને 18 જવાનો શહીદ થઈ ગયા.


આ હુમલાએ મોદી સરકારની નબળાઈને ફરી છતી કરી દીધી. ભાજપે સત્તાની લાલચમાં મહેબૂબા સાથે નાતરું કર્યું ને પછી તેના કારણે નુકસાન થશે એવું લાગ્યું એટલે મહેબૂબાને બાજુએ મૂકીને છેવટે રાષ્ટ્રપતિશાસન લદાવી દીધું. એ વખતે ભાજપના નેતાઓ ડંફાશ મારતા હતા કે હવે કાશ્મીરમાં આતંકવાદનો સફાયો થઈ જશે. એવું કશું થયું નહીં ને ઊલટાનું લશ્કરી જવાનો પર હુમલો થઈ ગયો.


આ હુમલા પછી મોદી શું કરશે એ ખબર નથી પણ એક વાત નક્કી છે કે, આતંકવાદ સામે લડવું હોય તો આપણે આક્રમક બનવું પડે ને પાકિસ્તાનને છાસવારે ઠમકોરવું પડે. એક સર્જિકલ સ્ટ્રાઈક કરીને રાજી થઈએ ને ઉરી મૂવી જોઈને જાતે જ પોરસાયા કરીએ તેનાથી નહીં ચાલે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvdFCVuHwXzupjQE2PCP-bNM7Qg9F%3D8dQXNppA2TMmhGg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment