સિકંદરે નદીના તટે સૂતેલા ડાયોજિનસને બોલાવી લાવવાનો આદેશ સૈનિકોને આપ્યો ત્યારે... ગ્રીક ફિલોસોફર ડાયોજિનસ એક વાર નગ્નાવસ્થામાં એક નદીના તટમાં રેતી પર પડ્યા-પડ્યા શિયાળાની એક સવારે સૂર્યસ્નાન કરી રહ્યા હતા. એ વખતે સમ્રાટ સિકંદર તેના લશ્કર સાથે ત્યાંથી પસાર થયો. તેણે જોયું કે એક નિર્વસ્ત્ર માણસ પોતાની મસ્તીમાં નદીના તટ પર સૂતો છે.
સિકંદરે તેના સૈનિકોને આદેશ આપ્યો કે પેલા માણસને બોલાવી લાવો.
તેના સૈનિકો ઉતાવળે ડાયોજિનસ પાસે પહોંચી ગયા. તેમણે ડાયોજિનસને કહ્યું કે ચાલ સમ્રાટ સિકંદર તને બોલાવે છે.
ડાયોજિનસ શાંતિથી પડ્યા રહ્યા. તેમણે પૂછ્યું, કોણ સિકંદર?
સૈનિકોને ગુસ્સો આવ્યો. તેમણે કહ્યું, જેને આખી દુનિયા ઓળખે છે એવા સમ્રાટ સિકંદરને તું નથી ઓળખતો? તત્કાળ ઊભો થા અને સમ્રાટ સિકંદર સામે હાજર થા.
ડાયોજિનસે કહ્યું, જાઓ, મારે કોઈ સિકંદરને મળવું નથી.
સૈનિકોએ કહ્યું, મૂર્ખ માણસ, તું મૃત્યુને આમંત્રણ આપી રહ્યો છે. સિકંદરના આદેશનો અનાદર કરનારાએ મૃત્યુને ભેટવું પડે છે. થોડી ક્ષણોમાં તારો શિરચ્છેદ થઈ જશે.
ડાયોજિનસે કહ્યું, મારું મસ્તક તો ક્યારનું અલગ થઈ ચૂક્યું છે. મેં મારા અહંકારને મારી નાખ્યો છે. જે માણસમાં અહંકાર જીવતો હોય તેણે પોતાનું માથું કપાવાની ચિંતા કરવાની હોય. મારે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી!
સૈનિકોને માટે એ મહાન ચિંતકની વાત સમજવાનું અત્યંત કઠિન હતું. તેમને લાગ્યું કે આ કોઈ પાગલ માણસ લાગે છે. તેઓ સિકંદર પાસે પાછા ગયા. તેમણે કહ્યું કે એ માણસ તો પાગલ લાગે છે. તેણે તમારી પાસે આવવાની ના પાડી દીધી.
સૈનિકોને હતું કે સમ્રાટ સિકંદર તે માણસનો શિરચ્છેદ કરી નાખવાનો આદેશ આપશે, પરંતુ સિકંદર વિચારમાં પડી ગયો કે આ કોઈ અનોખો માણસ હોવો જોઈએ જે મને મળવા આવવાની ના પાડી શકે. તે સામે ચાલીને ડાયોજિનસ પાસે ગયો.
ડાયોજિનસ આકાશ તરફ જોઈ રહ્યા હતા. સિકંદર તેમની પાસે ગયો. તેણે પૂછ્યું, તમે કોણ છો?
ડાયોજિનસે કહ્યું, હું ડાયોજિનસ છું.
સિકંદરે ડાયોજિનસ વિશે ઘણું સાંભળ્યું હતું, પણ તે ક્યારેય તેમને મળ્યો નહોતો. તેણે ડાયોજિનસને કહ્યું, તમને મળીને મને આનંદ થયો.
સિકંદરને હતું કે ડાયોજિનસ પણ તેને કહેશે કે તમને મળીને મને પણ આનંદ થયો. પણ ડાયોજિનસે એવું કશું કહેવાને બદલે તેને અણધાર્યો સવાલ કર્યો.
નદીના તટે નગ્નાવસ્થામાં સૂતેલા ચિંતક ડાયોજિનસે સિકંદર પાસે જવાની ના પાડી દીધી એટલે સિકંદર સામે ચાલીને તેમને મળવા ગયો અને તેણે તેમને કહ્યું કે તમને મળીને મને ખૂબ આનંદ થયો. સિકંદરને લાગ્યું કે ડાયોજિનસ પણ તેને કહેશે કે તમને મળીને મને પણ આનંદ થયો. પણ ડાયોજિનસે એવું કશું કહેવાને બદલે તેને તુંકારે ઉદ્દેશીને પૂછ્યું, તું ક્યાં જઈ રહ્યો છે?
સિકંદરે જવાબ આપ્યો, હિન્દુસ્તાન જીતવા જઈ રહ્યો છું.
ડાયોજિનસે પૂછ્યું, પછી શું કરીશ?
સિકંદર બીજા દેશોનાં નામો ગણાવવા માંડ્યા.
ડાયોજિનસે પૂછ્યું: આ બધા દેશો જીતી લીધા પછી શું કરીશ?
સિકંદરે કહ્યું, પછી હું આરામ કરીશ.
ડાયોજિનસ હસી પડ્યા. તેમણે કહ્યું, તો અત્યારે તને આરામ કરવાની કોણ ના પાડે છે? આટલાં બધાં યુદ્ધો લડીને, આટલી રઝળપાટ કરીને છેવટે તારે આરામ જ કરવો હોય તો આટલી દોડધામ શા માટે કરે છે, ભલા માણસ? અહીં આ રમણીય નદીને કાંઠે ખૂબ જગ્યા છે. મારી બાજુમાં આવીને લંબાવી દે. અત્યારે જ આરામ કરવા માંડ!
સિકંદરને થયું કે વાત તો સાચી છે. તેણે ડાયોજિનસને કહ્યું કે મને તમારી ઈર્ષા આવે છે, મને જો પુનર્જન્મ મળે તો હું ઈશ્ર્વરને કહીશ કે મને ડાયોજિનસ બનાવજે.
ડાયોજિનસ હસી પડ્યા. તેમણે કહ્યું, ભલા માણસ, આમાં ઈશ્ર્વરને વચ્ચે નાખવાની શું જરૂર છે? તું આ જન્મમાં જ, અત્યારે જ ડાયોજિનસ જેવી જિંદગી જીવી શકે છે. ફગાવી દે તારાં શસ્ત્રો અને તારું સામ્રાજ્ય અને આ સૂર્યના કિરણોને માણવા સૂઈ જા આ નદીના તટ પર. મારે સિકંદર બનવું હોય તો મને તકલીફ પડે. મારી પાસે સૈન્ય નથી કે મને યુદ્ધો જીતતા આવડતું નથી. તારે ડાયોજિનસ જેવી જિંદગી જીવવી હોય તો તને કોઈ તકલીફ ન પડે.
સિકંદર થોડી ક્ષણો માટે ડાયોજિનસની સામે તાકી રહ્યો. તે વિચારોમાં ઘેરાઈ ગયો, પણ પછી તેને યાદ આવ્યું કે હજી તો ઘણા દેશો જીતવાના બાકી છે. એટલે તેણે કહ્યું કે તમારી વાત સાચી છે, પણ હજી મારે ઘણા દેશો જીતવાના છે એટલે હું અત્યારે આરામ કરવાનું વિચારી પણ ન શકું!
ઓશોને આ કથા ખૂબ જ પ્રિય હતી. તેમણે અનેકવાર તેમના પ્રવચનોમાં આ કથા કહી હતી. ઓશો આ બોધકથા કહ્યા પછી ટિપ્પણી કરતા કે દરેક વ્યક્તિ સામે જીવનમાં આવો વિકલ્પ આવે છે, પણ માણસ પોતાની પાસે હોય એનાથી વધુ મેળવવાની લાહ્યમાં ચેનથી જીવી શકતો નથી.
જીવનમાં વધુ ને વધુ મેળવવાની ઝંખના મોટા ભાગના માણસોને જીવનપર્યંત શાંતિ મેળવવા દેતી નથી.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuCGMunVzv-RwPE9-M1whA6Oc0qsX6S%2BY6rv%2BAMSKj7bg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment