Friday, 20 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મડાગાંઠ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મડાગાંઠ!
સ્પર્ધકની કૃતિ-જી. જે. ઠાકોર

ભરભાંખળું થવાને હજી વાર હતી, પાણિયારીઓની અવરજવર ચાલુ થઈ ગઈ હતી. પક્ષીઓના કલરવથી આખો વડલો ગૂંજી રહ્યો હતો. તારોડિયાં અસ્ત થવાની તૈયારીમાં હતા, વાતાવરણ શાંત અને ખુશનુમા હતું. તેવામાં શાંત વાતાવરણને ચીરતી એક પાણિયારીની ચીસ સંભળાઈ...

દોડજો... દોડજો કોઈ કૂવે પડ્યું! રાડારાડ અને બુમરાણ વચ્ચે ઘડી વારમાં તો ગામ આખું કૂવા પર ભેગું થઈ ગયું. સૌ કોઈના મોઢામાંથી એક જ સવાલ પુછાઈ જતો. કૂણ કૂવે પડ્યું? અને દરેક એકબીજાના મોઢા સામું જોયા કરતા હતા. સૌના ચહેરા પર ગમગીની અને ગભરામણ વર્તાઈ રહી હતી.

ગામ આખામાં દોડ-ધામ મચી ગઈ છે, કોઈ દોરડા લાવ્યા, કોઈ નાની ખાટલી લાવ્યું. ખાટલીને ચારેકોરથી બાંધીને કૂવામાં ઉતારી પણ ઊંડા કૂવામાં કશું જ દેખાતું નથી. સૌ કોઈના મોઢા પર નિરાશાનાં વાદળો વમળાઈ રહ્યાં છે.

તેવામાં કોઈકે રઘા તરવૈયાને યાદ કર્યો. રઘો એવો તરવૈયો કે સાતવાંસ ઊંડા પાણીમાં ડૂબકી દઈને પાછો આવે એવો જબરદસ્ત તરવૈયો હતો. કોઈકે હાંફતા હાંફતા આવીને રઘાને જાણ કરી કે રઘાભાઈ કોઈક કૂવે પડ્યું છે, પણ કોઈ તાગ મળતો નથી. રઘો માનવમહેરામણ વચ્ચે રસ્તો કરતો કરતો કૂવાની પાળે આવી પહોંચ્યો અને એણે એક પળનો વિચાર કર્યા વગર સીધો જ કૂવામાં ભૂસકો માર્યો. એણે ઊંડા પાણીમાં ડૂબકી મારીને કૂવાના પાણી ઉપર આવીને જોયું તો એ પોતે જ હબકી ગયો અને એના મોઢામાંથી ઉદ્ગાર નીકળી ગયો, અરેરે... રતન તું! કૂવામાં બચાવની સાંકળ પકડીને ઊભેલી રતનને એનાથી પુછાઈ ગયું. પણ રતન કોઈ જ જવાબ આપી શકી નહીં, પણ રઘાની ચકોર નજર એના ઊપસેલા પેટ પર પડી, અને સઘળી વાત એ કળી ગયો. એણે ઉપર નજર કરી તો કૂવા કાંઠે હકડેઠઠ માનવમેદની ઊભરાઈ રહી હતી. આ જોઈને રઘાની સઘળી શક્તિ હણાઈ ગઈ.

એણે રતન સામે જોઈને કહ્યું કે, વાત આટલે સુધી વણસી ગઈતી તો તારે મને વાત તો કરવી હતી, આપણે ક્યાંક બીજા મલકમાં ઊતરી જાત, અને ભગવાન ભરોસે જિંદગી જીવી જાત.

ના ના રઘા મારે એવું નતું કરવું એટલા માટે તો મેં કૂવો વહાલો કર્યો, જે મલકમાં આપણે ઊગીને મોટા થયા અને જે મલકમાં આપણે પ્રેમ કર્યો, એ મલક છોડીને મારે ભાગેડું નહોતું થાવું એટલા માટે તો મેં આ પગલું ભર્યું. વાત તારી સાચી છે પણ, હવે જો આપણે જીવતા બહાર નીકળશું તો આ લોકો આપણને જીવવા નૈ દે અને ગામ આખામાં આપણી ખરાબી થશે, આપણું વગોણું થાશે, અને ગામ આખું આપણા નામ પર થૂંકશે. એટલે હવે પડ્યા તો પડી જાણીએ, જીવતા બહાર નીકળવું નથી.

આમ વિચારીને રતન અને રઘાએ એકબીજાને પ્રેમનું આલિંગન આપ્યું. ધરાઈ, ધરાઈને એકબીજાને જોઈ લીધા, અને એકબીજાના હાથમાં હાથ ભેળવીને સખત મૂઠી વાળી દીધી અને કૂવામાં છેલ્લી ડૂબકી મારી દીધી.

બહાર ઊભેલા ગામ લોકોનું કુતૂહલ અને અધીરાઈ વધતા જાય છે. ટોળામાંથી કોઈકનો અવાજ આવ્યો કે ભાઈ અંદર કૂવામાં કશો જ સળવળાટ કે બચવાના કોઈ ઉધામાં દેખાતા નથી તો બીજા એકાદ જુવાનિયાને અંદર ઉતારો તો ખબર પડે કે અંદર બીજું માણસ કોણ છે? આવી વાતચીત ચાલતી હતી ત્યાં જ કૂવામાં બે લાશો તરતી દેખાણી, એટલે લોકોનું કુતૂહલ એકદમ વધી ગયું, કારણ કે દરિયો તરી જવાની હામ ભીડનારો રઘો આવા કૂવામાં મરે જ નહીં!

બે લાશો બહાર કાઢી તો લોકોના જીવ તાળવે ચોંટી ગયા. રતન અને રઘાના હાથ એકબીજાના હાથમાં સખત ભીડાઈ ગયા હતા. એક બે જણાએ તેમના હાથ છૂટા પાડવા પ્રયત્નો કર્યા પણ એ મડાગાંઠ કેમ કર્યે છૂટી પડી નહીં અને આ પ્રેમની મડાગાંઠને લોકોએ વધાવી લીધી અને કૂવા કાંઠે જ તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. પ્રેમના પ્રતીક સમા રતન અને રઘાના પાળિયા આજેય કૂવા કાંઠે ઊભા છે.





--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot65VkBwCamCaSpaZGs_rQw3CisLukyxJfdU%2BAHm9EHdw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment