Sunday, 17 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ અહીં મગર અને માણસ રોજ વેલેન્ટાઇન્સ ડે મનાવે છે... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અહીં મગર અને માણસ રોજ વેલેન્ટાઇન્સ ડે મનાવે છે!
પ્રાસંગિક-અનંત મામતોરા

amdavadis4ever@yahoogroups.comચરોતર પ્રદેશનો ૪૦૦૦ સ્ક્વેર કિલોમીટર પ્રદેશ જે સાબરમતી અને મહી નદીથી ઘેરાયેલો છે. ત્યાંની વોલન્ટરી નેચર ક્ધઝર્વન્સી નામની સંસ્થાના જણાવ્યા મુજબ આ વિસ્તારના માલતેજ, દેવા, પેટલી જેવા લગભગ ત્રીસેક ગામડાઓને કાંઠે આવેલા સરોવરોમાં બસ્સોથી વધુ મગર રહે છે જે આ ગામડાઓમાં રહેતા માણસોના મિત્ર બની ગયા છે એમ કહીએ તો એ અતિશયોક્તિ નહીં ગણાય. પ્રત્યેક કિમી દીઠ લગભગ ૬૦૦ માણસોની વસતી ધરાવતા આ પ્રદેશમાં આવેલા તળાવો આગળ મગરથી સાવચેત રહેવાના બોર્ડ તો લગાવેલા છે. પરંતુ સ્થાનિક લોકો આ ચેતવણીને ગણકાર્યા વગર પોતાનું રોજિંદુ જીવન નચિંતપણે જીવી રહ્યા છે. તેઓ આ તળાવોમાં તરે છે, નહાય છે, ઢોરોને નવડાવે છે, કપડાં ધુએ છે એટલું જ નહીં આ પાણીમાં શિંગોડા પણ પકવે છે.

અહીં એક બાજુ માણસો પોતાની રોજિંદી ક્રિયાઓ કરતાં નજરે પડે અને સાથે મગર પણ પોતાની દિનચર્યા કરતા હોય એવા દૃશ્યો સામાન્ય છે. મગર પણ અચાનક પાણીની સપાટીની બહાર આવે, માછલી પકડે, તેમના બચ્ચાને ખવડાવે, ક્યારેક કિનારા પર આવે, સૂર્યસ્નાન કરતા હોય તેમ પડી રહે તો વળી કાંઠા પરથી જમીન પર પણ આવે, જ્યાં ઢોર ચરતાં હોય, બાળકો રમતા હોય, માણસો હરતાફરતા હોય. રોજ આવા દૃશ્યો જોવા મળે જ્યાં માણસો અને મગરો એકબીજાથી ડર્યા વગર કે એકમેકની રોકટોક વગર પોતાની પ્રવૃત્તિમાં મસ્ત હોય.

એક પુખ્ત વયના મગરની લંબાઇ ત્રણથી ચાર મીટર એટલે કે ૯ થી ૧૨ ફૂટ હોય છે. એનો મતલબ એ કે ૬-૬ ફૂટના બે માણસો તેની પીઠ પર સૂઇ શકે તેટલાં લાંબા હોય છે. બીજા કોઇ વિસ્તારમાં આવા મગર અચાનક તળાવમાંથી જમીન પર આવી જાય તો માણસ ગભરાય જ જાય. પણ અહીંના માણસો અને બાળકો તો મગર જોડે રમતા જોવા મળે.

મગરમચ્છ તરીકે ઓળખાતી આ પ્રજાતિ પાણી અને જમીન બેઉ જગ્યાએ રહી શકે છે. જોકે, ૧૯૫૦થી ૧૯૬૦ દરમ્યાન તેમની વસતી ઘટી ગઇ હતી. મગરનો માંસ અને ચામડી માટે મોટા પાયે શિકાર થવા લાગ્યો હતો. મગરના ઇંડા પણ ઘણા લોકોનો ખોરાક બની ગયો હતો, પરંતુ જેમ સિંહ વાઘને બચાવવા માટે અભયારણ્ય બન્યા છે તેમ સરકારે મગરને બચાવવાની કામગીરીમાં પણ રસ લીધો છે. હાલમાં ભારતમાં એક ગણતરી મુજબ ત્રણથી ચાર હજાર મગર છે. ભારતની આજુબાજુમાં પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા અને ઇરાનમાં પણ મગરની આ પ્રજાતિ જોવા મળે છે.

ચરોતરની વાત કરીએ તો અહીંની સ્થાનિક ભાષામાં તેનો અર્થ 'સોનાનો ઘડો ' એવો થાય. આ પ્રદેશ તમાકુના વાવેતર માટે પ્રખ્યાત છે. આ પ્રદેશમાં ચારે બાજુ ખેતરો જોવા મળે. અહીં જંગલી પ્રાણીઓ તો શોધ્યાય ન મળે. આવા વિસ્તારમાં

મગરોની વસતી કેવી રીતે વધી ગઇ એ પણ એક મોટો પ્રશ્ર્ન છે.

ક્ેટલાક લોકો કહે છે કે ૧૮મી સદીથી લઇને દેશ સ્વતંત્ર થયો ત્યાં સુધી અહીં ગાયકવાડ વંશનું સામ્રાજ્ય હતું. આ ગાયકવાડ રાજવી પરિવારોએ અહીંના તળાવોમાં મગરમચ્છ છોડી મૂક્યા હતાં. જેથી એમનો શિકાર કરવાની મજા માણી શકાય. એ સમયમાં રાજાઓ શિકાર કરવા નીકળે એ બહુ સામાન્ય વાત હતી. જોકે, આ વાતના કોઇ સચોટ પુરાવા નથી મળતાં. સાથે સાથે એ વાત પણ નક્કી છે તે આ મગરો અહીં હાલમાં જ સ્થળાંતર થયા હોય એવા નથી, પરંતુ સદીઓથી રહેતા હોય એવું સંશોધનને અંતે જાહેર થયું છે.

જમીન પરના પ્રાણી કે માણસ પર હુમલો કરીને તેનો કોળિયો કરી જતાં મગર તો આખી દુનિયામાં તમને જોવા મળશે, પણ અહીંના મગરોનું વર્તન તો આશ્ર્ચર્યજનક રીતે અલગ જ જોવા મળે છે. વોલન્ટરી નેચર ક્ધઝર્વન્સીના જણાવ્યા મુજબ અહીંના મગરો માણસો સાથે એટલા હળીભળી ગયા છે કે છેલ્લા ત્રીસ વર્ષમાં માત્ર ૨૬ જ બનાવ એવા બન્યા હશે જેમાં મગરે હુમલા કર્યા હશે. એમાંય આઠ જણાને તો મામૂલી ઇજા જ થઇ હતી. માત્ર વર્ષ ૨૦૦૯માં એક નવ વર્ષની બાળકી મગરના હુમલાથી મૃત્યુ પામી હોવાનો અહેવાલ છે. જ્યારે સત્તર કિસ્સાઓમાં અહીના પશુધન પર હુમલો થયો હોવાનું નોંધાયુ છે. આ જોતા તો એમ કહી શકાય કે અપવાદને બાદ કરતાં અહીં માણસો અને મગરો મૈત્રીભાવથી વર્ષોથી રહે છે. (જ્યારે દુનિયાના બાકીના ભાગમાં વર્ષ ૨૦૧૮માં જ મગરોએ માણસો પર હુમલો કરીને મોતને હવાલે કર્યા હોય તેવા અધિકૃત રીતે ૧૮ કિસ્સા બન્યા છે. ચોપડે નહીં નોંધાયા હોય એવા તો કેટલાય કિસ્સાઓ બન્યા હશે.) માલતેજ ગામવાસીઓ માટે તો અહીંના વનવિભાગખાતાના અધિકારીઓએ વાડાબંધી કરીને એવા સલામત સ્થળો વિકસાવ્યા છે જ્યાં મગરના ભય વગર તળાવનો સલામતી સાથે ઉપયોગ કરી શકાય. જોકે, ગામવાસીઓ તો કહે છે કે અહીંના મગરો બિલકુલ નિર્દોષ છે. તેઓ તો આ જાતની વાડાબંધીનો ઉપયોગ કરવાનું ટાળે છે.

એમ કહેવાય છે કે રામરાજ્ય સમયે જંગલમાં ઋષિમુનિઓના આશ્રમ નજીક સિંહ, વાઘ, હરણ અને મનુષ્યો એકબીજા સાથે હળીમળીને રહેતા હતાં. અયોધ્યામાં રામમંદિર બનશે કે નહીં, બનશે તો ક્યારે બનશે એ તો સમય જ બતાવશે, પણ ગુજરાતના ચરોતરનો આ હરિયાળો પ્રદેશ ચોક્કસ આપણને રામરાજ્યની યાદ અપાવે તેવો છે. અહીં તો ખૂંખાર અને માણસ પર હુમલો કરવામાં પાવરધા પ્રાણીઓમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવતા મગરો માણસો સાથે રોજ વેલેન્ટાઇન ડે મનાવે છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuZTaYu5024G-E8tfNRwkvuNpif0Mr0FNYEA-zxA%3D9_zQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment