Tuesday, 19 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કોઈ આપણો માલિક હશે તો એ આપણને દલદલમાંથી બહાર કાઢશે... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કોઈ આપણો માલિક હશે તો એ આપણને દલદલમાંથી બહાર કાઢશે!
માનસ મંથન - મોરારિબાપુ

 

 

 


ગુરુ શંકરરૂપ છે. પ્રશ્ર્ન આપણી નિષ્ઠા અને આધીનતાનો છે. ગુરુ જ્ઞાન સ્વરૂપ છે. એમનું પૂરું જીવન બોધમય હોય છે. યમાંશ્રિતો હિ વક્રોપી ચંદ્ર: સર્વત્ર વંદ્યતે...ભગવાન શંકરનો આશ્રય ચંદ્રમાએ કર્યો તો એ ચંદ્ર પૂરા સંસારમાં વંદનીય થઇ ગયો. મનથી ગુરુનો આશ્રય થઇ જાય તો કેવો પણ માણસ ધન્ય થઇ જાય. સદ્ગુરુ કૃપાનો સમુદ્ર છે. સમુદ્રમાં તમે ક્યાંયથી પણ ચાખો તો ખારો જ લાગે તેમ સદ્ગુરુરૂપી સમુદ્ર ક્યાંયથી પણ જુઓ તો કૃપા હી કૃપા વરસતી દેખાશે. સદ્ગુરુ કૃપાના સિંધુ છે. સદ્ગુરુના વચન પર, તેના પ્રત્યેક બોલ પર વિશ્ર્વાસ કરો તે આપણા મોહરૂપી અંધકારને મિટાવે છે. સદ્ગુરુ વૈદ છે, સાધકના કામ, વાત, કફ અને પિત્તને ભગાવી દે છે. જીવનમાં કોઈ દાહ હોય, મન સંતાપથી ભરેલું હોય, ઉદ્વેગથી ભરેલું હોય તો કરો યાદ સદ્ગુરુને. મનનો ઉદ્વેગ, મનનું વિષ ઊતરી જશે. દાદુએ કહ્યું છે કે સંસાર ભુજંગ બનીને ડસે છે અને ગુરુ ગારુડી બનીને વિષ ઉતારી દે છે. હમણાં પૂજ્યપાદ સમજાવી રહ્યા હતા કે ગુરુ શબ્દનો એક અર્થ એ પણ થાય છે કે અંધારાને મિટાવનારી સત્તા. તમારો ભ્રમ, સંદેહ એ અંધારું છે અને ગુરુના વચનો સૂર્યના કિરણો છે. ગુરુપદનો મહિમા અહીં ઘણો છે. ગુરુ પુણ્ય નથી આપતા, ગુરુ પ્રેમ આપે છે. ગુરુ પુણ્ય નથી આપતા,પ્રસન્નતા આપે છે.


હું વર્ષો પહેલાં નાની નાની વાર્તાઓ કહ્યા કરતો હતો. સંતો પાસેથી ક્યારેક સાંભળી હોય તો કયારેક કોઈ ગ્રંથ હાથમાં આવી ગયો હોય તેમાં વાંચી હોય એવી એક વાર્તા કહું. એક માલધારીની ગાય એક વખત એક જંગલમાં ચરવા ગઈ હતી. દુબળી-પાતળી હતી. ચારો ચરી રહી હતી એટલામાં ત્યાં અચાનક એક સિંહ આવી ચઢ્યો. સિંહ ખૂબ ભૂખ્યો હતો અને તેણે આ ગાય જોઈ. ગર્જના કરવા લાગ્યો ને ગાયને ખાઈ જવા દોડ્યો. ગાય સમજી ગઈ કે આજે આ સિંહ મને નહીં છોડે. એથી પોતાનામાં જેટલું સામર્થ્ય હતું તેટલી શક્તિ કામે લગાવી જીવ બચાવવા દોડવા લાગી. આ તરફ સિંહને તો નિરાંત હતી. જાણતો હતો કે મારો પંજો બચાવી ગાય કેટલીક દૂર જઈ શકશે. બચશે ક્યાં સુધી ? હમણાં થાકી જશે.


ગાય ખૂબ દોડતી હતી પણ બનતું એવું હતું કે બંને વચ્ચે થોડું અંતર રહેતું હતું. એમાં એક નદી વચમાં આવી. ગાયને થયું કે બચવાનો હવે કોઈ ઉપાય નથી એટલે આ નદીમાં કૂદી પડું અને સામે કિનારે પહોંચી જાઉં. ગાય એકદમ નદીમાં કૂદી પડે છે અને તરવા લાગી. સિંહ પણ તેની પાછળ પાછળ નદીમાં કૂદી પડ્યો. થયું એવું કે એ નદીમાં પાણી ગળાડૂબ જ હતું પરંતુ નીચે ખૂબ કિચડ હતું એટલે ગાય નીચે કિચડમાં ફસાઈ ગઈ ! પાણી વહેતું હતું પણ નીકળવાની કોશિશમાં ગાય વધુને વધુ ફસાતી ગઈ. સિંહ આ જોતો હતો. તેને થયું કે હવે ગાય ક્યાં જશે? એમ વિચારી તે પણ તેની પાછળ કૂદી પડ્યો. બંને વચ્ચે દસ-વીસ ફૂટનું અંતર હતું. કિચડનો ખ્યાલ નહીં એથી સિંહ પણ કાદવમાં ફસાઈ ગયો. દલદલમાં ખૂંચી ગયો. એના પણ ગળા સુધી પાણી આવી ગયું.


સિંહ ગર્જના કરવા લાગ્યો કે એ ગાય, હવે ક્યાં જઈશ? ત્યારે ગાયે કહ્યું કે સિંહ, તું પણ ફસાઈ ગયો છે અને હું પણ ફસાઈ છું. આપણે બંને મરવાના છીએ. હવે તો સંધિ કર, હવે તો સંગમ કર ! હવે તો કોઈ સમજોતા કર. હવે તો કોઈ સમન્વય કર. અને એય સિંહ, તું હંમેશા એવું કહેતો આવ્યો છો કે હું જંગલનો રાજા છું, મારો કોઈ માલિક નથી પણ આજે તું મરવાનો છો. પણ સિંહ યાદ રાખજે, હું જીવતી રહેવાની છું. સિંહ કહે કેવી વાત કરે છે ! તું જીવતી રહેવાની છો ? કહે હા, સિંહે પૂછ્યું કેવી રીતે? ગાયે કહ્યું કે હું એટલા માટે જીવિત રહેવાની છું કારણ કે મારો કોઈ માલિક છે ! અરે ગાય, તારો કોણ માલિક ? સિંહ સાંભળ,એક ખેડૂત મારો માલિક છે. હું સવારથી ચારો ચરવા નીકળી છું અને જો સાંજ સુધીમાં ઘરે નહીં પહોંચું તો એ મને શોધતો શોધતો આવશે. તને કોણ શોધશે? તને બચાવવા કોણ આવશે? મારો તો માલિક આવશે ! આમ વાત ચાલતી હતી અને સૂર્યાસ્ત થવા આવ્યો હતો ત્યાં પેલી ગાયનો માલિક માલધારી, હાથમાં લાકડી છે ને ગાયને શોધતો આવ્યો. જોયું કે ગાય નદીના કિચડમાં ફસાઈ છે. તેને તરતાં આવડતું હતું એટલે ખૂબ મહેનત કરીને તેણે ગાયને બહાર કાઢી પણ સિંહ પાસે જવાની તો તેની પણ હિંમત નહોતી કારણ કે તે તેને ખાઈ જાય...


મારાં ભાઈ-બહેનો, ગાયના જેવું હૃદય રાખો અને આપણી ઉપર કોઈ માલિકને રાખો. કોઈ ગુરુને રાખો,કોઈ બુદ્ધપુરુષને રાખો, કોઈ સાધુને રાખો કે જેથી કયારેક દલદલમાં ફસાઈ જઈએ ત્યારે એ જ આપણને કાઢવા આવે. અને સિંહ કોણ છે ? આપણું અહંકારી મન જ સિંહ છે. જે ગર્જના કરતુ રહે છે કે હું સહુનો માલિક છું. લોકો નથી કહેતા કે અમે કોઈનું ન માનીએ,અમારો કોઈ માલિક નહીં ! બાપ, સંસાર જ દલદલ છે. મનુષ્યનું આતંકી કે અહંકારી મન સિંહ છે અને સમર્પિત ચિત્ત ગાય છે. આપણે સૌ કિચડમાં ફસાયાં છીએ એથી કોઈ માલિક રાખો.


ભગવાનનું મળવું-ભગવાન તો બધાને મળી જ ચૂકેલા છે. મળવાની વાત,પ્રાપ્ત કરવાની વાત છે એ તો સદ્ગુરુને મળવાની વાત છે. કઠિન વાત તો ગુરુને પામવાની છે. તો, ગુરુ અદ્વિતીય છે, બેજોડ છે. બાપ,આપણે હરિને ક્યાં જોયા છે? એમાં તો વિશ્ર્વાસ રાખવો પડે છે જ્યારે સદ્ગુરુ તો શ્ર્વાસ લે છે!

 


સંકલન: જયદેવ માંકડ


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ovvu2BWADTo%2Bq2dFC6Wz%2BqUUQdyaG3Yw3Mi%3D2P4AkkjPw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment