ખુશબૂથી છલકાતા બાગ જેવી જુવાની હતી, એ યુવાનનું નામ હતું નિષાદ અને નશાથી છલકાતા જામ જેવી માનુની હતી. એનું નામ કામિની. બંનેનું પ્રેમમાં પડવું સ્વાભાવિક હતું. આગળ-પાછળનું કંઈ જ વિચાર્યા વગર બંને પ્રેમમાં પડ્યાં. ઊંધેકાંધ પડ્યાં. ત્રણ વર્ષના પ્રેમસંબંધ પછી કામિનીએ પૂછ્યું, 'હવે આપણે લગ્ન ક્યારે કરીશું?' 'બસ, મને નોકરી મળી ગઈ છે. પગાર પણ સારો છે. તું પણ ગ્રેજ્યુએટ થઈ ગઈ છે. એટલે તને જોબ મળી જવી જોઈએ. આપણે છએક મહિનામાં લગ્ન કરી શકીશું, પણ એ પહેલાં હું ઇચ્છું છું કે તું એકવાર મારા ઘરે આવે અને બધાનો પરિચય કેળવી લે.'
'બધાનો એટલે? તારા ઘરમાં બહુ બધા માણસો છે?'
નિષાદે રચીને જવાબ આપ્યો, 'એ તો તું એકવાર ઘરે આવે તો ખબર પડે. અત્યાર સુધી તેં અને મેં માત્ર આપણી વાત કરી છે. ન હું તારા ફેમિલી વિશે કંઈ જાણું છું, ન તું મારા ફેમિલી વિશે. હવે જ્યારે આપણે લગ્ન કરવા જઈ રહ્યાં છીએ ત્યારે પરિવારો વિશે પણ પરિચય મેળવી લેવો પડશે ને?'
નિષાદની વાત સાચી હતી. આટલાં વર્ષોથી બંને લવ રિલેશનશિપમાં હતાં તેમ છતાં એ બંનેએ પ્રેમ સિવાય કોઈ વિષય પર ચર્ચા કરી જ ન હતી. કામિની વિચારમાં પડી ગઈ. થોડીવાર પછી એને પૂછ્યું, 'ઓકે ડન! ક્યારે ગોઠવવું છે.'
'આ રવિવારે જ ગોઠવી દઈએ. મારે ઓફિસમાં રજા હશે. તું સવારે બ્રેકફાસ્ટના સમયથી મારે ત્યાં આવી જજે. આખો દિવસ આપણે બધાં સાથે રહીશું. લંચ પણ ઘરે જ રાખીશું. પછી નમતી બપોરે બધા ફરવા જઈશું, સાંજે ફિલ્મ. રાતનું ડિનર કોઈ સારી રેસ્ટોરાંમાં. પછી હું તને તારા ઘરે મૂકી જઈશ.'
નિષાદની વાત કામિનીને ગમી ગઈ. રવિવારે સવારે એ સોળ શણગાર સજીને નીકળી પડી. આજે પહેલી વાર એ નિષાદના ઘરે જઈ રહી હતી. આજે પહેલીવાર એ નિષાદને નહીં, પણ નિષાદના પરિવારને મળવા જઈ રહી હતી. એના અજાગૃત મનમાં સાસુ-સસરા પર છવાઈ જવાની ઇચ્છા પડેલી હતી.
એણે કીમતીમાં કીમતી ડ્રેસ ધારણ કર્યો હતો. ચમકતો ડાયમંડ જ્વેલરીનો સેટ અંગો પર પહેર્યો હતો. ડિઝાઇનર પર્સ એના હાથની શોભા વધારતું હતું. પેન્સિલ હીલ પર તેની પાતળી કમનીય કાયા વધુ ઊંચી અને સપ્રમાણ લાગી રહી હતી. એનો રૂપાળો, ઘાટીલો ચહેરો ધોળે દિવસેય રૂપેરી ચાંદનીને રેલાવી રહ્યો હતો.
નિષાદે આપેલા સરનામે એ જઈ પહોંચી. મધ્યમવર્ગીય સોસાયટી હતી, ઠીક ઠીક કહી શકાય તેવું મકાન હતું. સાવ નાનું પણ નહીં અને બહુ મોટું પણ નહીં. ઉપર-નીચે બે માળ હતા. જેવી એ ઘરમાં પ્રવેશી એ સાથે જ એક સામૂહિક અવાજ ઊઠ્યો, 'કામિનીભાભી આવી ગયાં, કામિનીભાભી આવી ગયાં. કેટલાં સુંદર લાગે છે! વાહ! નિષાદભાઈ ફાવી ગયા.' ઘરમાં પૂરતો ઉજાસ ન હતો. પાછળની દીવાલમાં એક નાની બારી હતી. બહારથી આવેલી કામિનીની આંખોને ટેવાતા જરા વાર લાગી, પણ અવાજો ઉપરથી એટલી તો ખબર પડી ગઈ કે ઘરમાં હાજર સભ્યોની સંખ્યા ધાર્યા કરતાં જરા વધારે હતી.
જ્યારે નજર કરી ત્યારે એ આભી બની ગઈ. આને પરિવાર ન કહેવાય, મેળો કહેવાય, ટોળું કહેવાય. તેની આંખો ઝડપભેર માથાં ગણવા માંડી. નાનાં-મોટાં મળીને અઢારેક સભ્યો હતાં અને નિષાદ ઇન્ટ્રો કરાવી રહ્યો હતો, 'કામિની, વેલકમ ટુ માય ફેમિલી. આ મારાં મમ્મી-પપ્પા, આ દાદા-બા, આ કાકા-કાકી, આ બે મારા મોટા ભાઈઓ, આ બે મારી ભાભીઓ, આ ત્રણ મારી નાની બહેનો અને આ ચિલર પાર્ટી.' કામિનીએ બે હાથ જોડીને બધાને પ્રણામ કર્યાં, પણ એનું માથું ચકરાઈ રહ્યું હતું.
જીભ તાળવે ચોંટી ગઈ હતી. એને સમજાયું નહીં કે આટલા બધા માણસો આ એક જ ઘરમાં રહેતાં હશે, કે આજુબાજુમાં એક-બે બીજાં ઘરો પણ હશે? શક્ય છે કે એ લોકો આજે ખાસ પોતાને જોવા માટે અહીં ભેગાં થયાં હોય. ધીમે ધીમે બધું સ્પષ્ટ થતું ગયું.
મોટી ભાભીઓએ બટાકાપૌંઆ અને ચા તૈયાર કરી રાખ્યાં હતાં. ડાઇનિંગ ટેબલનો તો સવાલ જ નહોતો. બધા હાથમાં નાસ્તાની ડિશ લઈને જમીન ઉપર જ બેસી ગયાં. શેરબજાર જેવા કોલાહલ વચ્ચે બધાએ નાસ્તો પતાવ્યો.
ઘરના દરેક સભ્યને કંઈક ને કંઈક કહેવાનું હતું અને કોઈ કોઈને બોલવા દેતું નહોતું. બધાં એકસાથે બોલતાં હતાં, એકસાથે મજાક-મસ્તી કરતાં હતાં અને પછી એકસાથે મોટેથી હસતાં હતાં. જેને આવું બધું ગમે તેને ગમે, પણ કામિનીને તો જરાય ન ગમ્યું.
નાસ્તો પત્યા પછી આઠેક સ્ત્રીઓ કામિનીને ઘેરી વળી. 18 વર્ષની નાની ભાવિ નણંદને લઈને 80 વર્ષનાં વૃદ્ધ દાદીમા સુધી બધાંએ તેને જાણે હાઇજેક કરી લીધી! પ્રશ્નોની ઝડી વરસાવી દીધી. શી ન્યાત છે, ભાઈ-બહેનો કેટલાં વગેરે વગેરે.
કામિની યંત્રવત્ જવાબો આપતી રહી. આવા જ માહોલમાં ભોજન તૈયાર થઈ ગયું. બધાં નીચે બેસીને જ જમ્યાં. પહેલાં પુરુષો અને પછી સ્ત્રીવર્ગ. જમી લીધા પછી નિષાદની બંને ભાભીઓ વાસણ-માંજવા બેસી ગઈ અને ત્રણ બહેનો કિચનની સાફસૂફી કરવા લાગી. કામિની ન સમજી શકાય તેવા વાતાવરણમાં ઘેરાતી રહી. આ ઘરમાં તો નોકરચાકર પણ નથી. બધું કામ સ્ત્રીઓએ જાતે જ કરવાનું. બાપ રે બાપ! આ ઘરમાં કેવી રીતે રહી શકાય? નમતી બપોરે એણે ત્યાંથી જવાની તૈયારી કરી દીધી. બધાંને આશ્ચર્ય થયું. નિષાદની નાની બહેને તો કહ્યું પણ ખરું, 'કેમ આટલાં જલદી! મોટાભાઈ તો કહેતા હતા કે તમે આખો દિવસ અમારી સાથે રહેવાના છો. પિક્ચરની ટિકિટો પણ આવી ગઈ છે.'
કામિનીએ કૃત્રિમ સ્મિત કરીને જવાબ આપ્યો, 'હા, હું આખા દિવસ માટે જ આવી હતી, પણ આજે મમ્મીની તબિયત સારી નથી એટલે મારે જવું પડશે. ચાલો, આવજો.'
ઘરમાં અજુગતું તો બધાંને લાગ્યું. કોઈએ એને રોકી નહીં. ઘણું બધું સમજાઈ ગયું હતું. જે થોડું ઘણું બાકી રહ્યું હતું તે કામિનીએ બીજા દિવસે સમજાવી દીધું.
બીજા દિવસે નિષાદ અને કામિની મળ્યાં ત્યારે બંને વચ્ચે ચકમક ઝરી ગઈ. પહેલી ફરિયાદ નિષાદે કરી, 'કેમ અચાનક ચાલી ગઈ હતી?'
'ચાલી ન જાઉં તો શું કરું? મમ્મીનું તો બહાનું હતું. ખરેખર તો મારું માથું દુખવા આવ્યું હતું. તમે લોકો અઢાર જણા એક ઘરમાં એકસાથે કેવી રીતે રહી શકો છો. આટલા બધા તો બેડરૂમ પણ ન હોય.'
'એક બેડરૂમ નીચે છે, ત્રણ બેડરૂમ ઉપર છે. મમ્મી-પપ્પા ડ્રોઇંગરૂમમાં સૂઈ જાય છે.'
'આપણું લગ્ન થાય તો આપણે ક્યાં સૂવાનું? કિચનમાં?' કામિનીનો સવાલ એટલો તો ઘાતક નહોતો જેટલો એના અવાજનો ટોન કાતિલ હતો. નિષાદે મામલો સાચવી લેવાની આખરી કોશિશ કરી, 'કામિની, તું કારણ વિનાના સવાલો કરે છે. પરિવારમાં જો સંપ અને સુમેળ જાળવીશું તો બધું સારું થઈ જશે.
આપણે બંને ખૂબ મહેનત કરીશું. પૈસા બચાવીશું. બીજો ફ્લેટ ખરીદીશું અને મોટા ભાઈઓ ત્યાં શિફ્ટ થઈ જશે. ધીમે ધીમે...'
કામિની વીફરી, 'એટલે? આપણે બંને વેઠ કરીશું. પછી નવો ફ્લેટ ખરીદીશું અને એમાં રહેવા માટે તારા મોટા ભાઈઓ અને ભાભીઓ જશે. મારે આખી જિંદગી તારા ઘરડાઘરમાં દાદા-દાદી અને મમ્મી-પપ્પાને સાચવીને સબડ્યા કરવાનું?'
નિષાદને પ્રચંડ આઘાત લાગ્યો. હજુ તો કામિની લગ્ન કરીને ઘરમાં પ્રવેશી પણ ન હતી. ત્યાં જ એણે ખટપટો અને ઝઘડા શરૂ કરી દીધા હતા. નિષાદનું મન ખાટું થઈ ગયું. એણે પૂછી લીધું, તારી શું ઇચ્છા છે? મારી સાથે લગ્ન કરવાં છે કે નહીં?'
કામિની લુચ્ચુ સ્મિત કરીને બોલી, 'હું તારી સાથે લગ્ન એક જ શરતે કરીશ.' 'બોલી નાખ.'
'શરત એ જ કે લગ્ન કર્યાં પછી માંડવામાંથી આપણે સીધા નવા મકાનમાં રહેવા જઈશું. તારાં મમ્મી-પપ્પાને જરૂર પડે તો 200-500 રૂપિયાની મદદ કરી શકીશું. હું ના નહીં પાડું, પણ એ ધર્મશાળામાં રહેવા તો હું નહીં જ આવું.' કામિનીનો જવાબ સાંભળીને નિષાદ પીઠ ફેરવી ગયો. ગુડ બાય કહેવા ન રોકાયો. ઘરે આવી અને રડી પડ્યો. બધાં કુટુંબીજનો એને ઘેરી વળ્યાં. હકીકત જાણ્યા પછી બધાંએ ઠપકો પણ આપ્યો, 'આવું શું કામ કર્યું? આટલી સુંદર પ્રેમિકા મળતી હોય તો આપણે થોડું સમાધાન કરી લેવાય.'
નિષાદે આંસુ લૂછી નાખ્યાં, 'એ લગ્ન મારાં એકલાનાં ન હતાં. આપણા આખા પરિવારનાં હતાં. કામિની બાહ્ય રીતે સુંદર હતી, પણ એવી સુંદરતાને મારે શું કરવાનું? બધી સ્ત્રીઓ એકસરખા હાડ, ચામની બનેલી હોય છે. એની ઉપર મઢેલું ચામડું જોઈને ભરમાઈ ન જવાય. આપણા ઘરને લાયક સુયોગ્ય કન્યા મળી રહેશે.'
એની જ્ઞાતિમાંથી નિર્વિશા નામની ભણેલીગણેલી, સંસ્કારી યુવતી મળી ગઈ. આજે એ ઘટનાને વીસ વર્ષ થયાં છે. આખો પરિવાર ત્રણ માળના બંગલામાં જીવી રહ્યો છે અને કિલ્લોલ કરી રહ્યો છે.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtX83xgyz7ri3U%3DmaFTTwGX9vPLDe_p_dsEbtqM3MwVXA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment