Thursday, 14 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ વસંત... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વસંત!
દુર્ગેશ ઓઝા - પોરબંદર

 

 

 

'પપ્પા પપ્પા…. મારો નિબંધસ્પર્ધામાં પહેલો નંબર આવ્યો.' દફતર ફગાવી, ચાંદનીએ ઘેર આવતાં વેંત હોંશભેર આ ખુશખબર આપ્યા.


'વિષય હતોઃ 'વસંતનો વૈભવ'. બધાના હૈયામાં વસંત મહોરે એવું મસ્તીલું લખાણ. 'વાસંતી વાયરો એટલે સુગંધી હિંમતનો સાગર… ઠાલો પાનો ચડાવે એમ નહીં, પણ હૈયામાં ખરો જોશ પ્રગટાવે ને એ પણ એવો મસ્તીભર કે એની સાથે ચોતરફ સૌરભ છલકે ને મનડું મલકે.


વસંત એટલે તાજગી, લીલાશ ને ભીનાશનો ત્રિવેણીસંગમ. સ્ફૂર્તિ ઊઠે ને સુસ્તી ઊડે. વસંત ઋતુ એવો સંદેશ આપે છે કે ગમે તે અવરોધ આવે ખૂલતા જાવ, ખીલતા જાઓ ને પછી આનંદના ઝૂલે ઝૂલતા જાવ! નિષ્ફળતાનાં લાખ આંધી તોફાન કેમ ન આવે? રચનાત્મક દ્રષ્ટિના સંગે વસંતનું વહાણ હાંકો. નિરાશાનો સઘળો ઊતરી જશે ફાંકો ને સફળતાનો કિનારો મળશે પાકો. હૈયામાં વસંત ભરો એટલે આનંદનાં ફૂલ ફરી ખીલવાનાં જ. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે 'ૠતુઓમાં હું વસંત છું.' સંત એને કહેવાય જેનામાં વસંતનો સહજ વૈભવ હોય. ને માણસ ફોગટના તંત છોડી વસંતને પામવાનો ખંત કરે તો એનું જીવન કોયલનો ટહુકો બની જાય…'


પોતે જાણે સ્ટેજ પર ઊભી હોય ને પ્રેક્ષકોને સંબોધતી હોય એમ ચાંદનીએ આખો નિબંધ એક કુશળ વક્તાના અંદાજમાં ઉત્સાહભેર વાંચી સંભળાવ્યો ને પછી જાતે તાળી પાડી 'તાલિયા' કહેતીકને એ આકાશના ખોળામાં ચડી બેઠી. ચાંદનીની અંદર વસંત પ્રવેશી ગઈ હતી, પણ આકાશ…! એ તો પાનખર ઓઢીને બેસી ગયો હતો! કાલની ચિંતા એને કોરી ખાતી હતી… બરાબર ત્યારે જ દીકરી ચાંદનીએ વસંતની છડી પોકારી હતી!


આકાશને ઊંડા વિચારમાં ગરકાવ જોતાં ચાંદની એને હળવો ચીમટો ભરી પૂછી રહી, 'પપ્પા, તમે ક્યાં ખોવાઈ ગયા? મારી વાત તો સાંભળો! આમ તો મારો આખોય નિબંધ લગભગને ગમ્યો, પણ તેમાંનું એક મૌલિક લખાણ સૌને ખૂબ પસંદ પડ્યું. એ કયું ખબર છે? એ જ કે વસંત પૂરબહારમાં ખીલે છે, ખેલે છે, ખૂલે છે. એ મરતી નથી કેમ કે પાનખરથી એ ડરતી નથી. બીજું ઘણું મેં પુસ્તકો વાંચીને લખેલું. ને એ બધા વિચારો મારી સ્ટાઈલમાં લખ્યા હતા પણ આ વાક્યો મેં ક્યાંયથી ઉછીનાં લીધાં નથી. આ મને લખતી વખતે અંદરથી જ સૂઝયું ને મેં આમ લખી નાખ્યું. મારા શિક્ષકે આ લખાણ વાંચી વખાણમાં શું કહ્યું ખબર છે? એ કહે કે 'બેટા, આ વાક્યરચના માત્ર મૌલિક નથી… અલૌકિક છે! પપ્પા, તમને કેવી લાગી શબ્દોની આ સજાવટ? ને મારો પહેલો નંબર આવ્યો છે પપ્પા, હું તમને પૂછું છું. તમે ચૂપ કેમ છો? જવાબ તો આપો!'


ચાંદની પપ્પાને હલબલાવી રહી ને આકાશ સફાળો જાગ્યો. દીકરી પહેલો નંબર લાવે કે એવી કોઈ સફળતા મેળવે ત્યારે પોતાની બધી તકલીફો ભૂલી દીકરીની ખુશીમાં મગ્ન થઈ એને શાબાશીના સાગરમાં સ્નાન કરાવવાનો પોતાનો વર્ષોજૂનો વણલખ્યો નિયમ આજે…! દીકરી આટલી હોંશથી પોતાની સફળતાની વાત કરી રહી છે ને પોતે છે કે કંઈ પણ પ્રતિભાવ આપ્યા વિના…! આ હું શું કરી રહ્યો છું?' એ ઊઠયો. એણે હરખભેર ચાંદની સામે જોયું.. ને પછી દીકરીને ભેટી પડ્યો. એની પીઠ થાબડી, એને ચૂમીઓથી નવડાવી દેતાં આકાશે કહ્યું, 'દીકરી, તારી વાત એકદમ સાચી છે. વસંત મરતી નથી કે એ પાનખરથી ડરતી નથી… વાહ… ક્યા બાત હૈ જીનિયસ?!' એક વિચાર અચાનક આકાશની ભીતર ઝબક્યો ને પછી બહાર સરક્યો 'મેની કૉન્ગ્રેચ્યુલેશન્સ મારી દી…'


'પપ્પા, આ 'દી' એટલે શું? આ વળી નવું તમે શું કાઢ્યું?'


'ચાંદની, યે અપનકા આઈડિયા હૈ. જો મારી દી… 'દી' ના ચાર અર્થ થાય. દી એટલે દિવસ. મારા માટે તું નવો દિવસ ઉગાડવા આવી છે એવું લાગે છે. દી એટલે દીકરી. વળી દોસ્તનોય દ થાય. તું મારે દીકરી કમ દોસ્ત છે. ને ચાંદનીમાં 'દ' આવે છે. એટલે તને એ રીતે પણ 'દી' કહીને બોલાવી શકાય. કેમ બાકી? ચાર અર્થનો ચોક્કો ફટકાર્યો ને?'


'પપ્પા, ચાર નહીં સાત અર્થ કરી શકાય. દી એટલે દીદી, ને મારી રાશિ મીન છે. જે 'દ' શબ્દથી શરૂ થાય છે. એટલી 'દી' કહી શકાય. આ ઉપરાંત 'દાદી' શબ્દમાં પણ દી આવે છે. મારા વહાલા દોસ્ત પપ્પાજી, કેમ બાકી? આ પણ જોરદાર વાત છે ને ? બોલો બોલો ? તમે તો મારી ફોર તો મેં મારી સિકસર. ને એક વધુ લટકાનો. સેવન હેવન..'


'હા ભઈ હા ચાંદની. તું દાદી છે. કંઈકને નાની યાદ કરાવી દે એવી છો. તને નહીં પહોંચાય ઓ દાદી.' આકાશ આમ કહેતાં ખડખડાટ હસી પડ્યો.


… આકાશ બહાર જવા નીકળ્યો. ચાંદની કહે, 'પપ્પા, ક્યાં જાવ છો?' આકાશ કહે, 'વસંતના રંગમાં રંગાવા જાઉં છું. તારો નંબર આવ્યો એના માનમાં આઈસ્ક્રીમ પણ લેતો આવીશ. કઈ ફ્લેવર લઈ આવું. બોલ જોઉં?'


'સ્ટ્રોબેરી… માય ફેવરીટ ફ્લેવર. ને હા… ફેમિલી પેક લાવજો એટલે બધાં ભેગાં મળીને ઝાપટશું સરખો…!'


'તમે બેય બાપદીકરી આખો દી' આમ જ ધમાચકડી બોલાવવાનાં લાગો છો, નહીં?' ચાંદનીની મમ્મી નતાશા આમ લાડમાં બોલી ઊઠી. હતાશાને હટતી જોઈ નતાશા સ્વાભાવિક જ આનંદ ને રાહતની લાગણી અનુભવી રહી હતી. નવમા ધોરણમાં અભ્યાસ કરતી દીકરી એને મન અત્યાર સુધી સાવ નાનકડી હતી પણ હવે તે ઉંમરની પ્રમાણમાં મોટી ને વધુ સમજદાર થઈ ગઈ છે એવું તેને લાગી રહ્યું.


આકાશ ખુલ્લા આકાશ સામે જોતો જોતો હરખભેર ઘરની બહાર ડગ માંડી રહ્યો. નોકરી ભલે છૂટે, પણ આશા, ઉત્સાહ ને હિંમત ન છૂટે એવી નવી દ્રષ્ટિ એણે મેળવી ને કેળવી હતી. નવી નોકરી શોધવા માટે એણે ફરી કમર કસી હતી. હવે વસંત એની અંદર પ્રવેશી ગઈ હતી. એક જગ્યાએ નોકરીના ઈન્ટરવ્યૂ માટે આજે જ જવાનું હતું પણ સતત નકારથી એ હવે ક્યાંય નોકરી માગતાં ડરતો હતો. નાસીપાસ થઈશ એવી ભીતિ બંધાઈ ગઈ હતી. એટલે આજે તો જવું જ નથી એવું એણે નક્કી કર્યું હતું, પણ…! હવે ચાંદનીએ ભીતર કંઈક નવો પ્રાણ પૂર્યો હતો એટલે એણે એ દિશામાં જોમભેર ડગ માંડ્યાં…


… ને કંપનીના ઉપરીને ખૂબ નવાઈ લાગી. 'જેન્ટલમૅન, તમે નોકરીથી હાથ ધોઈ બેઠા તોય તમારા પગમાં જોમ છે! યુ આર સ્માઈલિંગ વિથ ઝીલ એન્ડ લવલી ફીલ. તમે ઢીલા નથી પડ્યા. યુ આર જોબલેસ બટ નોટ હોપલેસ. સ્ટીલ યુ આર સ્ટ્રોંગ લાઈક સ્ટીલ. ધેસ'સ ગ્રેટ. હાઉ કેન યુ હેન્ડલ ધિસ…!?'


આકાશ કહે, 'સર, ધિસ એઝ માય ઓઉન સ્ટાઈલ. આ મારી મૌલિક મસ્તી છે. એમાં જ મારી સાચી હસ્તી છે. પાનખર ભલે કાયમી થાણું નાખવા ખૂબ મથે, પણ વસંત તો એનું ગાણું ગાઈને જ રહેશે. એ તો આવીને જ રહેશે.'


'ગ્રેટ…! વીલ યુ જોઈન અવર કંપની? અમને આવા જ પૉઝિસિવ મૅનની જરૂર છે. કૉન્ગ્રેચ્યુલેશન.' આકાશ કહે, 'સર… આ કૉન્ગ્રેચ્યુલેશન મારી દીકરીએ મને આપેલા લેશનને આભારી છે. એટલે આનો ખરો યશ તો એને જાય છે.'


ઘેર આવીને આકાશે ફેમિલીપેક  સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ચાંદનીના હાથમાં પકડાવ્યો ને કહ્યું, 'કૉન્ગ્રેચ્યુલેશન્સ. ચાલો કરો ઉજાણી. વસંતની છે આ વધામણી.'


પપ્પા ફ્રેશ થવા ગયા ત્યારે નતાશા કહી રહી, 'વાહ બેટા, તેં તો રંગ રાખ્યો. તારા પપ્પાનો ચહેરો સાવ પડી ગયો હતો. એ તદ્દન ભાંગી પડ્યા હતા. તું સ્પર્ધામાં નંબર લાવી ને તેં આ બધી વાત કરી એમને ફરી ઉત્સાહમાં લાવી દીધા. આ બધું તારા પ્રતાપે.. તું એટલા માટે જ પપ્પાને આમ હોંશથી વાત કરતી હતી ને ? સાવ સાચું કહેજે હો ચાંદની.'


ચાંદનીએ હકારમાં મસ્તક હલાવ્યું એટલે નતાશા કહે, 'વાહ… શું વાત છે બાકી? પણ હવે જરા મને પણ તારું એ ઈનામી શિલ્ડ તો બતાવ.'


વાતાવરણમાં જાણે સમૂળી કાયાપલટ થઈ ગઈ. ચાંદનીના રસાળ નિબંધે દિવ્યતાનાં બંધ દ્વાર ખોલી આપ્યાં હતાં. એના લાગણીભીના, ચેતનવંતા શબ્દોએ ગજબનો જાદુ જમાવ્યો. ચાંદની કહે, 'મમ્મી, મેં આ નિબંધ હમણાં લખ્યો, પેલું મૌલિક લખાણ લખ્યું, સાહેબે આજે મારાં વખાણ કર્યાં એ બધી વાત સાચી, પણ.. તનેય ખબર ન પડી! આ શિલ્ડ તો મને બે વરસ પહેલાં ડીબેટમાં ઈનામમાં મળેલું ત્યારનું છે! અત્યારે મારો કોઈ પહેલો નંબર નથી આવ્યો. હકીકતમાં કોઈ સ્પર્ધા-બર્ધા હતી જ નહીં! આ તો મેં પપ્પાને…'


'લુચ્ચી… તોફાની.. મને બનાવ્યો એમ? ઊભી રે' મારી 'દી'. ભાગે છે કયાં? તું ખોટું બોલે છે. પહેલાં બોલી એ સો ટકા સાચું હતું. હા, તારો નંબર આવ્યો છે, જરૂર આવ્યો છે. જીવનની સ્પર્ધામાં તારો પહેલો નંબર આવ્યો છે. મને તારા પર ગર્વ છે બેટા.. મેની મેની કૉન્ગ્રેચ્યુલેશન્સ. તું ચાંદની થઈને આવી હતી પણ હું અમાસ ઓઢીને બેસી ગયેલો. તેં મારામાં ચાંદનીની રોશની ને વસંતની સુગંધ ફેલાવી, દોસ્ત. વાહ! અહીં આવ, મારી બાજુમાં આવ. મેં બધું સાંભળી લીધું છે. શું સમજી?' અચાનક ઓરડામાંથી પાછા ફરેલા આકાશે હાથ લાંબા કર્યા ને આનંદના અશ્રુથી તરબતર ચાંદની લાગલી જ દોડીને પપ્પાને વળગી પડી. આકાશે એને છાતીસરસી ચાંપી દીધી...


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os%3D%3D2%3DfLgeLCLKjSbX5ftSj%3DQP0QjKqrQQOLs6bbo00yg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment