Saturday, 21 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ દિલ્હી માટે દિલ્હી દૂર કેમ? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દિલ્હી માટે દિલ્હી દૂર કેમ!
રાજીવ પંડિત

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા ત્યારથી ધમાધમી ચાલે છે. કેજરીવાલે એક તરફ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો ઉપાડો લીધો છે તો બીજી તરફ રાષ્ટ્રપતિ વતી દિલ્હીનો વહીવટ કરતા લેફ્ટનન્ટ ગવર્નર સામે મોરચો માંડેલો છે. લેફ્ટનન્ટ ગવર્નર કેન્દ્ર સરકારના પીઠ્ઠુ તરીકે વર્તે છે ને લોકોનાં કામ થવા દેતા નથી તેવો આક્ષેપ કેજરીવાલ ગાદી પર બેઠાના પહેલા દાડાથી કરે છે. લેફ્ટનન્ટ ગવર્નર પાસે કોઈ સત્તા નથી પણ કેન્દ્રની ચડામણીથી લેફ્ટનન્ટ ગવર્નર છાકટા બનીને આમ આદમી પાર્ટી સરકારની મેથી માર્યા કરે છે ને લોકોનાં કામમાં રોડાં નાખ્યા કરે છે તેવા આક્ષેપ કેજરીવાલ કર્યા જ કરે છે. આ મામલે કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલની ઓફિસમાં ધામા નાંખીને ધરણાં પણ કરેલાં.

યોગાનુયોગ હમણાં જ સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં કોની પાસે વધારે સત્તા છે એ મામલે ચુકાદો આપ્યો. આ ચુકાદા પછી પણ દિલ્હીના આઈએએસ અને આઈપીએસ અધિકારીઓએ કેજરીવાલ સરકારની નાફરમાની ચાલુ જ રાખી છે. તેના કારણે એક તરફ આ મામલો પાછો સુપ્રીમમાં પહોંચે તેવું લાગે છે તો બીજી તરફ કેન્દ્રશાસિત પ્રદેશો જરૂરી છે ખરા એ સવાલ પાછો ચર્ચાવા લાગ્યો છે. દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળી શકે તેમ છે કે નહીં તે સવાલ પણ પાછો પુછાવા લાગ્યો છે.

આ સવાલનો જવાબ મેળવતાં પહેલાં કેન્દ્રશાસિત પ્રદેશોનું લઠ્ઠુ આપણ ત્યાં કઈ રીતે ઘૂસી ગયું તેની વાત કરી લઈએ.

આ દેશમાં આઝાદી પછીના દાયકામાં વહીવટી સરળતા ખાતર પ્રદેશોને રાજય અને કેન્દ્રશાસિત પ્રદેશ એ બે પ્રકારમાં વિભાજિત કરાયાં. બાકી આપણું બંધારણ રચાયું ત્યારે તેમાં તો કેન્દ્રશાસિત પ્રદેશોનો ઉલ્લેખ જ નહોતો. ભારતના બંધારણના આર્ટિકલ ૧ (૧)માં એવો ઉલ્લેખ છે કે, ઈન્ડિયા (ભારત) રાજ્યોનો સમૂહ હશે. આ આર્ટિકલમાં કેન્દ્ર (ધ યુનિયન) અને રાજ્યો (ધ સ્ટેટ્સ) વિશેની સમજ અપાયેલી છે. આ સમજમાં ક્યાંય કેન્દ્રશાસિત પ્રદેશોનો ઉલ્લેખ જ નથી. એ વખતે આંદામાન અને નિકોબાર એ એક જ કેન્દ્રશાસિત પ્રદેશ હતો પણ તેને સત્તાવાર રીતે એવો દરજ્જો નહોતો અપાયો.

આપણે ત્યાં ૧૯૫૬માં દેશમાં ભાષાકીય આધાર પર રાજ્યોની પુનર્રચના કરાઈ અને એ વખતે બંધારણમાં સાતમો સુધારો કરાયો. એ વખતે કેન્દ્રશાસિત પ્રદેશોનો ઉલ્લેખ કરાયો. હાલમાં ટેરિટરી ઓફ ઈન્ડિયા (ભારતનો વિસ્તાર) એવો બંધારણમાં ઉલ્લેખ છે. તેમાં રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને અન્ય હસ્તગત કરેલા પ્રદેશો આવી જાય. બંધારણની કલમ ૨૩૯ પ્રમાણે ભારતના રાષ્ટ્રપતિ કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય વહીવટકાર છે. બંધારણની કલમ ૨૪૦ (૨) પ્રમાણે ચંદીગઢ, દિલ્હી (નેશનલ કેપિટલ ટેરિટરી) અને પુડુચેરી એ ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો સિવાયના કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાષ્ટ્રપતિ પાસે અબાધિત સત્તાઓ છે. રાષ્ટ્રપતિ કેન્દ્રશાસિત પ્રદેશોમાં સર્વસત્તાધીશ છે અને ભારતીય સંસદે પસાર કરેલા કાયદા તથા ભારતીય બંધારણમાં દર્શાવાયેલા કાયદાની ઉપરવટ જવાની સત્તા પણ રાષ્ટ્રપતિ પાસે છે.

ચંદીગઢ પંજાબ અને હરિયાણાની રાજધાની છે તેથી ત્યાં રાષ્ટ્રપતિને અબાધિત સત્તા નથી. દિલ્હી અને પુડુચેરીના મતદારોને પોતાની વિધાનસભાના સભ્યો ચૂંટવાના અધિકાર છે. આ બંને જગાએ રાજ્ય સરકાર પણ રચાય છે તેથી અહીં રાષ્ટ્રપતિ સર્વસત્તાધીશ નથી. અન્ય કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાષ્ટ્રપતિ સર્વસત્તાધીશ છે અને રાષ્ટ્રપતિ વતી લેફ્ટનન્ટ ગવર્નર કે એડમિનિસ્ટ્રેટર વહીવટી કામગીરી કરતા હોય છે. આ કેન્દ્રશાસિત પ્રદેશોના મતદારો લોકસભાની ચૂંટણીમાં ભાગ લઈને પોતાના પ્રતિનિધિને મોકલી શકે છે પણ રાજ્યસભામાં તેમના પ્રતિનિધિ નથી હોતા. દિલ્હી અને પુડુચેરી એ બે રાજ્યોને એ હક છે. આ બંને રાજ્યોની પોતાની વિધાનસભા છે તેથી આ બંને રાજ્યોમાં રાજ્યસભાની ચૂંટણી થાય છે.

દિલ્હી અને પુડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશો હોવાથી તમામ સત્તા કેન્દ્ર સરકારની છે તેવી અત્યાર લગી માન્યતા હતી. તેના કારણે રાષ્ટ્રપતિએ નીમેલા લેફ્ટનન્ટ ગવર્નર રાજાની જેમ જ વર્તતા. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપીને દિલ્હી અને પુડુચેરીમાં કેન્દ્ર સરકારની સત્તા શું અને રાજ્ય સરકારની સત્તા શું તે વિશે લક્ષ્મણરેખા દોરી દીધી. સુપ્રીમ કોર્ટે ચોખ્ખેચોખ્ખું કહી દીધું કે, દિલ્હી ભલે પૂર્ણ કક્ષાનું રાજ્ય નથી પણ દિલ્હીમાં દેશનાં બીજાં રાજ્યોની જેમ ચૂંટાયેલી સરકાર જ સર્વેસર્વા છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, દિલ્હીની ચૂંટાયેલી સરકારને પણ આઝાદ રીતે ને દખલ વિના કામ કરવાનો હક છે. સુપ્રીમ કોર્ટે લેફ્ટનન્ટ ગવર્નર પાસે કોઈ પણ મુદ્દે સંપૂર્ણ સત્તા નથી એવું સાફ શબ્દોમાં કહીને તેમને પણ લઈ પાડ્યા. લેફ્ટનન્ટ ગવર્નર બધી વાતમાં ડખા ઊભા ના કરે એવું સાફ શબ્દોમાં કહીને સુપ્રીમ કોર્ટે તેમની કામગીરી અને સત્તા શું છે તે પણ સાફ કરી દીધું.

બંધારણીય જોગવાઈ પ્રમાણે દિલ્હી સંપૂર્ણ કક્ષાનું રાજ્ય નહીં હોવાથી એક રાજ્ય સરકાર પાસે જે સત્તા હોય તે બધી સત્તા દિલ્હીની સરકાર પાસે નથી. કેન્દ્ર સરકારે ત્રણ બાબતોની સત્તા પોતાને હસ્તક રાખી છે. પોલીસ, જમીન અને જાહેર આદેશો એ ત્રણ બાબતો કેન્દ્ર સરકારને હસ્તક છે ને એ સિવાયની બાબતો દિલ્હીની સરકારને હસ્તક છે. દિલ્હીની સરકાર આ ત્રણ બાબતો અંગે કોઈ નિર્ણય નથી લઈ શકતી કે વિધાનસભામાં કાયદા પણ નથી બનાવી શકતી. સુપ્રીમે સાફ શબ્દોમાં એમ પણ કહ્યું છે કે, આ ત્રણ બાબતો સિવાય દરેક મુદ્દે દિલ્હીની સરકાર પોતાને ગમે તેવા નિર્ણય લઈ શકે ને કાયદા પણ બનાવી શકે. લેફ્ટનન્ટ ગવર્નર એ માનવા બંધાયેલા છે કેમ કે તેમની પાસે સ્વતંત્ર રીતે નિર્ણય લેવાની સત્તા જ નથી.

ટૂંકમાં દિલ્હીની ચૂંટાયેલી સરકાર પાસે ધારવા કરતાં વધારે સત્તાઓ છે તે સુપ્રીમ કોર્ટે ડંકે કી ચોટ પર કહી દીધું પણ એ ચોખવટ પણ કરી નાંખી કે, તેની પાસે સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળે તેવી સત્તાઓ નથી. સંપૂર્ણ રાજ્યોની સત્તા ધરાવતાં રાજ્યો પાસે કાયદો અને વ્યવસ્થા તથા જમીન એ બંને મહત્ત્વની બાબતો અંગે નિર્ણય લેવાની સત્તા હોય છે. આ બંને પાવરનાં કેન્દ્રો છે અને રાજ્યની આર્થિક સધ્ધરતાનો આધાર તેના પર હોય છે. દિલ્હી પાસે આ બંને અંગે જ સત્તા નથી એ જોતાં દિલ્હીની ચૂંટાયેલી સરકારને ભલે સુપ્રીમ કોર્ટે વાઘ જાહેર કરી પણ એ નહોર વિનાનો વાઘ છે.

કેન્દ્રશાસિત પ્રદેશોની રચના આમ તો લુચ્ચાઈ જ હતી ને એ પાછળનું ગણિત આજેય સમજી શકાય એમ નથી. કોઈ શહેરને તેની પાસેના રાજ્યમાં ભેળવી દેવાના બદલે તેને અલગ રાખી કેન્દ્રના હસ્તક તેનો કારભાર રાખવા પાછળનું લોજિક અને તેના ફાયદા શું તે આજેય સમજાતું નથી. રાજકારણીઓ પોતાનાં ચોક્કસ હિતો સાચવવા માટે કેન્દ્રશાસિત પ્રદેશનું આ લઠ્ઠુ ઘુસાડતા ગયા ને એ રીતે તેમણે બહુ મોટી લુચ્ચાઈ કરેલી. કેન્દ્રમાં બેઠેલા નેતાઓએ આ પ્રદેશોમાં ઉદ્યોગ-ધંધામાં પોતાના મળતિયાઓને ગોઠવ્યા કેમ કે તેના માટે કેન્દ્ર પાસેથી મંજૂરી લેવી પડતી. સસ્તા ભાવે જમીનો પણ લઈ લીધી. દેશનાં બીજા સામાન્ય લોકો આ પ્રદેશમાં જમીન કે મિલકત ના ખરીદી શકે પણ કેન્દ્ર સરકારની ખાસ મંજૂરીથી નેતાઓ એ કરતા ને એ રીતે એ બધા બહુ માલદાર થયા.

જોકે સામાન્ય લોકોને પણ થોડો ઘણો ફાયદો થયો. અત્યારે તો કરમાળખું બહુ બદલાઈ ગયું પણ ભૂતકાળમાં કેન્દ્ર અને રાજ્યો બંને જાત જાતના અધધધ વેરા લાદતાં એ વખતે કેન્દ્રશાસિત પ્રદેશોમાં બધી ચીજો સસ્તી મળતી. તેનું કારણ એ કે, આ પ્રદેશોમાં માત્ર કેન્દ્ર સરકારના વેરા જ લાગતા ને રાજ્ય સરકારના વેરા નહોતા લાગતા. પરિણામે કરવેરા અડધા થઈ જતા તેથી લોકોને ચીજો સસ્તી મળતી. વાહનોના રજિસ્ટ્રેશનની ફી સહિતના ટેક્સ પણ સાવ નગણ્ય હતા તેથી પૈસાદારોએ તેનો ભરપૂર લાભ લીધો. એ વખતે કોઈ પણ રાજ્યમાં જાઓ તો મોંઘીદાટ લક્ઝુરિયસ કાર ચંદીગઢ કે બીજા કોઈ કેન્દ્રશાસિત પ્રદેશનું પાસિંગ ધરાવતી હોય એવું જ બનતું. કેન્દ્ર સરકાર સીધો વહીવટ કરતી તેથી આ પ્રદેશોમાં સ્થાનિક રાજકારણીઓની લુખ્ખાગીરી નહોતી એ ફાયદો થયો. બીજું એ કે, દારૂબંધી સહિતના વાહિયાત કાયદા નહોતા તેથી આ પ્રદેશો પ્રવાસનના ઉદ્યોગ તરીકે પણ વિકસ્યા ને લોકોને મોટા પ્રમાણમાં રોજગારી પણ મળી.

------------------------------

હવે સૌથી

મહત્ત્વનો મુદ્દો

દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળી શકે કે નહીં ? બિલકુલ મળી શકે. ભારતીય બંધારણની જોગવાઈ પ્રમાણે કેન્દ્ર સરકાર લોકસભામાં ખરડો પસાર કરીને એ કરી શકે છે. ભૂતકાળમાં અરૂણાચલ પ્રદેશ, મિઝોરમ અને ગોવાને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાયો જ છે. દીવ, દમણ અને ગોવા એ એક જ કેન્દ્રશાસિત પ્રદેશ હતો. તેમાંથી ગોવાને અલગ કરીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો અપાયો અને હવે ગોવા દેશનાં ૨૯ રાજ્યોમાં એક છે. દિલ્હીના કિસ્સામાં પણ એવું થઈ જ શકે ને તેને પણ સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળી શકે પણ આપણા રાજકારણીઓની ખોરી દાનત જોતાં વાસ્તવિક રીતે એવું થવા અંગે શંકા જ છે.

દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો નથી મળતો તેનું કારણે એ છે કે દિલ્હી પાવર સેન્ટર છે. દિલ્હીમાં જમીન અને પોલીસ એ બંને પાવરનાં મુખ્ય કેન્દ્રો છે. પોલીસની મદદથી કેન્દ્રમાં બેઠેલો લોકો દિલ્હીમાં દાદાગીરી કરી શકે છે ને જમીનોમાંથી અબજો કમાય છે. પોલીસ પોતાના તાબા હેઠળ હોય તો ગમે તેને દબાવી શકાય, ગમે તેની જાસૂસી કરાવી શકાય ને ગમે તે કેસને રફેદફે કરી શકાય. દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળે તો પોલીસે રાજ્ય સરકારનું માનવું પડે. દિલ્હીમાં કેન્દ્રમાં હોય તેનાથી અલગ પક્ષની સરકાર હોય તો પોલીસનો ઉપયોગ કેન્દ્ર સરકાર સામે જ થાય તેથી કોઈ પણ પક્ષ એવું નહીં કરે.

આ વાસ્તવિકતા છે ને આ વાસ્તવિકતા કદી નથી બદલાવાની એ આપણે સ્વીકારવું જ પડે.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsEyaP1iiFwHYNPeuKRrvShTPnHZyuLGXgP0Yzzn4cPuw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment