Friday, 15 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ત્રણ એકકાથી હારેલી બાજી... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ત્રણ એકકાથી હારેલી બાજી!
ડૉ વિષ્ણુ એમ પ્રજાપતિ

 

 

 

 


કંપનીના નોટીસબોર્ડ પર લાગેલી નોટીસથી સૌ ટોળે વળ્યાં.


'કંપનીમાં જન્માષ્ટમીનો પર્વ ઉજવવાનો હોવાથી દરેકે ફરજિયાત હાજર રહેવું. આપણી કંપનીના માલિક પોતે આ વખતે અહીં હાજર રહેવાના છે. ગેરહાજર રહેનારે બીજે નોકરી શોધી લેવી.'


ત્રણ વાક્યમાં ધમકી કે નિમંત્રણ હતું તે સમજવું મુશ્કેલ હતું.


આઠમ-નોમની રજાઓ જાહેર થાય તેની સૌ કાગડોળે રાહ જોઇ રહ્યા હતા. પણ, નોટીસ તો સાવ જુદીજ હતી એટલે સૌ ગુસ પુસ કરવા લાગ્યા.


આ નોટીસથી સૌથી વધુ નાખુશી નિવૃતિના આરે પહોંચેલા ભીખલાના ચહેરા પર હતી.


ભીખાભાઇ જુગાર રમતાં રમતાં બધું જ ખોઇને ભીખલો બની ગયેલો....!


તીન પત્તીની દુનિયામાં તેનું નામ મોખરાનું હતું.  ભીખલા સામે કોઇ બંધ બાજી ન રમે....! અને દર આઠમની રાતે તેને ત્રણ એક્કા આવે આવે ને આવે જ....!


'હું ગમે તે થાય આઠમે તો નહી જ આવું...!' ભીખલાએ ખોંખારો ખાઇને કહ્યું.


'કાકા.. આ ઉંમરે તમને બીજે નોકરી મળશે ક્યાં ? હવે જુગાર છોડો ને.....!' સુપરવાઇઝરે વણમાગી સલાહ આપી જે ભીખાને ગમી નહી.


ભીખો કામે વળગ્યો. ત્યાં તેની સાથે નવા વર્કર કિશને પુછ્યું,  'કાકા.. શું એ સાચું છે કે તીનપત્તીમાં દર આઠમની રાતે તમારે ત્રણ એક્કા આવે જ છે....!'


'હા. છેલ્લા ત્રીસ વર્ષથી એક આઠમ એવી નથી ગઇ કે મારી બાજીમાં એક્વાર ત્રણે એક્કા ન આવે...!' ભીખાએ હરખાઇને કહ્યું.


'અને કાકા એવું'એ સાંભળ્યું છે કે તમે આજ'દી સુધી બંધ બાજીમાં કોઇને જીતવા નથી દેતા...!'


'હા.. એ મારો રેકોર્ડ આટલા વર્ષોમાં તુટ્યો નથી..' આજે ભીખો પોતાના જુગારની યશગાથા ગર્વભેર કહી રહ્યો હતો.


'અને કાકા મેં એય સાંભળ્યું છે કે તમે જુગારમાં આ કંપની પણ જીતી ગયા હતા….!' કિશને આ વાત આજે હિંમત કરીને પુછી જ લીધી. જો કે ભીખાને કોઇપણ વ્યક્તિ આ વાત કરે તે ગમતું નહોતું.


પણ કેમ જાણે આજે ભીખો મુડમાં હતો. કપાળે લાગેલો પરસેવો લુછી પાણીની બોટલમાંથી એક ઘુંટડો મારી પોતાની આપવીતી શરુ કરી, ' ત્રીસ વર્ષ પહેલાં હું તારા જેવો જુવાનીયો હતો. એ મારા જુગારની પહેલી આઠમ હતી. હું મારે ગામથી છેક આ શહેરમાં રમવા આવેલો. તે પહેલી રાતે જ આ કંપનીનાં શેઠ મારી સામે હતા. માહોલ બરાબર જામ્યો'તો... અને મારે બરાબર અણીના સમયે જ ત્રણ એક્કાની બાજી ખુલી'તી...  હું તે એક બાજીમાં જ આ કંપનીનો માલિક બની ગયો અને પેલો શેઠ રોડ પર આવી ગયેલો....!' ભીખાએ પોતાની વાત પુરી કરી.


'તો પછી આજે કેમ આ કંપનીમાં જ મજુરી કરતા થઇ ગયાં..?' કિશને પુછ્યું.


ભીખાએ ઊંડો નિ:સાસો નાંખ્યો અને બોલી ઉઠ્યો, 'કંપનીના માલિક બનતાં જ મારા લગ્ન થયાં...  એક દિકરી થઇ... તેનું નામ લક્ષ્મી રાખ્યું. તે ખરેખર લક્ષ્મી જ હતી.. પણ મને જીરવતાં ન આવડી. મારી જુગારની લતે જ હું પછીના ત્રણ વર્ષમાં તો બધુ ખોઇ બેઠો. કંપની, જીવનની જાહોજલાલી અને મારો પરિવાર પણ…..! જો કે મારી પત્ની કહેતી જુગાર છોડો....! પણ હું ના માન્યો...! તે મને છોડીને ચાલ્યાં ગયા..! દર આઠમે મારે આવતી ત્રણ એક્કાની બાજી મારી જિંદગીને ફરી એકવાર પલ્ટી નાખશે તે વિશ્વાસે બસ રમતો જ ગયો... રમતો જ ગયો….! અને દર વર્ષે ત્રણ એક્કાની બાજી આવતી, પણ તે જાહોજલાલી આજદિન સુધી ફરી પાછી ના આવી. જુગારના કારણે જ્યાંનો માલિક બન્યો હતો ત્યાં જ મજુર બની ગયો....'' ભીખાએ આજે વર્ષો પછી પોતાની જિંદગીની બાજી ખુલ્લી કરી.


ત્યાં જ આજની પાળીનો સમય પુરો થયાની વ્હીસલ વાગી અને સૌ છુટાં પડ્યાં.


બીજા દિવસ આઠમની રાતે સૌ કામ પતાવીને કંપનીના ફાર્મ હાઉસમાં ભેગા થયા.


છ મહિના પહેલાં જ આ કંપનીના માલિક બદલાયા હતા. તેમને આ કાર્યક્રમ રખાવ્યો હતો.


ફાર્મ હાઉસની વચ્ચે જ કૃષ્ણ ભગવાનની મોટી મૂર્તિ હતી. સૌ કોઇ તેની સામે એક એક હરોળમાં બેસી ગયા.


ભીખાએ સૌથી છેલ્લે પોતાનું સ્થાન લીધું. તેને આઠમની ઉજવણી કરવા અડ્ડે જવાનું હોવાથી જલ્દી નીકળી જવાય તેવા ઇરાદાથી તે સૌથી પાછળ બેઠો.


થોડીવારમાં શેઠ-શેઠાણી આવ્યાં અને તેમની પાછળ તેમનો દિકરો અને પુત્રવધુ હતા.


જો કે ભીખાને બન્ને આંખોમાં મોતિયો આવી ગયો હતો અને પત્તાની બાજીને સાવ નજીકથી જોવા ટેવાયેલી આંખને દુરના ચહેરા સ્પષ્ટ દેખાતા નહોતા.


'આપણાં નવા શેઠ કે જેઓએ આ દસમી કંપની ખરીદી છે, તેમના એકના એક દિકરાના લગ્ન થોડા દિવસો પહેલા જ થયા છે. તે સૌને આપણે તાળીઓથી વધાવીએ.' માઇક પરની જાહેરાતથી સૌએ તાળીઓનો વરસાદ વરસાવ્યો.


જો કે  ભીખાને તો આ કાર્યક્રમ જલ્દી પતે તેમાં જ  રસ હતો.


શેઠ પોતે માઇક પાસે આવ્યાં અને તેમને જાહેરાત કરી, ' આજે આઠમની તહેવારની રાત છે, મને ખબર છે કે તમે પરાણે અહીં આવ્યા હશો. મારે આજે આ કાર્યક્રમની શરુઆત થોડી જુદી રીતે કરવી છે.'


શેઠ વચ્ચે રોકાયા તો સૌનું ધ્યાન તેમની તરફ ખેંચાયું.


શેઠ થોડીવાર રોકાઇને બોલ્યા, ' આજે આઠમની રાતની શરુઆત મારે પત્તાની એક ગેમ રમીને કરવી છે, તમારામાંથી કોઇ છે જે મારી સામે તીનપત્તી રમી શકે....??'


શેઠની આ જાહેરાતથી સૌ કોઇ અચંબામાં પડી ગયા.


શેઠે બીજીવાર જાહેરાત કરી. તો સૌએ ભીખા તરફ આંગળી ચીંધી.


'તો ભીખો મારી સામે આવશે....!' શેઠે હુકમ કર્યો.


ભીખો નીચું મોં રાખીને શેઠ પાસે ગયો..


બધાની વચ્ચે જ મોટો પાટ ગોઠવાઇ ગયો અને શેઠે પોતાના ખિસ્સામાંથી ગંજીફા કાઢી ચીપવાના શરુ કર્યા.


ભીખાની નજર શેઠની સામે મળતાં જ આંચકો લાગ્યો, આ તો એજ વ્યક્તિ જેની સામે આજથી ત્રીસ વર્ષ પહેલાની આઠમે આ કંપની જીત્યો હતો.


'કેમ ભીખા મજામાં...?' શેઠે બાજી વહેંચી દીધી.


'તારી જુગારની કથાઓ મેં બહુ સાંભળી છે ..! આજે મારે તારી સાથે બંધ બાજી રમવી છે, તું શું મુકીશ, તારી રમતમાં...? હું ફરી આ કંપની દાવ પર લગાડવા આવ્યો છું. આજે આ કંપની તારી અથવા તું સાવ રસ્તે રઝડતો થઇ જા તે જ મારી અંતિમ ઇચ્છા છે...!' શેઠે બધાને સંભળાય તેમ કહ્યું અને પત્તા વહેંચી દીધા.


પત્તા સામે પડતાં જ ભીખાના ચહેરા પર રોનક આવી, 'મારું આલિશાન મકાન, મારી પત્ની અને દિકરીના ઘરેણાં, મારી બધી રોકડ જમા પુંજી બધું હું આ બાજીમાં મુકુ છું..' ભીખાએ તો સાવ જુઠ્ઠાણું ચલાવ્યું.


'બસ તો આજે તારી જિંદગીનો છેલ્લો દાવ…!' શેઠે થોડીવાર પછી પોતાના પત્તા ખોલી દીધા.


તેમાં એક્કો, દુરી અને તીરી નીકળતા જ શેઠ ખુશ થઇ ગયા. 'ભીખા, હવે તારી પાસે કંઇ જ નહી બચે..!'


ભીખાએ પોતાના પત્તા પર નજર ફેરવી અને વારાફરતી ત્રણેય પત્તા પર હાથ ફેરવ્યો. તેમાંથી એક પત્તુ ખુલ્યું તો 'કાળીનો એક્કો' હતો... બીજું પત્તું ખોલ્યું તો તે 'ફુલ્લીનો એક્કો...'


સહુ આ ગેમ જોઇને દિગ્મૂઢ બની ગયા હતા.. ભીખાએ છેલ્લુ પત્તુ ઉંચુ કર્યુ.. સૌ કોઇ એકસાથે બોલી ઉઠ્યા, 'એક્કો....!'


પણ આજે વિધીનું વિધાન જુદું હતું. ત્રીજુ પત્તુ દુગ્ગી હતી અને ભીખો ફસડાઇ પડ્યો.


'સારું તો ભીખા તારું આલીશાન ઘર, તારી દિકરી અને પત્નીના ઘરેણાં મને આપી દે એટલે તને સાવ રસ્તે રઝળતો જોઉં તો મને આનંદ થાય… !' શેઠે પોતાની જીતેલી બાજી જોઇને કહ્યું.


'પણ શેઠ.. મારી પાસે ન તો ઘર છે, ના પત્ની, ના દિકરી કે ના કોઇ ઝવેરાત... હું તમને શું આપીશ ?' ભીખો રડતો રડતો શેઠના પગમાં પડ્યો.


ત્યારે સામે જ સામે ઉભેલી તે શેઠની પુત્રવધુ બોલી, 'લો આ મારા ઘરેણાં.... આપી દો..!'


'પણ તે હું ના લઇ શકું....!' જુગારનો શહેનશાહ ભીખો બધાની સામે પોતાની નજર પણ ઉંચી નહોતો કરી શકતો..


'કેમ બાપુ, મને ના ઓળખી.. ? હું તમારી લક્ષ્મી...મારા ઘરેણાં તો તમે જુગારમાં મુક્યાં હતા ને...! લો આ બધા, મારી પોતાની કમાઇના છે બાપુ....!' લક્ષ્મી દોડીને ભીખા પાસે આવી અને પોતાના લાચાર બાપને જોઇ રહી.


'મારી લક્ષ્મી…..! મારી દિકરી....!' ભીખાની આંખ ભરાઇ આવી અને ગળું રુંધાઇ ગયું.


શેઠ તરત તેની પાસે આવ્યાં અને બોલ્યાં, ' ભીખા આ તો વિધીનો ખેલ છે, તે આઠમે હું તારી પાસે બધુ હારીને ગયો ત્યારથી તને ખૂબ નફરત કરતો હતો. તે રાતથી મેં જુગાર રમવાનું બંધ કર્યુ અને ધંધામાં ફરી મહેનત શરુ કરી. જુગારની લત ગઇ અને મારું ભાગ્ય ફળ્યું.  મારો દિકરો અને તારી દિકરી કોલેજમાં સાથે ભણતા, તેમને પ્રેમ લગ્ન કર્યા. જ્યારે મને ખબર પડી કે લક્ષ્મી તારી દિકરી છે ત્યારે મને તેના પ્રત્યે નફરત થવા લાગેલી, પણ તેને મને જિંદગીની સાચી સમજણ આપી. તેને કહેલું કે પપ્પા તે રાત્રે જુગારની રમતમાં ભલે તમે ત્રણ એક્કા સામે હારી ગયા પણ જિંદગીની બાજી તમે જીતી ગયા છો. તમારી જુગારની લત છુટી ગઇ... તે જુના દિવસો કરતાં આજે વધારે કંપનીઓના માલિક બન્યાં છો.. તો તે હારેલી રમત જ તમને નવી જિંદગી આપી ગઇ છે... જ્યારે મારા બાપુ ત્રણ એક્કા સાથે ભલે તે ગેમ જીત્યા પણ પોતાની આખી જિંદગી હારી ગયા...! તે ત્રણ એક્કાની સામે તેમને ખરેખર મળ્યું શું ? લક્ષ્મીની વાતમાં સચ્ચાઇના સૂર હતા. અરે, ભીખા, હું નસીબદાર છું કે આ સાચી લક્ષ્મી મારા આંગણે આવી...! જેને મને જિંદગીની સાચી શીખ આપી.'


ભીખો સાવ જડવત બની પોતાની દિકરીને જોઇ રહ્યો હતો..


લક્ષ્મીએ ફરી કહ્યું, 'બાપુ ભલે આજે તમે હાર્યા... ગેમમાં ત્રણ એક્કા એ જિંદગી નથી. આજે છેલ્લીવાર કહું છું હવે આ જુગારના રસ્તેથી પાછાં વળો....!'


બધાની વચ્ચે આજે ભીખો પોતાની જ જુગારની ગાથાઓ પર શરમ અનુભવી રહ્યો હતો. મહામહેનતે તેના ગળા માંથી શબ્દો નીકળ્યા,


'ખરેખર દિકરી પહેલીવારની ત્રણ એક્કાથી બાજી જીતીને હું જિંદગી હારી ગયો હતો તે મને આજે સમજાયું. માફ કરી દે મને...!' ભીખાએ પોતાના બન્ને હાથ દિકરી સામે જોડી દીધા.


'બસ.. બાપુ હવે તમે પાછા વળો... તો માં ના આત્માને પણ શાંતી મળશે...!' અને લક્ષ્મી દોડીને બાપુને વળગી પડી.

 

 

સ્ટેટસ
ત્રણેય એક્કા હાથમાં હતા ને જુગારની જીતનો  જશ્ન હતો.
નાનકડી જીત પછી કેટલું હારીશ તે છુપાયેલો પ્રશ્ન હતો.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsDM1hBrVi5aferXJPHj6ah0kVUdWe1XuxxKxf195TQHg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment