વળી નાની ઉંમરમાં જો તમાકુનું સેવન શરૂ થયું હોય તો એને છોડાવવું પણ ભવિષ્યમાં અઘરું બની જાય છે. આજે નો-ટબૅકો ડેએ જાણીએ આપણે આપણાં બાળકોને આ ખરાબ લતથી કઈ રીતે દૂર કરી શકીએ. સ્કૂલની બહાર પડીકી-સિગારેટ વેચતા નાના-નાના ગલ્લા તમે જોયા છે? એ જોઈને તમને વિચાર આવ્યો છે કે આ ગલ્લા અહીં કેમ છે? ક્યારેય સ્કૂલ યુનિફૉર્મમાં ટોળે વાળીને ઊભેલા ૧૨-૧૫ વર્ષના છોકરાઓને એક જ સિગારેટમાંથી કશ લેતા તમે જોયા છે? અને એ જોઈને તમને ચિંતા થઈ છે કે ક્યાંક તમારું બાળક પણ આમ જ તમાકુની લતે ન ચડી જાય? એક સમય હતો જ્યારે સ્કૂલની બહાર બોર, આમલી, કાતરાના ઠેલા ઊભા હોય અને ૧-૨ રૂપિયામાં મુઠ્ઠી ભરીને એ ચણી બોર ખાતા છોકરાઓ અને તેમની કિશોર અવસ્થા ઘણી માસૂમ હતી. આજનો સમય જુદો છે અને બદલાતા એક્સપોઝર સાથે આપનાં બાળકો પણ બદલાઈ રહ્યા છે. ૯થી ૧૪ વર્ષની ઉંમર એવી છે કે એમાં બાળક જલદીથી કોઈ પણ વ્યક્તિ કે વસ્તુના પ્રભાવમાં આવી જતું હોય છે. આજનાં બાળકો પર આમ તો ઘણીબધી વસ્તુઓનો પ્રભાવ છે, પરંતુ જેની આજે આપણે વાત કરવાના છીએ એ છે તમાકુ. આજે વલ્ર્ડ નો-ટબૅકો ડે છે. ઇન્ડિયન જર્નલ ઑફ પબ્લિક હેલ્થના પચાસમાં વૉલ્યુમમાં છપાયેલા વલ્ર્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ષ્ણ્બ્)ના એક તારણ અનુસાર ૧૩-૧૫ વર્ષનાં ૧૦ ભારતીય બાળકોમાંથી એક બાળકે ક્યારેક ને ક્યારેક સિગારેટ પીધી હોય છે એટલું જ નહીં, જે બાળકોએ તમાકુનું સેવન કર્યું છે એવાં બાળકોમાંથી ૫૦ ટકા બાળકો એવા છે જેમણે તમાકુની શરૂઆત ૧૦ વર્ષ કે એનાથી નાની ઉંમરે કરી હોય. વળી આ કોઈ એક ક્લાસનાં બાળકોને લાગુ પડતી વાત નથી. ગરીબ બાળક જે નાનપણથી મજૂરી કરે છે અને આજુબાજુના લોકોના પ્રભાવમાં આવીને તમાકુ શરૂ કરે છે કે એક અમીર બાળક જે પોતાના મિત્રો વચ્ચે પોતાની સ્ટડ ઇમેજ બાંધવા માટે તમાકુનો સહારો લે છે દરેક પ્રકારના, દરેક ક્લાસનાં બાળકો પર તમાકુનો પ્રભાવ ઘણો ગહેરો હોય છે. નાની ઉંમરમાં બાળકો તમાકુનું સેવન કેમ કરે છે એનાં કારણો સ્પક્ટ કરતાં સાઇકિયાટ્રિસ્ટ હરીશ શેટ્ટી કહે છે, '૯થી ૧૪ વર્ષની ઉંમર એવી છે કે ત્યારે બાળકને બધા જ પ્રકારના અનુભવ લઈ લેવા હોય છે. વળી સમાજનું વલણ પણ ઘણું અસર કરે છે. પહેલાં મિત્રો સાથે મળીને કટિંગ ચા પીતા. હવે સાથે મળીને સિગરેટ ફૂંકતા હોય છે. એટલે જે ન પીતી હોય એ વ્યક્તિ પણ એ વર્તુળમાં શામેલ થાય એટલે પીવા લાગે છે. મોટા ભાગના લોકોની શરૂઆત આમ જ થતી હોય છે. બીજું એક મહત્વનું કારણ એ છે કે આ બાળકો સમાજમાં જુએ છે કે તેમના રોલ-મૉડલ્સ પછી એ તેમના પિતા હોય કે સમાજની કોઈ અત્યંત સફળ વ્યક્તિને અને તેમના જેવા થવાની કોશિશ કરતાં હોય છે. આ રોલ-મૉડલ્સ જ્યારે સ્મોકિંગ કે તમાકુ લેતા હોય ત્યારે તેમના માનસ પર એ છાપ પડે છે કે એ લઈ શકાય. બીજી એક એવી દલીલ પણ તેઓ આપતાં હોય છે કે બધા કરે છે માટે એ યોગ્ય જ છે.' જ્યારે ૯થી ૧૪ વર્ષની ઉંમરના તરુણો તમાકુનું સેવન શરૂ કરે છે ત્યારે તેમના વિકાસ પર અસર થાય છે જે સમજાવતાં પી. ડી. હિન્દુજા હૉસ્પિટલ અને મેડિકલ રિસર્ચ સેન્ટરના કન્સલ્ટન્ટ રેસ્પિરોલૉજિસ્ટ અને સ્મોકિંગ સેસેશન થેરપી સ્પેશ્યલિસ્ટ ડૉ. લાન્સલૉટ પિન્ટો કહે છે, 'આ ઉંમરે મગજ હજી ડેવલપ થઈ રહ્યું હોય છે. એ સમયે જ્યારે તમાકુનું સેવન ચાલુ કરવામાં આવે ત્યારે મગજને નિકોટીનની હાજરીમાં જ કામ કરવાની આદત પડી ગઈ હોય છે. પછી એ નિકોટીનની ગેરહાજરીમાં વ્યવસ્થિત કામ કરતું નથી અને આમ તમાકુની શરૂઆત તમાકુના બંધાણમાં પરિણમે છે. વળી એ જ કારણ છે કે જો વ્યક્તિ નાની ઉંમરથી તમાકુનું સેવન કરતી હોય તો એનું બંધાણ છોડાવવામાં તકલીફ પડે છે. બીજું એ કે નાની ઉંમરથી જે તમાકુ લેતા હોય ગાણિતિક રીતે એટલા વધુ વર્ષ એ તમાકુ લે તો તેમના પર તમાકુને લગતા રોગો એટલે કે ફેફસાના રોગો કે કૅન્સર થવાનું રિસ્ક એટલું વધે છે એટલું જ નહીં, આ રિસ્ક નાની ઉંમરે જ આવી જાય છે.' આ ઉંમરમાં સ્મોકિંગ કે તમાકુ ખાવાની આદત પડે તો શારીરિક અને માનસિક રીતે બાળક પર જે અસર થાય છે એ સમજાવતાં બૉમ્બે હૉસ્પિટલના ચેસ્ટ ડિપાર્ટમેન્ટનાં હેડ અને ચેસ્ટ ફિઝિશ્યન ડૉ. અમિતા દોશી નેને કહે છે, 'આ ઉંમરે શરીરનું બંધારણ હજી પૂરી રીતે થયું નથી હોતું. જો આ ઉંમરમાં તમાકુનું સેવન ચાલુ થાય તો શરીરના અવયવોના વિકાસમાં વિક્ષેપ ઊભો થાય છે. અંગો નાની ઉંમરે ડૅમેજ થાય અને એની ભરપાઈ કરવી સરળ નથી રહેતી. વળી આ ઉંમરે ફેફસાં ડેવલપ નથી હોતાં એટલે એને કોઈ ઓપન પ્રકારના ફેફસાના ઇન્ફેક્શનનું રિસ્ક રહે છે. ઘણી વાર એવું બને છે કે તેમનાં ફેફસાં પૂરી રીતે વિકાસ પામતાં જ નથી અને અવિકસિત રહી જાય છે જેને લીધે તેમનાં ફેફસાંની તાકાત એક નૉન-સ્મોકર જેટલી નથી હોતી. વળી આ બાળકોમાં હાર્ટ-સ્ટ્રોક અને સ્ટ્રોક પ્રૉબ્લેમના પ્રારંભિક લક્ષણો ખૂબ નાની ઉંમરથી જ દેખાવા લાગે છે.' એક તરફ એવાં બાળકો છે જે તમાકુની જાળમાં ફસાઈને પોતાનું શરીર, મગજ અને ભણતર ખરાબ કરી રહ્યાં છે ત્યારે બીજી તરફ એ જ ઉંમરનાં એવાં પણ બાળકો છે જે તમાકુવિરોધી ઝુંબેશ ચલાવી રહ્યાં છે. આપણે અને સમગ્ર સમાજે એ વિચારવાનું છે કે એવું શું કરવામાં આવે જેથી બાળકોને તમાકુના સેવન સામે અટકાવી શકાય. આ બાબતે માર્ગદર્શન મેળવીએ ડૉ. લાન્સલૉટ પિન્ટો પાસેથી. ૧. બાળકોને નાનપણથી સ્કૂલમાં તમાકુ બાબતે જાગ્રત કરવાં જરૂરી છે. તેમના ભણતરના ભાગરૂૂપે આ વસ્તુ કેટલી ખરાબ છે અને એનો ઉપયોગ ન જ કરવો જોઈએ એ બાબત તેમના મગજમાં દૃઢ થાય તો જ એ લોકો મોટા થઈને એનાથી દૂર રહેશે. આમ એજ્યુકેશન એ મહત્વનો ભાગ છે. ૨. બીજી સમજવાની વાત એ છે કે આ ઉંમરમાં કોઈને તમાકુના બંધાણની તકલીફ નથી હોતી. આ એક બિહેવિયર પ્રૉબ્લેમ છે. કોઈ કારણસર જ એવું બનતું હોય છે કે તે તમાકુ સાથે જોડાય છે. જરૂર છે એ કારણ તપાસવાની. આ કામ માતા-પિતાનું છે. તકલીફ એ છે કે માતા-પિતાને ખબર જ નથી હોતી કે તેમનું બાળક આ કુટેવ ધરાવે છે. ૩. એકલતા, મિત્રો તરફથી આવતું દબાણ, ભણતરનો ભાર, માનસિક સ્ટ્રેસ, કોઈનો ખોટો પ્રભાવ, ખોટી માહિતીઓ કોઈ પણ કારણ હોઈ શકે છે જેના પ્રભાવમાં આવીને બાળકે તમાકુનું સેવન શરૂ કર્યું હોય એ કારણ જાણી તેને આ બાબતે સમજાવી શકાય છે. ૪. ઘણી વખત આ ઉંમરમાં બાળકો મમ્મી-પપ્પાની વાત સાંભળવાની કે સમજવાની કોશિશ જ નથી કરતાં હોતાં. જ્યારે કમ્યુનિકેશનનો પ્રૉબ્લેમ હોય અને તમને લાગે કે તમે એ કામ ન કરી શકો એમ અથવા તમારા બાળક પર એની અસર નથી થઈ રહી તો કાઉન્સેલરની મદદ લઈ શકાય છે. ૫. ઘણા પેરન્ટ્સ વિચારે છે કે હજી બાળક નાનું છે, એ મોટું થશે તો ખુદ જ સમજી જશે. આવી ગફલતમાં ન રહેવું. તમાકુનું સેવન એક દિવસ નહીં ૧ ટંક માટે પણ ખરાબ જ છે. તમારા બાળકને જેટલું જલદી એ છોડાવી શકો એટલું વધુ સારું છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvYvUdvpt3LsDdTCAgetpnWSfb1DGiD0nSnYXD1Nas1Kw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment