અરબી સાગરની છાતી પરથી વહેતો પવન અગાધ જળરાશિને ડહોળતો, લહેરોમાં વિંટાતો, કિનારે આવીને વિખેરાઈ જવા લાગ્યો. ક્ષિતિજ પર વાદળની ચીંથરીઓ ચૉટી રહેલી. ફ્લોરોસેન્ટ કલરથી દોરેલા વર્તુળ જેવો સૂરજ વાદળના ટુકડા પાછળ સંતાઈ ગયો. પાટણ તરફ મોઢું કરી ભીમદેવના ઘોડાના ડાબલાનો અવાજ સાંભળતી હોય તેમ શીખર પરની ધજા ધીરે ધીરે ફરકતી હતી. હજારો વર્ષોથી ગુજરાતની ભૂશીર સાથે ગેલ કરતો અરબીસાગર મસ્તીએ ચડ્યો હતો. સાંય આરતિનો સમય થયો હતો. મહમદ ગજનવીના હૂંકારને પગ તળે કચડતા ભક્તો આવી રહ્યા હતા. બેય તરફ ભીડ જામતી જતી હતી. મંદિરમાં અને સાગર કાંઠે.
એક તરફ મહાસાગર બીજી તરફ મહાદેવ! બેય વિશાળ, બેય અગાધ, બેય અનંત, બેય આદિ! આવા સમયે રેતીલા સાગરકાંઠે માનવમેળામાં ધડકતા અનેક હૈયા વચ્ચે કાંઠે બેઠેલી નીપાની આંખોમાં ઉદાસી છવાતી જતી હતી. કાં તુ અહીં કિનારે બેસી રહી છો?
નીપાએ ચમકીને પાછળ જોયું. પાછળ બેન ઊભા હતાં. તેમની હંમેશની અદામાં. અદબ વાળીને. નીપાની આંખોમાં ક્ષણેક અપરિચિતતા આવી ગઈ. ચશ્મામાંથી તાકતી બેનની આંખો સામે જોવાયું ન હોય તેમ નીપાએ કપડાં, બૂટ ચંપલના ઢગલા સામે જોયું. નીપાએ જવાબ ન આપ્યો એટલે બેન મલકીને બોલ્યા. – સમજી ગઈ. તો તારે પહેલેથી કહી દેવું જોઈએને? એવું હતું તો આપણે ચાર દિવસ મોડા નીકળત. પણ તારી તારીખો તો ........ બેનની આંખો પલકારા મારવા માંડી. વાક્ય અધુરું છોડી બેન નીપાને પડખે બેસી ગયા. તેમનો હાથ નીપાની પીઠ પર ફરવા લાગ્યો. તેમના સ્વરમાં સહાનુભૂતિ આવી ગઈ. બેને કહ્યુ : નીપા સાલ્લું આપણે સ્ત્રીઓને કેટલી બધી જળો જથ્થા? એ પાંચ દિવસો તો..... બેન કંઈક જુદું સમજ્યા છે, અને એ બાબતે વધુ ભાષણ દેશે. એટલે બેનનું વાક્ય પુરું થાય તે પહેલા નીપા વચ્ચે જ બોલી પડી : ના બેન, તમે સમજો છો તેવું નથી.
બેનના ભીડાઈ રહેતા હોઠ પરથી સ્મિત રેલાયું. તે વખતે જ એક મોજું છેક તેમના પગ પાસે આવી ગયું. બેને નીપાના વાંસામા હળવો ધબ્બો મારતા કહ્યું : લે હું તો શું ય સમજીહતી. તો પછી તું અહીં કાંઠે શા માટે બેઠી છો? તને તો દરિયાની ઘેલછા છે. તું તો કહે છે ને કે, દરિયો તારો પ્રેમી છે. આ રહ્યો તારો પ્રેમી. જો ને બિચારો છેક પગ પાસે આવીને તને વિનવે છે.પ્રેમીને મળ્યા વગર કોરેકોરી જઈશ? બેન તેમના અધ્યાપકીય મિજાજમાં આવી ગયા હતા. નીપાને સાંભળવું ગમ્યું નહી .બેન વધુ આગળ વધે તે પહેલા નીપાએ કહ્યું ; બધા ચાલ્યા જાય તો આ બૂટ અને કપડાં કોણ સાચવે? નીપાનું વાક્ય દરિયાની કોરી રેતીની જેમ કણ કણ થઈને વેરાઈ ગયું. પણ બેન પાસે તો હંમેશા જવાબ હાજર જ હોય. નીપાની વાત સ્વીકારીલે તો બેન શાના?
તો હવે જા. આ બધું હું સાચવીશ. જા જા. પેલા છોકરાઓને ગમશે. તું એમની લાડકી છો. ભલે જરા મોટી રહી પણ એમના જેવડી જ લાગશ. મારી તો એ મર્યાદા રાખે છે. વળી એમને માર્કસ લેવાના હોય એટલે ખોટેખોટું માન રાખે. મારા કરતા તારી કંપની એમને વધારે ગમે છે. એ લોકો કહેતા હતા કે, નીપાબેન વગર જામતું જ નથી. હા, પેલો ભૂરિયો જરા વધુ ટાયડો છે. આપણે આપણી હદમાં રહીએ. અને કોઈ હદ બતાવતા હોય તેમ બેને ભીની રેતીમાં આંગળીથી લીટી દોરી. નીપા તોય માથું નીચું કરી બેસી રહી. બેનના ચશ્માની ફ્રેમ પરથી કેશરી અજવાળું પરાવર્તીત થતું હતું. બેને નીપાનું માથું ઉંચું કરતા કહ્યું : કાં શું વિચારશ? જા જા. નીપાએ માથું હલાવી ના પાડી. પછી તે દરિયા અને આકાશને જોડતી લીટી સામે જોઈ રહી. દૂર એક હોડી મોજાંમાં ઉંચકાતી, નીચે સરતી જઈ રહી હતી. બેનની આંખો ઝીણી થઈ. સામાન્ય રીતે જ્યારે બેનને કશું ન ગમે કે કોઈ શંકા પડે ત્યારે તેમની આંખો ઝીણી થઈ જતી. તેમણે નીપા સામે જોતા કહ્યું : તારા કહેવાથી તો આ પ્રોગ્રામ બનાવ્યો છે. નીપા આપણે નીકળ્યા છીએ ત્યારથી જ તું કંઈક અપસેટ હો એવું લાગે છે. શું વાત છે? જા, હજી થોડું અજવાળું છે.અંધારું થશે પછી બધા બહાર આવી જશે. તારે પેલી ત્રણ છોકરીઓનું પણ ધ્યાન રાખવાનું છે. ઠીક છે, એ લોકો થોડી મજાક મસ્તી કરે.પણ તોય આપણે એમનું ધ્યાન રાખવાનું. કંઈ થઈ જાય તો એમના મા બાપતો આપણને જ કહેને! અને હું તો એમની ગુરુ છું, જોકે તારી પણ ગુરુ છું. માટે કહું છું જા. થોડી ભીંજાઈશ તો મન હળવું થશે.
નીપાએ એકદમ બેનની આંખોમાં જોયું. બેનની આંખો કોરીધાકોર હતી. નીપાએ જવાબ આપવાને બહાને કે આ વાત આગળ ચાલતી રહે તે માટે કહ્યું : ના બેન, મને આજે ઠંડી લાગે છે. તમને તો ખબર છે કે મારો શરદીનો કોઠો છે.
તો તારી મરજી. કહી બેન ઢીચણને બાથ ભરી બેસી રહ્યા.
થોડી ક્ષણો વિતી ગઈ. બેન ચૂપ હતા. નીપાએ વિચાર્યું : બેન સાચા છે. પોતાના કહેવાથી જ બેને આ પ્રોગ્રામ બનાવ્યો છે. જોકે દર વર્ષે વેકેશનમાં બહાર જવાનો કાર્યક્રમ બનતો જ.આ વખતે સોમનાથ જવું છે એવું નીપાએ જ બેનને કહેલું. તે વખતે બેને કહેલું કે આ વખતે ઝાઝો જમેલો નથી લઈ જવો.તોય, દસેક જણ તો થઈ જ ગયા. બેનના એમ. એ.ના આઠ છોકરા છોકરી ઉપરાંત બેન અને નીપા પોતે.
આમ બેન પચાસ પાર કરી ગયા છે. નીપા હજી ત્રીસની જ છે. પણ બેય વચ્ચે જુનો સંબંધ છે. જુનો અને જુદો ય ખરો. નીપા આજે ઈચ્છતી ન હતી કે બેન ચૂપ થઈ જાય. નીપા ઈચ્છતી હતી કે બેન વાત કરે.પોતાની ઉદાસીનું કારણ પુછે. પોતાના મનને ખોતરે. બેન બધી વાત કઢાવે. ઝીણું ઝીણું બધું જ. પોતે બધું જ કહી દે. પોતાના મનની, પોતાના આંનંદની ,ઉદાસીની વાત કહી દે. ધીરેથી એ પણ કહી દે કે, બેન મારી ઉદાસીનું કારણ કિશન છે. બેન આંખો પહોળી કરી પોતાની સામે જુએ. પછી ખડખડાટ હસી પડતા કહી નાખે: છોરી તું ભારે ઊંડીં નીકળી. મને તો એમ કે તને કશું જ આવડતું નથી. પણ તું તો પ્રેમમાં પડતાંય શીખી ગઈ. અરે! મેં તો કદી તને આવું શીખવ્યું નથી. મને એતો કહે કેટલીક આગળ વધી ચૂકી છો? તું મને નહીં કહે. મારે કિશનને જ પૂછવું પડશે. સાલ્લો કિશનિયો ભારે ઉસ્તાદ નીકળ્યો. મારી નીપાને જ લઈ ગયો. ચાલ, ઉદાસ ન થા. ફોન કર એને .અને કહે કે અત્યારે જ જે બસ મળે તેમા બેસી સોમનાથ આવી જાય. જાણે બેન આવું કશું કહેવાના હોય તેમ નીપાએ બેન સામે જોયું. પણ, બેન એમ જ બેઠા રહ્યા. ઢીચણને બાથ ભરીને. બેન જાણે દરિયામાં નહાતા, મસ્તીએ ચડેલા યુવાન વિદ્યાર્થીઓની ચોકી કરતા હોય તેમ જોઈ રહ્યા હતા. કિનારે પડેલા પથ્થર સાથે દરિયો ગમે તેટલું માથું પછાડેતોય પથ્થર કોરો ને કોરો. બેન પણ એ પથ્થર જેવા કોરા! મજા ન હોય તો જા, રૂમ પર જઈને સુઈ જા. હું એ બધાને લઈને આવું છું. જાણે દરિયામાં વંટોળ ઉઠ્યો. ઘૂમરી લેતું પાણી કિનારા તરફ ધસ્યું, અને પ્રચંડ તાકાત સાથે દીવાલ સાથે અફળાયું. નીપાએ માથું હલાવી ના પાડી. એણે કપાતા હૈયેબેનના ગોળમટોળ ચહેરા સામે જોયું. જે ચહેરા પર કોઈ સમયે તાજગી અને પ્રસન્નતા દેખાતી, તે ચહેરો હવે ઢળી ગયેલી ઉંમરનું સરનામું બન્યો છે. ગળાની ચામડીની આસપાસ ચરબીના બેડોળ સળ દેખાય છે. વાળનો રંગ અસલિયત ગુમાવી ચુક્યો છે. કમર સહેજ ઝુકી ગઈ છે. જે આંખોમાં ખુમારી અને વાત્સલ્ય દેખાતાં, તે આંખોમાં હવે જિદ્દનાં કાંટાળા ઝાડ ઊગી નીકળ્યાં છે. નીપા બેનના બદલાતા ચહેરાની સાક્ષી છે. છેલ્લાં બાર વર્ષોથી નીપા બેનનો ચહેરો જોઈ રહી છે, સાવ નીકટથી. અનેક બદલાવ પણ તેણે જોયા છે. નીપાએ કોલેજના પહેલા દિવસે બેનને જોયા હતા. બેન એને ગુજરાતી ભણાવતા .હા, નીપાએ બેન વિશે સાંભળેલું ખરું. શહેરમાં થતા સાહિત્યના કાર્યક્રમોમાં દૂરથી જોયેલા પણ ખરા. પણ જ્યારે નીકટથી જોયા ત્યારે નીપાની મુગ્ધાવસ્થા બેન પછવાડે ઘેલી થઈ ગઈ. બેન સાહિત્યનું ભણાવતા ભણાવતા ક્યાંયના ક્યાંય પહોંચી જાય. એમની વાક્ધારા એકધારી ચાલતી રહે. નીપા એકીટશે બેનને જોયા કરે. બેનની વાક્છટામાં કોઈ રહસ્યમય દુનિયા ઉઘડતી હોય એવું લાગે. ભાવ પ્રવાહમાં તણાતી નીપા નોંધપોથીમાં લખવાનું ભૂલી જાય. બેનનું બોલવું, ઊભા રહેવું, હાવભાવ, ઉદગાર, આ બધામાં નીપા રીતસર તણાય. એ ક્યારેક પોતાની જાતને બેનની જગ્યાએ ગોઠવે.પછી ખોવાઈજાય. હજી તો કોલેજનું પહેલું વર્ષ પૂરું પણ થયું ન હતું, અને બેનની ચકોર નજરમાં નીપા કેદ થઈ ગઈ. નીપાના હ્રદયમાંથી છૂટતા તરંગોથી બેન પણ બચી ન શક્યા. એમને ખ્યાલ આવી ગયો કે આ છોકરી જુદી છે. ટાપટીપ વગરની, સીધીસાદી, લાંબાવાળવાળી નીપાના ભાવથી બેન ભીંજાયા, બરાબરના ભીંજાયા.પહેલું વર્ષ પૂરું થયું ત્યાં સુધીમાં બેઉ વચ્ચે કેટલીક ઔપચારિકતાઓ પણ ન રહી.નીપાબેનના ઘેર આવતી જતી થઈ. બેન કુંવારા હતા. પોતાના ભાઈઓથી અલગ રહેતા હતા. પોતાની રીતે રહેતા હતા. નીપા જાણે વર્ષોથી એ ઘરમાં રહેતી હોય તેમ બેનના ઘરમાં હર ફર કરવા લાગી. એ રોજ બેનના ઘેર જાય. બેનના ઘેર સતત અવર જવર હોય. આવનારની સરભરા નીપા જ કરે. ઉપરાંત બેન માટે નાસ્તો તૈયાર કરવો, બેનનું પસંદગીનું ખાવાનું બનાવવાનું એ બધું નીપાના હાથમાં. તે સિવાય, બેનનાં લેક્ચરની નોંધો તૈયાર કરવી, પુસ્તકો ગોઠવવા, કબાટમાં ઝાટક ઝુટક કરવું, થોડા થોડા દિવસે બેનની સાડીઓ સરખી કરવી, બ્લાઉઝને ઈસ્ત્રી કરવી, અરે! બેનના માથામાં તેલ ઘસી આપવું કે ક્યારે પગ દબાવી આપવા. નીપા આ બધું જ કરે. નીપા ન હોય ત્યારે બેન ઘાંઘા થઈ જાય. નીપા વગર બેનને સૂનું સૂનું લાગે. હા, નીપા તો બેનને પૂછ્યા વગર પાણીય પીએ તો બેનને ન ગમે. નીપા ના મા-બાપ કહેવા લાગ્યા છે : નીપા બેન કહેશે તો જ પરણશે. કદાચ બેનની જેમ એ લગ્ન ન પણ કરે. હવે તો બેન જ એના સર્વેસર્વા છે. નીપા નોકરીમાં જોડાયા પછી પણ બેનથી અલગ તો ન જ થઈ. નીપા એકલી ક્યાંય જાય નહીં. જાય તો બેનને કહીને જાય. નીપા શું કરે છે તેનો બધો ખ્યાલ બેન રાખે. બેન એમ. એ.ના વર્ગ પણ લે. એટલે શહેર ઉપરાંત આસપાસનાં ગામડાંના વિદ્યાર્થીઓ સાથે ઘરોબો. દર ઉનાળે એક પ્રવાસ થાય. જેમ આ વખતે બધા સોમનાથ આવ્યા છે. આ વખતે બેનનો બહાર જવાનો વિચાર ન હતો. પણ નીપાએ સોમનાથનો આગ્રહ કર્યો એટલે બેન તૈયાર થયા. કોને કોને કહેવું તેની ચર્ચા થઈ ત્યારે નીપાએ કિશનનું નામ આપેલું. કિશને નીપા સાથે એમ.એ. કરેલું. કિશનનું નામ સાંભળી બેને નીપા સામે જોઈ રહેતાં પૂછેલું : એ વળી તને કેમ યાદ આવ્યો? એ ગયો પછી મેં તો એને જોયો પણ નથી, તને ક્યાં મળી ગયો? મને ગુરૂપૂર્ણિમાના દિવસેય યાદ નથી કરતો. એને થોડો લઈ જવાનો હોય? નકામો છે સાવ.
એ વાત ત્યાં અટકી ગઈ. પણ બેને સતત વિચાર્યા કરેલું કે, નીપાને કિશન ક્યારે મળ્યો હશે? અને નીપા એને સાથે આવવાનું શા માટે કહે? કિશનના નામ પર બેને ચોકડી મૂકી દીધી. નીપાએ પણ પછી એ ચર્ચા કરી નહીં. ફરી એક મોજું છેક બેયના પગ સુધી આવી ગયું. નીપાએ બેન સામે જોયું. બેન મસ્તી કરતા છોકરા છોકરીઓને જોઈ રહ્યા હતા. નીપાને કિશનના શબ્દો યાદ આવ્યા : નીપા તું બેનની ગુલામ છો? બેન કહે એમ જ કરવાનું? એનું કહ્યું કરીશ તો, જેમ એ રહી ગઈ છે તેમ તુય રહી જઈશ. પછી પાછલી વયે તારા યુવાન વિદ્યાર્થીઓને જોઈને નિસાસા નાખ્યા કરજે. દરિયાના પાણીમાં મસ્તીએ ચડેલા વિદ્યાર્થીઓને જોઈ રહેલા બેને અચાનક માથું ઢાળી દીધું. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuhnFf_%3D2KCMkahvcGU4s8Bbg3W0KZVCaEGBP73CSvRtQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment