| 
૨૧મી ફેબ્રુઆરી... આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ... અહં... આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ અને વિશ્ર્વ ગુજરાતી ભાષા દિવસ વચ્ચે જરા પણ ગૂંચવાઈ જવાની જરૂર નથી. અલગ અલગ પ્રકારના દિવસો ઉજવનારા આપણે, આટલો મહત્ત્વનો દિવસ ભૂલી જઈએ છીએ.
આપણામાંથી મોટાભાગના લોકો માટે ફેબ્રુઆરી એ વેલેન્ટાઈન્સ ડે કે વેલેન્ટાઈન વીક પૂરતો જ મર્યાદિત થઈ ગયો છે. આપણી માતૃભાષા પ્રત્યે આપણે એટલા ઉદાસીન થયા છીએ કે આવનારી પેઢી ગુજરાતી ભાષા (બોલી) વિશે કદાચ પુસ્તકોમાં જ વાંચી શકશે. આનું એક સાવ સરળ ઉદાહરણ જોઈએ-
એક અમેરિકન વિદ્યાર્થી અંગ્રેજીની સાથે સાથે ગુજરાતી ભાષા પણ શીખે છે અને બીજી બાજુ એક ભારતીય વિદ્યાર્થી ગુજરાતીની સાથે સાથે અંગ્રેજી ભાષા શીખે છે. એક રીતે જોવા જઈએ તો એ બંને વિદ્યાર્થીઓ તેમની ભાષાઓના જ્ઞાનના ભંડોળમાં વધારો કરી રહ્યા છે. પાંચેક વર્ષ બાદ જ્યારે તમે એ બંને વિદ્યાર્થીને મળશો ત્યારે અમેરિકન વિદ્યાર્થીની બોલચાલમાં એક પણ ગુજરાતી શબ્દ નહીં સાંભળવા મળે, પણ ગુજરાતી વિદ્યાર્થીની બોલચાલમાં તમને ચોક્કસ જ ત્રણ-ચાર અંગ્રેજી શબ્દો સાંભળવા મળશે જ. (જો ભાઈ બીજી ભાષાના પ્રેમમાં જ પડી ગયો હશે તો કદાચ તે ગુજરાતી ભાષા ભૂલીને અંગ્રેજી
ભાષા જ બોલતો થઈ ગયો હશે હોં). કંઈ ફરક નજરે પડ્યો? અમેરિકન વિદ્યાર્થીની બહુભાષાવાદ અને ભારતીય વિદ્યાર્થીના બહુભાષાવાદમાં ખૂબ મોટો તફાવત છે.
અમેરિકન વિદ્યાર્થીના બહુભાષાવાદને કારણે ભાષાજ્ઞાનમાં વધારો થયો, જ્યારે ભારતીય વિદ્યાર્થીનો બહુભાષાવાદ એક ભાષાની બાદબાકી કરાવે છે. જો આપણે માનવતાને બચાવવી હશે તો પહેલાં માતૃભાષાને બચાવવી જ પડશે. માનવતા અને માતૃભાષા વચ્ચે એક ખૂબ જ ગાઢ સંબંધ છે.
માતૃભાષા એ દરેક વ્યક્તિની ઓળખ છે, જે કોઈ તમારી પાસેથી છીનવી શકવાનું નથી. આપણી માતૃભાષા એ આપણું અસ્તિત્વ છે, આપણી વાત સમાજમાં, લોકો સમક્ષ મૂકવા માટેનું એક સશક્ત માધ્યમ, હથિયાર છે માતૃભાષા. માતૃભાષા એ આપણને મળેલો એક અલભ્યો વારસો છે. દુનિયામાં કોઈ પાસે એવી તાકાત નથી કે જે તમારી પાસેથી તમારો આ અમૂલ્ય વારસો છીનવી શકે. ઘરમાં બાળક જન્મે અને તે ધીરે ધીરે મોટું થાય. આસપાસના લોકો સાથે સંપર્ક સાધવા માટે બાળક જે ભાષા શીખે છે એ એની માતૃભાષા હોય છે. આ ભાષા શીખવા માટે બાળકને ખાસ કોઈ વ્યાકરણ શીખવવાની જરૂર નથી પડતી. દાખલા તરીકે ગુજરાતમાં જન્મેલા બાળકને ગુજરાતી શીખવા માટે, પંજાબમાં જન્મેલા બાળકને પંજાબી શીખવા માટે કે અન્ય કોઈ રાજ્યમાં જન્મેલા બાળકને તેની માતૃભાષા શિખવા માટે કોઈ ક્લાસીસમાં મોકલવાની જરૂર નથી પડતી.
પશ્ર્ચિમી સંસ્કૃતિનું આંધળુ અનુકરણ કરી રહેલા આપણે ઘણી વખત મોડર્ન દેખાવવાના ચક્કરમાં કે સમાજમાં પોતાનું સ્ટેટસ જાળવી રાખવા માટે આપણે જાહેર સ્થળોએ આપણી માતૃભાષામાં વાત કરતા અચકાઈએ છીએ.
બીજી ભાષામાં આપણા વિચારો વ્યક્ત કરવામાં આપણને મુશ્કેલી પડે છે, કારણ કે માતૃભાષા પર આપણું જેટલું પ્રભુત્વ હોય છે, એટલું બીજી ભાષા પર હોતુ નથી, બે ભાષાની વચ્ચે અટવાઈ રહેલાં આપણે હવે માતૃભાષા વગરના થવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ, જો આપણે અત્યારે પણ માતૃભાષા માટે કંઈ નહીં કરીએ તો...
એક સર્વે અનુસાર દુનિયાભરમાં પચ્ચીસ ટકા ભાષાઓ એવી છે કે જે બોલનારાઓની સંખ્યા ૧૦૦૦થી પણ ઓછી છે. ૧૯૬૧ની ગણતરી અનુસાર ભારતમાં ૧૬૫૨ જેટલી ભાષાઓ બોલાય છે અને તેમાંથી ૧૩૬૫ ભાષાઓ એ માતૃભાષા છે, જે વર્તમાન સમયમાં લોકો બોલે છે. આ ૧૩૬૫માંથી ૨૩૪ જેટલી ભાષા એવી છે કે જે બોલનારાઓની સંખ્યા ૧૦,૦૦૦ જેટલી છે. જ્યારે ૪૨.૩ કરોડ લોકોની માતૃભાષા હિંદી છે, એટલે કે ૪.૪૬ ટકા લોકો હિંદી ભાષા બોલે છે. જ્યારે ૬૩.૪ કરોડની માતૃભાષા બીજી અન્ય ભાષાઓ છે.
કોઈપણ ભાષાને તે ભાષા બોલનારા અને લખનારાઓ જ મહાન બનાવતા હોય છે તો આપણે આપણી માતૃભાષા ગુજરાતીને કેમ મહાન ન બનાવી શકીએ. અંગ્રેજી કે અન્ય કોઈ પણ ભાષામાં એવી કોઈ ખાસ વાત નથી કે લોકો તેમની પ્રત્યે આકર્ષાય છે.
અંગ્રેજી પ્રજાએ અંગ્રેજી ભાષાને વફાદાર રહીને તેને મહાન બનાવી છે. આપણે પણ આપણી માતૃભાષાને વફાદાર રહીને તેને મહાન તો બનાવી જ શકીએને? આપણી માતૃભાષાનું ધોવાણ થતું આપણે જ અટકાવવું પડશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પણ કહ્યું છે કે જે વ્યક્તિ પોતાની માતૃભાષાનો આદર નથી કરતો, એ ક્યારેય પોતાની માતાનો આદર કરી નથી શકતો.
--------------------------
ક્યારથી થઈ શરૂ થઈ ઉજવણી?
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઊજવણી ક્યારથી શરૂ થઈ એ વિશેની વાત કરીએ તો ૧૯૪૭માં ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ પાકિસ્તાને પૂર્વીય પાકિસ્તાન (અત્યારના બાંગ્લાદેશ)માં ઉર્દૂને રાષ્ટ્રભાષા જાહેર કરી દીધી, જ્યારે કે ત્યાં બાંગ્લા ભાષા બોલનારાઓની સંખ્યા વધુ હતી. ૧૯૫૨માં જ્યારે અન્ય ભાષાઓને પૂર્વીય પાકિસ્તાનમાં અમાન્ય જાહેર કરી દેવામાં આવી ત્યારે નાગરિકોએ વિદ્રોહ કર્યો, જેમાં ઢાકા યુનિવિર્સિટીના વિદ્યાર્થીઓ પણ જોડાયા. આ આંદોલનને રોકવા માટે પોલીસે ગોળીબાર કર્યો જેમાં કેટલાય વિદ્યાર્થીઓનાં મૃત્યુ થઈ ગયાં. પોતાની માતૃભાષા બચાવવા જતા શહીદ થયેલાંઓની યાદમાં ૨૧મી ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઊજવવાની શરૂઆત કરવામાં આવી. ૧૯૯૯માં યુનેસ્કોએ એવી ભાષાઓના સંવર્ધન અને સંરક્ષણ માટે અને લોકોનું ધ્યાન જાય એ માટે ૨૧મી ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી જે ઓછા વધતા અંશે જોખમમાં છે.
--------------------------
૨૫૦૦ ભાષાઓ પર તોળાઈ રહ્યું છે સંકટ
સંકટ
હાલમાં જ કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં એવું જાણવા મળ્યું હતું કે વિકાસના નામે આશરે ૨૩૪ જેટલી ભાષાઓનો મૃત્યુઘંટ તો ક્યારનોય વાગી ગયો છે, જ્યારે હજી ૨૫૦૦ જેટલી ભાષાઓ સામે આ જોખમ તોળાઈ રહ્યું છે. અમુક ચોક્કસ અંતરે જેમ પાણીનો સ્વાદ બદલાય છે એમ દર ચાર ગામે બોલી પણ બદલાય છે. જો તમે વિચારી રહ્યા હો કે આપણે માત્ર ભાષાઓ જ ગુમાવી રહ્યા છીએ, તો એવું નથી. આપણે ભાષાની સાથે જોડાયેલી સંસ્કૃતિ અને ઓળખ પણ ગુમાવી રહ્યા છીએ.
---------------------------
માતૃભાષા માટે આટલી ઉદાસીનતા
આપણે આપણી માતા માટે કેટલા ભાવુક અને લાગણીશીલ હોઈએ છીએ તો ભાષા એ આપણી માતા જ છે. આપણે આપણી માતૃભાષા પ્રત્યે આટલી ઉદાસીનતા કેમ સેવીએ છીએ? આજે કોઈ પણ ગુજરાતી ઘર જોઈ લો તેમાં ઉછરનારા બાળકોને ગુજરાતી એ તેમની માતૃભાષા છે એની જાણ નથી હોતી અને એ બાળક તે ભાષા સમજી પણ શકતું નથી, શું તેની આ હાલત માટે આપણે જવાબદાર નથી? ચોગડો અને એકડો એટલે એકતાળીસ ભણી ચૂકેલા આપણે તેને ફોર વન એટલે ફોર્ટીવન બોલતો કરી દીધો છે.
હમણાં જ એક દિવસ રસ્તામાં લટાર મારતી વખતે એક ખૂબ જ રસપ્રસ ઘટના જોઈ.
એક દાદી તેના પૌત્રને શાળાએથી ઘરે લઈ જઈ રહી હતી. હવે તમને થશે કે આમાં રસપ્રદ શું છે, આ તો એક સામાન્ય દૃશ્ય છે. પણ રસપ્રદ વાત હવે આવે છે, દાદી તેના પૌત્રને કહી રહી હતી કે, આમ ભર રસ્તે રન નહીં કરવાનું દીકરા, પછી તું ફોલ થઈ જઈશ. ચાલ ઘરે જઈને હજી તને રોટલી શાક ઈટ કરવાના છે, પછી તારે ટ્યૂશનમાં લર્ન કરવા પણ જવાનું છે ને... બસ ત્યાં સુધીમાં તો અમારા રસ્તા ફંટાઈ ગયા. સાંભળવામાં આ ઘટના ખૂબ જ રમૂજી લાગી રહી છે, પણ એની પાછળ રહેલી કરુણતા સમજવાનો પ્રયાસ કરીએ તો ખૂબ જ ગંભીર વાત છે આ. તમે નથી ગુજરાતી સરખું બોલતા કે નથી અંગ્રેજી. આવું અંગ્રેજી બોલીને તમે બંને ભાષાનો દાટ વાળો છો.
આવતી કાલે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે અને માતૃભાષાને બચાવવા માટેના પ્રયાસોના શ્રીગણેશ કરવાનું આનાથી સારું ચોઘડિયું બીજું કયું હોઈ શકે? બાળકને દુનિયા સાથેની હરીફાઈ માટે તૈયાર કરવાની સાથે સાથે રોજે તેને માત્ર અડધો કલાક તેની માતૃભાષા શીખવાડવાનું નાનકડું પ્રણ તો લઈ જ શકીએ ને? |
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuwdGEYQ9RrJn1LnGX6W-dmxyMJihXA2U5fLw90hhC-9Q%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment