લિવર પાચનતંત્રનું એક ખૂબ જ મહત્વનું અંગ છે અને ૯૦ ટકા લિવર ડિસીઝ સાઇલન્ટ કિલર છે છતાં મોટા ભાગના લોકો લિવરને અવગણતા હોય છે. આજે વર્લ્ડ લિવર ડે પર જાણીએ કે લિવરને હેલ્ધી રાખવા માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.
માણસમાત્ર ભેદભાવ કરે છે. બીજા માણસો સાથે જ નહીં, પોતાના શરીરનાં અંગો સાથે પણ. આજકાલ ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર અને કૉલેસ્ટરોલ જેવા પ્રૉબ્લેમ ખૂબ જ વધી ગયા છે એને કારણે લોકો પોતાના હાર્ટની ચિંતા ઘણી કરવા લાગ્યા છે. હાર્ટ-અટૅક આવશે તો શું થશે એ ભયે હાર્ટની કૅર પણ ચાલુ કરી દીધી હોય એવા ઘણા લોકો તમને આસપાસ જોવા મળે છે, પરંતુ લિવર ખરાબ થઈ જશે કે લિવરનું ધ્યાન રાખવું જરૂરી છે એવું કોઈ વિચારતું નથી. ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર અને કૉલેસ્ટરોલ લિવરને પણ એટલું જ ડૅમેજ કરે છે; પરંતુ આ રોગના દરદીઓ લિવરની ચિંતા કરતા નથી. એક ગણતરી મુજબ જો કોઈને હાર્ટ-અટૅક આવે તો તેના મૃત્યુની શક્યતા પચીસ ટકા રહેલી છે, જ્યારે કોઈ વ્યક્તિને લિવર સિરૉસિસ થાય તો તેના મૃત્યુની શક્યતા પચાસ ટકા જેટલી થઈ જાય છે. લિવર એક એવું અંગ છે, જે ચૂપચાપ સહન કર્યે રાખે છે અને એ ખરાબ થઈ રહ્યું હોય ત્યારે આપણને કોઈ ચિહ્નો બતાવતું નથી. જ્યારે ચિહ્નો સામે આવે ત્યારે ઑલરેડી લિવર ૯૦ ટકા જેટલું ડૅમેજ થઈ ચૂક્યું હોય છે અને પછી આપણે કંઈ કરી શકતા નથી. લિવર પ્રત્યેની આપણી આ બેદરકારીને આજે વલ્ર્ડ લિવર ડે નિમિત્તે આપણે સમજીએ અને આ અંગ પણ એટલું જ મહત્વનું છે એટલે એનું સરખું ધ્યાન રાખવા પણ પ્રતિબદ્ધ બનીએ. આપણે લિવરને કઈ રીતે હેલ્ધી રાખી શકીએ અને એ માટે શું કરવું અને શું ન જ કરવું એ જાણીએ અંશ લિવર ક્લિનિક, અંધેરીનાં હેપેટોલૉજિસ્ટ ડૉ. જયશ્રી શાહ અને ગ્લોબલ હૉસ્પિટલ, પરેલના હેપેટોલૉજી ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. સમીર શાહ પાસેથી.
શું કરવું? આપણી લાઇફ-સ્ટાઇલની સીધી અસર લિવર પર પડી શકે છે. લિવરની આજુબાજુ અમુક પ્રકારની ફૅટ્સ જમા થઈ જાય છે, જેને લીધે ફૅટી લિવર જેવો રોગ થઈ શકે છે. એક આંકડા મુજબ ત્રણમાંથી એક વ્યક્તિ ફૅટી લિવરનો શિકાર છે. આ માટે વ્યક્તિએ પોતાની ડાયટ, એક્સરસાઇઝ અને બીજી કેટલી મહત્વની બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે.
૧. ડાયટમાં બૅલૅન્સ્ડ ડાયટ હોવી જરૂરી છે. બૅલૅન્સમાં આપણે શાકભાજી અને દાળ કે કઠોળનું પ્રમાણ રોટલી અને ભાત કરતાં વધારે રાખવું જરૂરી છે. લિવર માટે પ્રોટીનનું મહત્વ ઘણું છે. સામાન્ય રીતે આપણે ૨-૩ રોટલી અને એક વાડકી શાક ખાઈએ છીએ. એના બદલે બે વાડકી શાક અને એક રોટલી ખાઈએ અને બે ચમચા ભાતમાં એક વાડકી દાળ નાખીએ છીએ એના બદલે બે વાડકા દાળમાં એક ચમચો ભાત ખાવા જોઈએ. આવા નાના ફેરફારો ઘણા મોટા બદલાવ લાવી શકે છે.
૨. જ્યારે ખોરાક વચ્ચેનો સમય ઘણો લાંબો થતો જાય ત્યારે લિવર પર ઘણો લોડ પડે છે. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું અને પછી એકદમ જ વધારે પડતું ખાઈએ ત્યારે લિવરને એની ક્ષમતા કરતાં વધુ મહેનતથી કામ કરવું પડે છે, કારણ કે લિવર પાચનપ્રક્રિયાનું અત્યંત મહત્વનું અંગ છે. એટલે જરૂરી છે કે વ્યક્તિ પોતાના નિયત સમયે ખોરાક લે તો લિવર વ્યવસ્થિત કામ કરી શકે.
૩. હેપેટાઇટિસ A અને હેપેટાઇટિસ E મલિન પાણીથી ફેલાતા રોગ છે. દૂષિત પાણીમાં આ વાઇરસ વધુ સમય સુધી જીવી શકે છે. પીવાનું પાણી હંમેશાં શુદ્ધ હોવું જરૂરી છે. એટલે પાણી ઉકાળીને પીઓ. આ સિવાય કાચી શકભાજી ન ખાઓ, પકવેલો ખોરાક જ ખાઓ; જેથી એની અંદર પણ આ વાઇરસ હોય તો એ નાશ પામે.
૪. એક્સરસાઇઝ પણ ખૂબ જ મહત્વની છે. ઓછામાં ઓછું દરરોજનું ૪૦ મિનિટનું વૉકિંગ કરવું ખૂબ જરૂરી છે. આ સિવાય વ્યક્તિને જેમાં રુચિ હોય એ પ્રકારની ખાસ કરીને ઍરોબિક એક્સરસાઇઝ લિવરને ઉપયોગી સાબિત થાય છે.
૫. લિવરના રોગોને જો રસી દ્વારા રોકી શકાતા હોય તો ચોક્કસ રોકવા જોઈએ. હેપેટાઇટિસ Bની વૅક્સિન દરેક વ્યક્તિએ લેવી જરૂરી છે. આ ઉપરાંત હેપેટાઇટિસ Aની વૅક્સિન પણ આવે છે, જે લેવી જોઈએ.
૬. ૨૦૦૨ પહેલાં જેમને કોઈ પણ કારણસર બ્લડ ચડાવવાની જરૂર પડી હોય તેમણે હેપેટાઇટિસ Cની ટેસ્ટ કરાવવી જરૂરી છે, કારણ કે ૨૦૦૨ પછી બ્લડ ચડાવતાં પહેલાં હેપેટાઇટિસ Cના વાઇરસ ચેક કરવાનો કાયદો લાગુ પડ્યો હતો.
શું ન કરવું? ૧. આલ્કોહૉલ લિવરનો સૌથી મોટો શત્રુ છે. જેટલા પણ લોકો દારૂના રવાડે ચડે છે એમાંથી મોટા ભાગના લોકો પોતાનું જીવન લિવર ડિસીઝની સાથે પૂરું કરતા હોય છે. સામાન્ય રીતે આલ્કોહૉલની જે લિમિટ હોય છે એ એક સ્ત્રી માટે એક અઠવાડિયાના ૧૪ યુનિટ અને પુરુષ માટે એક અઠવાડિયાના ૧૬ યુનિટ હોય છે. આ લિમિટ નૉર્મલ હેલ્ધી લોકો માટે છે, જેમને ઑલરેડી ડાયાબિટીઝ કે હાર્ટ-પ્રૉબ્લેમ કે કિડની-પ્રૉબ્લેમ છે તેમના માટે બિલકુલ નહી. બીજું એ કે જેમને ફૅમિલીમાં આલ્કોહૉલને કારણે વ્યક્તિનું લિવર ડૅમેજ થયું હોય તો એવી વ્યક્તિએ તો આલ્કોહૉલને હાથ જ ન લગાડવો જોઈએ, કારણ કે તેમને પણ આ રોગ થવાની શક્યતા ઘણી વધારે છે.
૨. આ સિવાય સ્મોકિંગ જેવી આદતોથી ૧૦૦ ટકા દૂર રહેવું જરૂરી છે, કારણ કે સ્મોકિંગને લીધે શરીરમાં જમા થતાં ટૉક્સિન્સ લિવરની હાલત વધુ ને વધુ ખરાબ કરે છે.
૩. ઘણા લોકો પોતાની રીતે દવાઓ લઈ લેતા હોય છે, જેને આપણે ઓવર ધ કાઉન્ટર મેડિસિન કહીએ છીએ. પેઇનકિલર્સ કે ઍન્ટિબાયોટિક્સ જેવી દવાઓ પણ લોકો લઈ લેતા હોય છે અને એ દવાઓની અસર લિવર પર થતી હોય છે. કોઈ પણ દવા ભલે એ સામાન્ય વિટામિનની ગોળી પણ કેમ ન હોય, ડૉક્ટરને પૂછ્યા વગર લેવી ન જોઈએ.
૪. ખાસ કરીને જે લોકો આલ્કોહૉલ લેતા હોય છે તે જાણે છે કે આલ્કોહૉલથી લિવર ડૅમેજ થાય છે છતાં તેઓ છોડી શકતા નથી એટલે લિવરને હેલ્ધી રાખવાનો ક્લેમ કરતી મેડિસિન્સ મેડિકલ સ્ટોર પરથી લઈ લેતા હોય છે. એમ સમજીને કે આ દવાઓને કારણે આલ્કોહૉલથી થતું નુકસાન અટકાવી શકાય છે. પરંતુ હકીકતે એવું થતું નથી. આવી દવાઓ ખાતાં પહેલાં એક વાર ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
૫. આજે પણ આપણે ત્યાં જો કોઈ વ્યક્તિને કમળો થયો હોય તો તેને તાંત્રિક કે બાબા પાસે લઈ જવામાં આવે છે. આ પ્રકારની અંધશ્રદ્ધા દરદીને વધુ મુશ્કેલીમાં મૂકતી હોય છે. કમળો લિવરને લગતો એક રોગ છે, જેને ઠીક કરવા ડૉક્ટરની જરૂર રહે છે. ઘરગથ્થુ ઉપાયો કે કોઈ અંધશ્રદ્ધાને લીધે દરદીની હાલત વધુ ખરાબ કરવા કરતાં તેને ડૉક્ટર પાસે લઈ જવો હિતાવહ છે એ વાત સૌ સ્વીકારે એ જરૂરી છે.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtT4yC5bdfQ37QBHh_Y7iuU2QX-WEvuhk8RF63Yi1ppWA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment