તાજેતરમાં સિનેમાગૃહમાં વેચાતા સમોસા-પૉપકોર્ન-કોલ્ડડ્રિંક્સ ચર્ચામાં છે. 'સોના કરતાં ઘડામણ મોંઘી પડે' તેવા હાલ આજકાલ ફિલ્મી રસિયાઓના શોખ તથા ખિસ્સાના થઈ રહ્યા છે. ટિકિટની ખરીદી કરતાં બમણો ખર્ચ નાસ્તા-પાણી પાછળ થઈ જાય છે. મલ્ટિપ્લેક્સમાં ફિલ્મની એક ટિકિટનો સૌથી ઓછો દર ૨૫૦ રૂપિયાનો જોવા મળે છે. ફક્ત બે સમોસાનો ભાવ ૧૨૦ની આસપાસ જોવા મળે છે. પૉપકોર્નનો ભાવ ૨૧૦-૩૫૦ની આસપાસની આસપાસ વસૂલવામાં આવે છે. આમ આદમી મલ્ટિ-પ્લેક્સમાં ફિલ્મ જોવાનો પણ ખચકાટ અનુભવતો હોય છે. મોંઘવારીના મારથી કંટાળેલો માનવી નિર્દોષ મનોરંજન મેળવે તો મેળવે ક્યાં તે પ્રશ્ર્ન ચર્ચાનો વિષય બની રહ્યો છે.
જે પ્રમાણે સિક્કાની બે બાજુ જોવા મળે છે તે પ્રમાણે સમાજમાં પણ બે પ્રકારના લોકો જોવા મળે છે. એક વર્ગ છે, જે સતત કમાણી કરીને પોતાના મોજશોખ પૂરા કરવામાં બેફામ ધન વાપરતો જોવા મળે છે. તો બીજો વર્ગ છે જે સમાજની વિવિધ મુશ્કેલીઓને પોતાની સમજી તેને દૂર કરી કોઈની આંતરડી ઠારવાનો પ્રયત્ન કરતો રહે છે. દિલ્હીમાં રહેતા રચના પંચાલ એકલપંડે સમાજના ગરીબ બાળકોને તથા વડીલોના સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્ર્નોને સુલઝાવવા સતત પ્રયત્નશીલ રહે છે. એકલી વ્યક્તિ પણ સમાજમાં કેવો બદલાવ લાવી શકે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે નિષ્ણાત ગ્રાફિક ડિઝાઈનર રચના પંચાલ. રચનાજી ટિફિન સેવાની તથા ઘરના ભાડાની આવક દ્વારા આસપાસના ગરીબ બાળકોને માટે ભંડારો કરતા રહે છે. આજે પણ સમાજનો એક વર્ગ બે ટંકના ભરપેટ ભોજનથી વંચિત જોવા મળે છે. કુપોષણનો શિકાર બાળકો ન બને તે હેતુથી રચનાજી પ્રત્યેક શનિવારે બાળકો માટે ભંડારાનું આયોજન કરે છે. એક સમયે ભંડારામાં ૧૦થી લઈને ૫૦ બાળકો ભોજન કરતા. આજે ભંડારામાં ૧૦૦થી પણ વધુ બાળકો ભરપેટ ભોજન કરે છે. ભોજન બાદ બાળકોના ચહેરા ઉપર જે સંતોષ જોવા મળે છે તેને શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ છે. ખાસ તહેવારોને દિવસે ભંડારામાં ૭૦૦થી પણ વધુ બાળકોની હાજરી જોવા મળે છે. ભંડારાની વાત કરતા તેઓ જણાવે છે કે એક વખત કુલ ૪૦ મોટા બ્રેડના પૅકેટ, છોલે તથા ગરમાગરમ શીરાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે સમયે બાળકો એટલા ઉત્સાહથી વાનગીઓનો આનંદ માણતા હતા કે તે દૃશ્ય આજે પણ આંખ સમક્ષ તરવરે તો મનને જે સંતોષ મળે છે તે અવર્ણનીય છે. તેમણે ૭૮ ગરીબ બાળકોના શિક્ષણની પણ જવાબદારી લીધી છે. ૧૬ વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રે આગળ વધી ગયા છે, જેમાંથી એક વિદ્યાર્થીએ થોડા સમય પહેલાં આઈ.આઈ.ટી.માં ઍડમિશન પણ મેળવ્યું. રચનાજીની બીજી પ્રવૃત્તિ એટલે ગરીબ તથા વૃદ્ધ વ્યક્તિઓને માટે ધનિકોના કબાટમાં વણવપરાયેલા વસ્ત્રોને એકઠાં કરીને પૂરાં પાડવાની છે. આજે વૈદ્યકીય સારવાર પણ ખર્ચાળ બનતી જાય છે. તેવા સંજોગોમાં અચાનક આવેલી બીમારીને પહોંચી વળવું સામાન્ય આવક ધરાવતી વ્યક્તિઓ માટે મુશ્કેલ બની જતું હોય છે. રચનાજી તેમના વિસ્તારમાં જો કોઈને વૈદ્યકીય મદદની જરૂર હોય તો પણ કરવા આતુર રહે છે. ગરીબો કે વયસ્કોની સેવા કરવાની તો અનેક વ્યક્તિઓને ઈચ્છા હોય છે. તે માટે પૂરતો સમય તથા નાણાં હોવા પણ જરૂરી છે. રચનાજી સ્વમાનથી જીવવામાં માને છે. સ્વયંની ઈચ્છાને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે તેઓ ખાસ ટિફિન સેવા પણ ચલાવે છે. વળી નિષ્ણાત ગ્રાફિક ડિઝાઈનર હોવાને કારણે તેઓ નાનું મોટું ડિઝાઈનિંગનું કામ કરતા રહે છે. માનવીના મનોબળને તોડી નાખે તેવી મોંઘવારીના જમાનામાં કોઈ આપને સસ્તા ભાવનું તાજું-સાત્ત્વિક ભોજન પૂરું પાડે તો કેટલો આનંદ થાય? રચનાજીની એકલપંડે ચલાવવામાં આવતી ગજબની ટિફિન સેવા વિશે પણ જાણી લઈએ. દિલ્હીના ગુડગાંવ સ્થિત પાલમ વિહારના વિસ્તારમાં રહે છે રચના પંચાલ. તેઓ વિશાળ બંગલાના માલિક છે. તેમ છતાં તેમનો બંગલો સદાય ખુલ્લોે રહે છે. રચનાજી એક વર્ષથી એક નવા જ હેતુ સાથે સ્ટાર્ટઅપ ચલાવે છે. પાલમ વિહારની આસપાસના છ કિ.મી.ના વિસ્તારમાં તેઓ ૪૦૦થી વધુ ટિફિન પહોંચાડે છે. સામાન્ય રીતે ટિફિન સર્વિસનું નામ સાંભળીએ એટલે સ્ટીલનું ચાર ડબ્બાવાળું ટિફિન આપણી આંખ સામે તરવરવા લાગે. રચનાજીના ટિફિનની માગ મોટે ભાગે એકલા રહેતા નોકરિયાત વર્ગ, નવપરિણીત યુગલો, રિટાયર્ડ દંપતીની હોય છે. તો વળી બર્થડે પાર્ટી કે કિટી પાર્ટીમાં પણ તેમની વાનગીઓની બોલબાલા રહે છે. તેમના બંગલામાં આશરે ૩૦ લોકો કામ કરે છે. પહેલા માળે સાત વિશાળ રૂમ છે. સાત રૂમમાં સાત ભાડૂઆત રહે છે. સ્વાભાવિક રીતે પ્રત્યેક સ્ત્રીની નબળાઈ આકર્ષક ઘરેણાં, સ્ટાઈલિશ વસ્ત્રો તથા મેકઅપ હોય છે. રચનાબહેન સંપૂર્ણપણે ટૅકનોસેવી હોવા છતાં તેમના અંગ ઉપર આપને એકપણ ઘરેણું કે મેકઅપ જોવા નહીં મળે. ૨૧મી સદીમાં આધુનિક વિચારધારા તથા ટૅકનોલૉજીની સાથે કદમ મિલાવીને ચાલે છે. નિષ્ણાત ગ્રાફિક ડિઝાઈનર રચના પંચાલ વાસ્તવમાં શાલીન-જાજરમાન નારી છે. 'અન્ન તેવો આોડકાર' કહેવતથી તો આપણે બધા જ પરિચિત છીએ. રચનાજી માને છે કે સાત્ત્વિક ભોજન ગ્રહણ કરવાથી માનવી સારાં કર્મો કરવા પ્રેરાય છે. આપણે ઘરે ૫-૧૦ મહેમાન આવવાના હોય તો પણ રસોડામાં સવારથી ગૃહિણીને તૈયારી કરવામાં વ્યસ્ત રહેવું પડે છે. ૪૦૦ ટિફિન પહોંચાડતા રચનાજીના ચહેરા ઉપર આપને થોડો પણ રઘવાટ કે તાણ જોવા નહીં મળે. રસોડાની જરૂરી પ્રત્યેક સામગ્રી તેઓ ઝીણવટપૂર્વક ખરીદે છે. ટિફિનમાં આપવામાં આવતી પ્રત્યેક વાનગીઓ સ્વાદિષ્ટની સાથે સાત્ત્વિક બને તેનું સંપૂર્ણ ધ્યાન તેઓ રાખે છે. ભોજન બનાવવામાં રામુકાકાની હથોેટી લાજવાબ છે. વહેલી સવારે સાડાપાંચથી રસોડું ધમધમવા લાગે છે. સવારના સાતની આસપાસ બ્રેકફાસ્ટની વિવિધ વાનગીઓ પૅક કરતાં પહેલાં રચનાજીને ચખાડવામાં આવે છે. રોટલી, પરાઠા, પૂરી કે કુલચા બનાવવા માટે બહેનોની મદદ લેવાય છે. શાકભાજી ધોવાથી લઈને લૂછવા કે કાપવાનું બધું જ કામ મશીન દ્વારા કરવામાં આવે છે. વાનગીઓ બની જાય ત્યારબાદ તેને યોગ્ય રીતે ભરવાનું કામ પણ મશીન દ્વારા જ કરવામાં આવે છે. રોજ શું વાનગી બનાવવી તેની મથામણ સામાન્ય રીતે પ્રત્યેક ગૃહિણીને સતાવતી હોય છે. રોજબરોજની વાનગીની પસંદગી કઈ રીતે કરવામાં આવે છે તેવાં પ્રશ્ર્નનો તેમનો જવાબ હતો મારી વાનગીની પસંદગી માટે ઈશ્ર્વરને જે પ્રમાણે પ્રત્યેક વારે ખાસ વસ્ત્રો ધરાવવામાં આવે છે તે મુજબ તેમની રસોઈમાં પણ રંગોની વૈવિધ્યતા જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. એક જમાનો હતો કે જ્યારે ગુજરાતી ઘરોમાં વાર પ્રમાણે વાનગી બનાવવામાં આવતી. સોમવારે તુવેરની દાળ, મંગળવારે કઢી-લચકો દાળ, બુધવારે મગ, ગુરુવારે મગની દાળ, શુક્રવારે ચણા, શનિવારે અડદની દાળ તો બનતી જ. બસ, આજ પ્રણાલી મુજબ તેઓ પ્રત્યેક રંગનું ભોજનમાં પ્રાધાન્ય જળવાય તે રીતે વાનગીઓની પસંદગી કરે છે. બીજી ખાસ વાત એટલે કે તેમના ઘરમાં ક્યારેય તાળું મારવામાં આવતું નથી. રચનાજીની ટિફિન સર્વિસ આજે દિલ્હી-ગુડગાંવમાં વખણાઈ રહી છે. તેમની ઈચ્છા વાજબી ભાવે આપવામાં આવતી ટિફિન સેવાને સમગ્ર ભારતમાં પહોંચાડવાની છે. અત્યાધુનિક ટેકનોલોજીને સંપૂર્ણપણે અપનાવી ચૂકેલા-જાણકાર રચનાજીની ટિફિન સર્વિસમાં આકર્ષક પેકિંગમાં ઘરે ગરમાગરમ પહોંચાડવામાં આવે છે. ગ્રાહકો તેમને મનગમતું ભોજન મેળવી શકે તે માટે રોજેરોજ નવું મેનુ બનાવે છે. ચાલો તેમના મેનુની એક ઝલક મેળવી લઈએ : પૌંઆ, પાંઉભાજી, ગોબી-મૂલી-આલૂ પરાઠા દહીં અને અથાણા, પનીર પરાઠા દહીં સાથે, ચીઝ ટોમેટો સેન્ડવીચ, વિવિધ પ્રકારના મિલ્ક શૅક લંચમાં ૪ તવા ચપાટી, ભીંડાનું શાક અને દાળ, સલાડ , દાલ -ચાવલ અને સલાડ કોમ્બો રાતનું ભોજન : ડિનરની જાણ ૬ વાગ્યા પહેલાં કરવાની : દાલ-રાઈસ , છોલે-કુલચે, આચાર-સલાડ,૪ ઘી વાલી ચપાટી દિલ્હીવાલે રસાવાલે આલૂ પૂરી , ખીચડી -પંજાબી કઢી, આચાર જેવી વિવિધ વાનગીઓની સાથે દિવસભર આપ મનગમતા ચાટ, પાસ્તા કે ચાઈનીઝ વાનગીઓનો ઓર્ડર પણ આપી શકો છો. બપોરનું -રાતનું ભોજન ખાસ ગરમ રહે તેવા કૅસરોલમાં પીરસવામાં આવે છે, જે આપે સાફ કરીને પાછું આપવાનું રહે છે. સાંજનો નાસ્તો કે રાત્રિનું ભોજન પણ ખાસ ગરમ રહે તેવા સારી ગુણવત્તા ધરાવતા પ્લાસ્ટિકમાં પૅક કરીને આપને મળે છે. દાળ-શાક-અથાણાંનો રસો જરા પણ બહાર નીકળે નહીં તેની ખાસ તકેદારી લેવાય છે. જી...હા ઉપર જણાવેલી બધી જ વાનગીઓ એટલી તો સ્વાદિષ્ટ હોય છે કે આપને વારંવાર તેનો સ્વાદ માણવાનું મન થયા જ કરે તેની ગેરેંટી. મોંઘવારીના જમાનામાં મોટાભાગની વાનગીઓનો ભાવ ૬૦થી ૭૦ રૂપિયાની આસપાસ જોવા મળે ત્યારે આશ્ર્ચર્ય તો જરૂર થાય. આપે જે વાનગીઓના નામ વાંચ્યા તે વાનગીનો સ્વાદ માણવા આપે દિલ્હીની મુલાકાત લેવી પડશે. ઓર્ડર તેમને વ્હૉટસઍપ દ્વારા આપવાનો હોય છે તથા પૈસા તેમને આજકાલ વપરાતી વિવિધ ઍપ દ્વારા ચૂકવી દેવાના હોય છે. ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે 'લાઈફ રિટ્રિટ' નામે એક એવો આશ્રમ બનાવી રહ્યા છે જ્યાં અનાથ બાળકો તથા વડીલો એકસાથે રહે. વડીલોના જ્ઞાન-અનુભવનો લાભ અનાથ બાળકોને મળે તેમનું જીવન ઉત્કૃષ્ટ બને તે જ છે. બસ પાંખો ફેલાવીને સમાજને કંઈક આપવાનો તેમનો નિર્ધાર છે. અનેક મુશ્કેલીનો સામનો કરવા છતાં તેઓ અડગ બનીને કદમ-કદમ બઢાવતા જાય છે. સ્વયં માટે બચત કરવાની તેમને જરાય ઈચ્છા નથી. ઈશ્ર્વરે આપેલા જીવન તથા આવકને અન્યની મુશ્કેલીમાં મદદરૂપ થવાનો મક્કમ નિર્ધાર તેમની વાતોમાં ડોકાય છે. મુશ્કેલીના સમયે તેમને આર્થિક સહાય અગમ્ય રીતે મળી રહે છે. આધુનિક યુગમાં ઉચ્ચ શિક્ષણ સાથે અન્ય માટે સમગ્ર કમાણી અર્પણ કરવાનો દૃઢ નિર્ધાર ભાગ્યે જ જોવા મળે! |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OssZk1mnYf%3DWsv_XMHHNxxEx6GOprUEEqEJxGt_YDszvA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment