અમદાવાદ જેવું મોટું શહેર. એમની પોળનું નામ પણ મોટી પોળ. પોળમાં રહેતા રતીભાઇનું મન પણ મોટું. ઘર ભાડાનું, ઘરમાં ખાનાર છ અને કમાનાર એક. રતીભાઇ એકલા. 'એક સાંધો અને તેર તૂટે' એવો ઘાટ. ઘરમાં વાસણ અવારનવાર ખખડે પણ સમજુ સવિતાબેને મધ્યમવર્ગનો કરકસરનો કક્કો અને બલાની બારાખડી ઘૂંટીઘૂંટીને જિંદગીનો અભ્યાસક્રમ આત્મસાત કરી દીધો હતો.
પરગજુ સ્વભાવથી સવિતાબેન ચારેય સંતાનોને અડોશ-પડોશના સહકારથી કોલેજ શિક્ષણથી વંચિત ના રાખ્યા. રતીભાઇ સ્થાનિક મિલમાં, બહારગામનાં કાપડ સેલ્સમેન. સેમ્પલો બતાવવાના, જૂની ઉઘરાણી લાવવાની અને નવા ઓર્ડરો નોંધાય ત્યારે એમનું દિવાળીનું બોનસ સંતાનોનાં નવા પરિધાનમાં દેખાતું. કોકિલા અને ઇલા બે દીકરીઓ. ટાપટીપની એલર્જી હજી એમના સુધી લાં...બી થઇ ન હતી. વિદ્યાભ્યાસ ઉપરાંત ઘરનાં નાના મોટા કામમાં સવિતાબેનની તાલીમ હેઠળ ઘડાતી ગઇ અને સમયાંતરે સારા ઘેર ગૃહિણીઓ બની ગોઠવાઇ ગઇ. દીકરાઓમાં નાનો પંકજ. ચબરો અને ચાલાક. સબ બંદરકા વેપારી. હોળીમાં પિચકારી, દિવાળીમાં ફટાકડા અરે! તહેવાર ના હોય ત્યારે વિદેશી સ્ટ્રેચેબલ પેન્ટ, મેકસી ટીપટોપમાં તેનો ઠસ્સો. પોળમાં પંકજનાં દરેક ખાંચે આસિસ્ટન્ટો. એ જમાનામાં ઠાઠિયું લેમ્બ્રેટા સેક્ધડમાં ખરીદી લાવેલો. પોળની લાયક અસમજુ ઉમરલાયક છોકરીઓમાં તે કાનુડો. 'ખાઓ પીઓ મજા કરો' એનો ગુરુમંત્ર. મોટો બકો... બકાભઇ ઠરેલ અને હોંશિયાર. વાંચનનો કીડો. મોડી રાત સુધી સુધરાઇની લાઇટે વાંચે અને ભણે. એનાથી નાના ધોરણના વિદ્યાર્થીઓને ભણાવે. ફ્રીમાં. આથી બકાભાઇના ચેલાઓ પણ દરેક ખાંચે. બંને પુત્રોની ગાડી પાટા પર ચડેલી જોઇ મા-બાપ હરખાતા. જ્ઞાતિમાં પૂછપરછ થવા માંડી હતી. પંકજને જમાનાની હવા લાગી ગઇ હતી. છેલબટાઉ સ્વભાવ, પૈસા ખરચવામાં હાથ છૂટો અને પાછું વાકચાતુર્ય. પોળમાં જ એનું ભાવિ ઘડાઇ ગયું. એણે ભાગીને (સગાંવહાલા ઓને દોડાવીને) લગ્ન કર્યા. ઘરમાં રેશનકાર્ડમાં નવું નામ ઉમેરાયું. નાના પંકજે ગાડી ઓવરટેક કરી એ જ મહિનામાં બકાભાઇ પણ જ્ઞાતિની ક્ધયા સાથે ઠરીઠામ થયા. એક જ મહિનામા ત્રણ માળના મકાનમાં બે પુત્રો ઉપર નીચે અને વચ્ચેનાં માળમાં માતા પિતા. લગભગ સેન્ડવીચ જેવું લાગે. શરૂશરૂમાં તો નદીનું વહેણ શાંત હોય પછી કયારે ઉછાળા મારે, રૌદ્ર સ્વરૂપ ધારણ કરે. એ તો વિદાય આપનાર પિતા-પર્વતરાજને પણ ખ્યાલમાં ન હોય એમ ઘરેલું આબોહવામાં ભર ઉનાળે માવઠું જેવા બનાવો પોળવાસીઓ માટે રૂટિન બની ગયા. 'મોટા ભાઇ, આ બે મહિનામાં તમે ત્રીજી વાર ચોકઠું બદલાવ્યું, હવ અખરોટ, સોપારી એક જ ઝાટકે તોડવાનાં અભરખાં બંધ કરો... બેંકમાં હમણાથી ઓવરટાઇમ બંધ છે....' મોટાનો પુણ્ય પ્રકોપ. 'મોટી બેન, આ પ્યાલા- બરણીવાળીને તે મારા સાસરેથી આવેલું નવું નક્કોર ટિફિન, કૂકર આપી આવી બબ્બે છીદરીઓ લેવાની? જૂની તો હજી ફાટી નથી ને પાછું આવું ખરીદીનું ભૂત. જરા સમય આ લ્યૂનાનું રિપેરિંગ બે મહિનાથી નથી કરાવ્યું ને તમે? નાનાની ધ્રુજારી પિયરિયામાંથી ઘરડાંઘર અને વૃદ્ધાશ્રમનાં છાપાના કટીંગ અને ફરફરિયા ભેગાં કરી બંને પુત્રવધૂઓ બેડરૂમમાં પતિદેવને રવિવારની પૂર્તિઓમાં ટુ બીએચકે ફલટોની જાહેરખબર વાળમાંહાથ ફેરવી વખત આવે ખેંચી મોઢે કરાવતી. રતીભાઇ અને સવિતાબેનને ગેસ પર ઉભરાતા દૂધનું દૃશ્ય રોજેરોજ દેખાતું હતું. તપેલી પરની તાસક ઊથલી પડે એ પહેલ બંને જણા આજે વૈશાખના વાયરામાં ભર બપોરે માથે નાના નાના ટુવાલ રાખી જુદા જુદા ઘરડાંઘરને જોઇ આવ્યા. નજરે જોયાનો સંતોષ. સમદુ:ખિયાઓની સાથે જીવનક્રમની શૈલી અને વાર-તહેવારની ઉજવણી જાણી એ ઘેર પાછાં ફરતા હતાં. પોળનાં નાકે અમૃતલાલ સોનીની દુકાને જ આ બંને હાંફતા હાંફતા ઢળી પડયા. 'રતી કાકા... સવિતાબા... અલ્યા કોક દોડો, જલ્દી બાજુમાંથી ડૉકટર ચીમન સાઇકલ પર ચામડાની બેગ ભરાવીને આવ્યા. બંનેને વારાફરતી તપાસ્યા. મોં પર ટુવાલ લુછતાં બોલ્યા... 'આવા ભરબપોરે તો નીકળાતું હશે? જૂઓ શું હાલત થઇ ગઇ બંનેની. ગયા જન્મનું પુન્ય મારી નઇ... બંને સાથે પોઢયા. હાથમાં હાથ ઝાલી આખ્ખી પોળમાં એક જ ચર્ચા ચાલતી હતી... કાકા-કાકીને 'સન'સ્ટ્રોક નડયો!. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvZ-7M1BpARdbpEi1Src1DkU_nSGzD4C2Rjxi%3Dvm25n%2BQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment