વાલીઓ અને શિક્ષણવિદો પણ દ્વિધામાં છે કે 'કિસ મોડ પે જાયે'
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનના આગમનને ભલે વધાવીએ પણ ભાષા અને શિક્ષણ જેવા બે દોરડાના મંથન થકી કેળવણીનું નવનીત નિકાળીએ તો જ ઉજવણી સાર્થક બનશે
'સંસ્કૃત અને અરેબિકમાં ઉપલબ્ધ તમામ ગ્રંથોની તુલનામાં બ્રિટનની લાઇબ્રેરીની એક છત પરના પુસ્તકો કાફી છે'
'ભલે ભારતના નાગરિકનો રંગ અને લોહી તે જ રહે પણ તે વિચારો, વર્તન, સ્વાદ અને મૂલ્યાંકનોની રીતે અંગ્રેજ બની જવો જોઈએ'
આગામી ૨૧ ફેબુ્આરીએ 'આંતરરાષ્ટ્રીય માતૃભાષા' દિનની ઉજવણી થશે. વસંતના આ મહિનામાં જ ભારતીય શિક્ષણ, સભ્યતા અને સંસ્કૃતિની ધરોહર પરના વાવાઝોડાની પણ વર્ષી આવે છે જે આપણે વિસરી ચૂક્યા હોઈ તેની નોંધ જ ન લઇએ તે સ્વાભાવિક છે. ભારતમાં બ્રિટિશ શાસનના પાયા નાંખવાની શરૂઆત થઇ ત્યરે ૨ ફેબુ્આરી, ૧૮૩૫ના રોજ બ્રિટનના ઇતિહાસના મહાન શિક્ષણ અને ઇતિહાસવિદ્ તરીકે ગણના પામે છે તેવા લોર્ડ મેકોલેએ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ સરકારને લાંબો પત્ર લખીને વિવરણ (Minute) મોકલ્યુ હતું કે ભારતમાં અરેબિક અને સંસ્કૃત શિક્ષણ સંપૂર્ણપણે નાબુદ કરવામાં આવે અને તેના સ્થાને અંગ્રેજી ભાષાનો અમલ થાય એટલું જ નહી શિક્ષકો, યુનિવર્સિટીથી માંડી કચેરીઓ, કોર્ટ તેમજ તમામ સેવાનું કામકાજ અને સેવા અંગ્રેજી ભાષામાં જ થવું જોઇએ.
મેકોલેએ શા માટે આ સૂચનનો અમલ જરૂરી છે તે પણ તર્કબધ્ધતાથી સમજાવ્યું છે. તેમણે અંગ્રેજ શાસકોને રીતસરની ધમકી જ આપી હતી કે જો તેના ઠરાવનો અમલ નહી થાય તો તે તેના હોદ્દા પરથી રાજીનામુ આપી દેશે. લોર્ડ મેકોલે તે વખતની 'વીગ' રાજકીય પાર્ટીના પણ નેતા હતા. સાહિત્યમાં જે સ્થાન અને આદર શેક્સપિયરનું છે તેવું શિક્ષણ અને ઇતિહાસના તત્ત્વજ્ઞાાનીઓમાં લોર્ડ મેકોલેનું રહ્યું છે.
તે વખતે બ્રિટનના પ્રખર વિચારકો બે ભાગમાં વહેંચાઈ ગયા હતા જેમાં એક વર્ગ એવું માનતો હતો કે ભારતની પોતાની ભાષા, ગ્રંથો, વિજ્ઞાાન અને કેળવણી જોડે ચેડા કરવાની જરૂર નથી. ખરેખર તો બ્રિટન ભારતીયોનું શ્રેષ્ઠ બહાર લાવવ સાથે વિશ્વાસ જીતી શકશે અને અંગ્રેજી નહીં આવડતું હોઈ ભારતીયો લઘુતાગ્રંથિ પણ અનુભવશે જેથી આપણા તમામ રીતે વિચારતા ફાયદો જ રહેશે.
પણ લોર્ડ મેકોલે અને તેના સમર્થકોની હઠ સામે કોઇનું ચાલ્યું નહીં. લોર્ડ મેકોલે અંગ્રેજીને ભાષા તરીકે સ્થાપિત કરે તે તેનો ચોક્કસ પ્રબળ મત હોય ત્યાં સુધી આપણને વાંધો ના હોઈ શકે. પણ હજુ આજે પણ આપણે નથી સમજી શક્તા તે દૂરંદેશી અને ભાષાની તાકાત લોર્ડ મેકોલે જાણતા હતા.
તેમણે પ્રસ્તાવ વિવરણમાં (Minute) માં એટલે સુધી લખ્યું હતું કે સંસ્કૃત અને અરેબિકમાં ઉપલબ્ધ તમામ ગ્રંથો અને સાહિત્યનું અંગ્રેજીમાં અનુવાદ કરીને તેણે વાંચ્યું છે. જો આ જ ભાષા અને શિક્ષણ જારી રાખવામાં આવશે તો પ્રજા એ હદે પછાત રહેશે કે આપણે તેમની મહત્તમ સંપદા કાર્યક્ષમતાનો ફાયદો નહીં ઉઠાવી શકીએ.
લોર્ડ મેકોલે વિશ્વમાં બે જ પ્રજા વસે છે તેમ માનતા હતા એક સુંસ્કૃત અને સભ્ય એટલે કે બ્રિટિશ અને બીજી પછાત-જંગલી પ્રજા. ભારતને તેઓ પછાત અને લૂંટારાઓની ટોળકીના વર્ગમાં મૂકતા હતા. જો કે એવું પણ કહેવાય છે કે ખરેખર તો અંદરખાનેથી બ્રિટિશ, ગ્રીક તેમજ ગોરો બૌધ્ધિક સમુદાય ભારતીય અને આરબોની ભાષા, ગણિત, તત્ત્વજ્ઞાાન અને વિજ્ઞાાનની તાકાતથી એ હદે પ્રભાવિત થયા હતા કે તેને સુઆયોજિત રીતે તોડી પાડવાનું ષડયંત્ર જ અમલમાં મુકાયેલું.
જો કે આ 'ઓન રેકોર્ડ' નથી. લોર્ડ મેકોલેએ આથી જ કુનેહપૂર્વક બ્રિટિશરો જાણે ભારતની પ્રજાને તત્કાલિન સભ્ય સમાજના દરજ્જામાં લાવવા માંગતા હોય તેમ તેણે Minuteમાં સંસ્કૃત, અરેબિકન, આપણા વિષયો, અભ્યાસક્રમ, બોધ કથાઓ, ગણિત, વિજ્ઞાાન માટે ભારે નિમ્ન શબ્દો વાપર્યા છે.
લોર્ડ મેકોલેએ લખેલું કે ''A Single Self of good European library was worth the whole native literature of india and Arabia'' (ભારત અને આરબની ભાષાના તમામ સાહિત્યની સામે યુરોપના એક સારા પુસ્તકાલયના એક જ ખાનામાં પડેલા (જૂજ પુસ્તકો) પુસ્તકો પૂરતા છે.) તે પછી લોર્ડ મેકોલેએ તેની મુરાદ વ્યક્ત કરતા લખ્યું હતું. કે ''He envisaged creating 'a class of persons, Indian in blood and colour,but English in taste, in opinion, in morals, and in intellect.'' (તે એવી પરિકલ્પના કરે છે કે ભારતનો નાગરિક અંગ્રેજી ભાષા અને અભ્યાસક્રમ થકી તે એવો બનાવવા માંગે છે જે ભલે લોહી અને રંગથી ભારતીય હોય પણ તેની પસંદગી-જીવન દ્રષ્ટિ, સ્વાદ, મંતવ્યો, નીતિમત્તા અને બૌદ્ધિકતા અંગ્રેજી હોય.''
લોર્ડ મેકોલેએ જે લેખિત પ્રસ્તાવ મૂક્યો હતો તે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા વિલિયમ બેન્ટિકે એક મહિના પછી ૨ માર્ચ, ૧૮૩૫ના રોજ સ્વીકાર્યો અને ભારતમાં મેકોલે શિક્ષણ પ્રથાનાં પગપેસારો થયો અને તે પછી વેદો, ઉપનિષદો, વૈદિક ગણિત, વિજ્ઞાાન, પરશિયન તો એ હદે વિસરાયા કે ભારતીયોમાં એવી ગ્રંથિ આકાર પામવા માંડી કે 'સાલા મેં તો સા'બ બન ગયા. સા'બ બન કે કૈસા બન ગયા. યે બૂટ મેરા દેખો, યે પેન્ટ મેરા દેખો જૈસા ગોરા કોઈ લંડન કા.'
મેકોલે શિક્ષણના મૂળિયા વિરાટ વડમાં તો આકાર પામ્યા જ પણ તેની વડવાઈઓ પણ એવી વિસ્તરી કે તેમાંથી પણ વડ બન્યા. આપણે અંગ્રેજો ઇચ્છતા હતા તેવા તેમની કોર્ટ, કચેરી, પોસ્ટ, રેલવે માટેના બાબુ જ બનીને રહ્યા. તેના કરતા પણ કારમો ફટકો એ પહોંચ્યો કે ગુલામી માનસ અને લઘુતાગ્રંથિ કેળવાતી ગઈ.
આપણને તુચ્છ, પછાત જ રાખવામાં આવ્યા. ઉપરી હોદ્દા કે શોધ-પ્રતિભા તો આપણા નામે શક્ય જ નહોતી, મેકોલેના માનસ પ્રમાણે ભારતની સભ્યતા, સંસ્કાર, ખુમારી સંસ્કૃતિ અને કેળવણી ખતમ કરી નાંખવાનું કાવતરૂ પાર પડી ચૂક્યું હતું. અભ્યાસક્રમ અને સર્જનાત્મકતામાં આપણને ખીલવા દેવાનું તમામ માટે શક્ય જ નહતું. તમારા ક્ષેત્રમાં નિપુણ થવું હોય તો વિલાયત જવું જ પડે.
આપણી પ્રજા, શિક્ષણવિદ્દો અને નેતાઓએ આઝાદી પછી પણ ભૂલ ના સુધારી ઉલટુ અંગ્રેજોની જેમ જ માનસિકતા કેળવી કે જેનું અંગ્રેજી પર પ્રભુત્વ તે સભ્ય સમાજ અને બાકીના સામાજિક રીતે પછાત.
લોર્ડ મેકોલેના શિક્ષણના અંગ્રેજીકરણને આજકાલ કરતા ૧૭૪ વર્ષ થઈ ગયા છે અને આજે પણ આપણે ૭૧ વર્ષથી આઝાદ હોવા છતાં આપણા સંતાનોને અંગ્રેજી માધ્યમમાં મૂકવા ક ગુજરાતી માધ્યમમાં તે નક્કી નથી કરી શકતા. સંતાનો માટે કઈ શાખા સારી મેકોલે પ્રકારની કે જેમ આજકાલ ટ્રેન્ડ બદલાતો જાય છે તેમ ગુરૂકુલ, વિદ્યાપીઠ જેમ અભ્યાસ અને કેળવણી આપવી તે કોયડો જ રહ્યો છે.
આત્મવિશ્વાસના અભાવે અને કંઈક અખતરો તો ભારે નહિ પડે ને તેવા ડરથી વાલીઓ અંગ્રેજી માધ્યમની મેકોલે બ્રાન્ડ શાળાઓમાં જ તેમના સંતાનોને અભ્યાસ કરાવે છે. હવે તો મહત્તમ શિક્ષણ જગત, અભ્યાસ ક્રમ, પરીક્ષા પદ્ધતિ તેમજ મૂલ્યાંકન, નોકરી- ધંધામાં ભાષાકીય વિકલ્પો છે પણ ગુજરાતી શાળાઓ બંધ થતી જાય છે તે પણ એક હકીકત છે.
જો કે શિક્ષણ વિભાગે યુગપ્રધાન પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજની દ્રષ્ટિ અપનાવી તપોવન મોડેલને અપનાવવું રહ્યું તેઓ તેમની તેજાબી ભાષામાં કહેતા કે, લોર્ડ મેકોલેએ દેશનું નિકંદન નિકાળી દીધું છે. તેઓએ એ પણ કબૂલ્યું જ હતું કે, હવે મેકોલેના મૂળિયા એ હદે ઉંડા ઉતરી ગયા છે કે તેનો સ્પર્શ જારી રાખીને પણ આપણા વેદો, ઉપનિષદો, આગમો, ગણિત, ભુગોળ અને વિજ્ઞાાનને અભ્યાસક્રમમાં સામેલ કરીને મોડેલ સ્કૂલો બનાવવી જોઈએ.
ખરેખર આપણે માત્ર સ્નાતકો કે ઉચ્ચ સ્નાતકો નથી બનાવવા. ડોક્ટર, એન્જિનિયર, આઇએએસ, આઇપીએસ, સીએ, વકીલ, નેતા માત્ર નથી તૈયાર કરવા પણ તેઓમાં કુટુંબ, દેશ અને સમાજ પ્રત્યેની ઉચ્ચ માનવીય ભાવના હોય તેવા આદર્શ નાગરિકોનું નિર્માણ કરવાની શિક્ષણ વ્યવસ્થા બને તેવી સંસ્થાની જરૂર છે.
એવા વિદ્યાર્થી જે આગળ જતા કુળદીપક, જ્ઞાાનદીપક અને આચારદીપક બને. તેમણે મેકોલે મોડલનું સંયોજન કરીને તેમા કમ્પ્યુટર ઉપરાંત આધુનિક સાધનો સહિત ઋષિ ગુરૂકુલપ્રથા જેમા ધર્મ પરંપરા પણ આવરી લેવાય તે મોડલના પ્રણેતા બનીને ઉમદા પ્રદાન આપ્યું જેને આજકાલ કરતા ૨૫ વર્ષ થયા અને ગજબનું પરિણામ પ્રાપ્ત થયું છે.
ખરેખર આપણે આઝાદી પછી જ એ યાદ રાખવા જેવું હતું કે, લોર્ડ મેકોલેને તો પોતાનો એજન્ડા હતો આપણે તો જાણતા જ હતાને કે સાંદિપની, નાલંદા, તક્ષશીલાથી માંડી શાંતિ નિકેતન, બનારસ, અલ્હાબાદ યુનિવર્સિટી તેમજ ગુરૂકુળો, આશ્રમોમાં સર્વ વિદ્યા, ભાષાઓ, વિષયો, કૌશલ્ય અને કેળવણી સાથે અભ્યાસક્રમ રહેતો, જેમ માનવ જગત ભૌતિક સુખોની અતિરેકતાના ગેરફાયદા પામી જઇને ફરી કુદરતના ખોળે 'બેક ટુ નેચર'ના માનસ તેમજ જીવન પદ્ધતિને અપનાવે છે તેમ શિક્ષણ- વ્યવસ્થા, નીતિ, અભ્યાસક્રમમાં કેળવણી, ધર્મ અને રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ, ફરજ, માનવીય શિસ્ત, સંસ્કારને પણ વણી લેવાય તે જરૂરી છે.
સ્કૂલની જગ્યાએ તપોવન એ જ તરણોપાય કે ગુરુકુળ અને વિદ્યાપીઠ તેવો શબ્દ અને ઓળખની જરૂર છે. વાલીઓનો એક બહોળો વર્ગ આવા શિક્ષણધામો પ્રત્યે આકર્ષાતો જાય છે. શિક્ષણવિદો એ ચિંતા કરવા માંડયા છે કે, 'કિસ મોડ પે જાયે' તે સુખદ અને આવકાર્ય બાબત છે.
યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાના ભાષા વિજ્ઞાાની અને ભાષા તત્ત્વચિંતક ડો. બાબુ સુથારે ભાષા અને રાષ્ટ્ર પ્રેમને લગતા કેટલાક નિરીક્ષણો તારવ્યા છે. એ તારણો પર નજર નાખવા જેવી છે.
'કોઈ પણ ભાષા ચડિયાતી કે ઉતરતી નથી હોતી. ભાષાને ચડિયાતી કે ઉતરતી એના ભાષકો બનાવતા હોય છે. કોઈ પણ ભાષામાં એવું વ્યાકરણ - શિક્ષણ પણ નથી કે જેને કારણે આપણે એમ કહી શકીએ કે આ ભાષા ઉંચી છે. પ્રજા ભાષાને નીચી કે ઉંચી બનાવતી હોય છે. ભાષા પરત્વેનો પોતાનો અભિગમ પ્રજા બદલશે તો ગુજરાતી ભાષાનો દરજ્જો ઉંચો આવશે.
આપણે ભાષાને આર્થિક ઉપાર્જન સાથે જોડી છે અંગ્રેજીને એડિશનલ વધારાની ભાષા પરના પ્રભુત્વ તરીકે લેવી જોઈએ. મોટા ભાગના એનઆરઆઇ વિશે તમે પણ નોંધ્યું હશે કે જેઓ વર્ષો પહેલા ગુજરાતી માધ્યમમાં ભણીને આવ્યા છે એમની ભારત પ્રત્યેની વફાદારી છે જેને હું ભાષા સાથે જોડું છું.
પણ હવે અંગ્રેજીમાં ભણીને આવેલા જે નવા એન.આર.આઇ. છે તેમનું વફાદારીનું પોત જરા જુદું છેેે. જેમ એમની ગુજરાતી પરત્વેની વફાદારી ઓછી એમ એમની દેશ પરત્વેની વફાદારીમાં પણ ક્યાંક ઉણપ જોવા મળે છે. દેશ પરત્વેની લાગણી, સમાજસેવા અને ભાષા પ્રત્યેની વફાદારી વચ્ચે ગાઢ સંબંધ છે. ગુજરાતી ભાષા લુપ્ત થઈ નથી રહી પણ તેનું સતત ધોવાણ થઈ રહ્યું છે. આપણું ઘર જાણે 'કરપ્ટ' થઈ રહ્યું છે.
'પહેલા વોટર લો પછી એમાં ફિંગર બોળો' એવી તો આપણી ગુજરાતી ભાષા 'ગુજલિશ' થઈ ગઈ છે.'
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvO6KMgp2d0U5%3DE3BsWS-Bmn9qXvexkusDm%3DLK%2B1EBsFw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment