Tuesday, 2 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ દોડવું -મેડિટેશનનો એક પ્રકાર હોઈ શકે છે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દોડવું એ પણ મેડિટેશનનો એક પ્રકાર હોઈ શકે છે!
ટેક ઓફ:-  શિશિર રામાવત

છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણી મુખ્ય ત્રણ ઋતુઓ એવી સખળડખળ થઈ ગઈ છે કે કઈ સીઝન ક્યારે શરૂ થશે, ક્યારે પૂરી થશે, કેટલી ખેંચાશે ને કેટલી ઓવરલેપ થશે એ જ સમજાતું નથી. આવી સ્થિતિમાં છ પેટા ઋતુઓની તો વાત શી કરવી. છતાંય જાણી લો કે શરદ ઋતુ કાયદેસર રીતે ૧૫ સપ્ટેમ્બરે શરૂ થઈ ચૂકી છે. એટલે જ વરસાદ ક્રમશઃ અદ્રશ્ય થઈ રહ્યો છે ને સાંજે મસ્ત ગુલાબી ઠંડક અનુભવાય છે. ૧૫ નવેમ્બરથી શિશિર ઋતુની સાથે ઠંડીના દિવસો શરૂ થશે. વહેલી સવારે શહેરના ખુલ્લા રસ્તાઓ પર અને જોગર્સ પાર્કમાં રંગબેરંગી ટ્રેક સુટ તેમજ સ્ટાઇલિશ રનિંગ શૂઝ પહેરીને ચાલતાં-દોડતાં લોકોની અત્યારથી જ વધવા માંડી છે.

લોકો હેલ્થ અને ફ્ટિનેસના મામલે ક્રમશઃ વધુ ને વધુ જાગ્રત થઈ રહ્યાં છે એ સરસ વાત છે. એક મોટો ઉત્સાહી વર્ગ જુદી જુદી મેરેથોનમાં ભાગ લેવા માંડયા છે. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં સ્થાન પામી ચૂકેલી મહારાષ્ટ્રની સાતારા હિલ મેરેથોન ગયા શનિવાર જ યોજાઈ ગઈ. દુનિયામાં સૌથી વધારે ઊંચાઈ પર થતી લડાખ મેરેથોન ૯ સપ્ટેમ્બરે યોજાઈ હતી. દોડવીરો હવે ભારતની અન્ય સૌથી પ્રતિષ્ઠિત ગણાતી મેરેથોનને ટાર્ગેટ કરીને તૈયારીઓ કરી રહ્યા છે. હવે સૌથી પહેલાં આવશે કર્ણાટકની ખૂબસૂરત કાવેરી ટ્રેઇલ મેરેથોન, ૨૪ નવેમ્બરે. ત્યાર બાદ મુંબઈ મેરેથોન ૨૦ જાન્યુઆરીએ. ભારતની સૌથી કઠિન અને સૌથી લાંબી ગણાતી મેરેથોન કચ્છમાં યોજાય છે. અહીં હાફ મેરેથોન (૨૧.૦૯૭૫ કિલોમીટર) કે ફુલ મેરેથોન (૪૨.૧૯૫ કિલોમીટર)ના વિકલ્પ નથી. ધોળાવીરાથી શરૂ થતી આ મેરેથોનમાં દોડવીરોએ ૫૧, ૧૦૧ અથવા ૧૬૧ કિલોમીટરનું અંતર કાપવું પડે છે. આ મેરેથોન નથી, અલ્ટ્રામેરેથોન છે! ભયાનક શિસ્ત સાથે વર્ષો સુધી તૈયારી કરી હોય તો જ અલ્ટ્રામેરેથોનમાં સફ્ળ થઈ શકાય છે. આ ફ્ક્ત શરીરનો ખેલ નથી, પ્રચંડ આંતરિક તાકાતની જરૂર પડે છે આમાં. આગામી કચ્છ મેરેથોનની તારીખ છે, બીજીથી પાંચમી ફેબ્રુઆરી.

આજકાલ અમુક આયોજકો, દસ કે પાંચ કે ઇવન ત્રણ કિલોમીટરની 'મેરેથોન' યોજે છે ને લોકો એમાં હોંશે હોંશે ભાગ લઈને પછી ફેસબુક પર ફેટો શેર કરીને સાથે કમેન્ટ ઠઠાડે છેઃ આજે મેં પાંચ કિલોમીટરની મેરેથોન સક્સેસફુલી પૂરી કરી! આ મેરેથોન નથી, પ્લીઝ. આટલા ટૂંકા અંતર માટે મહેરબાની કરીને મેરેથોન શબ્દ વાપરવાનું અને જેન્યુઇન મેરેથોન રનર્સનું અપમાન કરવાનું બંધ કરીએ.

કોમરેડ્સ મેરેથોન દુનિયાની સૌથી કઠિન મેરેથોનમાં સ્થાન પામે છે. આ દોડનું ડિસ્ટન્સ છે, ૮૭.૭ કિલોમીટર. તુલના માટે સાંભળી લો કે રાજકોટથી જામનગર વચ્ચેનું અંતર ૯૦.૩ કિલોમીટર છે. દર વર્ષે દક્ષિણ આફ્રિકામાં ડરબનથી પીટરમેટિત્ઝબર્ગ વચ્ચે કોમરેડ્સ મેરેથોન યોજાય છે. સવારે સાડાપાંચે તે શરૂ થાય. સાંજના સાડાપાંચ પહેલાં એટલે કે વધુમાં વધુ બાર કલાકમાં તમારે અંતિમ હદરેખા સુધી પહોંચી જવું પડે. મુંબઈના ગુજરાતી અમિત શેઠ ૨૦૦૯થી દર વર્ષે સતત કોમરેડ્સ મેરેથોનમાં ભાગ લે છે. કોમરેડ્સ મેરેથોન એસોસિયેશને એમને આ ઇવેન્ટના ઇન્ડિયન એમ્બેસેડર ઘોષિત કર્યા છે. એમનાં પત્ની નીપા પણ એટલાં જ કાબેલ રનર છે. કોમરેડ્સ મેરેથોન પૂરી કરનાર પ્રથમ ભારતીય મહિલા તરીકે તેમનું નામ બોલે છે.

મેરેથોન દોડવા માટે નાનપણથી જ રનર હોવું જરૂરી નથી. અમિતભાઈએ છેક ૩૮ વર્ષની ઉંમરે દોડવાની શરૂઆત કરી હતી. આ માણસે થોડાં વર્ષ પહેલાં કોમરેડ્સ અલ્ટ્રામેરેથોનમાં મળેલી સફ્ળતા અને નિષ્ફ્ળતા બંનેને વર્ણવતું 'ડેર ટુ રન' નામનું અફ્લાતૂન પુસ્તક લખ્યું હતું, જે બેસ્ટસેલર પુરવાર થયું છે. કોમરેડ્સ મેરેથોનની તૈયારીના ભાગ રૂપે તેઓ વર્ષના છ-સાત મહિના સુધી રોજના સરેરાશ ૩૪ કિલોમીટર જેટલું દોડે છે. દોડવાની પ્રેક્ટિસ ન હોય એવા લોકો ફ્ક્ત ૨૦૦ મીટર નોનસ્ટોપ દોડી જુએ. હાંફી હાંફીને અડધા થઈ જવાશે અને આ માણસ રોજના ૩૪ કિલોમીટર કઈ રીતે દોડી શકતો હશે એ કલ્પના કરી કરીને માથું ભમી જશે.

માણસે શું કામ આટલી બધી મહેતન કરવી જોઈએ? જીવ ખેંચી લે એવી કઠોર મેરેથોનોમાં લાખો રૂપિયા ખર્ચીને શું કામ ભાગ લેવો જોઈએ? એનાથી શું મળે? વેલ, ચાલવાના અને દોડવાના શારીરિક ફયદા તો અપાર છે, પણ અમિતભાઈનો જવાબ સાંભળવા જેવો છેઃ "હું ઓશો જેને 'નો-માઇન્ડ' કહે છે તે અવસ્થાની શોધમાં છું. આ અવસ્થા એટલે વિચારોથી સંપૂર્ણપણે મુક્ત હોય એવી અવસ્થા. જેમાં તમે આગળ-પાછળનું સઘળું ભૂલીને કેવળ વર્તમાનમાં હો એવી સ્થિતિ. મારે માત્ર 'હોવું' છે. વિચારોને ઠાલવી નાખવા છે. આ પ્રકારની અવસ્થાએ પહોંચવા માટે કેટલાક લોકો ધ્યાન ધરે છે. મને આવી ક્ષણો દોડતી વખતે પ્રાપ્ત થાય છે. દોડતો હોઉં તે દરમિયાન અચાનક જ પેલી જાદુઈ ક્ષણ આવે ને મારામાં સભાનતા જાગે કે હું કશું વિચારી રહ્યો નથી, અનુભવી રહ્યો નથી. એવું લાગે કે જાણે હું મારી જાતમાંથી બહાર નીકળીને ખુદને નિહાળી રહ્યો છું. જાણે કે હું માત્ર 'છું'. વિચારમુક્ત, શૂન્ય… અને મારી જાતને સાક્ષીભાવે દોડતો જોઈ રહ્યો છું. પ્યોર કોન્શિયસનેસ! નિર્ભેળ સુખની આવી ક્ષણો જોકે બહુ ઓછી આવતી હોય છે. તે થોડી સેકન્ડો તો માંડ ટકે, પણ એક વાર એનો સ્વાદ ચાખી લીધા પછી અવારનવાર એની પ્રતીતિ કરવાનું મન થાય. મજાની વાત એ છે કે આવી પળ ત્યારે જ આવતી હોય છે જ્યારે હું સભાનતાપૂર્વક એની રાહ ન જોતો હોઉં. આમ, મારા માટે દોડવું તે કોઈ મંઝિલ સુધી પહોંચવાની પ્રક્રિયા નથી. મારા માટે દોડવું એ જ મંઝિલ છે.

મને દોડવું ગમે છે, કેમ કે જ્યારે હું દોડું છું ત્યારે બીજું કશું જ કરતો હોતો નથી. હું માત્ર 'હોઉં' છું."

તો, દોડવું એ મેડિટેશનનો પ્રકાર હોઈ શકે છે. દોડવું એક આધ્યાત્મિક પ્રક્રિયા બની શકે છે! અલ્ટ્રામેરેથોન જ શા માટે, ૨૧ કિલોમીટરની સાદી હાફ મેરેથોનમાં ફિનિશ લાઈન પર પગ મૂકતી વખતે જે આત્મસંતોષની લાગણી થાય છે તે પણ અવર્ણનીય હોય છે. મેરેથોન-રનર્સના પુસ્તક કે બ્લોગ વાંચવાથી જો ગજબનો પાનો ચડી જતો હોય તો કલ્પના કરો કે ખરેખરી હાફ કે ફુલ મેરેથોન પૂરી કરનારને કેવી અદ્દભુત અનુભૂતિ થતી હશે.

મેરેથોનના નામથી ગભરાઈ જવાની સહેજે જરૂર નથી. અગાઉ કહ્યું તેમ, નાનપણથી જ સ્પોર્ટ્સમાં 'આગળ પડતા' હોય એ લોકો જ મેરેથોનમાં ભાગ લેવાની હિંમત કરી શકે છે તેવું માનવાની જરાય જરૂર નથી. આ લખનારે પોતાના જેવો નોન-સ્પોર્ટી માણસ બીજો એકેય જોયો નથી અને છતાંય એણે ૨૧ કિલોમીટરની ચાર હાફ મેરેથોન સફ્ળતાપૂર્વક પૂરી કરી છે. જો એના જેવો એક સમયે સો ડગલાં ચાલવાની પણ હિંમત ન કરતો માણસ મન મક્કમ કરી નાખે અને પાંચ-છ મહિનાની સિન્સિયર ટ્રેનિંગ બાદ હાફ મેરેથોન પૂરી કરી શકે તો દુનિયાનો કોઈપણ માણસ આ કામ કરી શકે છે. તમે તો સો ટકા કરી જ શકો તેમ છો. ટ્રાય કરી જુઓ!



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvXRt%2B%2BEP9Q88AzteNi6zKuOQzVzVMwv0t-9yOhSsbY8g%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment