Thursday, 14 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ બાપની માટી... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બાપની માટી!
માવજી મહેશ્વરી

 

 

 

 


સૂરજ ચાર ગજ ચડી આવ્યો તોય પરવત ખાટલામાં પડ્યો રહ્યો. આમ તો આખી રાત તેણે પડખાં જ ફેરવ્યા હતાં. પાછલી રાતે થોડી ઊંઘ આવી તે છતાંય વહેલી સવારે આંખ ઊઘડી ગઈ હતી. તે આંખો મીંચી ઘરવાળીની હરફરને સાંભળતો રહ્યો. એને ખ્યાલ આવ્યો કે એની ઘરવાળી બે વાર ખાટલા સુધી આવીને જતી રહી હતી. પરવતને ખબર હતી કે  કાલથી ઘરવાળી ઉચાટમાં ફરે છે. રાતે જમતી વખતે તેણે વાત કાઢી હતી પણ, પરવતે સાંભળ્યું ન સાંભળ્યું કરી ઉઠી ગયો હતો. એ વખતે એ બબડી પણ હતી. એની ઘરવાળી લીલુને કશું ન ગમે ત્યારે એ ન સમજાય તેવો બબડાટ કરતી. ગઈ કાલથી જ ઘરવાળીના ઝપાટાબંધ ઉપડતાં પગમાં નર્યો ઉચાટ હતો. જોકે લીલુએ પગમાં પહેરેલાં સાંકળામાં રણકતી ઘૂઘરીનો અવાજ ઓરડાથી આંગણાં સુધી અને આંગણાંથી રસોડા સુધી વેરાતો રહેતો. પરવતને એ અવાજ ગમતોય ખરો. તેમ છતાં તેણે એક વાર કહેલું. – કાં તુ પગમાંથી સાંકળા કાઢી નાખ, કાં સાંકળામાંથી ઘૂઘરી કાઢી નાખ! મારી વહેલી સવારની ઊંઘ બગડે છે. પરવતની ઘરવાળીના સુંદર નેણ ઊંચા થયાં. તેણે આંખો નચાવતા કહેલું – શું કામ કાઢું? હવે તો આખાયમાં ઘૂઘરી આવે એવી જેર પેરવી છે. મારે તો હજી કેટલુંય લેવું છે.


પરવત પોતાની ઘરવાળી લીલુને બરાબર ઓળખે. લીલુને કપડાં, ઘરેણાં અને ચીજ વસ્તુઓનો ગાંડો શોખ! બેય મોટાભાઈ શહેરમાં નોકરી કરે. એમની ઘરવાળીઓ અભણ દેરાણીનો ઠસ્સો જોઈને બળી જતી. એ બેય જણી કહેતી – આવડા મોજશોખ કરવા'તા તો પેણવું હતુ ને કોઈ નોકરીવાળાને! લીલુએ એક્વાર પરવતને આ વાત કહી હતી ત્યારે પરવત લીલુ સામે જોઈ રહેલો. એને ત્યારે લીલુ નાની છોકરી જેવી લાગી હતી. લીલુ ચીડાતી ત્યારે બડબડાટ કરતી અને એનો બડબડાટ સાંભળવો પરવતને ગમતો. એટલે ક્યારેક તે જાણી જોઈને મોડો ઉઠતો, નહાતો નહીં, મેલાં કપડાં પહેરી ફર્યા કરતો. પણ આજે તો તેને ઉઠવાનું મન જ થતું ન હતું. ઘરવાળીના સાંકળાની ઘૂઘરીનો અવાજ સંભળાતો ન હતો. તેણે સહેજ ડોકું ફેરવી આમ તેમ જોયું. આંગણાંમાં ખાટલા પર ઉટકાયેલા વાસણો તડકામાં ચમકતા હતા. ખીલેથી ગાય છૂટી ગઈ હતી. છોકરો લીમડા નીચે ખરેલી લીબોળીઓ ભેગી કરતો હતો. પગમાં વિટાઈ ગયેલી ચાદર હટાવી તે ખાટલામાં બેઠો થયો. પરવતંને ઉઠી ગયેલો જોઈ એનો છોકરો દોડી આવ્યો અને ખાટલાની ઈસ પકડી પરવતની આંખોમાં જોઈ રહ્યો. જરા શ્યામળા ગોળ મટોળ છોકરાના લાંબા વાળ  ગરદન પર ઝૂલતા હતા. પરવતને છોકરા પર વહાલ જાગ્યું. તેણે છોકરાને બેય હાથે ઊંચકી ખોળામાં બેસાડતા પૂછ્યું – તારી મા ક્યાં ગઈ છે?


ગાયને મૂકવા ગઈ છે. કહી છોકરાએ પરવતની વધી ગયેલી દાઢી પર નખ ઘસતાં પૂછ્યું,


અદા ટેક્ષી ક્યારે આવશે?


પરવતે છોકરાની આંખોમાં ધારીને જોયું. છોકરાની કાળી કીકીઓમાં પોતાનું પ્રતિબિંબ દેખાયું. તેણે છોકરાના કપાળ પર સરી આવેલા વાળ હટાવતાં પૂછ્યું – ટેક્ષીની વાત તને કોણે કરી?


મા કેતી'તી


શું કેતી'તી તારી મા?


મા કેતી'તી કે આજે મોટાબાપા આવશે. આપણે બધા ટેક્ષીમાં ફરવા હાલશું. આપણને ઘણા બધા રૂપિયા મળશે. ટેક્ષી ક્યારે આવશે અદા?


બબુ તને કેટલા રૂપિયા ખપે?


છોકરો મુંઝાઈને પરવત સામે જોઈ રહ્યો. પરવતે એને નીચે ઉતારતા કહ્યું  – જા તું રમ. હું દાતણ કરી લઉં હોં.


છોકરાને ફરી લીંબોળી યાદ આવી. તેણે દોટ મૂકી. પરવત થોડીવાર છોકરાની રમત જોઈ રહ્યો. છોકરો જે લીમડા હેઠે રમતો હતો એ લીમડો પરવતના દાદાએ વાવ્યો હતો. બાળપણમાં એ લીમડા હેઠે પરવત પણ લીબોળી ભેગી કરવાની રમત રમ્યો હતો. એના મા-બાપ કામે ચાલ્યા જતા. ફળિયાના છોકરા પરવતના ઘેર આવતા. પરવતનો મોટો ભાઈ એ બધામા કાબો ગણાતો. બધા છોકરા એનાથી બીતા અને એ જે કહે તે કરતા. પરવતના બાપે નિશાળે ત્રણેય ભાઈને મૂક્યા હતા. પણ, પરવતને વિદ્યા ન ચડી તે ન જ ચડી. મોટા બેઉ ભણ્યા, આગળ જઈ નોકરી લાગ્યા અને શહેરમાં જ વસી ગયા. વાર તહેવારે તેઓ ગામડે આવતા ત્યારે તેમનો રોફ દેખાઈ આવતો. પરવત ભગત માણસ. એને ભાઈઓની સાયબી અડતીય નહીં. પણ પરવતની ઘરવાળી સોસવાતી જતી. પોતાની જેઠાણીઓને બતાવી દેવાનું એને મન થતું. પણ બતાવવું શું? એ લોકો ચાલ્યા જાય પછી સુનમુન બેસી રહેતી કે કારણ વગર બબડતી રહેતી.


પરવતને પોતાની ઘરવાળીનો વિચાર આવ્યો અને તે દેખાઈ. પરવતનું ઘર એક મોટા વાડામાં હતું. વાડાને લાકડાનો એક મોટો ઝાંપો હતો. ઉઘાડ–બંધ કરતી વખતે એ ઝાંપો એક જાતનો કિચુડાટ કરતો. પરવતને એ કિચુડાટથી જ ખબર પડી જતી કે ઝાંપો લીલુએ ખોલ્યું છે કે બીજા કોઈએ. લીલુ ધમધમાટ આવતી અને ધમધમાટ જતી. પરવતને ખાટલા પર  બેઠેલો જોઈ દૂરથી જ બોલી – તમે હજી દાતણેય નથી કર્યું, ના'શો ક્યારે?


લીલુનું તીખું નાક સોનાની સળીને કારણે વધુ ઘાટીલું લાગતું. પરવત ગુસ્સે થતી લીલુના નાકને જોઈ રહેતો. એને વખાણ કરતા આવડતા નહીં. એ જોયા કરતો. પરવત કંઈક બોલે તેની વાટ જોતી લીલુ તે પછી કારણ વગર ચીડાતી. ખાટલાની લગોલગ આવી ગયેલી લીલુએ ઉચાટ ભરી આંખે પૂછ્યું – હજી કેટલીવાર બેસી રે'શો. જલ્દી ના'ઈ લો ને!

મારા ના'વાની આવડી ચિંતા શેને કરશ?


તમને જાણે કંઈ ખબર જ ન હોય! એ લોકો નવ દસ વાગે આવી જવાના છે. તમે આવાને આવા બેઠા રેશો તો કેવા લાગશો?


કેવો લાગીશ એટલે? બેય જણા મને ઓળખે જ છે.


જોઈને તો કોઈ માનેય નહીં કે તમે એમના ભાઈ હશો. શરીર પર એક બાલદી પાણી રેડી દેતા તમને થાય  છે શું?


કેમ તને શરમ આવે છે? મને કોઈ એમના ભાઈ ન ગણે તો કંઈ નહીં. એ આવશે તો એમના બાપના ઘેર આવે છે. મે'માન નથી કંઈ.


આજે વળી માતા મડમાં લાગતી નથી. વિચાર ફર્યો નથી ને? તમારું કંઈ નક્કી નંઈ. અગાડી આલાના, પછાડી પાલાના. ખરા બપોરે કોઈનાંય નંઈ!


તું દોઢ ડાહી ન થા ને ચાય બનાવ. મારે બા'રે જવું છે.


પેલા ના'ઈ તો લ્યો.


આવીને ના'ઈશ. તુ ચાય બનાવ.


પરવતની ઘરવાળી ટેવ પ્રમાણે બબડીને રસોડામાં ચાલી ગઈ. પરવતે  દાતણના બે – ચાર ઘસરકા માર્યા. મોં ધોઈ ઓટલા પર બેસી આખાય વાડાને જોઈ રહ્યો. એને યાદ આવ્યું કે તેના બાપા સવારે આમ જ આ ઓટલા પગ પર પગ ચડાવી રાજાની જેમ બેસતા. મા ચા બનાવી લાવતી. બાપા કપમાં થોડીક ચા છોડી દેતા. જરા ઠરી ગયેલી એ ચા મા પી જતી. પરવતનું હૈયું ભરાઈ આવ્યું. તેને થયું – અરે! આ વાડો ક્યારેક મા, બાપા, ભાઈઓ, ભાભીઓ, એમના છોકરાઓથી ગાજતો. એ વાડામાં બસ અમે ત્રણ? બાપા ને મા મને આ વાડામાં એકલો છોડીને ચાલ્યા ગયા? પરવતની આંખો પલકારા મારવા માંડી.  


હિસાબ કિતાબ બરાબર સમજી લેજો. તમારું વા'ણ વિશ્વાસે હાલે છે. આ જમાનામાં કોઈ કોઈનું નથી. એ ભલે સગા ભાઈ હોય. પણ વેવારમાં કોઈ ભાઈ નથી હોતો. આપણે કંઈ હર મંઈને એમની જેમ પગાર નથી આવતો.


ચાનો ગ્લાસ અને કપ લઈને ઉભેલી લીલુ ઠાવકાઈથી કહેતી હતી. પરવત લીલુ સામે ન સમજાય તેવું હસ્યો. લીલુ જમીન પર બેસી ગઈ. પરવત સબડકા ભરીને ચા પીવા લાગ્યો. ગ્લાસમાં થોડી વધેલી ચા લીલુને આપતાં કહ્યું – લે પી જા.


લીલુને ગમ્યું. પણ એ પોતાનો રાજીપો દેખાડે તે પહેલા પરવત ઉઠ્યો અને ઓશરીમાં મૂકેલી સાયકલ ઉપાડી. લીલુએ રઘવાટભર્યા  સ્વરે કહ્યું – પણ અટાણે ક્યાં જાઓ છો?


મારા બાપાને મળવા સમજી?


સવારના પો'રમાં તો કંઈક સારુ બોલો. પેલા લોકો આવે તો એમને શું કે'વું  એ તો કે'તા જાઓ.


કાંઈ કે'વાની જરુર નથી. માણસ પોતાના ઘેરથી બા'રે ન જાય શું? એ બેય સરકારના નોકર છે. હું કંઈ એમનો નોકર નથી.


કોઈ જુદા પ્રસંગે પરવત આવું બોલ્યો હોત તો લીલુએ વહાલભરી નજર નાખી હોત. પણ અત્યારે તે જુદા વિચારોમાં હતી. એ વિચારો જે એના સપનાં હતાં. પોતાની જેઠાણીઓ જે સુખો વર્ષોથી માણતી હતી. એવાં નાના નાના સુખો જેના સપના લીલુ કેટલાક દિવસોથી જોવા માંડી હતી. અને એ સુખો સાવ નજીક આવી ગયાં હતાં.


પરવત ઝાંપા બહાર નીકળી ગયો. જેઠનો તડકો તપવા માંડ્યો હતો. બસ સ્ટેન્ડ પાસે એક સફેદ કાર ઉભી હતી. કારના બેય બારણાં ખુલ્લાં હતાં. સ્ટીઅરીંગ પકડીને ગોવિંદ મોબાઈલ ફોનથી વાત કરી રહ્યો હતો. ગોવિંદના જમણા હાથની પહેલી આંગળીમાં હીરાવાળી વિંટી ચમકતી હતી. પરવત ગોવિંદ સામે જોયા વગર પસાર થઈ ગયો. એકાએક ગોવિંદે બૂમ મારી – એય પરવત! ક્યાં જાશ વળી?


જરા આગળ નીકળી ગયેલા પરવતે એક પગ જમીન પર ટેકવીને પાછળ જોતાં કહ્યું – ક્યાંય જતો નથી. આવું છું હમણાં જ.


જલ્દી આવી જજે હોં. મોડું ન કરતો.


પરવતે ફક્ત માથું હલાવ્યું અને પેડલ પર જોર આપ્યું.


પરવતની સાયકલ દોડવા લાગી. ગામના પાદરમાં આવેલી ખળાવાડ ગઈ, તળાવ ગયું, તળાવડી ગઈ, સ્મશાનેય ગયું. પછી સીમ શરુ થઈ ગઈ. સડકની બેય બાજુ ઉભેલા ખીજડા પર નવાં પાન આવ્યાં હતાં. બાવળને પીળાં ફૂલ બેસવા લાગ્યા હતાં. આસપાસ દેખાતા ખેતરોની તપતી માટી વરસાદની વાટ જોઈ રહી હતી. આગળ નાનું એવું ચઢાણ આવ્યું. એ ટેકરી લાલમોરી કહેવાતી. લાલમોરી પરથી આખું ગામ દેખાતું. પરવતે સાયકલ ઊભી રાખી પાછળ જોયું. ટેકરી પરથી દેખાતું ગામ સીમમાં ભરાયેલા મેળા જેવું લાગતું હતું. તેણે ઊંડાં શ્વાસ ભર્યા. એ ટેકરી પરથી સડકમાંથી એક કાચી ગાડાંવાટ ફૂટતી હતી. એ વાટ પરવતના ખેતરો તરફ જતી હતી. પરવત સાયકલને દોરીને ચાલવા લાગ્યો. રાતભર સુઈ રહેલી માટી પર તેના પહેલા પગલાં પડતાં હતાં. આગળ જતાં એ વાટ બે ખેતરના શેઢા વચ્ચેથી પસાર થતી હતી. શેઢા પર કેરડાના ઝાડ ફૂલોથી લચી પડ્યાં હતાં. પરવતને બાપાના શબ્દો યાદ આવ્યા. – કેરડા બહુ ફૂલે તો માગ્યા મે વરસે. સોળ આની વરસ થાય.


રાતભર ચાલેલી તેની મથામણ હવે ઓગળવાનો મારગ ખોળતી હતી. પરવતને આકરા થતા જતા તડકાની પરવા ન્હોતી.


પરવત હળવેથી સાયકલની ઘોડી ચડાવી એક શેઢે આવેલા ત્રણ ખેતરને જોઈ રહ્યો. એ ત્રણ ખેતર હરજી દેવશીના ઠામ તરીકે ઓળખાતા. ખેડૂ તરીકે પરવતના બાપા હરજી દેવશીની એક છાપ હતી. પરવત ખેતરના ઓતરાદા શેઢે ઊભો હતો. બરાબર આથમણી દિશામાં કંપનીવાળાએ ઊભી કરેલી પવનચક્કીઓની હાર દેખાતી હતી. તોતીંગ પાંખવાળી એ પવનચક્કીઓને કારણે જમીનના ભાવમાં જાણે આગ લાગી હતી. જે ખેતરોને લોકોએ પોતાના શરીરની જેમ જાળવેલા એજ ખેતરોને હવે વેચવા બેઠા હતા. જમીન વેચવાનો વાયરો જ ફૂંકાયો હતો.


પરવતે ખેતરમાં પગ દીધો. માટીનો સ્પર્શ થયો તે સાથે જ અનેક વર્ષો જુવારના લીલાછમ્મ છોડની જેમ ચાસમાં ગોઠવાઈ ગયાં. વરસાદ પડે અને ભોંયમાં પડેલા બીમાં સળવળાટ થાય એવો જ સળવળાટ પરવતની આખી કાયામાં ફરી વળ્યો. એને સમજાતું ન્હોતું કે માના ખોળા જેવી જમીન વેચવા તેના બેય ભાઈઓ આવડા ઉતાવળા શા માટે બન્યા છે. પરવત કોઈ સુંવાળા ઘાસ પર ચાલતો હોય તેમ ખુલ્લા ખેતરની તપતી માટી પર ચાલવા લાગ્યો.


પરવતની પચીસ વરસની બધી ઋતુઓ ખેતરમાં ઠલવાતી જતી હતી. જાત જાતના રંગો ઉઘડવા લાગ્યા. સાથે વહી આવ્યા અનેક જાતના અવાજો, અનેક સંવાદો. જે સ્વરો હવામાં વિલિન થઈ ગયા હતા તે ફરીથી સંભળાતા હતા. એ અવાજોમાં એક અવાજ જુદો પડી જતો હતો. પડછંદ પુરૂષનો ઘેરો અવાજ. એ અવાજ, જેનાથી શેઢા સજીવન થઈ ઉઠતા હતા. પરવત ઉભો રહી ગયો. એના બાપાનો અવાજ સાચે જ જુદો હતો. એક શેઢેથી હાક મારે તો છેક ત્રીજા ખેતરમાં સંભળાતો. એ પડછંદ અવાજ ચુપ થઈ ગયાને ચાર વર્ષ થવા જતા હતા. છેલ્લે છેલ્લે પણ એમની એક જ રટણા હતી. – પરવત મોટાઓને શેરની માયા લાગી ગઈ છે. તુ ગામ છોડતો નંઈ. તુ આપણાં ખેતર સાચવજે. મારી આ કાયાની માટી ભલે નાશ પામતી પણ ખેતરની માટી એવીને એવી જ રે'વાની છે. તમે ખેતર વેચતા નંઈ.   


પરવતને એક સાથે બધું જ યાદ આવ્યું.


ખેતરમાં કામ કરતા, થાકતા, પરસેવે રેબઝેબ થતા, મા સાથે વાતો કરતા, શેઢે બળદ ચારતા, ક્યારેક મોલ જોઈને રાજી થતા તો ક્યારેક રીસાયેલા વરસાદને વિનવણી કરતા પોતાના માટીઘેલા બાપા! પરવત જાણે હર્યાભર્યા ખેતરમાં ઊભો હતો. મજુરોના હાકલા પડકારા, બળદને દેવાતા ડચકારા, શેઢા પર ઉકળતી ચાની સોડમ, બકરીઓ ચરાવતા રબારીના ગળામાંથી વહેતો સારંગ રાગ, આથમણી દિશામાંથી ઉઠતા વાદળના દળ, લબકારા લેતી વીજળી, ભીંજાતી સીમ, પોતાના બાળપણ અને યુવાનીના સાક્ષી એવાં ખીજડા, લગ્ન પછી પહેલા ચોમાસે લીલુ સાથે ખેતરમાં ભીંજાયાની ક્ષણો અને એ બધાના કેન્દ્ર એવા બાપા!


પરવતે બાઘા થઈને આમ તેમ જોયું. જેઠિયો તાપ તપવા લાગ્યો હતો. સીમમાં સુનકારની સીટી વાગવા માંડી હતી. જાણે ખેતરના કોઈ ખૂણેથી અવાજ આવ્યો. – તુ ખેતર વેચીશ? તારા બાપની માટી વેચીશ?


પરવતે ડરી ગયેલી આંખે આમતેમ જોવા માંડ્યું. ક્યાંય માનવ સંચાર ન્હોતો. તે ધીમા પગલે શેઢા પર ઊભેલા ઘેઘૂર ખીજડા નીચે ઊભો રહ્યો. અનેક જાતના વિચારોએ ફરી એક સાથે એના પર હૂમલો કર્યો. એને પોતાનો મોટો ભાઈ યાદ આવ્યો. હૂકમની ભાષામાં જ વાત કરતા મોટાભાઈનું વેણ પરવતે કદી ઉથાપ્યું ન્હોતું. એને લાગ્યું કોઈ બેય હાથ પકડી જુદી જુદી દિશામાં ખેંચી રહ્યું છે. તેણે કેટલીય વાર સુધી ખેતરોની ભૂખરી માટી સામે જોયા કર્યું. એની જાણ બહાર એની આંખોના ખૂણા ભીના થયા. એને એવોય વિચાર આવ્યો કે પોતે અહીં સુઈ જાય. ઘેર જાય જ નહીં. ભલે બેય ભાઈઓ કંટાળીને પાછા ચાલ્યા જાય.


ખેતર વેચાશે પછી આ શેઢા, આ ખીજડાની છાંય, આ માટી, આ રસ્તો કશું જ તારુ નહીં રહે પરવત!


પરવતે આંખો મીચી નાખી. બંધ આંખોમાં તેને લાંબા વાળવાળો શ્યામળો છોકરો દેખાયો. એ છોકરો જેણે હજી આ ખેતરોને માણ્યા જ નથી. પરવતે જડબા ભીડ્યા અને જરા ઝાટકા સાથે ઊભો થયો.


ઘેર પહોંચ્યો ત્યારે પોતાના વાડામાં બે સફેદ કાર ઊભી હતી. એક કાર ગોવિંદની હતી. ગોવિંદ જમીનની લે – વેચ કરાવી દેનાર વચેટિયો માણસ હતો. બેય મોટાભાઈઓ ખાટલા પર બેઠા હતા. પરવતને જોઈને એના છોકરાએ દોટ મૂકી. સાયકલ લીમડા નીચે મૂકી પરવતે છોકરાને ઊંચકી લીધો. છોકરાએ હેતાળવા સ્વરે પૂછ્યું – અદા હવે તો બે ટેક્ષી આવી ગઈ છે. આપણે કઈ ટેક્ષીમાં હાલશું?


પરવતે બધાને સંભળાય તેમ કહ્યું – ના દીકરા આપણે ટેક્ષીમાં ક્યાંય નહીં હાલીએ. આપણે ગાડાંમાં બેસીને ખેતરે હાલશું હોં. એય ત્યાં દાદાના ખેતરો છે ને? વરસાદ થાશે પછી તુ જોજેને કેવડા લાંબા જુવારના મીઠા મીઠા સાંઠા થાશે. ચોળાની ફળી થાશે. તુ હાલીશને મારી સાથે?


છોકરાએ ભોળાભાવે માથું હલાવ્યું.


લીલુ બહાર આવી એટલે પરવતે તેની સામે જોતા કહ્યું – તું મોટાભાઈઓ માટે કંઈક સારું રાંધ. ગોવિંદ પણ ભલે અહીં  જમે. બાકી હરજી દેવશીના ખેતર કદી વેચાશે નંઈ.


થોડીવાર પછી એક કાર રવાના થઈ ગઈ!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvO%3D%2BM61sw1Hx20jmONninnLAKe45yKT_DaMj89tCV0eQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment