શહેરનો વિકાસ થવા લાગ્યો એમ મકાનોની ઊંચાઈ વધી અને ટાવરો પછી હાઈરાઈઝ મકાનો અસ્તિત્વમાં આવ્યા. વર્ષો પહેલાની એક જાહેરખબરમાં એક દાદાજી ફટાફટ દાદરા ચડી જતા અને એક યુવાન હાંફી જતો. સાઠ વર્ષનો યુવાન કે સાઠ વર્ષનો બુઢ્ઢો એવું કંઈક એ જાહેરખબર જણાવતી હતી. ગમ્મત પડતી એ જાહેરખબર જોઈને. આજે હાઈરાઈઝ ઈમારતોમાં ૨૫ કે ૩૦ માળ કયો દાદો ચડવાનો? આ દાદાના જમાનામાં મકાનો બનતા કેટલા માળના? બે-ત્રણ કે વધારેમાં વધારે ચાર માળના. ધીરે ધીરે સાત માળના મકાનો બનવા માંડ્યા હતા. ત્યારે ૨૫ માળના મકાનોનો સહેજ સરખો વિચાર પણ ન આવતો. અમેરિકામાં અને વિદેશમાં અન્ય ઠેકાણે ૧૨૦ માળના મકાનો બનતા હોવાની વાત આપણા માટે કૌતુક અને સ્વપ્ન સમાન હતી. આજ આ દાદા ટાવરમાં જશે તો પહેલા લિફ્ટ છે કે નહીં એની તપાસ ચોક્કસ જ કરશે. હવે જ્યારે ઊંચા મકાનોમાં ઉપરના માળે જવા લિફ્ટ કે એલિવેટર જેવા પ્રચંડ ગજાનું વજન વહન કરનારા સાધનની વાત વિગતે કરવી પડે.
વિદેશોમાં છેક અઢારમી સદીમાં લિફ્ટ-એલિવેટરનો પ્રરંભ થયો હતો. ભારતમાં એનો ઉપયોગ ૧૯મી સદીમાં શરૂ થયો, એ પણ ચપટી વગાડતાંમાં ગણી શકાય એટલા મકાનોમાં. આમ તો સીધું એક કતારે ફેલાયેલું મુંબઈ હળવે હળવે ઊભું થવા લાગ્યું, ૧૯૭૦ પછી મુંબઈના ચાલી જેવા, લંબાઈમાં ફેલાયેલા મકાનો ઊભા એટલે કે ઊંચાઈમાં વધવાનો આરંભ થયો હતો. લગભગ ૮૦ના દશકથી મુંબઈનો આકાશની દિશામાં વધવાનો વેગ વધ્યો હતો. આરંભે તો સરકારી વસાહતો સ્વરૂપે એ ઊંચાઈ આંબવાનું કામ મોટા પ્રમાણમાં થયું, પછી એમાં ઊંચા ખાનગી મકાનોની સંખ્યા વધવા લાગી હતી. વર્ષ ૧૯૯૦ પછી આ ઊંચી થતી જનારી ઈમારતોમાં આકાશને આંબનારા ટાવરોનો વધારો થવા લાગ્યો હતો. દસ-વીસ માળ કરતાં કરતાં ટાવરોએ પચાસ માળનો આંકડો આંબ્યો, પણ વધુ મહત્ત્વની વાત એ છે કે, જેમ ટાવરના માળ વધતા ગયા એમ મહાપાલિકા, સાર્વજનિક બાંધકામ ખાતું અને ફાયરબ્રિગેડના હૃદયના ધબકારામાં વધારો થતો ગયો. એક પછી એક વધતા જતાં માળ પર રહેનારાઓની સલામતીની ચિંતા પણ એટલી જ વધી ગઈ હતી. બહુ ઊંચા માળ પર રહેનારાના ઘર સુધી લિફ્ટ પહોંચી તો વાંધો નહીં, પણ લિફ્ટ વચ્ચે જ બંધ પડી ગઈ અથવા વીજળી પુરવઠો ખંડિત થયો તો શું કરવાનું? એથી વધીને લિફ્ટમાં કોઈ પ્રકારે તાંત્રિક ખરાબી સર્જાઈ અને લિફ્ટ નીચે ધસી પડી તો શું? આવા અનેક પ્રશ્ર્ન ઊભા થયા. એને પગલે ઊંચી ઈમારતોની જોડાજોડ જ લિફ્ટનું મૅનેજમેન્ટ અને લિફ્ટનું સ્ટ્રકચરલ ઑડિટ જેવા મુદ્દા પણ સામે આવ્યા. હવે તો લિફ્ટ એ જીવનાવશ્યક સાધન બની ગઈ છે, ભલે પછી મકાન સાત માળનું હોય કે સિત્તેર માળનું. લિફ્ટ એ લક્ઝરી ક્યારેય નહોતી અને આજે પણ નથી માટે લિફ્ટ ૨૪ કલાક ચાલતી રહે એ માણસની તાતી આવશ્યક્તા છે. કેટલાંક મકાનોમાં બિલ્ડર તરફથી પૂરતા પ્રમાણમાં કોર્પસ ફંડ મળ્યું હોતું નથી તો ક્યારેક સોસાયટીની તિજોરીમાં ખાલી ખખડાટ જેવા કારણોને લીધે બંધ પડેલી લિફ્ટનું સમારકામ કરવાની બાબતમાં અવરોધ સર્જાય છે. ઈમારતવાસીઓએ દાદરા ચડીને જવા-આવવા સિવાય બીજો વિકલ્પ રહેતો નથી. પાંચ કે સાત માળ સુધી તો માણસ દાદર ચડી જઈ શકે એમ માની લઈએ, પણ દસમા માળે રહેનારો શું કરે? એમની તો હાલત ખરાબ થઈ જાય. આને કારણે ઘણી વાર કેટલીક સોસાયટીઓમાં મૅમ્બરો અને સોસાયટીની કમિટીના સભ્યો વચ્ચે તણખા ઝરતા હોય છે. આવું તો મુંબઈની અનેક સોસાયટીઓમાં જોવા મળી શકે છે. સરકારી વસાહતોના રહેવાસીઓની હાલત તો એથીય વધારે ખરાબ હોય છે. આપણે ત્યાં લિફ્ટનો વપરાશ કરતી વખતે લિફ્ટનું બાંધકામ, એની દેખભાળ અને સલામતીની બાબતે કાયદામાં અનેક પ્રકારની જોગવાઈઓ છે. આ વિશે ઘણા લોકોને ખબર નહીં હોય. વળી, એસઆરએ (સ્લમ રિહેબિલિટેશન ઑથોરિટી) અથવા નાના સંકુલોમાં બિલ્ડરે મકાનોને ટ્રાન્સફર-હસ્તાંતર કરી દીધા પછી એટલે કે માલિકી હક બદલાઈ ગયા પછી લિફ્ટનાં મૅનેજમેન્ટની વિટંબણાઓ થાય છે. એમાં પણ સોસાયટી આર્થિક રીતે સક્ષમ ન હોય તો સમસ્યા વધુ વિકટ બને છે. સાર્વજનિક બાંધકામ વિભાગ-પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટના નિયમ પ્રમાણે ઈમારત પાંચ કરતાં વધારે માળ (૧૬ મીટર કરતાં વધારે)ની હોય તો એક લિફ્ટ, આઠ કરતાં વધારે માળ (૨૪ મીટર કરતાં વધારે)ની હોય તો બે લિફ્ટ હોવી જ જોઈએ. હાઈરાઈઝ ટાવર (૭૦ મીટર કરતાં વધારે ઊંચાઈની ઈમારત)માં રહેવાસી લિફ્ટની સાથે સામાન વહન કરનારી લિફ્ટ હોવી બંધનકારક છે. મુંબઈના મોટાભાગના ઊંચા ટાવરોમાં આ નિયમોનું પાલન કરવામાં આવે છે કે કેમ, એ સવાલ મોટો છે. ઈમારતમાં આગ જેવી દુર્ઘટના બને ત્યારે જ લોકોને મકાનની સલામતી અને લિફ્ટનું મહત્ત્વ સમજાય છે. એથી વધારે ક્ષેત્રફળ ધરાવતાં મકાનમાં આગ લાગવાની ઘટનામાં રહેવાસીઓને ઉગારી લેવા માટે 'ફાયર લિફ્ટ' હોવાની ખાસ જરૂર છે. લિફ્ટ માટેના નિયમો સમજી લેવા પણ એટલું જ જરૂરી છે. મુંબઈમાં ૧૭ મે, ૧૯૩૯માં 'મુંબઈ લિફ્ટ ઍક્ટ' અસ્તિત્વમાં આવ્યો. વર્ષ ૧૯૫૩માં 'બૉમ્બે લિફ્ટ રૂલ્સ'ની નિયમાવલિ પ્રગટ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે લિફ્ટ મૂકવા માટે ભારત સરકારનો 'ઈલેક્ટ્રિસિટી લૉ-૨૦૦૩' લાગુ કર્યો છે. લિફ્ટ મૂકવા માટે આ કાયદાની જોગવાઈઓ સરકારે લાગુ કરી છે. લિફ્ટ સંબંધી નિયમો અને માર્ગદર્શક સૂચનાઓની જાણકારી પીડબલ્યુડીના ચીફ ઈલેક્ટ્રિસિટી એન્જિનિયરની કચેરીમાંથી મળી શકે છે. લિફ્ટ મૂકવા માટે સાર્વજનિક બાંધકામ વિભાગે કરેલા નિયમો અનુસાર લિફ્ટ ઉપર-નીચે જતી આવતી હોય ત્યારે તેના માર્ગમાં હવા ફરતી રહેવી જોઈએ, ટૂંકમાં વેન્ટિલેશન બહુ મહત્ત્વનું બની જાય છે. ઉપરાંત લિફ્ટના દરવાજા કેવા હોવા જોઈએ, લિફ્ટની ઝડપ કેટલી ને કેવી હોવી જોઈએ, એક લિફ્ટમાં કેટલું વજન હોવું જોઈએ, દિવસના લિફ્ટ કેટલો સમય ચાલુ રાખવી વગેરે બાબતો દરેક સોસાયટીએ પોતાના વપરાશ અનુસાર પોતાની રીતે નક્કી કરી એ માટેના નિયમો અને સૂચનાઓ તૈયાર કરવાની હોય છે અને તેનો બેદરકારી વિના અમલ કરવામાં આવે તો લિફ્ટનો કાર્યકાળ લંબાવી શકાય છે, એમ સ્ટ્રક્ચરલ એન્જિનિયરો કહે છે. બીજી મહત્ત્વની બાબત એવી છે કે કોઈ પણ મકાનનું ૩૦ વર્ષે સ્ટ્રક્ચરલ ઑડિટ કરવામાં આવે છે એમ દરેક છ મહિને લિફ્ટનું પણ ઑડિટ કરવું જોઈએ. લિફ્ટની ટૅક્નિકલ બાબતોની, એને લગતાં વિદ્યુત ઉપકરણોની ચકાસણી કરી લેવી જોઈએ. સોસાયટીના ફંડમાં લિફ્ટની જાળવણી માટે અલગ-નોખા ભંડોળની જોગવાઈ કરવી જોઈએ. સોસાયટીઓમાં સ્વચ્છતા માટે કેટલીક કંપનીઓ કોન્ટ્રેક્ટ લે છે એવી જ રીતે લિફ્ટની જાળવણી-સાચવણી માટે પણ કોન્ટ્રેક્ટ લેનારી કંપનીઓ છે. દર મહિને લિફ્ટની ચકાસણી કરીને કોઈ મોટી ટૅક્નિકલ સમસ્યા ઊભી થવાની સંભાવના જણાય તો તેનું આગોતરું જ નિરાકરણ કરવાનું શક્ય બને છે. પહેલી વાત જ સલામતીની છે. મુંબઈની અનેક જૂની ઈમારતોમાં લિફ્ટોને જૂની રીતના જાળીવાળા દરવાજા હોય છે. આ જાળીવાળા દરવાજા ઉઘાડ-બંધ કરવાનાં કામમાં વરિષ્ઠ નાગરિકો તેમ જ બાળકોને બહુ મુશ્કેલી પડે છે. આ દરવાજા તાકીદે બદલી નાખીને સ્વંયચાલિત દરવાજા બેસાડી દેવા જરૂરી છે. આવા ઑટોમેટિક દરવાજા વધારે સલામતી અને વેન્ટિલેશન માટે ઠીક ન હોવાની દલીલો કેટલાક લોકો કરે છે. હવે તો સારી કંપનીની લિફ્ટમાં વેન્ટિલેશનની વ્યવસ્થા હોય છે. વીજ પુરવઠો તૂટે અથવા અન્ય ટૅક્નિકલ કારણોસર લિફ્ટ વચ્ચે જ અટકી જવાની ઘટના બને તો ગભરાઈ ન જતાં તેમાં સંબંધિત કંપનીનો ફોન નંબર હોય છે. ત્યાં ફોન કરવો. ક્યારેક લિફ્ટમાં મોબાઈલ ફોનનું નેટવર્ક નથી મળતું ત્યારે હાથ વડે લિફ્ટનો દરવાજો ખખડાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. મુંબઈનાં અનેક મકાનોમાં લિફ્ટ છેક છેલ્લા માળ સુધી જતી હોવા છતાં અગાસી સુધી જતી નથી. મહાપાલિકાએ રહેવાસીઓની આ તકલીફને ધ્યાન પર લઈને અગાસી સુધી લિફ્ટ લઈ જવાની પરવાનગી ગયા વર્ષે આપી હતી. એ માટે ગ્રેટર મુંબઈના ડેવલપમેન્ટ પ્લાન ૨૦૧૪-૨૦૩૪ના વિકાસ ખરડામાં વિકાસ નિયંત્રણ નિયમાવલીમાં ફેરબદલ કરવામાં આવી છે. સંબંધિત સોસાયટીએ પાલિકાના ઈમારત પ્રસ્તાવ વિભાગ (બિલ્ડિંગ પ્રપોઝલ ડિપાર્ટમેન્ટ)ને રજૂઆત કરવાથી અગાસી સુધી લિફ્ટ લઈ જવાની પરવાનગી આપવામાં આવશે. એ માટે લિફ્ટનો ઉપયોગ કરનારા રહેવાસીઓની સલામતી અંગે જે-તે સોસાયટીના પદાધિકારી અથવા માલિકે યોગ્ય કાળજી લેવી જરૂરી છે એવી સ્પષ્ટતા કરી છે. મકાન ભલે દસ માળનું હોય કે પચાસ માળનું, પણ લિફ્ટ અતિ આવશ્યક છે અને એ જેટલી આરામદાયી વ્યવસ્થા છે એટલી જ જોખમી પણ છે. આપણે જેમ આપણી તંદુરસ્તીનું ધ્યાન રાખીએ છીએ એટલી જ કાળજી આપણા મકાનની અને એમાંની લિફ્ટની પણ લેવી જોઈએ. એ માટે સાર્વજનિક બાંધકામ વિભાગ, પાલિક, ફાયરબ્રિગેડ વગેરેએ આપેલા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. લિફ્ટને પણ નિયમોનું ઔષધ પીવડાવશું તો લિફ્ટ તંદુરસ્ત રહેશે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Oso46nDDm%3DfKKUMsAp6CQYn_dG-8QOoABEf%2BXBUSn_Adg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment