| 
હુંએક સીધોસાદો વેપારી છું, પરંતુ મારા ગ્રાહકો બહુ ઉત્સાહી અને શોખીન છે. શહેરની મુખ્ય માર્કેટમાં મારી એક નાની દુકાન છે અને એના પર મારો જીવનનિર્વાહ ચાલે છે. મારી દુકાન શેની છે એની લોકોને ખબર જ નથી પડતી, કારણ કે હું બદલાતા તહેવારો અને સમય પ્રમાણે ધંધો બદલતો રહું છું. આમ અમે ખાસ કોઇ પરમેનન્ટ ચીજ નથી રાખતા. દિવાળીમાં મીઠાઇ, સૂકામેવા, રંગોળીઓ વગેરે વેચીએ, તો ક્રિસમસમાં કેક, ગ્રીટિંગ કાર્ડ્સ વગેરે વેચીએ. હવે તો દરેક તહેવારની સાથે એની ઉજવણીની વિશેષતા જોડાઇ ગઇ છે એટલે કયા તહેવારમાં શું વેચવું એ જાણવાની કોઇ ચિંતા નથી રહેતી.
ભારતની પ્રજા તહેવારપ્રેમી છે અને અહીંના શહેરીજનો જરા વધુ પડતા શોખીન છે એટલે તહેવાર ન હોય ત્યાં પણ તહેવાર મનાવવાનો મોકો શોધી લેતા હોય છે. આથી તો કેટલાક વિદેશના તહેવારોને પણ એમણે અપનાવી લીધા છે અને દિલથી એની ઉજવણી કરે છે.
આવો જ એક વિદેશી તહેવાર છે વેલેન્ટાઇન્સ ડે. ૧૪મી ફેબ્રુઆરીનો એ પ્રેમભર્યો દિવસ અમારા માટે લાભપાંચમ જેવો ફાયદાકારક નીવડે છે, કારણ કે વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે અમે ચિક્કાર ધંધો કરી લઇએ છીએ. આમ તો વેલેન્ટાઇન્સ ડે એ પ્રેમીઓ માટે એકબીજા માટેની પ્રેમની લાગણી વ્યક્ત કરવાનો દિવસ છે અને એમાં અમે વચ્ચે ક્યાંય ન આવીએ, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પ્રેમીઓને, ખાસ તો પ્રેમિકાઓને સમજાયું છે કે પ્રેમ મફતમાં નથી થતો. પ્રેમની લાગણીની આપ-લે કરવા માટે ગિફ્ટની આપ-લે કરવાનું જરૂરી છે. આથી વેલેન્ટાઇન્સ ડેના રોજ પ્રેમ પછી વ્યક્ત થાય છે, એ પહેલા ગિફ્ટનું નક્કી થાય છે.
આ તહેવાર મૂળ વિદેશનો છે એટલે એની ઉજવણી વિદેશમાં વધુ થાય એ સ્વાભાવિક છે. વિદેશમાં માર્કેટિંગના મોટા મહારથીઓ પડ્યા છે એટલે તેઓ વેલેન્ટાઇન્સ ડેનું માર્કેટિંગ કરવા માટે નવાં નવાં આઇડિયાઝ લાવતા રહે છે, જેનો લાભ અમે પણ લેતા હોઇએ છીએ. વેલેન્ટાઇન્સ ડેના માર્કેટિંગવાળાએ કોણ જાણે ક્યારથી, પણ એક અફલાતૂન આઇડિયા અજમાવીને આખા ફેબ્રુઆરી મહિનાને વેલેન્ટાઇનમય બનાવી દીધો છે. યુવાનોના મનમાં ઠસાવી દેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરીનો આખો મહિનો પ્રેમનો મહિનો છે માટે આખા મહિના દરમિયાન તમારા પ્રેમીપ્રેમિકાને પ્રેમ કરો અને એમને ગિફ્ટ્સ આપતા રહો. એમાંય ૧૪મી ફેબ્રુઆરીના પહેલાના કેટલાક દિવસોને તો એવાં નામ આપવામાં આવ્યા છે કે એની ઉજવણી કરવી જ પડે.
જેમ કે સાતમી ફેબ્રુઆરીના દિવસને રોઝ ડે નક્કી કરવામાં આવ્યો છે. હવે આ દિવસે પ્રેમીપ્રેમિકાઓ કંઇ એકબીજાને ફક્ત સાચું ગુલાબ આપીને ખુશી નથી મનાવતા. એ દિવસે તેઓ રોઝની થીમવાળી દરેક પ્રવૃત્તિઓ કરે છે અને રોઝ સાથે સંકળાયેલી હોય એવી આઇટેમ એકબીજાને ગિફ્ટ આપે છે. મારી દુકાનના ગેટ પર મેં ગુલાબનું એક મોટું ચિત્ર મૂક્યું હતું અને દુકાનમાં રોઝ નામવાળી તથા ગુલાબી રંગના કાગળમાં પેક કરેલી ગિફ્ટ્સ રાખી હતી. ગિફ્ટ ખરીદવા માટે યુવાનોએ ખૂબ ઉત્સુકતા દર્શાવી હતી.
ત્યાર પછી પ્રપોઝ ડે આવ્યો. કોઇ છોકરો છોકરીને પ્રપોઝ કરે એમાં અમારે વચ્ચે ન આવવાનું હોય, પરંતુ અમારે માલ વેચવો હોય એટલે અમે વચ્ચે આવીએ. પ્રપોઝ કરવા માટેના સુંદર કાર્ડ્સ અમે બનાવ્યા હતા અને છોકરો છોકરી એકબીજાને આલિંગન આપતા હોય કે ચુંબન કરતાં હોય એવા નાનાં ટોય્સ અમે દુકાનમાં રાખ્યા હતા. યુવાનોને અમે એ વાતે ક્ધવીન્સ કરી દીધા કે ફક્ત સાદું પ્રપોઝ કરવાથી સાચો પ્રેમ વ્યક્ત ન થાય, પ્રપોઝ કરતી વખતે આવું કોઇ કાર્ડ કે ટોય તમારી પ્રેમિકાને ગિફ્ટમાં આપવું જોઇએ. પ્રપોઝ ડે નિમિત્તે પણ અમે અઢળક કમાણી કરી.
ત્યાર પછી ચોકલેટ ડે અને ટેડી ડે પણ આવ્યા અને અમે એની ઉજવણી માટેની સુવિધા પણ ઊભી કરી. હવે ૧૧મીએ પ્રોમિસ ડે, ૧૨મીએ હગ ડે અને ૧૩મીએ કિસ ડે છે. આ નિમિત્તે પણ અમે વિવિધ પ્રોડક્ટ્સ દુકાનમાં રાખીશું અને વેચીશું. આખરે ૧૪મી ફેબ્રુઆરીએ મેઇન વેલેન્ટાઇન્સ ડે છે. એ દિવસે તો દુકાનમાં જે માલ પડ્યો હશે એ બધો વેચાઇ જશે, કારણ કે જે લોકો અગાઉ ગિફ્ટ નથી લઇ શક્યા એ તમામ આ દિવસે તો કોઇ ગિફ્ટ ખરીદવાના જ છે.
વેલેન્ટાઇન્સ ડે માટે તો અમે કેટલાક થિયેટરો અને રેસ્ટોરાં સાથે પણ ટાઈ-અપ કર્યું છે. જે લોકો અમારી શોપમાંથી એક હજાર રૂપિયાનો માલ ખરીદે એમને અમુક થિયેટરો તથા રેસ્ટોરામાં ત્રીસ ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. આ દિવસે તો અમારી દુકાનમાં એટલી બધી ભીડ રહેશે કે અમારે વધારાના માણસોને કામે લગાડવા પડશે. ક્યારેક તો મને એમ થાય કે આ વિશ્ર્વમાં પ્રેમનો મહિમા કેટલો મોટો છે.
વેલેન્ટાઇન્સ ડેની આ ધામધૂમ જોઇને ક્યારેક મને પણ વિચાર આવે કે મારેય કોઇને પ્રેમ કરવો જોઇએ. મારેય કોઇને પ્રપોઝ કરવું જોઇએ, એને ગિફ્ટ આપવી જોઇએ અને વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરવી જોઇએ. હું યુવાન હતો ત્યારે તો આવું કંઇ હતું નહીં. હવે વેલેન્ટાઇન્સ ડે ઉજવવો તો કોની સાથે ઊજવવો? મારા પરમેનન્ટ ગ્રાહકોમાં કેટલીક મહિલાઓ છે અને તેઓ મારી સાથે મીઠી વાતો કરતી હોય છે, પરંતુ એમને કંઇ સીધું જ થોડું પ્રપોઝ કરી દેવાય? ગયા વર્ષે વેલેન્ટાઇન્સ વીકમાં જ મારી શોપની પ્રેમની થીમવાળી પ્રોડક્ટ્સ વેચતી વખતે એક બે મહિલા ગ્રાહકોને પ્રેમનું લેક્ચર આપ્યું હતું અને એવી પ્રેમભરી વાતો કરતાં કરતાં પ્રપોઝ કરવાની કોશિશ કરી હતી, પરંતુ છેલ્લી ઘડીએ ડર લાગ્યો એટલે સાહસ કરવાનું માંડી વાળ્યું હતું. આખરે એ મહિલા ગ્રાહકો મોટું ડિસ્કાઉન્ટ લેવામાં સફળ થઇ હતી. હું તો તરસ્યો જ રહ્યો.
આ વર્ષે જોકે મેં કોઇક રીતે મારો વેલેન્ટાઇન્સ ડે ઉજવવાનું નક્કી કર્યું છે. મારી સાથે મીઠી વાતો કરતી મહિલા ગ્રાહકો સાથે મેળ નહીં પડે તો છેવટે પત્ની સાથે વેલેન્ટાઇન્સ ડે મનાવી લઇશ. ભલે એને આઘાત લાગે. હવે પત્ની સાથે વેલેન્ટાઇન્સ ડે કઇ રીતે મનાવી શકાય એની મને ખબર નથી, પણ એટલું તો જાણું છું કે હું જ્યારે પણ પત્નીને કહું કે હું તને પ્રેમ કરું છું ત્યારે એ વાતને સાચી માનીને એ ખુશ થઇ જતી હોય છે.
|
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ovqyi9b%2BCTPZtH7OY7g%2BnJhAFRt9CPUDsWv6F_u3%2B%3D%2Bqw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment