સાર્વજનિક હોસ્પિટલ. બપોરના બાર વાગ્યાનો સમય. મુખ્ય ઝાંપા પાસેથી ચીસાચીસ સંભળાઈ. કોઈ સ્ત્રી બૂમો પાડી રહી હતી, 'પકડો...! પકડો...!'
ટોળું ભેગું થઈ ગયું. એમાં મોટાભાગના દર્દીઓનાં સગાંવહાલાં જ હતાં. થોડી વાર પછી હોસ્પિટલનો પટાવાળો પણ દોડી ગયો. એ સમાચાર લઈ આવ્યો, 'દિનેશભાઈ દરજીની ઘરવાળી ચીસો પાડે છે. બાપડી દવાખાનામાં આવતી હતી ત્યાં કો'ક ગઠિયો એની ડોકમાંથી સોનાની ચેઇન ખેંચી ગયો.'
બીજા ચાર જણા એવા હતા જેઓ પોતે જ અસામાજિક તત્ત્વો લાગતા હતા. છોકરીઓની છેડતી કરવા માટે બહારથી ગુંડાઓ આવે તેની રાહ જોવી પડે તેમ ન હતી
એ પછી હોસ્પિટલમાં બે-ત્રણ કલાક સુધી આ જ ઘટનાની ચર્ચા થતી રહી. દિનેશ દરજી જાતે આવીને ચીફ મેડિકલ ઓફિસરને મળી ગયો. હૈયાવરાળ ઠાલવી ગયો, 'સાહેબ, આવું ના ચાલે. હું આખો દિવસ બેઠો બેઠો મશીન ચલાવ્યા કરું છું. ત્યારે માંડ રોટલા ભેગા થઈએ છીએ.
અમારા જેવા ગરીબ માણસને આ ફટકો બહુ વસમો પડે. ગરીબ છીએ એટલે તો સાર્વજનિક દવાખાનામાં આવવું પડે છે. પ્રાઇવેટ ડૉક્ટરની વીસ રૂપિયા ફી બચાવવા જઈએ એમાં સોનાની ચેઇન ગુમાવવાનો વારો આવે. આવું કેમ પોસાય?'
થોડા દિવસ માંડ ગયા હશે ત્યાં બીજી ઘટના બની. બજારમાં પાથરણું પાથરીને શાકભાજી વેચતા શકરાની જુવાનજોધ રૂપાળી કુંવારી દીકરી ખાંસીની દવા લેવા માટે હોસ્પિટલમાં આવતી હતી ત્યારે ઝાંપા પાસે જ એક વંઠેલા જુવાને એના નિતંબ ઉપર ટપલી મારી લીધી, પછી આંખ મારીને પૂછ્યું, 'આતી ક્યાં ખંડાલા!'
છોકરી ડરી ગઈ. રડતી રડતી બાપ પાસે દોડી ગઈ. શકરો ચીફ મેડિકલ ઓફિસર પાસે દોડી આવ્યો, 'સાહેબ, આવું ન ચાલે. દવાખાનું સાવ નધણિયાતું બની ગયું છે. ગામની વહુ-દીકરીઓની ધોળે દિવસે છેડતી થાય છે. આવા વાતાવરણમાં બહેનો દવા લેવા કેવી રીતે આવી શકે?'
તે દિવસે આખી હોસ્પિટલમાં ત્રણ-ચાર કલાક સુધી આ જ ઘટના ચર્ચાતી રહી. ચીફ મેડિકલ ઓફિસર બધા ડૉક્ટરોને ભેગા કરીને પૂછી રહ્યા હતા, 'આ વિષયમાં શું કરવું જોઈએ?'
ડૉક્ટર ભટ્ટે કહ્યું, 'આમાં આપણે કશું જ કરવાની જરૂર નથી. આપણે ડૉક્ટરો છીએ અને આપણું કામ દર્દીઓને તપાસીને સાજા કરવાનું છે. તેમની સલામતીની જવાબદારી આપણી નથી.'
ડૉ. ડાભીનો મત અલગ પડતો હતો, 'આપણે માત્ર ડૉક્ટરો જ નથી, માણસો પણ છીએ. આપણે રસ્તા પર ચાલતા જતા હોઈએ અને કોઈ સ્ત્રીની છેડતી થતી હોય તો આપણે જોઈ રહીશું? એક નાગરિક તરીકે આપણી કોઈ ફરજ નથી કે આપણે પેલા મવાલીને અટકાવીએ?'
ગરમાગરમ ચર્ચાઓ ચાલતી રહી, જેનો અંત ગરમાગરમ ચા-નાસ્તામાં આવ્યો. અમે બધા એ વાતમાં સંમત થયા કે કોઈ કોઈની વાતમાં સંમત ન હતું. પછી એક દિવસ એવી ઘટના બની ગઈ કે અમારે બધાએ ગંભીરપણે કોઈ એક નિર્ણય પર આવવું પડ્યું.
એ જ ટાઉનમાં રહેતો એક માથાભારે શખ્સ તેની ચાર વર્ષની બાળકીને લઈને સારવાર માટે આવ્યો. બાળકોના વિભાગમાં ત્રીસ-ચાલીસ જણાની ભીડ જામી હતી. એણે ક્રમ તોડીને અંદર ઘૂસવાનો પ્રયત્ન કર્યો. પટાવાળાએ એને અટકાવ્યો. પેલાએ પટાવાળાને એક અડબોથ ઝીંકી દીધી. પટાવાળાએ ડૉક્ટરને ફરિયાદ કરી. ચાઇલ્ડ સ્પેશિયલિસ્ટ લેડી ડૉક્ટર હતાં. એણે પટાવાળાનો પક્ષ લઈ પેલાને ઠપકો આપ્યો. એ માથાભારે મવાલી લેડી ડૉક્ટર પર હાથ ઉગામીને ધસી ગયો. સદ્્ભાગ્યે ત્યાં ઊભેલા દર્દીઓનાં સગાંવહાલાંઓએ એને પકડી લીધો. નહીંતર ન થવાનું થઈ ગયું હોત.
લેડી ડૉક્ટર રડતાં રડતાં સીએમઓ પાસે ગયા, 'સાહેબ, હું અહીંયાં સેવા કરવા આવી છું, માર ખાવા નહીં.'
એ દિવસે સાંજે સીએમઓની ઓફિસમાં હોસ્પિટલના તમામ ડૉક્ટરોની મિટિંગ ભરવામાં આવી. એમાં હું પણ હાજર હતો. આ વખતે સીએમઓ કોઈ નિર્ણય પર આવવા માટે મક્કમ હતા. હોસ્પિટલના ગેટથી લઈને ડૉક્ટરોના કન્સલ્ટિંગ રૂમ સુધી અસામાજિક તત્ત્વો પોતાની બદમાશી બતાવી રહ્યા હતા. હવે કશુંક કરવું જ પડે તેમ હતું.
સીએમઓ ડૉ. પંડ્યા એક પછી એક ડૉક્ટરને સજેશન માટે પૂછી રહ્યા હતા. મારો વારો આવ્યો ત્યારે મેં વ્યહારું સૂચન કર્યું, 'આપણે એક સિક્યોરિટી ગાર્ડ રાખવો જોઈએ. માત્ર શોભાના ગાંઠિયાં જેવો નહીં, જરૂર પડ્યે કોઈને બે-ચાર થપ્પડ ઠોકી દે તેવો મજબૂત માણસ શોધી કાઢો. આપણે એના હાથમાં ગન નહીં આપીએ, કારણ કે એમાં તો ક્યારેક કોઈકનું ખૂન થઈ જવાનો ભય રહેલો છે, પણ એ ગાર્ડના હાથમાં એક મજબૂત જાડો લઠ્ઠ હોવો જોઈએ, જેના વડે એ પાંચ-સાત ગુંડાઓ પાંસરા કરી શકે.'
મારું સૂચન વ્યવહારું હતું. તરત જ સ્વીકારાઈ ગયું. ત્યાંના સ્થાનિક પેપરમાં જાહેરાત આપી દેવામાં આવી. સિક્યોરિટી ગાર્ડની અપેક્ષિત લાયકાતો પણ જણાવી દેવામાં આવી. એ પછીના રવિવારે બપોરના સમયે સીએમઓની ઓફિસમાં ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ માટે પહોંચી જવાનું હતું.
રવિવારે લગભગ દસેક ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટે આવ્યા. એમાંથી પાંચ તો એવા હતા જેની રક્ષા અમારે કરવી પડે. એમના હાથમાં લાકડી પકડાવવામાં જોખમ હતું. કદાચ એવું પણ બને કે ગુંડાઓ એની જ લાકડીથી એને મારે. એમને એક પણ સવાલ પૂછ્યા વગર ભગાડી મૂકવામાં આવ્યા.
બીજા ચાર જણા એવા હતા જેઓ પોતે જ અસામાજિક તત્ત્વો લાગતા હતા. છોકરીઓની છેડતી કરવા માટે બહારથી ગુંડાઓ આવે તેની રાહ જોવી પડે તેમ ન હતી. એમની આંખોમાં જ સાપોલિયાં રમતાં હતાં. એમને સારા શબ્દોમાં આભાર માનીને પાછા કાઢવામાં આવ્યા.
છેલ્લે બચ્યો એક ઉમેદવાર. જે અમને અમારા કામનો લાગ્યો હતો. એ અંદર આવ્યો. એ સાથે જ અમારા બધાના હૈયામાં ટાઢક પ્રસરી ગઈ. છ ફૂટ અને બે ઇંચની હાઇટ, કરડો ચહેરો, મોટા લખોટા જેવા ડોળા, બંને આંખના ખૂણામાં લાલ ટશિયા ફૂટેલા, મજબૂત ખભા, પહોળી છાતી અને મગદળ જેવી માંસલ ભૂજાઓ. એના વ્યક્તિત્વમાં સૌથી વધુ ધ્યાન ખેંચે તેવી એની મૂછો હતી. એને મૂછ ન કહેવાય, પણ ઘાસનો પૂળો કહેવાય. એ સાંભળે નહીં તેમ હું બબડી ગયો, 'મૂછે હો તો નથુલાલ જૈસી.' મારે ડાબે-જમણે બેઠેલો ડૉક્ટર મિત્રો મલકી પડ્યા.
ડૉ. પંડ્યાએ પૂછ્યું, 'શું નામ છે?'
'લાલસિંહ.' ઉમેદવારના ગળામાંથી વાઘની ત્રાડ જેવો અવાજ બહાર પડ્યો.
'ક્યાંના છો?' ડૉ. પંડ્યાનો સવાલ વાજબી હતો, કારણ કે આવું પડછંદ મોડલ લોકલ ફેક્ટરીમાંથી બહાર પડી શકે એવું તો લાગતું ન હતું. લાલસિંહે જવાબ આપ્યો, 'સાહબ, હમ યુપી કા હૂં. ગુજરાતી બોલ નહીં સકતા લેકિન થોડા થોડા સમજ લેતા હૂં. પીછલે તીન-ચાર સાલ સે ગુજરાત કે અલગ અલગ શહરોં મેં સિક્યોરિટી કા કામ કરતા આયા હૂં.'
ડૉ. પંડ્યાએ અમારી સાથે અંગ્રેજીમાં ચર્ચા કરીને બધાનો મત જાણી લીધો. મેં તો કહી દીધું, 'આને રાખી જ લો. આને તો લાકડી પણ નહીં આપવી પડે. એના હાથ જ હથોડા જેવા છે.' બીજી પાંચ-દસ મિનિટમાં પગારની ચર્ચા કરીને લાલસિંહને નોકરીમાં રાખી લેવામાં આવ્યો.
બીજા દિવસથી જ હોસ્પિટલમાં શાંતિ ફેલાઈ ગઈ. લાલસિંહ મેઇન ગેટ પર એક સ્ટૂલ મૂકીને બેસી ગયો. તેને જોઈને જ આવતાં-જતાં લોકો પૂરેપૂરા વિનયી, વિવેકી અને શાંતિપ્રિય બની ગયા. તે દિવસથી એક પણ અનિચ્છનીય ઘટના બનવાનું બંધ થઈ ગયું.
લાલસિંહ કરડો હતો, પણ આજ્ઞાંકિત હતો. રોજ સવારે બધા ડૉક્ટરોની રૂમમાં જઈને સલામ મારી આવતો હતો. અમે જેટલી વાર હોસ્પિટલમાંથી બહાર જઈએ કે પાછા આવીએ એટલી વાર એ મિલિટરી ઢબે પગ પછાડી સેલ્યૂટ ઠોકતો હતો. અમારી હોસ્પિટલની સરહદ ભારતની બોર્ડર જેટલી જ સલામત બની ગઈ હતી. શેેરીનાં રખડતાં કૂતરાંઓએ પણ હોસ્પિટલમાં આવવાનું બંધ કરી દીધું હતું. એક કાળિયા કૂતરાને લાલસિંહના મજબૂત પગની લાત પડી ગઈ હતી તે દિવસથી કૂતરાંઓની આખી જમાતમાં ઠરાવ પસાર થઈ ગયો હતો.
લાલસિંહ વ્યક્તિગત રીતે ખૂબ સારો માણસ હતો. બીડી-સિગારેટ, તમાકું, શરાબ આવું એક પણ વ્યસન ન હતું. એની આંખોમાં કોઈ વિકાર ન હતો. હું તો ત્યાં એકલો જ રહેતો હતો, પણ અન્ય ડૉક્ટરોની પત્નીઓ કે દીકરીઓ લાલસિંહ પર આંધળો વિશ્વાસ મૂકી શકતી હતી. દર્દીઓ પણ ખુશ હતા. અવારનવાર લાલસિંહને બક્ષિસ પેટે નાની-મોટી રકમ આપતા રહેતા હતા.
પૂરાં બે વર્ષ સુધી આવું ચાલતું રહ્યું. પછી એક દિવસ અકલ્પનીય ઘટના બની ગઈ. સાદા સિવિલિયન ડ્રેસમાં છ પોલીસવાળા સીએમઓ ડૉ. પંડ્યાની ઓફિસમાં દાખલ થયા. કંઈ પણ બોલ્યા વગર એમણે બારણું અંદરથી વાસી દીધું. ડૉ. પંડ્યા ગભરાઈ ગયા, 'કોણ છો તમે? શા માટે આવ્યા છો? બારણું કેમ બંધ કર્યું?'
ચારમાંથી એક જણે માહિતી આપી, 'યહ રહા હમારા આઇ કાર્ડ. હમ યુપી પુલિસ-ડિપાર્ટમેન્ટ સે આયે હૈ. તુમ્હારા લાલસિંહ હમારા અપરાધી હૈ. બડા છટા હુઆ બદમાશ હૈ. ચોરી, ડકૈતી ઔર હત્યા કે મામલે મેં કઈ કેસ ઉસકે માથે પે દર્જ હૈ. પિછલે સાત સાલોં સે વો ફરાર હૈ. તલાશ કરતે કરતે હમ પૂરે ભારત મેં ભટકતે આયે હૈં. ચાર દિન પહલે હમે ખુફિયા ઇન્ફર્મેશન મિલી કી વો...'
અડધા કલાકમાં જ એ અધિકારીઓ લાલસિંહને એરેસ્ટ કરીને ઉત્તરપ્રદેશ તરફ રવાના થઈ ગયા. અમારો અત્યંત પ્રિય ફરજપરસ્ત, નિર્વ્યસની, ચારિત્ર્યવાન લાલસિંહ એમના માટે ચોર, ડાકુ અને હત્યારો હતો. એક જ માણસની અંદર આવા બે ભિન્ન ઇન્સાનો વસી શકે ખરા?
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuoGyvXL31tyWRbHEyPViPHRgCzJHD_moY_3htX5crjhQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment