Tuesday, 19 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ બીજાને છેતરવા માટે માણસે પોતાની જાતને છેતરવી પડે છે... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બીજાને છેતરવા માટે માણસે પોતાની જાતને છેતરવી પડે છે!
ગુણવંત શાહ

 

 

 

આપણો સમાજ રોજ દંભની ઊલટી કરે છે, દંભના ગળફા ફંગોળે છે, દંભનાં બગાસાં ખાય છે અને દંભનો ઉત્સર્ગ ઠાલવે છે. આપણા લોહીનું લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવે, તોપણ એમાં બ્લડસુગર સાથે ચોંટેલો મધુર દંભ પકડાતો નથી. કવિતા વાંચનારાઓ કરતાં કવિતા રચનારાઓની સંખ્યા વધારે છે એવી જોરદાર અફવા તમે સાંભળી છે? એક કવિ મળે તે પહેલાં તમારે કેટલા અકવિઓને વેઠવા પડે? તમે કોઈ સન્માન સમારંભમાં વહેતી સીન્થેટિક પ્રશંસાનો નાયગ્રા નિહાળ્યો છે? પુસ્તકોના સહવાસથી જો વિદ્વાન થવાતું હોત, તો ઊધઇને પંડિત કહેવી પડે. આજનો સૂર્યોદય મારા આંગણામાં વિચારોદય થઈને આવી પહોંચ્યો છે. સૂર્યના આંગળિયાતને લોકો તડકો કહે છે. એવો તડકો જે વિચારદીક્ષા આપી ગયો, તેના થોડાક અંશો જ પ્રસ્તુત છે. સાંભળો:


- બાળપણમાં જો પરીકથા નહીં જામે, તો ઘડપણમાં હરિકથા પણ નહીં જામે.


- ગરીબ ન હોવા છતાં ગરીબની માફક જીવવું એ પણ દંભ છે.


- આપણું મન જ્યાં ખરાબ વિચારો કરી જ ન શકે એવા સ્થાનને મંદિર કહે છે. સંસ્કૃતમાં 'મંદિર' એટલે 'ઘર'.


- પસ્તાવાનું વિપુલ ઝરણું સ્વર્ગથી નહીં, માણસની આંખમાંથી વહેતું થાય છે. એ વખતે અશ્રુબિંદુ પણ અમૃતબિંદુ બની રહે છે.


- મથુરા નગરીમાં કંસ પણ હતો અને અક્રૂર પણ હતો. કૃષ્ણને ઓળખી શકે તે અક્રૂર અને ન ઓળખે તે કંસ.


- પુષ્પના અવતારકૃત્યને સુગંધ કહે છે. કોયલના અવતારકૃત્યને ટહુકો કહે છે. વાદળના અવતારકૃત્યને વરસાદ (પર્જન્ય) કહે છે. વિજ્ઞાનના અવતારકૃત્યને શોધ કહે છે. માતાના અવતારકૃત્યને 'પ્રેમ' કહે છે. આપણી પૃથ્વી પ્રેમને કારણે ટકી રહેલી છે, ગુરુત્વાકર્ષણને કારણે નહીં. પ્રેમ એટલે અભૌતિક એવું ગુરુત્વાકર્ષણ.


- મનુષ્યની દુષ્ટતામાંથી આપણી શ્રદ્ધા સાવ ઊઠી જાય ત્યાં સુધી વિશ્વશાંતિ દૂર ને દૂર રહેવાની.


- પ્રતિષ્ઠા માણસને મોટો બનાવે છે, ચારિત્ર્ય એને મહાન બનાવે છે.


- મેડોના સફળ થાય છે, મધર ટેરેસા સાર્થક થાય છે.


- એક સામાન્ય ડિંગલું કેવળ સદ્્વૃત્તિને કારણે ધૂપસળી બની રહે છે.


- ગૌરવહીન નમ્રતા તો વાસ્તવમાં અહંકારની જ પ્રતિશ્રુતિ હોય છે. કોઈ બકરી વાઘની હાજરીમાં નમ્ર નથી હોતી. કાયરની નમ્રતા અંતે તો મજબૂરીની પુત્રી હોય છે.


- ટેક્નોલોજીની આંગળી ઝાલીને માણસે નથી ચાલવાનું, પરંતુ માણસની આંગળી ઝાલીને ટેક્નોલોજીએ ચાલવું રહ્યું.


- પુષ્પનો સત્સંગ પામેલી ખાલી છાબડીમાંથી પણ થોડી થોડી સુગંધ આવતી રહે છે. કહેવાતી ખાલી છાબડી પણ ખરેખર ખાલી નથી હોતી. પોતે મશીન નથી પણ માણસ છે એવું પોતાની જાતને ઠસાવવા માટે રોજ એક કામ એવું કરવું જોઈએ, જે એણે પહેલાં ન કર્યું હોય.


- જીન્સના પાટલૂન પર લાગેલું બરછટ થીંગડું દુનિયાના યુવાનોને એક તાંતણે બાંધનારું બની રહ્યું છે. એને કહે છે: 'ઇન્ટરનેશનલ યૂથ કલ્ચર.'


- હાથીની વપ્રક્રિડા મહાકવિ કાલિદાસ જેટલી નહીં, હાથી જેટલી પુરાતન છે.


તબિયત લથડી ત્યારે એક નિશ્ચય થઈ ગયો. એ ઝાઝું ટકવાનો નથી. બાકી હવેથી હું મારો કમાયેલો કંટાળો મારા માંહ્યલા પર લાદવા તૈયાર નથી. મારા એકાંતના મંદિરમાં અને મારા હૃદયના દેવળમાં કોઈના આગમનની પ્રતીક્ષા છે. હૈયામાં ન સમાય એટલા હરખની હેલ ભરીને કોઈ આવવાનું છે. મારા મૌનમાં ન સમાય એટલી પ્રગાઢ શાંતિ પોતાના મૌનમાં ભરીને કોઈ આવવાનું છે. મારા જીવનમાં ન સમાય એવું અનંત આકાશ પોતાની પાંખમાં ભરીને કોઈ આવવાનું છે.


એકાંત મારું સ્વરાજ્ય છે.
એકાંત મારું સામ્રાજ્ય છે.
એકાંત મારું સ્વજન છે.
એકાંત મારું સ્વર્ગ છે.
તમને આવવાની છૂટ છે,
પરંતુ તમારે આદિમાનવ બનીને
આવવું પડશે.
રોજ મારા મૌનને ટોડલે
એક સૂરજ પેટાવીને મૂકું છું.
રોજ મારા એકાંતની ઓસરીમાં
ઝંખનાના લીંપણ પર
ઓકળીઓ પડતી જ રહે છે.
રોજ પ્રતીક્ષાના જરૂખડે બેસીને
દૂર ક્ષિતિજ ભણી તાકી રહું છું.
જેનાથી કદીય કંટાળું નહીં,
અને જે મારાથી કંટાળે નહીં
એવું કોઈક તો જરૂર આવશે.
હું મારા એકાંતનો મહારાજા છું
અને
મારા મૌનનો મસીહા છું.


વિદ્વાન શ્રી રામચંદ્ર ગુહા સાચું કહે છે કે આપણે 'હિન્દુ પાકિસ્તાન' જોઈતું નથી. કટોકટીની ક્ષણે ટકી જવાય તે માટે ભગવાને એનાં સંતાનોને એક અમૂલ્ય ભેટ આપી રાખી છે અને તે છે: 'રડી પડવાની છૂટ!' ડૂસકે ડૂસકે હસી પડે અને ખડખડાટ રડી પડે એનું નામ માણસ! એરકન્ડિશનરની છાતીમાં ઠંડક વછૂટતી રહે છે અને એની પીઠમાં તો બળતરાનો ફુવારો! આપણે સૌ ડાહ્યાં છીએ કારણ કે આપણે ગાંડાઓ માટેની હોસ્પિટલમાં નથી. વળગાડ માત્ર દુર્ગુણોનો જ નહીં, સદ્્ગુણોનો પણ હોઈ શકે છે. ધર્મના નામે ક્યારેક અનુયાયીઓ પણ આતતાયીઓ બની જાય, ત્યારે કો'ક અફ્રઝુલને કુહાડી વડે મારી નાખીને બાળી મૂકવામાં આવે છે. આવા બેવકૂફ હિંદુ જૂથોને કહેવું છે: જો હિંદુ ધર્મ આવો જ હોય, તો આવા ધર્મની શોભા ઘટે છે. અફ્રઝુલ એના હત્યારા આગળ કરગરતો રહ્યો: 'બાબુ મુઝે મત મારો.' આટલા શબ્દો પૂરા પણ ન થયા, ત્યાં તો એ કપાઈ મૂઓ! પ્રશ્ન કેવળ ગાયનો કે લવ જિહાદનો નથી, પ્રશ્ન કેવળ માનવતાનો છે. આવી રીતે તો કોઈ માણસ પ્રાણીની હત્યા પણ ન કરે. અફ્રઝુલ રોજી રળવા માટે પશ્ચિમ બંગાળથી રાજસ્થાન ગયો હતો અને બિહામણું મૃત્યુ એને ગળી ગયું! હિંદુ ધર્મને નામે હિંદુ ધર્મની શોભા ખતમ થાય તેવા પ્રયાસો કેટલાંક બેવકૂફ હિંદુ જૂથો કરતા રહે છે. મરનારની ત્રણ દીકરીઓ રાતે ઊંઘી નથી શકતી. એ દીકરીઓને પોતાના અબ્બાજાનની મરણચીસ હજી પજવે છે. એ દૃશ્ય જોયું ત્યારથી બેચેની મારો કેડો છોડતી નથી.

 

 

પાઘડીનો વળ છેડે

વાત છે લોહી ઊડ્યું એ છાંટણાંની
ત્યાં ગણતરી શું કરું હું આંકડાની?
બોલ હે ઈશ્વર! મને કંડારવામાં
આંગળાની ભૂલ છે કે ટાંકણાની?
સાવ સુક્કા વૃક્ષ જેવું મોં કરીને
પાંદડાંની વાત કે' છે પાંદડાની?
વૃદ્ધથી રડવું જ રોકી ન શકાયું,
વાત જ્યારે નીકળી આ બાંકડાની.
એક માણસ નામથી ફૂટી છે શીશી,
ને ભરાણી છે સભાઓ ઢાંકણાંની.

-અનિલ ચાવડા


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsioroRSe0x7ngBB1L7KutJ2e2wDygEF%3DC23Pfi4JGNqA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment