Wednesday, 13 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મળીએ ‘મટકા’મેનને... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મળીએ 'મટકા'મેનને!

કવર સ્ટોરી-દર્શના વિસરીયા

 

amdavadis4ever@yahoogroups.com

રોજ મળસકે ચાર-સાડાચાર વાગે એટલે ૬૯ વર્ષના એક યંગ એટ હાર્ટ દાદાજી પોતાની ખાસ મૉડીફાઈડ કરેલી વૅનમાં પાણીની ટાંકીઓ ભરીને નીકળી પડે છે અને દિલ્હીના રસ્તાઓ પર મૂકવામાં આવેલાં પાણીના મટકા (માટલાં) ભરવાનું શરૂ કરી દે છે અને આવું એ દિવસમાં એકાદ વખત નહીં પણ ચાર-પાંચ વખત કરે છે.

જેના નામમાં જ અલગ છે એટલે કે આપણા આજની સ્ટોરીના હીરો એવા અલગ નટરાજન આમ તો એન્જિનિયર છે, પણ નિવૃત્તિ બાદ પણ તેમણે પ્રવૃત્તિ કરવાનું છોડ્યું નથી. આપણામાંથી કેટલા લોકોને આવો વિચાર આવ્યો હશે કે રસ્તાની સાઈડમાં મટકાના સ્ટેન્ડ લગાવવા જોઈએ અને એ મટકામાં આપણે જાતે જ પાણી ભરવું જોઈએ? કદાચ આંગળીના વેઢા પણ વધી પડે એટલા લોકો હશે. અલગ નટરાજન સાઉથ ઈન્ડિયન ટૉનવાળી, અંગ્રેજી ઍસન્ટવાળી હિંદીમાં આ વિશે વાત કરતાં જણાવે છે કે 'આમ તો હું મૂળ બેંગ્લોરનો. ત્યાં જ મારું બાળપણ ગયું અને જુવાનીના ઉંબરે પગ મૂક્યો. મારી એક બહેન હતી જે લંડનમાં રહેતી અને તેની પાસે ટુરિસ્ટ વિઝા પર ફરવા ગયો અને બસ લંડનમાં જ એન્જિનિયર તરીકે સ્થાયી થઈ ગયો. ત્યાં મેં બિઝનેસ શરૂ કર્યો, મારો પરિવાર આગળ વધાર્યો. તે ચાળીસ વર્ષે એટલે કે ૨૦૦૫માં ભારત પાછો આવ્યો.'

નિવૃત્તિની ઉંમરેમાં સમાજસેવાની પ્રવૃત્તિ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો એવું પૂછતાં જ તે કહે છે કે 'દરેક વ્યક્તિના જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ આવે છે અને આ ટર્નિંગ પોઈન્ટ પરથી તેનું જીવન પૂરી રીતે બદલાઈ જાય છે. મારી સાથે પણ આવું જ બન્યું. દસ વર્ષ પહેલાં મને આંતરડાનું કૅન્સર થયું હોવાનું જાણવા મળ્યું. જોકે સદ્ભાગ્યે સમયસર થયેલાં નિદાનને કારણે હું કૅન્સર સામેની લડાઈ જીતી ગયો. પણ આ કૅન્સર એ મારા માટે એક ઍલર્ટ હતું કે પોતાના માટે બહું જીવી લીધું હવે લોકો માટે, સમાજ માટે કંઈક કરવાનો સમય આવી ગયો છે. મનમાં થયું કે આખરે મારે સમાજ માટે કંઈક કરવું જોઈએ, જેથી લોકોને મદદ મળી રહે, પછી એ નાનામાં નાની કેમ ના હોય?'

આ વિચારથી જ પ્રેરાઈને નટરાજને પહેલાં ઓછી મહેનતે વધુ કામ આપતી સાઈકલ બનાવવાનો પ્રયાસ કર્યોે, ત્યાર બાદ અનાથાશ્રમમાં પણ થોડોક સમય કામ કર્યું. ઘરવિહોણા કૅન્સર પેશન્ટને ભોજન આપવાથી લઈને તેમની અંતિમક્રિયા કરવા સુધીની તમામ સેવા નટરાજન આપી ચૂક્યા છે.

'દિલ્હીમાં તો ઠંડી હોય કે ગરમી બંને ઋતુ તેના એક્સ્ટ્રીમ લેવલમાં જ હોય છે. ૨૦૧૪ની એક બળબળતી બપોરે મેં રસ્તા પરથી પસાર થયેલાં લોકોને જોયા અને મગજમાં વિચાર આવ્યો કે તડકામાં રહેનારા, ચાલનારાઓની તરસ છિપાવી શકાય એવું કંઈક કામ કરવું જોઈએ. બસ પછી તો મેં માટલા ખરીદ્યા અને દિલ્હીના આઈઆઈટી, પંચશીલ, ગ્રીન પાર્ક અને ચિરાગ દિલ્હી જેવા અનેક વિસ્તારોમાં આ મટકાના સ્ટેન્ડ બનાવ્યા. માટલા તો મુકાવી દીધા પણ હવે તેમાં પાણી કઈ રીતે ભરવું એ સવાલ હતો. પણ આ સવાલનો જવાબ પણ મને મળી ગયો. મેં મારી વૅનને મૉડિફાઈડ કરાવી અને તેમાં જનરેટર અને ૫૦૦ લિટર અને ૨૦૦ લિટરની પાણીની ટાંકીઓ ફીટ કરાવી લીધી' કહે છે નટરાજન.

નટરાજન આજે પણ દિલ્હીના ૬૦થી વધુ મટકાઓમાં પાણી ભરવાનું કામ કરે છે અને આ માટે તેમને લગભગ દોઢથી બે કલાકનો સમય લાગે છે. મટકા લગાવવાની સાથે સાથે નટરાજને તેની બાજુમાં જ પોતાનો નંબર પણ લખી રાખ્યો છે. જેથી જો કોઈ પણ વ્યક્તિ માટલામાં પાણી ખતમ થઈ જાય એટલે લખેલાં નંબર પર ફોન કરીને નટરાજનને જાણ કરી શકે અને નટરાજન ફરી આવીને માટલામાં પાણી ભરી જાય.

'સાઉથ દિલ્હીમાં અલગ અલગ જગ્યાએ મેં ૧૫ મટકાના સ્ટેન્ડ લગાવ્યા છે. ઉનાળાના દિવસોમાં તો આખા દિવસમાં ૨૦૦૦ લિટરથી વધુ પાણી માટલામાં ભરવું પડે છે, કારણ કે લોકો તરસ્યા હોય છે એટલે પાણી વધારે પીવાય છે' વધુમાં જણાવે છે નટરાજન.

હવે તમને થશે કે આખરે આટલું બધું પાણી નટરાજન લાવે છે ક્યાંથી, રાઈટ? તો તમારા આ સવાલનો જવાબ છે આ. પોતાની પ્રવૃત્તિઓ વિશે વાત કરતાં તેઓ કહે છે કે 'મને મારી નજીકમાં આવેલી એક શાળા અને અન્ય બે વ્યક્તિઓ રોજ પાણીની ટાંકીઓ ભરી આપે છે અને મારી આ સમાજસેવામાં મને મદદ કરે છે. જોકે એવું નથી કે મને હજી મદદની જરૂર નથી. જો મને વધુ મળે તો હું મારી આ ઍક્ટિવિટીનો વિસ્તાર વધારી શકું. હું ઈચ્છું છું કે વધુમાં વધુ લોકો મને પાણી ડોનેટ કરે. જો તમારી ઈચ્છા અડધી ટાંકી પાણી ડોનેશનની ઈચ્છા હોય તો એ પણ સ્વીકારવામાં આવે છે.'

જોકે નટરાજનનું કહેવું છે કે તેમની આ સામાજિક પ્રવૃત્તિમાં લોકો કોઈ પણ રીતે સપૉર્ટ કરી શકે છે, પાણી ડૉનેટ કરીને, પોતાનો કિંમતી પણ શક્ય એટલો વધુ સમય આપીને. આ ઉપરાંત જો કોઈને ડ્રાઈવિંગ આવડતું હોય તો એ પણ નટરાજનના આસિસ્ટન્ટ તરીકે કામ કરવા ઈચ્છનાર દરેકનું સ્વાગત છે. તેમની આ પ્રવૃત્તિને કારણે દિલ્હીના લોકો તેમને 'મટકામેન'ના નામે પણ ઓળખે છે. ઉપરાંત તેમણે પોેતે એક વૅબસાઈટ પણ તૈયાર કરી છે અને આ વેબસાઈટ પર તેમણે પોતાના વિશે, પોતાની પ્રવૃત્તિઓ વિશે અને તેમને કયા પ્રકારની મદદ સ્વીકાર્ય છે એ વિશેની પૂરેપૂરી માહિતી વિસ્તારમાં આપી રાખી છે. નટરાજને દિલ્હીના કેટલાક વિસ્તારમાં પાણીન કૂલર પણ બેસાડ્યા છે. જેમને પણ પોતાની આસપાસ કૂલર બેસાડવું હોય એવા લોકો નટરાજનને ફોન કરે છે. મટકા સ્ટેન્ડની બાજુમાં જ નટરાજને સાઈકલમાં હવા ભરનારા પંપ પણ બેસાડ્યા છે, એ વિશે વાત કરતાં તેઓ કહે છે કે 'દિલ્હીના રસ્તા પર સાઈકલ ચલાવવી એ અઘરી છે, અને એટલે જ મેં મારી આસપાસ અનેક જગ્યાએ ચોવીસે કલાક સાઈકલમાં હવા ભરી શકાય એવા પંપ પણ ગોઠવ્યા છે, જેથી જરૂરિયાતમંદ વ્યક્તિ કોઈ પણ પ્રકારના ખચકાટ કે મુશ્કેલી વગર સાઈકલમાં હવા ભરી શકે.'

નટરાજન જ્યારે પણ મટકામાં પાણી ભરવા જાય છે ત્યારે ચાળીસથી પચાસ કિલો જેટલા ફ્રૂટ્સ અને સિઝનલ શાકભાજી પણ વૅનમાં મૂકી રાખે છે અને જરૂરિયાતમંદોને આ ફળ, શાકભાજીનું વિતરણ કરે છે. કોઈએ વિચાર્યું પણ ના હોય એવું કામ કરનારા દિલ્હીના ૬૯ વર્ષના અલગ નટરાજનને દિલથી સલામ!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou3n9%3DwyHfF-1q6ddihxYCbZngzk30suiPNEB73EBjqnw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment