Friday, 20 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ આ માહિતીયુગ છે કે પછી ગેરમાહિતીયુગ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.

આ માહિતીયુગ છે કે પછી ગેરમાહિતીયુગ
સન્ડે મોર્નિંગ-સૌરભ શાહ

કહેવા ખાતર તો આ જમાનો માહિતીયુગ કહેવાય છે. ઈન્ફર્મેશન એજ. પણ ક્યારેક પ્રતીત થાય છે કે આ મિસઈન્ફર્મેશનનો યુગ છે. અહીં માહિતી કરતાં ગેરમાહિતીની પ્રચૂરતા વધારે છે, સ્પીડ પણ વધારે છે.

 

એક જમાનો હતો જ્યારે અમેરિકાથી લખેલો પત્ર સી-મેઈલ દ્વારા દોઢ-બે મહિને ભારત પહોંચતો. હવે ઘડીના છઠ્ઠા ભાગમાં ઈ-મેઈલ કે વૉટ્સએપ દ્વારા મળી જાય છે. માહિતી જેટલી ઝડપથી પ્રસરતી થઈ છે એટલી જ ઝડપથી ગેરમાહિતીઓ પણ પ્રસરી રહી છે. તકલીફ મોટી એ છે કે માહિતી યાદ રહે કે ન રહે, ગેરમાહિતી તરત જ દિમાગમાં અંદર સુધી ઘૂસી જાય છે, કાયમની ચિપકી જાય છે.

 

ગેરમાહિતીઓ પ્રસરી ગયા પછી તમે ગમે એટલા ખુલાસાઓ કરો એ ઝટ દઈને ભૂસાતી નથી. શું કારણ એનું?

 

ગેરમાહિતીઓ મોટેભાગે નિંદારસથી ભરેલી હોવાની. અને નિંદારસ ત્યારે જ જન્મી શકે જ્યારે તમે કોઈને એના કદ કરતાં નાના ચીતરવાની કોશિશમાં સફળ જાઓ. રાજનેતા હોય, ફિલ્મ અભિનેતા હોય, ક્રિકેટર કે બિઝનેસમૅન હોય કે પછી તમારા જ ક્ષેત્રનો તમારો હરીફ હોય કે તમારો મિત્ર હોય જેની તમને અદેખાઈ આવતી હોય - તમારે કરવાનું એટલું જ કે એમના વિશે કોઈ પણ કપોળકલ્પિત વાત ફેલાવવાની - કોણ ચકાસવા જવાનું છે. એ વ્યક્તિની આભાને, ઈમેજને તોડી નાખવા માટે થોડાક શબ્દો જ પૂરતા છે કારણ કે તમારા જેવા બીજા અગણિત લોકો તમારા એ શબ્દો પર ભરોસો મૂકવા આતુર હોવાના. તેઓ તમારી આ ગેરમાહિતીને ચકાસ્યા વિના તાબડતોબ આગળ ધકેલી દેશે, તમારે કહેવું પણ નહીં પડે.

 

આવી ડઝનબંધ ગેરમાહિતીઓનો આપણે શિકાર બનીએ છીએ. અફવાઓ આ જ રીતે ફેલાવવામાં આવતી હોય છે. અતિશયોક્તિઓ જ નહીં, તદ્ન જુઠ્ઠી ખબરોને આપણે 'કદાચ સાચું પણ હોય' એમ કહીને માની લેતા હોઈએ છીએ. કોઈના વિશેની સચ્ચાઈ માનવા કરતાં એમના વિશેનું જુઠ્ઠાણું માનવાની લાલચ કુદરતે ઠાંસી ઠાંસીને આપણા સૌનામાં ભરેલી છે. એટલે જ એ જુઠ્ઠાણાઓ વિશેની સ્પષ્ટતાઓ ગમે એટલી જલદી કે ગમે એટલી જોરદાર રીતે થઈ હોવા છતાં આપણા મોઢામાં તો પેલો જુઠ્ઠાણાનો સ્વાદ જ કાયમનો રહી જતો હોય છે.

 

ગેરમાહિતીથી બચવા શું કરવું જોઈએ? મારી પાસે એનો સાવ સહેલો અને સચોટ ઉપાય છે. માહિતીથી બચવું. અર્થાત્ માહિતીના ધોધમાર વરસાદથી બચવું. આપણા પર ડઝનબંધ સોર્સમાંથી માહિતીઓનો મારો થતો રહે છે. આમાંની ૯૯ ટકા માહિતી આપણા કામ માટે નકામી હોય છે, આપણા જીવનને સ્પર્શતી નથી હોતી. થાઈલૅન્ડની ગુફામાં બાળકો સાથે કમનસીબ બનાવ બને તે દુખદ અને આઘાતજનક છે પણ એ ઘટનાને અહીં આપણી સાથે શું લેવાદેવા? ફૉર ધૅટ મૅટર એક જમાનામાં પ્રિન્સ ખાડામાં ભરાઈ ગયેલો એ ન્યુઝ સાથે પણ આપણે શું લેવાદેવા? હું જો કોઈ દહાડો પ્લેનમાં પ્રવાસ કરતો ન હોઉં તો વરસાદને કારણે વિમાન વ્યવહાર ખોરવાયો છે કે નહીં તે જાણીને મારે શું કામ? હું જો આ ગાળામાં ટ્રેનમાં મુંબઈની બહાર ન જવાનો હોઉં અને મારે ત્યાં પણ કોઈ આવવાનું ન હોય તો નાલાસોપારામાં અટવાઈ ગયેલી શતાબ્દી એક્સપ્રેસના કમનસીબ ઉતારુઓની જેન્યુઈન તકલીફો વાંચીને મારે શું કામ જીવ બાળવાનો?

 

જો હું મારા માટે નકામી એવી માહિતીઓથી દૂર રહેતાં શીખીશ તો જ હું ગેરમાહિતીઓથી સલામત અંતર રાખતાં શીખી શકીશ. આપણને મળતી કે આપણા સુધી પહોંચતી ગેરમાહિતીઓ પાછળ કોઈકને કોઈક વ્યક્તિનો દુરાશય હોવાનો. કાં તો એ તમને ભડકાવવા માગે છે, ઉશ્કેરવા માગે છે, તમારો દૃઢ વિચાર પાંગળો બનાવવા માગે છે કે પછી તમારા મનમાં રહેલી કોઈ વ્યક્તિ/ પ્રદેશ/ ક્ધસેપ્ટ વિશેની છાપને ધૂંધળી કરવા માગે છે. આવી ગેરમાહિતીઓના મારાનું એક સ્વરૂપ છે મિસઈન્ટરપ્રીટેશન. માહિતી સાચી હોય પણ એને મૂળ સંદર્ભથી દૂર લઈ જઈને એનું ખોટું વિશ્ર્લેષણ કરવામાં આવે ત્યારે એ મિસઈન્ટરપ્રીટેશન અત્યંત ભરોસાપાત્ર વાઘા પહેરીને આપણા સુધી પહોંચી જાય છે. આંકડાઓ અને સર્વેક્ષણની બાબતમાં આવું ખાસ બનતું રહે છે. ટીવી ખોલીને, છાપાંનાં પાનાં ફેરવીને, સોશ્યલ મીડિયામાં રચ્યાપચ્યા રહીને જે લોકો બેસી રહે છે તેઓ ગેરમાહિતીઓના સૌથી ઈઝી શિકાર હોય છે. વાસ્તવમાં તો આ લોકો નવરી બજારમાં આંટા મારીને ઘરાકી વધારનારા હોય છે. એવા લોકોની કોઈએ દયા ન ખાવાની હોય. માત્ર એટલું જ ધ્યાન રાખવાનું કે આવા લોકોમાં ક્યાંક આપણો સમાવેશ ન થઈ જાય.




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuHrkSnrMzROCjZbLjS9A2sszbZhe22MmXiwvcrn5JtbA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment