Tuesday, 12 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કોણ સારું અને કોણ ખરાબ પરખવાનું બહુ મુશ્કેલ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કોણ સારું અને કોણ ખરાબ પરખવાનું બહુ મુશ્કેલ!
જિનદર્શન - મહેન્દ્ર પુનાતર

 

 

 

 

આ જગતમાં કોણ સારું અને કોણ ખરાબ એ પરખવાનું બહુ મુશ્કેલ છે. આપણે કેટલાય માણસોેના સંપર્કમાં આવીએ છીએ, પરંતુ ભાગ્યે જ કોઈને સાચી રીતે ઓળખી શકીએ છીએ. મોટે ભાગે માણસ જેવો છે તેવો દેખાતો નથી. કેટલીક વખત સારો દેખાતો માણસ ખરાબ નીકળે છે અને જેને ખરાબ માણસ ધાર્યો તે સારો અને ઉપકારી નીવડે છે. કેટલીક વખત વર્ષો સુધી નજીક રહ્યા હોઈએ તો પણ માણસને ઓળખી શકતા નથી તો કેટલીક વખત પહેલી જ મુલાકાતમાં માણસ પરખાઈ જાય છે. માણસ ગમે તેટલો અભિનય કરે, દેખાવ કરે, પરંતુ ખરો મોકો આવે ત્યારે માણસ તેના મૂળ સ્વરૂપમાં ઓળખાઈ જાય છે. આપણે આપણા માપદંડથી સામા માણસને માપીએ છીએ. કેટલીક વખત સ્વાર્થ હોય ત્યાં સુધી માણસ સારો લાગે છે. સ્વાર્થના પાયા પર બધા સંબંધો રચાયેલા છે. સામો માણસ કેવો છે તે આપણે તેને કેવી રીતે જોઈએ છીએ તેના પર આધારિત છે. આપણને એક માણસ સારો લાગે અને બીજાને ખરાબ લાગે એવું પણ બની શકે છે. મોટે ભાગે આપણે માણસને તેના બહારના દેખાવ પરથી માપીએ છીએ. બહાર જે કાંઈ છે તે સત્ય નથી, દેખાવ છે, પરંતુ બહારના દેખાવથી આપણે અંજાઈ જઈએ છીએ. દરેક માણસ સારા ખરાબનું મિશ્રણ છે. સારા માણસમાં પણ કાંઈકને કાંઈક અવગુણો રહેલા હોય છે અને ગમે તેવો ખરાબ માણસ હોય તો પણ કાંઈકને કાંઈક સારું તત્ત્વ તેમાં રહેલું હોય છે. ગુણ-દોષ બધામાં હોય છે. સારું જોવાનો પ્રયાસ કરવો જોઈએ. યુધિષ્ઠિરને કોઈ માણસ ખરાબ લાગતો નહોતો અને દુર્યોધનને કોઈ માણસ સારો દેખાતો નહોતો. જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ. સારા માણસને બધું સારું દેખાય અને ખરાબ માણસને બધું ખરાબ દેખાય. માણસને આપણે બહારના દેખાવથી માપીએ છીએ એટલે કેટલીક વખત થાપ ખાઈ જઈએ છીએ.


ઉપનિષદમાં એક કથા છે. સમ્રાટ જનકે એક વખત પંડિતોની મોટી સભા બોલાવી હતી. બધા પંડિતો અને જ્ઞાનીઓને નિમંત્રણો મોકલ્યા હતાં. જનકની ઈચ્છા હતી કે પરમ સત્યના સંબંધમાં કાંઈક નવું જાણવા મળે. આ સંંબંધમાં જે પંડિત કાંઈ નવો પ્રકાશ પાડશે તેમને ઈનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આમંત્રણ જેમને અપાયું હતું તેઓ પ્રકાંડ પંડિતો હતા. જેને લોકો જાણતા હતા. જેમના પાંડિત્યની ચર્ચા થતી હતી અને જે વાદવિવાદમાં કુશળ હતા. પંડિતો વચ્ચે મોટી ખરાખરીની સ્પર્ધા હતી. એક માણસને આ સભામાં આમંત્રણ આપવામાં આવ્યું નહોતું, પરંતુ તે અભ્યાસી, જાણકાર અને ખરો જ્ઞાની હતો, પરંતુ જાણીબુઝીને તેને આમંત્રણ અપાયું નહોતું. તેનું નામ હતું અષ્ટાવક્ર. તેના શરીરના આઠે અંગ વાંકા હતાં. આવા કૂબડા માણસને કોણ આમંત્રણ આપે? અષ્ટાવક્રના પિતાને આ સભામાં આમંત્રણ હતું. કાંઈક કામ પડ્યું અને અષ્ટાવક્ર પોતાના પિતાને બોલાવવા માટે જનકના દરબારમાં આવ્યો. તે અંદર ઘૂસ્યો કે તેને જોઈને બધા પંડિતો ખડખડાટ હસવા લાગ્યા. તેની ચાલ જોઈને અને તેની કુરૂપતાને જોઈને કોઈપણ માણસને હસવું આવી જાય. બધા હસવા લાગ્યા તો અષ્ટાવક્ર પણ ખડખડાટ હસવા લાગ્યો.


જનક મહારાજાએ પૂછ્યું: અષ્ટાવક્ર આ બધા લોકો શા માટે હસે તે તો હું સમજી શક્યો, પરંતુ તું શા માટે હસે છે તે મને સમજાતું નથી.


અષ્ટાવક્રે કહ્યું: હું એટલા માટે હસ્યો કે તમે આ ચમારોની સભાને પંડિતોની સભા કહો છે. આ બધા ચમારો છે. તેમને માત્ર શરીર અને ચામડું દેખાય છે. હું બહારથી વાંકો છું પણ આ બધા અંદરથી વાંકા છે. તેમની પાસેથી સત્ય પ્રગટ થવાની આશા રાખવી એ રેતીમાંથી તેલ કાઢવાની કોશિશ કરવા જેવું છે. આ બધું જોઈને મને હસવું આવી ગયું.


આપણે પણ કોઈ પણ માણસને કેવી રીતે મૂલવીએ છીએ? તેના બહારી દેખાવ પરથી અંદાજ કાઢીએ છીએ. કોઈએ સારા કપડાં પહેર્યા હોય, સારી સારી વાતો કરતો હોય, સ્માર્ટ દેખાતો હોય તેને સારો માણસ માની બેસીએ છીએ. આપણે માણસના દેખાવથી, રૂપથી અને તેની પાસે રહેલી ધનદોલતથી તેને માપીએ છીએ. આપણી દૃષ્ટિ બહારનું જુએ છે. અંદરનું કશું જોઈ શકતી નથી. દરેક માણસના ચહેરા પર બીજો એક ચહેરો લાગેલો હોય છે. આ ચહેરો માણસે માણસે બદલાતો જતો હોય છે. તેના અસલી ચહેરાને આપણે જોઈ શકતા નથી. એટલે માણસો આપસઆપસમાં એકબીજાને ઓળખવામાં થાપ ખાઈ જાય છે. પછી પસ્તાવો કરે છે કે આ માણસને મેં આવો ધાર્યો નહોતો.


મૂળભૂત વાત એ છે કે આપણે બહારનું જોવા ટેવાયેલા છીએ. બહારના દેખાવથી આપણે પ્રભાવિત બની જઈએ છીએ. આપણી નજર માણસના શરીર પર, ધન પર, પદ પર અને તેની પ્રતિષ્ઠા પર કેન્દ્રિત થયેલી છે. આપણે શરીરને જોઈએ છીએ એટલે આત્મા દેખાતો નથી. ધનને જોઈએ છીએ એટલે ઊણપ દેખાતી નથી. પદ-પ્રતિષ્ઠાને જોઈએ છીએ એટલે બુરાઈ નજરે પડતી નથી. બહારના દેખાવથી આકર્ષાઈ જઈએ છીએ. બહારની બધી વસ્તુઓ મોહક છે. આપણે ખુદને પણ બહારની નજરથી જોઈએ છીએ. કાંઈક પણ કરીએ છીએ ત્યારે પ્રથમ વિચાર એ આવે છે કે બીજાને કેમ લાગશે. આપણે કપડાં, ઘરેણાં, ઝવેરાતની પસંદગીમાં પણ આ રીતે જ વિચાર કરીએ છીએ. આ શોભશે કે? તેનો અર્થ બીજાની નજરમાં આપણે સારા લાગીશું ને! આપણને શું સારું લાગે છે. કંઈ વસ્તુ આપણા હિતમાં છે અને કંઈ વસ્તુ આપણે કરવી જોઈએ એવો વિચાર આપણે કરતા નથી. એટલે વ્યક્તિગત રીતે આપણા ગમે તેવા વિચારો હોય, મનોમન આપણે માનતા પણ હોઈએ કે આ બધું ખોટું છે. આમ છતાં સમાજ અથવા સમૂહ જે રીતે ચાલતો હોય છે તે રીતે આપણે ચાલ્યા કરીએ છીએ. કોઈ સાચું અને સ્પષ્ટ કહે એ આપણને ગમતું નથી. સાચો માણસ ટોળામાંથી ફેંકાઈ જાય છે. પરંપરાઓ અને રૂઢિ રિવાજો એ રીતે ચાલી રહ્યા છે કે તેમાં ચહેરો છુપાવીને ચાલી શકાય છે. કહેવાતા સિદ્ધાંતો જળવાય છે, પરંતુ સત્ય નાબૂદ થાય છે. સમૂહમાં રહેવું હોય તો સમૂહ જે કહે અને જે કરે તે કરવું પડે છે., પરંતુ જે સાચો માણસ છે તે ડરતો નથી, પરંતુ પોતાની રીતે ચાલે છે. આ માટે તેને ઘણો ભોગ આપવો પડે છે અને ઘણું સહન કરવું પડે છે. આ પરંપરા અને પુરાણી વ્યવસ્થામાંથી મુક્ત થઈને પોતાને જે સારું લાગે અને પોતાના હિતમાં હોય તે કરવાનો માત્ર એક જ માર્ગ છે અને તે એ કે બહારની આંખોનો પ્રભાવ આપણી પર પડી રહ્યો છે. તેમાંથી મુક્ત થઈ જવું. બહારની દુનિયા શું કહે છે તેની ફિકર કરવી નહીં, પરંતુ પોતાને શું સાચું લાગે છે તેનો વિચાર કરવો, પરંતુ આમાં વિવેક ભાન અને સમ્યક્દૃષ્ટિ રાખવી. બધું આપણે કહીએ છીએ તે જ સાચું છે એમ માનવું નહીં. સામો માણસ પણ સાચો હોઈ શકે છે. વાતચીતમાં સામા માણસની વાત પૂરેપૂરી સાંભળવી. જરૂર લાગે ત્યાં જ બોલવું. આપણી વાત હાંક્યે રાખવી નહીં. આપણે સામા માણસને સમજી શકતા નથી તેનું એક કારણ એ છે કે આપણે તેને પૂરેપૂરું બોલવા દેતા નથી. દરેક માણસને પોતાના વિચારો હોય છે, પરંતુ આમાં જિદ્દ, આગ્રહ અને કેટલીક વખત હઠાગ્રહ આવી જાય છે ત્યારે સાચી વાત પણ વિકૃત બની જાય છે.


મહાવીર ભગવાનના વચનો છે કે આત્માને ઓળખો, આત્મવત્ બનો, જ્યાં સુધી શરીર પર નજર હશે, દૃષ્ટિ બહાર હશે ત્યાં સુધી આત્માને ઓળખી શકાશે નહીં. શરીરને જોવાનું બંધ થઈ જશે, શરીરનો ખ્યાલ નહીં આવે. શરીર પરથી ઊઠીશું તો આત્માના દર્શન થઈ શકશે. માણસ સ્વસ્થ હોય ત્યાં સુધી શરીરનો ખ્યાલ આવતો નથી. વિક્ષિપ્ત હોય છે ત્યારે જ શરીરનો ખ્યાલ આવે છે. બહારની દૃષ્ટિને અંદર વાળવી એનું નામ આત્મજ્ઞાન.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvpAqX_57kffinm4ELq07EurV2Gbhf-1GmMmJYRnv3jOg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment