Friday, 20 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ વરસાદી વિટંબણા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વરસાદી વિટંબણા:વાર્ષિક 'વ્યવસ્થા'!
કવર સ્ટોરી-હેમંત વૈદ્ય

આકરા ઉનાળાથી ત્રાહિમામ્ પોકારી ગયેલો નાગરિક જૂનના પહેલા અઠવાડિયાથી આકાશ ક્યારે વાદળછાયું થાય એની રાહ જોતો હોય છે. વરસાદના વરતારાનો અભ્યાસ કરવા લાગે છે. પાણીકાપમાંથી છૂટકારો મેળવવા ઉત્સુક હોય છે. મેહુલિયો વરસશે અને દૈનિક જીવનમાં રાહત મળશે એવી આશા બળવત્તર બને છે. અલબત્ત આ બધા એના વિચારો છે. વિચારો અને હકીકતનો કાયમ મેળ બેસે એ જરૂરી નથી. કવિ લખી ગયા છે ને કે 'વિચારો એવા કે અવનિ પર રાજય કરવું, પરિસ્થિતિ એવી કે રખડી રઝળી પેટ ભરવું.' આવું જ કંઈક મુંબઈગરાના જીવનમાં બને છે. મુશ્કેલીમાંથી છૂટકારો મેળવવા એ વરસાદની કાગડોળે રાહ જોતો હોય છે. વરસાદ આવે છે, મન મૂકીને વરસે છે અને સમસ્યાઓ દૂર થાય એ પહેલા નવી સમસ્યાઓ આંગણે આવી પહોંચે છે. રેલવે ટ્રેનો દોડતી હોય એ પાટા પર પાણી ફરી વળવાને કારણે ટ્રેન સર્વિસ ડચકાં ખાતી ચાલે અને ક્યારેક બંધ પણ પડી જાય. રસ્તાઓ પાણીમાં ગરક થઇ જવાને લીધે ટ્રાફિક કીડીવેગે આગળ ધપે અને પછી 'એન્ટ્રીમેં નો એન્ટ્રી' જેવો માહોલ થઇ જાય. આવી વિકટ અને વસમી પરિસ્થિતિમાં પણ મુંબઈગરો હૈયે હામ રાખી દૃઢ મનોબળ સાથે કામધંધે પહોંચી જવામાં ગૌરવ અનુભવે છે. વાત સારી છે, પીઠ થાબડવા જેવી છે, પણ આ લડાયક મિજાજ આ બેહાલી માટે જવાબદાર તંત્ર સામે લડી લેવાની બાબતે સાવ મોળો પડી જતો દેખાય છે. ધોધમાર વરસાદમાં મુંબઈ અને મુંબઈવાસી જાણે પાણીમાં બેસી ગયા હોય એવી લાગણી થાય છે. લોકો માટે વરસાદી વિટંબણાનો સામનો કરવો એ જાણે એક વાર્ષિક કાર્યક્રમ હોય એવું ચિત્ર ઊપસે છે. જોકે, સમસ્યા એ હદે ગંભીર બની ગઈ છે કે વરસાદી વિટંબણાની વાત હવે વડી અદાલત સુધી પહોંચી છે. મંગળવારે બોમ્બે હાઇ કોર્ટે જણાવ્યું હતું કે 'દર ચોમાસાએ પાટા પાણીમાં ડૂબી જાય છે અને મુંબઈની ધોરી નસ ગણાતી ટ્રેન સર્વિસ ઠપ થઇ જતી હોવા છતાં એનું પુનરાવર્તન અટકાવવા રેલવે દ્વારા કોઈ નક્કર પગલાં નથી ભરવામાં આવ્યાં.' અત્યંત પ્રતિકૂળ વાતાવરણમાં પણ જોખમ લઈને કામધંધે પહોંચી જવાનું જિગર દેખાડતા મુંબઈગરાએ તંત્રની બેદરકારી સામે પણ લાલ આંખ કરવાની જરૂર છે એવો એને સત્વરે અહેસાસ થાય એ જરૂરી છે.

સૌ પ્રથમ આપણે લોકલ ટ્રેનવ્યવહારનો મુદ્દો લઈએ. પશ્ર્ચિમ, મધ્ય અને હાર્બર રેલવે માર્ગ પર દરરોજ સેંકડો ટ્રેનોની આવનજાવન થતી હોય છે. જોકે, ચોમાસુ બેસે, જોરદાર વરસાદ વરસે એટલે પાટા પર પાણી ભરાઈ જાય, જેમ જેમ પાણી એકઠું થતું જાય એમ એમ પાટા પાણીમાં બેસવા લાગે અને એને પગલે ટ્રેન વ્યવસ્થા આખી પાણીમાં બેસવાની શરૂઆત થઇ જાય છે. કેટલાક કલાકો સુધી ટ્રેનો બંધ થઇ જાય છે અથવા ચાલે છે તો એટલી મંદ ગતિએ કે ગોકળગાયનું સ્મરણ થઇ જાય. આ સમસ્યા કંઈ નવી નથી, વર્ષો જૂની છે. એના પર અનેક ઉપાયો કરવામાં આવ્યા છે, પણ એનાથી તાત્પૂરતી રાહત મળી છે. સમસ્યાનું કાયમી નિરાકરણ નથી થતું. આ વખતે એક નવો સૂઝાવ આવ્યો છે. એક જાહેર હિતની અરજીના જવાબની સુનાવણી વખતે વડી અદાલતે પાટાની ઊંચાઈ વધારવાની વાત કરી છે. જોકે, રેલવે ટ્રૅકની ઊંચાઈ વધારવાનો વિકલ્પ વ્યવહારુ ન હોવાનો અભિપ્રાય રેલવે વર્તુળ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. જો પાટાની ઊંચાઈ વધારવામાં આવે તો બીજી અનેક બાબતોમાં પણ ફેરફાર કરવો આવશ્યક બની જાય અને એ કામ આસાન તો નથી જ એવી રજૂઆત કરવામાં આવી છે. ટ્રૅકની ઊંચાઈ વધારવામાં આવે તો એની સાથે એના માર્ગમાં આવતા પુલની ઊંચાઈ, ઓવરહેડ વાયરોની રચનામાં ફેરફાર સહિત કેટલીક બાબતો પણ મહત્ત્વની બની જાય છે. ઘાટ કરતા ઘડામણ મોંઘું અને મુશ્કેલ બની જવાની સંભાવના રહેલી છે. એટલે રેલવેના કેટલાક ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે પાટાની ઊંચાઈ વધારવાના પ્રસ્તાવ પર વિચાર કરવાને બદલે મુંબઈના નાળાઓની પહોળાઈ વધારવી, નળાસફાઇનું કામ નિયમિતપણે કરવું અને એકંદરે શહેરના વહીવટમાં વધુ ચીવટ અને ચોકસાઈ રાખવા જેવા મુદ્દાઓ વધુ અગત્યના હોવાનું નિષ્ણાતોનું માનવું છે. જોકે, આ વખતે પશ્ર્ચિમ રેલવે લોકલ ટ્રેન સર્વિસની વાત કરીએ તો વસઈ -વિરાર વચ્ચે નાલાસોપારા સ્ટેશન પર ખાસ્સા ભરાયેલા પાણીને બાદ કરતા ટ્રેન વ્યવહાર એકદમ ઠપ થઇ ગયો હોય એવું નથી બન્યું. જોકે, આ કંઈ કૉલર ટાઈટ કરવાની વાત નથી, પણ એટલો દિલાસો જરૂર મળે છે કે વાત સાવ ખાડે નથી ગઈ. પાટા પર પાણી ભરાઈ જવા માટે માત્ર વરસાદ જવાબદાર નથી, નાળામાંથી આવતું પાણી સુધ્ધાં જવાબદાર છે. નળાસફાઈ નિયમિત થાય એની સાથે એની સંખ્યા વધે એ પણ જરૂરી છે. મુંબઈમાં વધતી જનસંખ્યા અને વધતા બાંધકામનો ભાર રેલવે પર પણ પડી રહ્યો છે. એટલે જ શહેરની વ્યવસ્થા પ્રત્યે વધુ સજાગ રહેવામાં આવે તો પાણીના ભરાવાની સમસ્યાનો ઉકેલ આવી શકશે એવો મત વ્યક્ત કરવામાં આવ્યો છે.

અહીં મહાનગરપાલિકા પિક્ચરમાં આવે છે. અલબત્ત નાલાસોપારાનો વિસ્તાર મુંબઈ મહાનગરપાલિકા હેઠળ નથી આવતો, પણ અહીં એકલદોકલ સમસ્યાની વાત નથી. મુંબઈ મહાનગરપાલિકા દેશની સૌથી શ્રીમંત પાલિકા ગણાય છે. એક અહેવાલ મુજબ પાલિકાએ બ્રીમસ્ટોવેડ સિસ્ટમ (ઇછઈંખજઝઘઠઅઉ - ઇશિવફક્ષળીળબફશ જજ્ઞિંળિ ઠફયિંિ ઉશતાજ્ઞતફહ જુતયિંળ) હેઠળ પાણીના નિકાલની વ્યવસ્થા પાછળ ૨૦૦૫થી ૨૦૧૬ દરમિયાન કેટલાક કરોડો રૂપિયા ખર્ચ્યા છે. ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષ દરમિયાન પુરના પાણીના નિકાલની વ્યવસ્થા માટે ૫૬૫.૫૫ કરોડ રૂપિયા ફાળવ્યા છે. તેમ છતાં નાગરિકોની હાલાકીનો કેમ અંત નથી આવતો એ સવાલ દરેક મગજમાં ઘૂમરાયા કરે છે. મુંબઈના રાહદારીઓની સમસ્યાના ઉકેલ માટે મુંબઈનું અર્બન ડિઝાઇન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મુંબઈ મહાનગરપાલિકાના સહયોગમાં કામ કરે છે. આ સંસ્થાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પંકજ જોશીના કહેવા પ્રમાણે આ બેહાલીને માણસજાતે જ નોતરું આપ્યું છે. શહેરના વિકાસ માટે આડેધડ અપાતી પરવાનગીઓ આ સમસ્યાનું મૂળ હોવાની તેમની માન્યતા છે. શહેરનો વિકાસ કરતી વખતે એની હરિયાળીનું પ્રમાણ જળવાય એના પર ચાંપતી નજર નાખવી જરૂરી છે. જંગલ કાપીને શહેરનો વિકાસ કરવો એ તો વધુ સમસ્યાને આમંત્રણ આપવા બરાબર જ છે. આ અને અન્ય નિષ્ણાતોએ આપેલા કારણો વિષે ગંભીરતાથી વિચાર થાય એ જરૂરી છે અને એ વિચાર પર અમલ થાય એ એથીય વધુ તાકીદની બાબત છે.

પાણી સમસ્યા વિષે પાલિકાના કમિશનર અજોય મહેતાએ કરેલી એક વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે. મુંબઈના થઇ રહેલા કૉન્ક્રિટીકરણને કારણે પાણીને જમીનમાં ઊતરવા માટે જગ્યા જ નથી બચતી. એટલે શહેરની સોસાયટીઓ માટે ઉદ્યાન બનાવવા ખાસ જગ્યા છોડવી ફરજિયાત કરવામાં આવશે એવો ખુલાસો તેમણે કર્યો છે. દાદરનો હિન્દમાતાનો વિસ્તાર કે લાલબાગનો કેટલોક એરિયા દર વર્ષે પાણીમાં બેસી જાય છે. આ સંદર્ભમાં પાલિકાનો બચાવ કરતા કમિશનરે કહ્યું કે 'હિંદમાતા જેવા સ્થળે કેટલાંક કારણોસર કામ કરવામાં અડચણ આવે છે. ઉપરાંત અનેક જલવાહિનીઓ બ્રિટિશકાળની હોવાને કારણે વૃક્ષના મૂળ હેઠળ ઢંકાઈ ગઈ છે. વળી ઘણી જગ્યાએ જમીનનું કૉન્ક્રિટીકરણ કરવામાં આવ્યું હોવાથી પાણીને જમીનમાં ઉતરવાની જગ્યા જ નથી રહેતી. આ માટે નવા નિયમો લાવવામાં આવશે.' વિચારો આવ્યા છે, પણ એનો ચોકસાઈપૂર્વક અમલ થાય તો બાત બને.

એક તરફ મુંબઈ પાણી પાણી થઈ રહ્યું છે અને વર્ષ આખાની પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ ઢૂંકડો દેખાઈ રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રના મરાઠવાડામાં જરૂરી વરસાદ હજી નથી પડ્યો. વરસાદ ન હોવાને કારણે બંધની સપાટી નીચે ઊતરી ગઈ છે અને પરિણામે પાણી પુરવઠાને અસર પહોંચી છે. મરાઠવાડાના ઘણા શહેરોને બે કે ત્રણ દિવસે એક વખત પાણી મળે એવી કપરી પરિસ્થિતિ છે. પાણીની ગેરહાજરીની સમસ્યા તો છે જ, પણ પાણી હોવા છતાં એનો પુરવઠો થાય નહીં એવું ચિત્ર પણ મરાઠવાડામાં જોવા મળે છે. ટૂંકમાં કહીએ તો ગેરવ્યવસ્થા જ જવાબદાર છે. માત્ર સારા વિચારો કે સારી યોજનાથી સમસ્યાનો ઉકેલ નથી આવતો. એનો અમલ પણ એટલી જ પ્રભાવી રીતે થવો જોઈએ, બરોબરને?

-------------------------------

વરસાદ અને ઠેકડી

છેલ્લા કેટલાક દિવસોના ધોધમાર વરસાદને પગલે મુંબઈના નાગરિકોની બેહાલી પર સોશ્યલ મીડિયામાં એક પ્રકારે ઠેકડી ઉડાવવામાં આવી છે. અહીં માત્ર બે નમૂના આપ્યા છે જે વાંચીને પહેલા તમે હસી પડશો, પણ પછી ગંભીરતાથી વિચાર કરશો તો કદાચ વ્યથિત પણ થઇ જશો. સોશ્યલ મીડિયા પર એક તસવીર વાઇરલ થઇ છે. અલબત્ત ટેક્નોલૉજીની કરામતથી તૈયાર કરવામાં આવી હોવાની સંભાવના વધુ છે. એમાં એક માણસને રેલવેના પાટા પર હોડીમાં બેસીને પોતાના સ્થળે જતો દેખાડવામાં આવ્યો છે. ન કરે નારાયણ અને મુંબઈવાસીએ આવો દિવસ જોવાનો વારો આવે! બીજી એક જોક છે. એમાં જણાવ્યા પ્રમાણે 'જે કર્મચારીએ તેમના બાયોડેટામાં સ્વિમિંગ આવડે છે એવું લખ્યું હોય એમણે વાહનવ્યવહાર ન ચાલુ હોય તો તરીને ઑફિસે પહોંચી જવું.' લ્યો કરો વાત.





--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuEOSiFmBa81vNb81toOX5EnWX0yLWDgqa%2BK2rcm6wWMw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment