Tuesday, 12 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ વેદનાની આરપાર નિહાળેલો આનંદ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વેદનાની આરપાર નિહાળેલો આનંદ!
ભૂપત વડોદરિયા

 

 

 

 

અમેરિકાની એક અગ્રણી કવયિત્રી તરીકે આજે પણ જેની ગણના થાય છે તે ઇમિલી ડિકિન્સન એક ગરીબ અને દુઃખી નારી હતી, પણ તે દુઃખી અને ગરીબ હોવા છતાં તેનાં સ્વમાન અને સ્વતંત્રતા અકબંધ રહ્યાં હતાં. તેના મૃત્યુને એક સૈકાથી વધુ સમય વીતી ગયો છતાં આજે પણ તમે તેની કવિતા પર નજર કરો તો તરત તેના હૃદયમાંથી ઊગેલી લીલીછમ કાવ્યમાલા તમારી આંખને ભીની કર્યા વગર ન રહે – માત્ર ભીની જ નહીં કરે – તે તમારી નજરને થોડી વધુ તેજીલી અને વધુ સ્નેહભરી બનાવ્યા વગર નહીં રહે.


તેણે છંદોની કોઈ કડાકૂટ કરી નથી. શાસ્ત્રીય સ્વરૃપો કે શૈલીની પણ ચિંતા કરી નથી. ઇમિલીની કવિતા બનાવેલી નથી – હૃદયમાંથી ઊગેલી છે. પોતાનાં કાવ્યો વિશે ઇમિલી ડિકિન્સન કહે છેઃ 'આ (કાવ્યો) જગતને મેં લખેલો એક પત્ર છે. દુનિયાએ મને કદી જવાબ આપ્યો નથી. મારો આ સંદેશો મેં નહીં જોયેલા હાથમાં હું મૂકું છું. એને સદ્ભાવથી મૂલવજો.'


ઇમિલી અમેરિકામાં એમહર્સ્ટ (મેસેચ્યુસેટ્સ) ખાતે ઈ.સ. ૧૮૩૦માં જન્મી હતી અને છપ્પન વર્ષની ઉંમરે ઈ.સ. ૧૮૮૬માં મૃત્યુ પામી. તેણે લગભગ સત્તરસો કાવ્યો લખ્યાં હતાં, પણ તેમાંથી બહુ જૂજ કાવ્યો તેના જીવનકાળ દરમિયાન પ્રગટ થયાં હતાં. એક પણ કાવ્યસંગ્રહ તેની હયાતીમાં બહાર પડ્યો નહોતો. તેના મૃત્યુ પછી તેના ત્રણ કાવ્યસંગ્રહો પ્રગટ થયા. તેણે લગ્ન કર્યાં નહોતાં કેમ કે પોતાની એક બહેનનાં નાનાં બાળકોને ઉછેરવાની જવાબદારી તેના માથે હતી. રાતદહાડો શ્રમ કરીને તે ગુજારો કરતી હતી. ઘર છોડીને તે કદી ક્યાંય ગઈ નહોતી, પણ તેની કવિતામાં તે તેના વાસ્તવિક જીવનની બધી જ મર્યાદાઓને ઓળંગી જાય છે. તેની પાર તે તમને ધરતી પર અને આકાશમાં ઠેર-ઠેર સફર કરાવે છે. ઇમિલી જીવનની, પ્રેમની, પ્રકૃતિની અને અમરત્વની કવિતા કરે છે. તેની કવિતાના વિષયો અને તેમાં પ્રગટ થતી ઊર્મિઓ પ્રત્યેક વ્યક્તિને 'પોતીકાં' લાગે છે.


ઇમિલી એટલી શરમાળ છે કે તે માત્ર એકાંતમાં પોતાની જાત સાથે જ જીવે છે. એની આંકાક્ષા એક જ છેઃ 'જો હું કોઈક એકાદ વ્યક્તિનું હૈયું ભાંગતું બચાવી શકું તો મને લાગે કે હું તદ્દન નિરર્થક નથી જીવી.' તેની એક નાનકડી કવિતામાં તે આગળ કહે છેઃ 'જો હું એકાદ જિંદગીની વેદના ઓછી કરી શકું, કોઈકની પીડાને થોડી હળવી કરી શકું અગર કોઈ એકાદ મૂર્છિત પંખીને તેના માળામાં પાછું મૂકી શકું તો મને લાગે છે કે હું છેક નિરર્થક નથી જીવી.'


ઇમિલી માટે કવિતા શ્વાસોચ્છ્વાસ જેવી સહજ છે. તેને દુનિયાદારીના ભપકા-દમામ ગમતા નથી. તે કહે છે, હું કંઈ જ નથી. આમ જુઓ તો પોતાને મોટો સિકંદર માનતો માનવી પણ છેવટે શું છે? આ અખિલ બ્રહ્માંડમાં, આ શાશ્વત સંસારમાં એક માણસ શું છે? એક કાવ્યમાં તે કહે છેઃ 'પહેલાં હૃદય આનંદ માગે છે અને પછી વેદનામાંથી છુટકારો અને પછી વેદનાને બૂઠી બનાવનારાં કંઈક દર્દશામકો અને પછી 'ઊંઘી' જવાનું અને પછી – ઈશ્વરેચ્છા – મૃત્યુની મુક્તિ!' એણે વેદના ખૂબ પીધી છે અને પચાવી છે. એક ઓર કાવ્યમાં કહે છેઃ 'હું ઝીણી નજરે મને મળતા દરેક શોકને માપી જોઉં છું. મારા શોકનું વજન મારા જેટલું જ છે કે તેનું કદ કંઈક નાનું છે? મને અચંબો થાય છે – બીજાઓ વેદના લાંબા સમયથી વેઠી રહ્યા હશે કે તેમની વેદના હમણાની જ હશે? હું મારી વેદનાની તારીખ તો કહી શકતી નથી – મારું દુઃખ બહુ જૂનું લાગે છે.'


એક બીજી રચનામાં એ કહે છેઃ 'વેદનાની આરપાર નિહાળેલો આનંદ કેટલો રમણીય લાગે છે. મળવો અસંભવ હોવાથી કેટલો સુંદર દેખાય છે. દૂરદૂરનો પહાડ હીરા-માણેક જેવો દેખાય છે. નજીક જઈએ ત્યાં હીરા ઝાંખા પડી જાય છે અને માત્ર આકાશ નજરે પડે છે.'


એક નાનકડા કાવ્યમાં એ કહે છેઃ 'વહાલા, તું મારા માટે બે વારસા છોડી ગયો છે ઃ એક તો પ્રેમનો વારસો અને બીજો વારસો દરિયા જેવી વેદનાનો – અનંતતા અને સમય વચ્ચે, તારી ચેતના અને મારી વચ્ચે!'


ઇમિલી કહે છેઃ 'લોકો કહે છે કે 'સમય પીડા શમાવે છે.' સમયથી કશું શમી જતું નથી – ખરી પીડા તો સમય જતાં મજ્જાની જેમ મજબૂત થાય છે, સમય પીડાની કસોટી કરે છે, તેનો ઇલાજ નહીં. જો તે ઇલાજ હોત તો કોઈ પીડા જ ન હોત.'


ઇમિલીને તેના જીવનકાળમાં અને મૃત્યુ પછી વર્ષો સુધી એક 'ગૌણ કવિ' ગણવામાં આવતી હતી, પણ એને આવા 'ભાગ્ય'નો અફસોસ નહોતો. સિદ્ધિ અને પ્રસિદ્ધિ વચ્ચેના અંતરને, 'હીરા અને પરખંદા' વચ્ચેના અંતરને એ બરાબર જાણતી હતી.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Otqx%3DCyhNoquAEn8HVoCPhLU3vsEVC6%2Bu--ExoMayM-%2BQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment