એક અધિકારીના પુત્રને આ વર્ષે જ સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યો છે. અધિકારી વિશે એમ કહેવાય છે કે કોઈપણ વ્યક્તિ જો એમને ત્યાં કામસર જાય તો અધિકારી અને એમનાં પત્ની એમના નાના પુત્રની વાતમાં જ પ્રવૃત્ત થઈ જાય છે. જે કામ માટે વ્યક્તિ ગઈ હોય એ કામની વાત તો પાટે ચડતી જ નથી. બિટ્ટુ, વેકેશનમાં જ એબીસીડી શીખી ગયેલો. સ્કૂલમાં ટીચર બધું બિટ્ટુને જ પૂછે. બિટ્ટુને મિકી-માઉસની કાર્ટૂન ફિલ્મ બહુ ગમે. આખી મોઢે છે. આપણે એવડા હતા ત્યારે આપણને તો કયાં કશી ગતાગમ જ પડતી! મોડું થતું જાય છે. ક્યારેક ચા-પાણી પણ થાય છે, પણ બિટ્ટુ પ્રકરણ પૂરું થતું નથી. એકાદ નાનકડું, પણ અંગ્રેજી કાવ્ય બિટ્ટુના ગરબડિયા ઉચ્ચારોમાં ગવડાવાય છે. બિટ્ટુના નહિ સમજી શકાતા ઉચ્ચારોની સ્પષ્ટતા દંપતીમાંથી કોઈ એક કરે છે. બિટ્ટુ જેવી સચોટ મેમરી કોઈની નથી એવું અનેક વાર નક્કી થઈ ગયા પછી પણ કામની વાત પર આવી શકાતું નથી. ગમે તેવી અગત્યની વાતમાં પુત્ર બિટ્ટુની વાત ગમે ત્યારે દાખલ થઈ જાય છે. એક મોટા અધિકારી હોવા છતાં એમના કર્મચારીઓ અને લોકો એમની વાત કરીને હસતા થયા છે. બુદ્ધિશાળી ગણાતા માણસો પણ પોતાના સંતાનો બાબતમાં સારાસારનું ભાન ગુમાવી બેસે છે. "હું", 'મારું-મારાં' કે પોતાનાની વાત આવે એટલે માણસ સંયમ ગુમાવી બેસે છે.
સાધુ-સંન્યાસીઓ પણ પોતાના પૂર્વાશ્રમના સંબંધોને ભૂલી શક્તા નથી. સંસાર છોડી દીધા પછી પણ પોતાના અને પારકાંનો ભેદ એમનો કેડો છોડતો નથી. ઈતિહાસમાં પણ 'પોતાનાં' અને 'પારકાં'ના ખ્યાલે બહુ મોટો ભાગ ભજવ્યો છે. 'રામાયણ' અન 'મહાભારત' બંનેના પાયામાં પણ આ જ વાત રહેલા છે. જો કૈકેયીએ પોતાના પુત્ર ભરત તરફ પક્ષપાત રાખીને રાજા દશરથ પાસે ભરત માટે રાજગાદી અને રામ માટે વનવાસનું વચન ન માગ્યું હોત તો 'રામાયણ'ની રચના જ ન થઈ હોત. એ જ રીતે ધૃતરાષ્ટ્રે કૌરવો તરફ પક્ષપાત ન રાખ્યો હોત તો 'મહાભારત' પણ ન થયું હોત. જીવનની ઘટમાળ એવી છેકે, માણસ પોતાનાઓથી દુઃખી થાય છે એટલો પારકાંઓથી દુઃખી થતો નથી તેમ છતાં, પોતાનાંઓ તરફનો પક્ષપાત એ ક્યારેય છોડી શક્તો નથી. ચોરી થયાના એક સમાચાર છાપામાં છપાયા હતા. જેમના ઘરમાં ચોરી થઈ હતી. એમણે પોલીસ ફરિયાદ પણ કરી હતી. આઘાતજનક વાત એ હતી કે ઘરધણીના પોતાના દીકરાએ જ ઘરમાં ચોરી કરી હોવાનું ખૂલ્યું હતું. મા-બાપ દુઃખી દુઃખી થઈ ગયાં હતાં. પોતાનો પુત્ર ચોરી કરે જ નહિ એવું ગાઈ વગાડીને એમણે કહ્યું હતું. પુત્રનો બચાવ કરવામાં એમણે કોઈ કમી રાખી નહોતી. પણ છેવટે પુત્રે પોતે જ ઘરમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. એટલે મા-બાપને દુઃખી થવા ઉપરાંત પોલીસ અને બીજા સ્વજનો તથા પાડોશીઓમાં શરમજનક સ્થિતિમાં મૂકાવું પડયું હતું. જો આ વાતની એમને વહેલાસર ખબર પડી ગઈ હોત તો એમણે પોલીસ ફરિયાદ જ ન કરી હોત. પી.જી.વુડહાઉસે પોતાના કૂતરા તરફના પક્ષપાતની એક વાત લખી છે. એમની પાસે રૂડોલ્ફ નામનો એક કૂતરો હતો. વુડહાઉસ પોતાના ફાર્મહાઉસમાં રહેતા હતા. એકવાર બાજુના ખેડૂતે એમને ફરિયાદ કરી કે "તમારો કૂતરો મારાં બતકાં મારી નાખે છે." વુડહાઉસને એથી ખોટું લાગ્યું, "એવું શા ઉપરથી માન્યું કે બતકાંને રૂડોલ્ફ જ મારી નાખતો હશે? એની ખાતરી શું?"
ખેડૂતે કહ્યું કે, "એટલામાં બે જ કૂતરાં છે એક રૂડોલ્ફ અને બીજો મારો પોતાનો કૂતરો અને મારો કૂતરો તો એ નાનું ગલુડિયું હતો ત્યારથી બતકાંઓ સાથે જ ઉછર્યો છે. એટલે એ બતકાને મારે જ નહિ."
પરંતુ વુડહાઉસ સાહેબને ખેડૂતની વાત ગળે ઊતરી નહીં. ખેડૂતનો કૂતરો કદાચ એના બતકાંને નહીં મારતો હોય, પણ એથી રૂડોલ્ફ બતકાં મારતો હતો એવી વાત થઈ શકે નહીં. વગડામાં શું શિયાળ અને વરૂ નથી? બીજા જાનવરો નથી? રૂડોલ્ફને ગુનેગાર ગણવાનું કારણ શું? ખેડૂત અને વુડહાઉસની વાત રૂડોલ્ફ એક તરફ બેસીને ડાહ્યો ડમરો થઈને સાંભળતો હતો. વુડહાઉસ રૂડોલ્ફ તરફ આંગળી ચીંધીને ખેડૂતને પૂછયું, "આ કૂતરો તમારાં બતકાં મારે એવો તમને લાગે છે?" ખેડૂત ખસિયાણો પડી ગયો. વુડહાઉસની વાત એને સાચી લાગી. એણે માફી માગી અને થોડી આડીઅવળી વાતો કરીને જવાની તૈયારી કરી. વુડહાઉસને પોતાની જીતનો થોડો ગર્વ પણ થયો. પણ, એ જ વખતે વુડહાઉસ સાહેબને આંચકો આપનારો બનાવ બન્યો. વુડહાઉસ સાહેબ ખેડૂત સાથે વાતચીત કરતા હતા ત્યારે રૂડોલ્ફ એમના રૂમમાંથી ચૂપચાપ ક્યારે છટકી ગયો એની એમને ખબર જ રહી નહોતી અને, અત્યારે પેલા ખેડૂતનું એક બતકું પોતાના મોઢામાં પકડીને એ રૂમમાં દાખલ થતો હતો. વુડહાઉસ અવાક્ થઈ ગયા હતા! એમણે નક્કી કર્યું કે પોતાનાંઓનો બહુ પક્ષ લેવો નહીં. એમાં ગમે ત્યારે ખોટા પડી શકાય છે. માણસ ગમે તે હોય, એ 'હું' અને 'મારાં'માંથી છૂટી શકતો નથી. 'પોતાનાં'ઓના મોહને કારણે જ માણસ હાસ્યાસ્પદ થાય છે અને દુઃખી થાય છે. જે કોઈ ડૂબ્યાં છે એ પારકાંઓને કારણે નહીં પણ પોતાનાઓને કારણે જ ડૂબ્યાં છે. દુઃખી થયાં છે એ પણ પોતાનાંઓના કારણે જ દુઃખી થયા છે પારકાંઓને કારણે નહીં.
સૈફ પાલનપુરીની ગઝલના શે'રમાં અનુભવી માનવીઓના મનની આ વાતનો પડઘો સંભળાય છે. જીવનની સમી સાંજે મારે, જખ્મોની યાદી જોવી'તી. બહુ થોડાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતાં. અહીં શે'રમાં એ જ વાત છે કે જિંદગીભર જેમને ચાહ્યાં હોય, જેમને પોતાનાં ગણ્યાં હોય એ જ ઝખ્મો અને પીડા આપે છે. જે ઝખ્મો અને પીડા પોતાનાંઓ આપે છે એવી પીડા અને ઝખ્મો ક્યારેય પારકાંઓ આપી શક્તા નથી. અને, આમ છતાં, માણસ 'મારું' અને 'પોતાના'ઓમાંથી છૂટી શક્તો નથી. 'રામાયણ' અને 'મહાભારત'ની કથા એટલે જ અમર છે. આજનો માનવી પણ પોતાનાઓના કુંડાળામાં જ જીવે છે, એનાથી એ પર થઈ શક્તો નથી. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsVt60-_wiZg5JGPADFL1%3DcOCFbnHUUxoY3eG%2BxiwkuQA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment