Sunday, 22 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ માનવભક્ષી જ બન્યો મોક્ષનો માર્ગદર્શક (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



માનવભક્ષી જ બન્યો મોક્ષનો માર્ગદર્શક!
વિચારદંગલઃ વસંત કામદાર

 

 

આપણે ત્યાં સદીઓ પહેલાં ઋષિઓ પ્રાર્થના કરતાં કે "અસતો મા સત ગમય… તમસો મા જ્યોર્તિ ગમય"… એવું અનુભવાય છે કે ઈશ્વર ઘણી વાર આ પ્રાર્થનાનો સ્વીકાર કરી માનવીને ઊંડા અંધારેથી પરમ તેજે લઈ જતાં હોય છે. જીવંત ઈશ્વરનું સામર્થ્ય કેવા ભયંકર પાપી માનવીને કેવો પવિત્ર બનાવી શકે છે તેનું એક જવલંત ઉદાહરણ જોઈએ.

 

અંધારીયા ખંડ તરીકે જાણીતા આફ્રિકાના જંગલી વસાહતીઓમાં "વૂડુ" નામથી એક પૌરાણિક તાંત્રિક વિધિ પ્રચલિત છે. ભૂત પ્રેતને સમર્પિત એ વિધિની પરાકાષ્ઠા માનવબલિમાં પરિણમે છે. ડિસ્કવરી ચેનલે એ વિશે એક અદ્ભુત દસ્તાવેજી ફિલ્મ પણ બનાવી છે.


આફ્રિકામાં આવેલાં એક ટચુકડા દેશ લાઈબેરીયાની સારપો જાતિનો એક ૧૧ વર્ષનો છોકરો એવો દાવો કરે છે કે તેની મુલાકાત શેતાન સાથે થઈ છે અને શેતાને તેને મહાપરાક્રમી અને શૂરવીર બનાવવાનું વચન આપ્યું છે, પરંતુ એ માટે તેણે શેતાનને નરબલિઓ ચઢાવીને સતત પ્રસન્ન કરતાં રહેવું પડશે. આ જુવાન તેની જાતિનો માનવભક્ષી ધર્મગુરુ બની જાય છે અને એટલી નાની ઉંમરે તે પહેલું માનવ બલિદાન પણ આપે છે.

 

આ જાતિમાં ધર્મગુરુની પસંદગી વારસાગત થતી નથી. અહીં જેને ધર્મગુરુ બનવું હોય તેણે બીજા સ્પર્ધકો સાથે લડવું પડે છે અને તેમને હરાવવા પડે છે. જે સ્પર્ધક હારી જાય તેનો બલિ ચડાવી દેવામાં આવે છે અને જે સ્પર્ધક જીતી જાય તેને માનભેર ધર્મગુરુની ગાદીએ બેસાડવામાં આવે છે.

 

આ જુવાન પણ લડાઈમાં પોતાનાં હરીફોને હરાવીને માનવભક્ષી ધર્મગુરુ બની ચૂક્યો છે અને હવે તે જાણે કે શેતાનની આગાહીને સાચી પાડતો હોય તેમ પોતાનો આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક કારોબાર વિસ્તારતો જાય છે.

 

આગળ જતાં એ લાઈબેરીયાનાં પ્રમુખ સેમ્યુઅલ દોએ નો આધ્યાત્મિક સલાહકાર બની જાય છે. તે પોતાનાં દેશમાં વસતાં જુદા જુદા સમુદાયો તથા જુદી જુદી જાતિઓ ઉપર પોતાનું આધિપત્ય જમાવે છે. આખા દેશ ઉપર એક સરમુખત્યાર જેવી સત્તા હસ્તગત કરી લે છે. તે પોતાનાં શેતાનને ન્યાનબે-અ-વેહ નામ આપીને આખા દેશમાં તેનાં સ્થાનકો બંધાવે છે. આ સ્થાનકો માનવબલિની લોહીયાળ અને ઘાતકી પ્રથાથી ધમધમતા રહે છે.  આ નરસંહાર સામે અવાજ ઉઠાવવાની તાકાત એક પણ માણસમાં રહી નથી.


આ ખૂંખાર માનવભક્ષી ધર્મગુરુનું નામ જોશૂઆ મીલ્ટન બ્લાહી. તેનો જન્મ ૩૦ સપ્ટેમ્બર ૧૯૭૧નાં રોજ થયો હતો. તેણે લાઈબેરીયાની ધરતીને અમાનવીય ક્રૂરતાથી દબાવીને માનવબલિઓથી રંગી નાખી હતી.

 

આખરે ૯૦નાં દશકની શરૂઆતમાં તેનાં  શાસન સામે પ્રજા બળવો પોકારે છે. ચાર્લ્સ ટેલરની આગેવાની હેઠળ સશસ્ત્ર સેના તૈયાર થાય છે અને તે પ્રમુખ સેમ્યુઅલ દોએની વફાદાર ગણાતી ULIMO નામની સરકારી સેના સામે યુદ્ધ કરે છે. લાઈબેરીયાના પ્રથમ ગૃહયુદ્ધ તરીકે ઓળખાતી આ ભીષણ લડાઈમાં આખરે સેમ્યુઅલ દોએની સેના હારે છે. પ્રમુખ સેમ્યુઅલ દોએને પકડીને મારી નાંખવામાં આવે છે અને અંતે ચાર્લ્સ ટેલર લાઈબેરીયાનાં નવા પ્રમુખ બને છે.

 

લાઈબેરીયાનાં આ જાણીતા ગૃહયુદ્ધમાં સેનાના આગેવાન તરીકે જોશૂઆ મીલ્ટને આજે પણ વિશ્વભરમાં વખોડાતી વિચિત્ર રણનીતિ બનાવી હતી. તેણે સેનાની ટુકડીઓને કપડાં પહેર્યા વગર લડવાનો આદેશ આપ્યો હતો. આ યુદ્ધમાં સૈનિકો કેવળ બૂટ પહેરીને જ આખા લાઈબેરીયામાં ઘૂમતા હતાં અને બંદૂકો વડે નરસંહાર આચરતા હતા. કેટલાક જુવાન સૈનિકો તો સ્ત્રીઓનાં આંતરવસ્ત્રો પહેરીને ફરતાં. આવી નગ્ન સેના તૈયાર કરવાના કારણે જોશૂઆ મીલ્ટનને "જનરલ બટ નેકેડ"નું બિરૂદ આપવામાં આવ્યું હતું.  જોશૂઆ એવું માનતો હતો કે સૈનિકોને તેમની નગ્નતાનાં કારણે જ બંદૂકની ગોળીઓ સામે રક્ષણ મળતું હતું. તેણે સેનામાં ૨૦ હજાર બાળકોની ભરતી કરી હતી. માનવ બલિદાન માટે એ બાળકોમાંથી એક કૂમળા બાળકની પસંદગી કરવામાં આવતી કારણ કે તેનાં તાજા લોહીથી શેતાન વધારે પ્રસન્ન થતો હતો, સૈનિકોને વધારે તાકાત આપતો હતો એવી તેની માન્યતા હતી.

 

તેણે "સીએટલ પોસ્ટ ઈન્ટેલીજન્સર" નામનાં અખબારને જણાવ્યું હતું કે તે ઘણીવાર તો નદીઓ કે તળાવોનાં પાણીની અંદર સરકી જતો અને એ પાણીમાં તરતાં બાળકોમાંથી કોઈ એકને પાણીની અંદર ખેંચી લેતો અને તેની ડોક મરડી નાંખી શેતાનને તેનું બલિદાન ચડાવતો. કેટલીકવાર એ બાળકોનું અપહરણ કરાવી રહેંસી નાંખતો.

 

શેતાનને બાળકનું બલિદાન ચડાવ્યા પછી એનાં સૈનિકો નગ્ન હાલતમાં લાઈબેરીયાની શેરીઓમાં નીકળી પડતા અને જે પણ બળવાખોર દેખાય તેને લૂંટી લેતા અને પછી તેનું ડોકુ ધડથી અલગ કરી એ ડોકાથી ફૂટબોલ રમતાં. એ પાગલ ઘાતકી સૈનિકોએ હજારો નિર્દોષ નાગરિકોની હત્યા કરી નાંખી હતી.

 

તેણે "સાઉથ આફ્રિકન સ્ટાર" નામના સામયિકના પત્રકાર સમક્ષ કબૂલ કર્યું હતું કે તે ૧૧થી ૨૫ વર્ષની ઉંમર દરમ્યાન શેતાન સાથે નિયમિતપણે વાત કરતો હતો અને દર મહિને માનવ બલિદાન આપતો હતો. એ જ પ્રથા તેણે લડાઈ દરમ્યાન પણ સતત ચાલુ જ રાખી હતી.

 

જોકે ૧૯૯૬માં લડાઈ સમાપ્ત થવાનાં આરે આવી ત્યારે જેને ચમત્કારિક ગણી શકાય એવી એક અકલ્પનીય ઘટના બની. લાઈબેરીયાનાં એક સ્થાનિક દેવળનાં પાદરી બિશપ કૂન કૂનને પ્રાર્થના દરમ્યાન એવો અંતરનાદ સંભળાયો કે તે ૫૪ દિવસ સુધી પ્રાર્થના અને ઉપવાસ કરે અને તે પછી જોશૂઆને એના શેતાનના સંકજામાંથી છોડાવે. તેમણે આ ઈશ્વરીય આદેશને આધીન થતાં ૫૪ દિવસ ઉપવાસ અને પ્રાર્થનામાં વીતાવ્યા અને તે પછી તેઓ જોશૂઆને મળવા પહોંચી ગયા. એ સમયે જોશૂઆ શેતાનના સ્થાનકમાં હતો. બિશપે તેને પાપોની માફી અને આત્માના મોક્ષની વાતો સમજાવી.

 

જોશૂઆ તેમની આત્મકથામાં લખે છે કે બિશપની વાત પૂરી થઈ તેની સાથે જ કોઈ અલૌકિક દિવ્ય પ્રકાશે તેમની આંખોને આંજી દીધી અને તેમણે એ જ પળે માનવભક્ષી શેતાનને તજી માનવ ઉદ્ધારક પ્રભુનાં પગલે ચાલવાનું નક્કી કરી લીધું.

 

તે ૧૯૯૭ પછી જુદા જુદા વિસ્તારોમાં જઈને ઉપદેશ આપવા લાગ્યો. તેણે તેની સેનાનો ભોગ બનેલાં પરિવારોની પણ મુલાકાતો લીધી અને તેમનાં પુનઃસ્થાપન માટે પ્રયાસો કર્યા. તેણે તેનાં શેતાનિક જીવનકાળ દરમ્યાન કરેલાં જઘન્ય અપરાધો માટે મૃત્યુદંડની માગણી કરી, પરંતુ નવી સરકારે તેનાં હૃદય પરિવર્તનને ગ્રાહ્ય રાખીને તેને માફી બક્ષી.

 

તે હાલમાં "એન્ડ ટાઈમ ટ્રેઈન ઈવેન્જલિસ્ટીક મિનિસ્ટ્રી" નામની એક સેવાભાવી સંસ્થા ચલાવે છે. તે તેના પરિવાર સાથે સમગ્ર આફ્રિકામાં અને પરદેશમાં પણ ફરે છે અને આખા વિશ્વમાં પ્રેમ અને કરુણાનો સંદેશ ફેલાવે છે.

 

તેણે સૈનિકો અને વ્યસનીઓનાં બાળકો માટે "જર્ની અગેઈન્સ્ટ વાયોલન્સ" નામનું એક અભિયાન પણ શરૂ કર્યું છે અને તેમાં તેનાં સમર્થકો એક પછી એક હજારો ડોલરનાં દાન આપી રહ્યાં છે.

 

૨૦૦૪માં અમેરિકન દિગ્દર્શક જેરાલ્ડ બારકલે અને તેની ઉપર એક દસ્તાવેજી ફિલ્મ બનાવી જેને કારણે આખા વિશ્વનું ધ્યાન તેની કહાણી ઉપર ગયું. એક અમેરિકન મેગેઝિને તેની ઉપર "વાઈસ ગાઈડ ટુ લાઈબેરીયા" નામની એક વિસ્તૃત ડોક્યુમેન્ટ્રી બનાવી અને તેને ઘણા પારિતોષિકો મળ્યા. આ ઉપરાંત ૨૦૧૦માં તેની ઉપર "ધી રીડેમ્પશન ઓફ જનરલ બટ નેકેડ" નામની ફિલ્મ પણ બની જેનું દિગ્દર્શન એરીક સ્ટ્રોસ અને ડેનીઅલ એનાસ્ટેશને કર્યું છે.

 

તેણે પોતે પણ તેની આત્મકથા લખી છે અને તેમાં ફોટોગ્રાફસ સાથે પોતાનું જીવનવૃતાંત વર્ણવ્યું છે. મેટ સ્ટોન અને ટ્રે પાર્કર નામના બીજા બે લેખકોએ પણ તેનાં ચરિત્રના આધારે "ધી બુક ઓફ મોર્મોન" નામની એક સંગીતસભર નાટિકા તૈયાર કરી છે જેને વિવેચકોએ વધાવી લીધી છે. આ ઉપરાંત લાઈબેરીયાનાં ઈતિહાસ ઉપર તાજેતરમાં લખાયેલાં લગભગ મોટા ભાગનાં પુસ્તકોમાં તેનો ઉલ્લેખ અચૂક જોવા મળે છે.

 

એક માનવભક્ષી બદલાણ પામી મોક્ષનો માર્ગદર્શક બને એને ચમત્કાર નહીં તો બીજુ શું ગણી શકાય?



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsJc53%2BrnoZE6gwAZD4PKYtySMx9eOjgADja-G8sKnt0A%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment