લંડનથી મારા સાળા મારા માટે રૉલેક્સની ઘડિયાળ લેતા આવ્યા. મેં અડધી જીંદગી બસ્સો-પાંચસોના ઠોબરાં જેવી ઘડિયાળો કાંડે બાંધી છે... કોઇને ખબરે ય નહોતી પડતી કે, આણે ઘડિયાળ પહેરી છે કે નાડાછડી બાંધી છે! પણ આ ઘડિયાળ સાડા પાંચ લાખ રૂપિયાની છે, એ ભાવ જાણ્યો એમાં તો પહેરતા વ્હેંત હાથ ધ્રૂજવા માંડ્યો. સાળાએ મને ગિફ્ટ આપી હતી. બોન પઇણાયા પછી બનેવીને આટલા ખુશ રાખવા પડે, એની જાણ મને પહેલેથી હોત તો, એની બહેન સાથે બબ્બે વાર પરણી નાંખત. જીંદગીભર મને આવા સાળાઓ મળતા રહે, એવી પ્રાર્થના મેં પરમકૃપાળુ પરમાત્માને કરી, તો એમનો સામો SMS આવ્યો કે, 'મૂરખ, તું કોઇનો આવો સાળો બન... જે પોતાના બનેવીને સાડા પાંચ લાખની ઘડિયાળ આપે.'
ભગવાનોને તો ઠીક છે, મંદિરમાં પલાંઠા વાળીને આપણી સામે હાથ બતાવીને નવરા બેઠા બેઠા આપણને આવા ઑર્ડરો આલે રાખવાના. એ લોકોને તો બનેવીઓ-ફનેવીઓ જેવું કાંઇ હોય નહિ, એટલે ઉપર બેઠા આપણા લોહીઓ પીવાના. સાલો, ભલાઈનો જમાનો જ રહ્યો નથી! પણ તો ય, સૌજન્ય ખાતર, મેં સામો SMS કરીને પ્રભુને કહી દીઘું, 'જોઈશું...'
એ તો ભગવાનને લલ્લુ બનાવાય... આપણે હા એ હા કરવામાં શું જાય છે?... મારે તો કોઇ બહેન જ નથી.
ઇશ્વર અને સસુરકૃપાથી મારે બે સાળાઓ છે. ખરેખર તો પ્રભુની ફરજ એ હોય કે, મારા એક સાળાને આટલી બુઘ્ધિ આપી છે (બનેવીને સાડા પાંચ લાખની ઘડિયાળ આપવાની...!) તો બીજાને ય આલે. એમની બહેન પરણીને હું અહીં બારે માસ અઘ્ધર છું, પણ એ બંને મારા હાળા સઘ્ધર છે... આમાં તો બા ય બહુ ખીજાયા હતા.
સાડા પાંચ લાખની ઘડિયાળ....? મેં પૂછયું, 'આમાં ટાઇમ તો બહાર જેટલા વાગ્યા હોય, એટલો જ બતાવે ને....કે ઘડિયાળ આપણા ટાઇમો સાચવી લે?' તો એણે જવાબ આપ્યો, 'ના. બહાર ૧૨ ને ૧૦-થઇ હોય તો આમાં ય ૧૨ ને ૧૦-જ બતાવે. આપણને એમ કે, આટલા પૈસા ખર્ચ્યા પછી આપણો સમય બદલાય, તો ઘડિયાળ બદલવી ન પડે. આવી કિંમતી ઘડિયાળો પણ જો માલિકની મજબુરી સમજી શકતી ન હોય, તો લ્યાનત છે! આપણે ૧૧-વાગે પહોંચવાનું હોય ને કયાંક કલાક-દોઢ કલાક મોડું થઈ ગયું, તો ઘડિયાળ એને કહેવાય, જે આપણો ટાઇમ સાચવી લે અને એ ય કલાક-દોઢ કલાક મોડો ટાઇમ બતાવે. ઍક્ઝૅક્ટ ટાઇમો તો પચ્ચી-પચ્ચી રૂપિયાની ઘડિયાળો ય બતાવે, એમાં શું લાટા લેવાના! (ખરૂં કે નહિ? જવાબ : બિલકુલ ખરૂં. જવાબ પૂરો.) ઘડિયાળ દસ લાખની પહેરી હોય કે બસ્સોવાળી, બધામાં ટાઇમો તો એકસરખા જ બતાવે.
'અસોક... મારા ભાયે આટલી મોંઘી ઘડિયાળું તમને દીઘ્ધી છે, તો જરા સાચવજો... જીયાં ને તીયાં પે'રીને નો જવાય...!'
હું સફેદ કપડાં અને એ ઘડિયાળ પહેરીને એક બેસણામાં જતો હતો, ત્યાં હકીએ મને ટોક્યો. આવી ઘડિયાળો બતાવવાનો બેસણામાં મોકો સારો મળી રહે. આજુબાજુ બધા કાંઇ બોલ્યા વગરના સુનમુન બેસી રહે ને એકબીજાની સામે કરૂણતાથી જોયે રાખતા હોય, એમાં આપણી ઘડિયાળ જોવાઈ જાય. ઇન ફૅક્ટ, પૈસાદાર હોવું ફક્ત જરૂરી નથી... પૈસાદાર લાગવું પણ જરૂરી છે. હકીને તો ઠીક છે, બોલવું છે. હવે લગ્નો ઠેઠ મે મહિનામાં આવવાના. ત્યાં સુધી મારે રૉલેક્સ પહેરવાની રાહો જોવાની?
મને ઍકચ્યૂઅલી યાદ નહોતું રહ્યું કે, એ તબક્કે હું કોના બેસણામાં આવ્યો છું. મને એટલી ખબર હતી કે, ફૂલ ચઢાવેલા ફોટામાં જે ડોહો દેખાય છે, એનો ટાઇમ પૂરો થઇ ગયો છે ને મારો હવે શરૂ થયો છે. હું ઝભ્ભાની બાંય કોણી સુધી ચઢાવીને જ ગયો હતો, જેથી દર્શકમિત્રોને ઘડિયાળ જોવાનું કષ્ટ ન પડે. ઘડિયાળ મારી હતી, સમય મારો નહતો. નહિ તો, આ જગતમાં બીજાનો વિચાર કરનારા કેટલા...? ઘડિયાળ મારી, એટલે હું જ મહીં જો જો કરૂં, એવા અભિમાનો મને પહેલેથી નહિ... ભલે દુઃખિયાઓ ય આવી કિંમતી ઘડિયાળ જુએ. રોજ રોજ એમને ક્યાં જોવા મળવાની છે? બહુ ઓછાને ખબર હશે કે, ઘડિયાળ પહેરેલો મારો હાથ બહુ સુંદર લાગે છે... આ તો એક વાત થાય છે! (કોઇ મારા વખાણ કરો, મારી વાતમાં હજી જોઈએ એવો દમ આવતો નથી!)
'શું બેસણાનો ટાઇમ પહેલેથી ૮ થી ૧૦-નો જ છે?' મારી દાઢી નીચે હથેળી ગોઠવીને, ઘડિયાળવાળો ભાગ એની તરફ રાખીને બાજુવાળા ડાધુદોસ્તને પૂછયું. એ ચાલુ બેસણે પોતાનો કાન ખોતરતો હતો, પણ મારો સવાલ સાંભળીને એની હળી કાનમાં ધુસી ગઇ હોય, એવા ડઘાઇ જઇને મારી સામે જોયું. 'ઓ સાહેબ... અત્યારે સાંજના સાડા છ થયા છે.... આ બેસણું સાંજે ૬ થી ૮ નું છે... સવારે ૮ થી ૧૦ નું નહિ!, જોયું? ઘડિયાળ બદલાય છતાં માણસનો સમય નથી બદલાતો!
'ઓહ..... આ રૉલેક્સ ઘડિયાળોમાં સાલું આવું બહુ થાય----' એટલું બોલતી વખતે આપણી ઍક્ટિંગ જોવા જેવી હતી. અને સાલાને 'રોલેક્સ'ને બદલે ક્યાંક 'પરગોલૅક્સ' જેવું ન વંચાઇ જાય, એ માટે ઠેઠ એના મોંઢા પાસે મારો હાથ લઇ જઇને કીઘું, 'આ જુઓ ને, કેટલા વાગ્યા? ચશ્મા ઘેર ભુલીને આયો છું ...!' આપણને એમ કે, ગરીબ માણસને મોંઘા ભાવની ઘડિયાળ જોવા મળે. આપણા મનમાં બીજું તો શું પાપ હો?'
'ઓ ભ'ઇ, હું ય મારો ચશ્મો ભૂલીને આયો છું..'
આવા કીસ્સાઓમાં સારામાં સારૂં સ્થળ હોય તો કલબોનું ગણાય. હોટેલ કે ડાયનિંગ-હૉલોમાં શું હોય છે કે, ઘડિયાળ જોઇ બધા શકે, પણ આપણને કોઈ ઓળખે તો નહિ ને? કલબમાં તો ઑલમોસ્ટ બધા ઓળખતા હોય ને અસલી પ્રભાવો તો ત્યાં જ પાડવાના હોય ને? યાદ હોય તો દિલીપ કુમાર લેવા-દેવા વગરનો બબ્બે મિનીટે પોતાના ગાલ ઉપર હાથ મૂકીને ઍક્ટિંગો કરતો. દાઢી નીચે અંગૂઠો અડાડીને ચારે આંગળીઓ હળવે હળવે ગાલ ઉપર ફેરવવાની, એટલે ઍક્ટિંગ થઇ ગઇ. દિલિપનો તો હું ય ફૅન, એટલે ગાલ ઉપર એવા હાથો ફેરવતો હું કલબના ગૅટમાં દાખલ થયો, ત્યાં સીક્યોરિટીવાળાએ મને સલામ કરી, ત્યાં જ ખબર પડી ગઇ કે, આ પ્રભાવ આપણી રૉલેકસનો છે. જો કે, એ વાત જુદી છે કે, અંધારામાં દૂરથી સાઇડ ફૅસમાં મને જુઓ તો હું કયાંક દિલીપકુમાર જેવા લાગતો હોઉં છું.. બધા આધાર આપણા મૂડ ઉપર! પરિણામે, એ ખબર ન પડી કે એણે સલામ દિલીપકુમારને કરી છે કે રૉલેક્સને! મેં એને મારો હાથ બતાવવાની કોશિષ કરી પણ, સીક્યોરિટીવાળાઓ કદી સભ્યસાહેબોની આંખમાં આંખ મિલાવીને ન જોઇ શકે. આપણે દાખલ થઇએ એટલે એ લોકોએ અદબ સાથે મૂન્ડી નીચે રાખવાની હોય, એની આપણે અગાઉ એકેય વાર એવી ફરજ બજાવી ન હોય, એટલે ખબર ન પડે. છતાં મારામાં, 'તું નાનો ને હું મોટો, એ ખ્યાલ જગતનો ખોટો' વાળી ભાવના પહેલેથી જ. એટલે એને બીજો ચાન્સ મળી રહે માટે મેં નાક ઉપર (મારા નાક ઉપર....) પહેલી આંગળી પંપાળતા પૂછયું, 'મૅમ સા'બ આ ગયે હૈં..?, એ સાલો હજી ભાંડો ફોડવા જ જતો હતો કે, 'કોન સે મૅમ સા'બ, શાબ..? હર રવિવાર કો આપ કે સાથ આતે હૈં વો યા ઓર દિન જો આપકે સાથ હોતે હૈં વો વાલે મૅમ સા'બ..?' '...સાલો બધીઓને એ ઓળખે!
કલબોના વૉશરૂમ ઘણા સુઘડ અને સુગંધીદાર હોય છે, પણ ત્યાં પોતપોતાની નાનીનાની મહેચ્છાઓ પૂરી કરવા આવેલા બહુ બધા મળી રહે. મને તો ખાસ એવી કંઇ લાગી નહોતી, તો ય અરીસામાં વાળ સૅટ કરવા ઘણીવાર ઊભો રહ્યો. થેંક ગૉડ.... સાધના ફળી રહી હતી. બે-ત્રણ જાણીતા પ્રવાસીઓએ, મારા હાથ ઉપર જીવડું ચોંટયું હોય એવા અંદાજથી જોઇને પૂછયું, 'શું વાત છે દાદુ...? રૉલેક્સ...? વાઉ, બ્યુટી બૉસ... રૉલેક્સ તો આઠ-દસ લાખથી શરૂ થતી હોય છે..' એમાંનો એક તો પોતાને હાસ્યલેખક અશોક દવે સમજતો હોય, એવી ફાલતુ સિક્સર મારીને કહે, 'દાદુ, આ આઠ લાખ હાથના કાંડા સાથેનો ભાવ છે કે ખાલી ઘડિયાળનો..? મજાક કરૂં છું હોં, બૉસ... ડૉન્ટ માઇન્ડ!'
તારી ભલી થાય ચમના.. તારા તો આખા ફૅમિલી સાથે મકાન વેચવા કાઢે તો ય કોઇ દસ-બાર હજારથી વધારે ના આલે ને તું રૉલેક્સની મજાક કરવા માંડ્યો છે..? આવું કહેવા માંગતો હતો, પણ કમ-સે-કમ એને ઘડિયાળ તો જોવી પડી ને? આપણે મન મોટું રાખવાનું. હું કાંઇ ન બોલ્યો.
પણ, હું ય માણસ છું. મારી પણ લાગણીઓ હોય, મારા પણ અરમાનો હોય ને મને પણ પેટમાં ગરબડો ઉપડી શકે.. ઊપડી. કોઇકે કીઘું છે ને કે, ૫૦-૫૫ની ઉંમર પછી બે સ્થળે તમારા આંટાફેરા વધી જાય... એક બેસણાંમાં અને બીજું ટૉઇલેટોમાં. મને તો ૬૦-થયા, એટલે મારા તો બે આંટા વધારે હોય!
પૂરી પ્રફૂલ્લિતતાથી મહીં બેઠો બેઠો હું રૉલેક્સ સામે-એક પિતા પોતાની પુત્રી ઉપર વાત્સલ્યભરી દ્રષ્ટિથી જુએ, એમ હું જોતો હતો, ત્યાં બહાર કોઇના અવાજો સંભળાયા.
'ગુરૂ.. જોયું પેલો અસોકીયો હાથમાં રૉલેક્સ પહેરીને ફરતો થઇ ગયો... પાંચ-સાત લાખની લાગે છે!'
'ઘંટડી પાંચ-સાત લાખની? અરે ચાયના-માર્કેટમાં બસ્સો-બસ્સો રૂપિયામાં જોઇએ એટલી રૉલેક્સ તમને અપાવું.. અરે, સમજને બકા...! જે લેખકીયું હાળું ગાડીમાં 'એક એક' લિટર પૅટ્રોલ ભરાઇ ભરાઇને ફરતું હોય, એના આખા ખાનદાનમાં કોઇએ અસલી રૉલેક્સો જોઈ હોય...?'
'ઓહ યસ... બહુ ચાલુ માણસ છે અસોકીયો! આઠ-દસ લાખની રૉલેકસ..? ઇમ્પૉસિબલ ... બૉસ, કોકનું કરી નાંખ્યું લાગે છે... મારૂં મોંઢું ના ખોલાવતો..!'
બસ... એ દિવસ પછી મને આજ સુધી કદી સરખો ખુલાસો થયો નથી..! હવે મારો સાળો આવતા ફેરે મારા માટે લૅમ્બોર્ગિની કે આઉડી (ગાડી) ભેટમાં આપે, તો ય નથી લેવી. કહે છે કે, મૂલ્યવાન ચીજો મૂલ્યવાનોને જ શોભે!
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsKCzeVS7vo4oJ_j-WswUT%2B32GzZWj9fn77xqFL54j15A%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment