Thursday, 21 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ જ્ઞાન અને સમજ વગરની ભક્તિ અને ધ્યાન વ્યર્થ છે... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જ્ઞાન અને સમજ વગરની ભક્તિ અને ધ્યાન વ્યર્થ છે!
કહત કબીરા - ભાવાર્થ: કાન્તા વોરા

amdavadis4ever@yahoogroups.com

સાખી :- તેરા સાહેબ તુઝ મેં, જ્યો પુહુપનમેં બાસ;

કસ્તૂરી કા મિરગ જ્યોં ફિર ફિર ઢુંઢે ઘાસ.

ભાવાર્થ :- આપણે માનવીઓ ઇશ્ર્વરને મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા જેવાં દેવાલયો અને તીર્થસ્થાનોમાં શોધવા માટે ભટકીએ છીએ પણ ઇશ્ર્વર ત્યાં મળતો નથી તેથી નિરાશ થઇ જઇએ છીએ અને આપણી ભક્તિ વ્યર્થ ગઇ તેવું માનવા લાગીએ છીએ. ત્યારે નિરાશ થયેલા માનવ જીવોને સદ્ગુરુશ્રી કહે છે કે હે જીવ! જેમ પુષ્પમાં સુગંધ રહેલી છે તેમ તારો સાહેબ પરમાત્મા તારા હૃદયમાં જ વસેલો છે, પરંતુ તે અતિ સૂક્ષ્મ હોવાથી દેખાતો નથી. અને જેમ કસ્તૂરી મૃગની નાભિમાં જ કસ્તૂરી હોવા છતાં તેને તે દેખાતી નથી તેથી તે કસ્તૂરીને ઘાસમાં શોધતો ફરે છે. એ જ રીતે તમારો ઇશ્ર્વર તમારા હૃદયમાં જ રહેલો છે તેને તમે બહાર અહીં તહીં તીર્થોમાં શોધવા ભટકતા રહો છો. આગળ કબીરશ્રી કહે છે કે ઇશ્ર્વર બહાર શોધવાનું છોડી તમારા હૃદયમાં જ ઝાંખીને જુઓ તો ત્યાં જ તમને પ્રભુનો સાક્ષાત્કાર થશે.

સાખી :- જા કારન જગ ઢુંઢિયા, સો તો ઘટકી માંહિ;

પરદા દિયા તુ ભરમકા, તા તે સુઝે નાંહિ.

ભાવાર્થ :- જેને પામવા માટે - જેની પ્રાપ્તિને માટે માનવી સંસારમાં શોધતો ફરે છે તે પરમાત્મા તો શરીરની અંદર જ હૃદય નામના દેશમાં જ રહેલો છે, પરંતુ તેં તારા અંતરની આડે ભ્રમ રૂપી અજ્ઞાનનો પડદો પાડેલો છે તેથી તને તે દેખાતો નથી.

અજ્ઞાની મનુષ્યો એવી ભ્રમણામાં રાચે છે કે ઇશ્ર્વર તો ક્યાંક દૂર વૈકુંઠ જેવા દેશમાં વસે છે માટે જ આવી ભ્રમણામાં રાચતાં મનુષ્યને ઇશ્ર્વરનો સાક્ષાત્કાર થતો નથી. જેમ આપણે જોઇતી વસ્તુ કોઇ બીજી જગ્યાએ હોય અને તે બીજી જગ્યાએ હશે તેમ ધારી લઇએ તેને ભ્રમ કહે છે એમ કહેતાં સદ્ગુરુશ્રી કહે છે કે જ્યાં વસ્તુ હોય જ નહીં ત્યાં તેને તમે શોધતા રહો તો તે મળે જ ક્યાંથી? તમારા દેહમાં રહેલા હૃદયમાં વસેલ ઇશ્ર્વરને તમે મંદિરો , તીર્થો અરે! વૈકુંઠમાં શોધતાં ફરો છો, પણ એ ત્યાં હોય જ નહીં તો તમને મળે કઇ રીતે?

સાખી :- જ્યોં તિલ માંહિ તેલ હૈ, જ્યોં ચકચક મેં આગિ;

તેરા સાંઇ તુજમેં, જાગિ સકૈ તો જાગિ.

ભાવાર્થ :- ઇશ્ર્વરને પામવા અને તેનો સાક્ષાત્કાર કરવા ઉત્સુક અને વ્યાકુળ રહેતા સંસારી જીવોને સદ્ગુરુ કબીરશ્રી કહે છે કે હે જીવ! જેમ તલમાં તેલ રહેલું છે અને જેમ ચકમકના પથ્થરમાં અગ્નિ રહેલો છે તેમ તારો સ્વામી પરમાત્મા તારામાં જ સમાયેલો છે. તારા હૃદયમાં રહેલા પરમાત્માને ઓળખવાનો પ્રયત્ન કર. જાગી શકે તો જાગી જા અને ચેતી જા! હૃદયમાં આત્મારૂપે બીરાજેલા પરમાત્માને જાણી તેની કૃપાથી મોક્ષપદ પ્રાપ્ત કર!

સાખી :- જ્યોં નૈનન મેં પૂતરી, ત્યોં માલિક ઘટ માંહિ;

મુરખ લોગન જાનહીં, બાહર ઢુંઢન જાહિં;

ભાવાર્થ :- સદ્ગુરુ કબીરશ્રી ઇશ્ર્વરને આંખની કીકી સાથે સરખાવતાં કહે છે કે હે મનુષ્યો! જેમ આંખમાં કીકી રહેલી છે અને આંખની રક્ષા કરી તમારી દૃષ્ટિને બરાબર રાખે છે તે જ રીતે તમારા દેહમાં રહેલ ઇશ્ર્વર તમારા શરીરનું રક્ષણ કરે છે, પરંતુ લોકો તે જાણતાં કે સમજતાં નથી અને પથ્થરની મૂર્તિમાં તેને શોધે છે. કબીરશ્રી કહે છે કે જે વસ્તુ જ્યાં હોય ત્યાં જ તેને શોધવી જોઇએ. ધ્યાનથી શોધવાનો પ્રયત્ન કરનારને તે જરૂર મળે છે. ઇશ્ર્વર પ્રાપ્તિનું પણ એવું જ છે. અહીં તહીં શોધવા માટે વ્યર્થ ફાંફા મારનારને કંઇ જ પ્રાપ્ત થતું નથી.

સાખી :- પાવક રૂપી સાંઇયાં, સબ ઘટ રહા સમાય;

ચિત ચકમક લાગે નહીં, તા તેં બુઝિ બુઝિ જાય.

ભાવાર્થ : - આપણે મૃત્યુલોકનાં માનવીઓ ઇશ્ર્વરનાં સાક્ષાત્કાર અને મોક્ષની પ્રાપ્તિ માટે સદાય આતુર રહી છીએ, તે માટે પ્રભુનું નામસ્મરણ અને ધ્યાન વગેરે કરતાં રહીએ છીએ અને ભક્તિ કર્યાનો સંતોષ માનીએ છીએ. પણ એ ભક્તિ અને ધ્યાન કેટલાં ફળદાયી છે? પ્રભુ સમીપે પહોંચાડનારને યોગ્ય છે કે નહીં? તે વિષે કશું જાણતાં નથી. એ વિષયમાં અજ્ઞાની એવા આપણને સદ્ગુરુશ્રી મુક્તિ પ્રાપ્ત કરી પ્રભુનો સાક્ષાત્કાર પામવાનો માર્ગ ચીંધતા કહે છે કે 'પ્રભુ અગ્નિરૂપ છે. જેમ ચકમકમાં અગ્નિ રહેલો છે તેમ આ અગ્નિરૂપ પ્રભુ સર્વ દેહમાં વસેલો છે, પરંતુ જેમ લોખંડને ચકમકનો સ્પર્શ થાય - ઘર્ષણ થાય તો જ અગ્નિ પ્રગટે એ જ રીતે આ ચકમક સાથે ચિત્તનો મેળાપ થાય તો જ અગ્નિ એટલે પ્રભુ પ્રગટે છે. ચિત્ત સ્થિર થઇ પ્રભુનું ધ્યાન કરે તો ત્યારે જ્ઞાન પ્રાપ્ત થાય અને એ અજ્ઞાનથી જ મુક્તિ પ્રાપ્ત થાય. કબીરશ્રી કહે છે જ્ઞાન કે સમજ વગરની ભક્તિ કે ધ્યાન વ્યર્થ છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot9aC%2BWEg%3D0ZW3QtXK%2BSS2zyMdLrwdsHCWDuFQow_bkPQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment