ગામનું ઘર વેચવું પડે એવી નોબત આવી હતી અને એટલે જોનભાઈ અને સવિતાબેનને શહેરની કોઈ એક ચાલમાં રહેવા આવવું પડ્યું. એમની સાથે એક દીકરો અને એક દીકરી પણ આવ્યા હતા. દીકરીનું નામ લીના અને દીકરાનું નામ રાહુલ. બંને સંતાનોમાં દીકરી લીનાની વય બત્રીસ વર્ષની હતી જ્યારે દીકરો રાહુલ અઠ્ઠાવીસ વર્ષનો હતો.
ઘર...ર...ર... કરતી રિક્ષાટૅમ્પી જ્યારે શહેરની મિલચાલમાં પ્રવેશી કે નાના છોકરાઓનું ટોળું ટૅમ્પીની પાછળ દોડવા લાગ્યું. સહુએ ચિચિયારીઓ પાડવા માંડી. એક નાના છોકરાએ કશું જોયા જાણ્યા વિના બક્યે રાખ્યું. 'ડી.જે. આવ્યું... ડી.જે. આવ્યું...' ટૅમ્પીની ઘરઘરાટીમાં પણ લીનાને પેલા બાળકનું 'ડી.જે. આવ્યું' સંભળાયું. આ સાંભળી એને દુ:ખ લાગ્યું. દીકરા રાહુલે ટૅમ્પીવાળા ડ્રાઈવરને અંગુલિનિર્દેશ વડે 'આ ખાંચામાં વાળો' એમ જણાવ્યું. ટૅમ્પી ઊભી રહી. સામે એક નાનું મકાન હતું. એના રવેશમાં ધૂળ પથરાયેલી હતી. ઈંટોના ટુકડાં અને પીપળાના સુકાયેલાં પાન પડ્યા હતાં. રાહુલે ટેમ્પીમાંથી ઉતરી સીધો ખિસ્સામાં હાથ નાખ્યો. ગુટખાની પડીકી કાઢી સીધી મોંમાં ઓરી. સવિતાબેને ધીમેથી જોનભાઈનો જમણો હાથ પકડ્યો. લીનાએ ડાબો હાથ પકડ્યો. મા દીકરીએ જોનભાઈને ટેમ્પીમાંથી નીચે ઉતાર્યા. લીનાએ રાહુલને ઘરવખરી અંદર લાવવા જણાવ્યું. લીનાએ કામચલાઉ ધોરણે સાવરણી લઈ બધું સાફ કરી નાખ્યું. પપ્પાનો અલાયદો લોખંડનો પલંગ લીનાએ ઘરમાં ગોઠવ્યો. પછી એક લાકડીના ટેકે જોનભાઈ ઊભા થયા. મા દીકરીએ એમને ટેકો આપ્યો અને જોનભાઈ પલંગમાં બેઠા. બંધ મકાનમાં એકાએક ચહલપહલ જોઈ બાજુમાં રહેતા શાંતાબેન તરત જ ઘરમાં આવ્યાં. 'આઈ જ્યા હારું કર્યું હેંડો...' કહેતાં તેઓ ઘરમાં આવ્યા અને ચાલ્યા પણ ગયા. થોડી વાર બાદ પાણીનો ઘડો લઈને આવ્યા અને કહેવા લાગ્યા, 'લ્યો આ વાપરવાનું પાણી'. લીનાએ ઘડો લઈ લીધો. એ પછી શાંતાબેન દીવાલને અડીને બેઠા. પછી કંઈક યાદ આવ્યું ને કહેવા લાગ્યા, 'સવિતાબેન, નાવણિયું વાડામાં છે. અને આગળના ભાગે નળ છે. સવારે એક કલાક અને સાંજે એક કલાક એમ બે ટાઈમ પાણી આવે છે, પણ...' સવિતાબેને પૂછ્યું 'પણ શું?' 'બહાર' જવા માટે છેક ટેશન હુંધી જવું પડશે અને એ પણ અધરાત મધરાત કે વેલ્લી હવારે.' સવિતાબેને કહ્યું, 'કશો વાંધો નહીં.' આમેય એ લોકો ગામડે રહેતા હતા ત્યારે ટોઈલેટ માટે ખેતરમાં જતાં હતાં. એટલે એમને માટે અહીં શહેરમાં આવીને 'બહાર' જવા માટે ટેશન જવાની બાબત તકલીફ પહોંચાડે એવી નહોતી જ. થોડી વાર વાત કર્યા બાદ શાંતાબેન એમના ઘરે ગયા. સવિતાબેન વાસણ ગોઠવવાના કાર્યમાં જોતરાઈ ગયા. લીના પણ એની મમ્મીને મદદ કરવા લાગી. એટલી વારમાં બહારથી રાહુલ આવ્યો. મમ્મી પાસેથી પૈસા લેવા તે ઘરમાં આંટા મારવા લાગ્યો. મમ્મીને જાણ થઈ કે કુંવર પૈસા લેવા આઘાપાછા થાય છે, પરંતુ એમણે રાહુલ તરફ ધ્યાન ન આપતાં પોતાના કામમાં મગ્ન રહ્યાં. 'મમ્મી વીસ રૂપિયા આપને...' રાહુલ બોલ્યો. 'શા હાતર જોઈએ છે?' સવિતાબેને પૂછ્યું. 'નાસ્તો કરવો છે' રાહુલે કહ્યું. 'સારું પણ પડીકી બડીકી કે દારૂ પીતો નહીં હોં' કહેતાં સવિતાબેન રાહુલને વીસ રૂપિયા આપ્યા. વીસ રૂપિયા લઈને તે છૂ થઈ ગયો. રાહુલનો અભ્યાસ બારમા ધોરણ સુધીનો. બે વિષયમાં ફેઈલ જવાથી એણે ભણતર છોડી દીધેલું. પછી ગામડે એવા મિત્રોની સોબત લાગી કે એ પણ વ્યસની બની ગયો. અહીં શહેરમાં આવીને એણે તરત જ પડીકી માટે વીસ રૂપિયા માગી લીધા. ખેર, ઘણા વખતથી પડી રહેલા ઘરને વ્યવસ્થિત કરવામાં આખો દિવસ નીકળી ગયો. મા દીકરીએ ભેગાં મળી જમવાનું બનાવી દીધું. ગામના ઘર કરતાં અહીં જુદું લાગતું હતું. ગામડે રહેતા હતા ત્યારે માદીકરી ખેતરની મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. તેઓ જાણતા હતા કે શહેરમાં આવીને મોંઘવારીનો વધુ માર સહન કરવો પડશે. રાત્રે ચારેય જણ જમી પરવારીને બેઠા. જોનભાઈ પલંગમાં ને લીના ને રાહુલ ખુરશીમાં બેઠા. સવિતાબેન ભોંયતળિયે. લીનાએ રાહુલને કહ્યું, 'ભયલા હવે અહીં કશું કામ શોધી કાઢે તો સારું. મિલ નજીકમાં જ છે. થોડા દિવસો રાહ જો અને કોઈને વાત કરી મિલમાં નોકર શોધી કાઢે તો ઘરમાં ટેકો થાય!' રાહુલ બેનની વાતનો મર્મ સમજી ગયો. એણે કહ્યું, 'સારું, અઠવાડિયા જેટલી વાર તો લાગશે નોકરી શોધતા. કેમ કે અહીં આપણે નવા છીએ.' 'આગળ ભણવું નથી?' જોનભાઈએ રાહુલ સામે જોતાં પૂછ્યું. 'ના' રાહુલ બોલ્યો. 'જે વિષયોમાં ફેઈલ ગયો છે તેની નવેસરથી ઘરેબેઠા પરીક્ષા આપી શકાય.' જોનભાઈ બોલ્યા. 'ઈચ્છા નથી' રાહુલે નિરસતા દાખવી. પછી વાતનો વિષય બદલાયો. લીનાએ પૂછ્યું, 'સવારે દૂધનું શું કરીશું? ચા બનાવવા માટે દૂધ તો જોઈશે ને!' રાહુલે કહ્યું, ચિંતા ન કરીશ. ચાલીમાં મેં એક દુકાન જોઈ છે આજે. ત્યાં દૂધ, પાંઉ, બ્રેડ અને બિસ્કિટ મળે છે.' એ પછી ચારેય જણ સૂઈ ગયા. વહેલી સવારે પહેલા સવિતાબેન ઊઠી ગયા. રાહુલ દૂધ લઈ આવ્યો. ચા બનાવી. ચારેય જણે ચા-નાસ્તો કર્યો. એ પછી સવિતાબેન વાસણ ધોવા બેઠા. જોનભાઈને બાઈબલ વાંચવાની ઈચ્છા થઈ કે એમણે લીનાને કહ્યું, 'બેટા બાઈબલ આપને'. લીનાએ જોનભાઈને બાઈબલ આપ્યું. આજે આખો દિવસ મારી પાસે સમય જ સમય છે, લીનાએ વિચાર કર્યો. પછી એણે કહ્યું, 'પપ્પા, હું બજારમાં જઈને આવું છું.' 'કેમ?' જોનભાઈએ પૂછ્યું. 'આજુબાજુનો વિસ્તાર જોઈ લઉં. હવે તો આપણે અહીં રહેવાનું છે એટલે આજુબાજુના વિસ્તારથી જાણકાર હોવું જરૂરી છે અને નોકરી પણ શોધવી પડશે ને...' જોનભાઈ દીકરીની વાત સમજી ગયા. એમણે કહ્યું, 'જલદી પાછી આવજે.' નહીં વાર લાગે પપ્પા' કહેતાં તે બજાર તરફ જવા લાગી. ચાલીમાંથી તે મુખ્ય રસ્તા પર આવી કે જ્યાં વાહનોની અવરજવર ચાલુ થઈ ગઈ હતી. લીના એક દુકાને પહોંચી. એણે દુકાનદારને પૂછ્યું, 'અંકલ, આ વિસ્તારમાં લાઈબ્રેરી ક્યાં હશે?' 'આ વિસ્તારમાં નવાં આવ્યા હો એમ લાગે છે.' દુકાનદારે કહ્યું, 'હા અંકલ' લીના બોલી. દુકાનદારે અંગુલિનિર્દેશ કરી લીનાને મિલની ચીમની બતાવી. અને કહ્યું કે, 'આ મિલ દેખાય છે ને એની બિલકુલ સામેની ગલીમાં.' 'ઓ.કે., પણ એનું નામ શું?' લીનાએ પૂછ્યું. 'સોરી બેન, મને એ લાઈબ્રેરીનું નામ ખબર નથી.' દુકાનદારે કહ્યું. 'વાંધો નહીં થેન્ક યૂ' કહી લીના ચાલવા લાગી. તેને લાઈબ્રેરી મળી ગઈ. તેણે લાઈબ્રેરીમાં જોયું તો હારબંધ પાટિયાઓ સ્ટેન્ડ પર ગોઠવેલા હતા. દરેક પાટિયા પર એક અખબાર એમ કુલ દસ પાટિયા એટલે કે દસ અખબાર કે પેપર એને વાંચવા મળ્યાં. એમાંના કોઈ એક અખબારમાં એને એક જાહેરાત વાંચવા મળી: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઘરે આવીને ભણાવી શકે એવા શિક્ષકની જરૂર છે. લીનાના મગજમાં જાણે કે સ્પાર્ક થયો હોય એમ એના ચહેરા પર એકાએક રોનક આવી ગઈ. તેણે એના પર્સમાંથી કાગળ અને પેન કાઢ્યા. જાહેરાતની વિગતો નોંધી લીધી અને ઘરે આવવા રવાના થઈ. 'બજારમાં જઈને આવું છું એમ કહીને ગઈ તે ગઈ, કેટલી વારે આવી?' લીના ઘરે આવી ત્યારે એના મમ્મી આવું બોલવા લાગ્યા. તેણે એના બે હાથ સવિતાબેનના માથા પર મૂક્યા અને એકદમ નજીક જઈને કહેવા લાગી, 'મમ્મી બજારમાં અમસ્તી ગઈ ને લાભી આવી એ તને ખબર છે?' 'શું ધૂળ ને ઢેફાં લાભી આવી' સવિતાબેને મુખમુદ્રા બદલી જણાવ્યું. 'આ જો' કહેતાં લીનાએ પેલી જાહેરાતની વિગતો દર્શાવતો કાગળ ધર્યો. સવિતાબેને કાગળમાં નોંધેલી વિગતો વાંચી. તેમનો ચહેરો સ્મિત કરવા લાગ્યો. લીના બોલી, 'મમ્મી હજી તો તેં માત્ર જાહેરાતની વિગતો વાંચી છે અને આટલી ખુશ થઈ ગઈ છો. નોકરીનું પાક્કું થઈ જશે તો તો કેટલી બધી ખુશ થઈશ!' લીનાએ ઈન્ટરવ્યૂ માટે તૈયારી કરવા માંડી. જરૂરી પ્રમાણપત્રો કાઢ્યાં અને પછી ઊપડી. એને એક એપાર્ટમેન્ટમાં જવાનું હતું. ફ્લેટ નંબર બસો એક. તેને જ્યાં જવાનું હતું ત્યાં પહોંચી ગઈ. તેણે બહારથી ડોરબેલ વગાડી. અંદરથી સ્ત્રીઅવાજ સંભળાયો, 'કોણ?' 'હું લીના. 'શિક્ષક જોઈએ છે'ની જાહેરાત વાંચી ઈન્ટરવ્યૂ માટે રૂબરૂ મળવા આવી છું.' દરવાજો ખૂલ્યો. પેલા બેને લીનાને આવકારી. એને સોફા પર બેસવા કહેવામાં આવ્યું. પછી પાણી આપ્યું. 'ચા પીશો કે કૉફી' બેને લીનાને પૂછ્યું. લીનાએ સ્મિત વેરતા કહ્યું, 'કશું નહીં... ચાલશે...' 'ચાલશેવાળી વાત અમારે ત્યાં નથી ચાલતી.' બેન હસ્યા. 'ચા' લીનાએ જણાવ્યું. બેન કિચનમાં ગયા ને પાંચેક મિનિટમાં ચા બનાવી લાવ્યા. ચા પીવાઈ. બેને લીનાનો ઈન્ટરવ્યૂ લેવાનું શરૂ કરી દીધું. 'બાયોડેટા લાવો' લીનાએ બાયોડેટા આપ્યો. 'ટી.વાય.બી.એ. સુધીનો અભ્યાસ છે.' 'હા.' લીના બોલી. 'પી.ટી.સી. કરેલ નથી. આના વિના તમે મારા છોકરાને કઈ રીતે ભણાવશો?' બેન બોલ્યા. લીનાને ધ્રાસકો પડ્યો. હમણાં જ મારું પત્તું કપાઈ જશે, લીનાને વિચાર આવ્યો. 'છતાં જોઈએ છે એક અજમાયશ કરી લઉં. હમણાં જ દર્શિલ આવશે.' કહેતા બેને લીનાને બાયોડેટા પરત કર્યો. એટલી વારમાં દર્શિલ ટેનિસ બોલ રમાડતો રમાડતો ઘરમાં આવ્યો. બેન બોલ્યા, 'દર્શિલ આમને મળ. આ લીના મેડમ છે. આવતી કાલથી તને ભણાવવા આપણા ઘરે આવશે.' 'હેલ્લો, કેમ છો મેડમ' કહેતાં દર્શિલે લીના સામે જોયું. 'મજામાં ને તું?' લીનાએ પૂછ્યું. 'હું પણ મજામા છું.' કહેતાં દર્શિલ એની મમ્મી પાસે ચાલ્યો ગયો. લીના ત્યાંથી રવાના થઈ. ઘરે આવી. ખુરશીમાં બેઠી. એની મમ્મીને કહેવા લાગી, 'મમ્મી હું ઈન્ટરવ્યૂમાં પાસ થઈ ગઈ. આવતી કાલથી દર્શિલને ભણાવવા જવાનું.' 'સરસ સરસ. ચા પીવી છે કે!' સવિતાબેન બોલ્યા. 'હા, પણ આદુવાળી બનાવવાની હોય તો જ.' લીના બોલી. 'સારું' કહેતા સવિતાબેન રસોડામાં ચા બનાવવા ગયા. એવામાં પલંગમાં આડા પડેલા જોનભાઈએ પૂછ્યું, 'પગાર નક્કી કર્યો' 'ના. પણ ઘરનું ગુજરાન ચાલે એટલું મળી રહેશે.' લીના બોલી. બીજા દિવસથી લીનાની નોકરી ચાલુ થઈ ગઈ. સમયસર નોકરીના સ્થળે પહોંચી ગઈ. દર્શિલને મોર્નિંગ સ્કૂલ હોવાથી તે દરરોજ બાર વાગે ઘરે આવી જતો. લીના સાડાબાર વાગતા સુધીમાં પહોંચી જતી. તે ગણિત, અંગ્રેજી અને વિજ્ઞાન એમ ત્રણ વિષયો દર્શિલને ભણાવતી. પહેલા દર્શિલને શીખવે પછી તેને હોમવર્ક આપતી. દિવસો પસાર થતા ગયા. જ્યારે મહિનો પૂરા થયો ત્યારે દર્શિલની મમ્મીએ લીનાને પૂરો સાત હજાર રૂપિયા આપ્યા. આવવા-જવાનું ભાડું કાઢતાંય લીનાના હાથમાં ચોખ્ખા છ હજાર રૂપિયા રહેતા હતા. લીના અને એના મમ્મી સાથે બેસીને પૈસાનો વહીવટ કરતા. હવે તો બહેન કમાતી હતી એટલે રાહુલે એક બે વખત લીના પાસે પૈસા માંગ્યા હતા, પણ લીનાએ પૈસા આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. એટલે રાહુલે પૈસા માગવાનું બંધ કરી દીધું હતું. દર્શિલના મમ્મી જાણતા હતા કે લીનાની આર્થિક સ્થિતિ નબળી હતી. એટલે એ સમયસર તેને પૈસા ચૂકવી દેતા હતા. દર્શિલ ભણવામાં હોશિયાર બનતો ગયો. પાંચથી દસ એમ પાંચ વર્ષ લીનાએ દર્શિલને ભણાવ્યું. પછી અગિયારમા ધોરણમાં દર્શિલના પપ્પાની બદલી મહારાષ્ટ્રમાં થતાં એમને સપરિવાર ત્યાં જવાનું થયું. લીનાએ પૂર્ણ નિષ્ઠાથી દર્શિલને ભણાવ્યું હતું. પાંચ વર્ષ દર્શિલને ભણાવ્યા છતાં લીના એટલા રૂપિયા ભેગાં નહોતી કરી શકી કે એક ઘર બનાવી શકે. દર્શિલના મમ્મીને આ બાબતની ખબર હતી. તેઓ જાણતા હતા કે લીના એના મમ્મી-પપ્પા અને એક ભાઈ સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. એક દિવસની વાત. ચોવીસમી ડિસેમ્બરનો દિવસ હતો. ચાલીમાં તોરણો બાંધવામાં આવ્યા હતાં. કેટલાકના ઘરે ક્રિસમસ ટ્રી લગાવવામાં આવ્યા હતા. લીનાના પરિવારે પણ એમના ઘરને સાફસૂથરું કર્યું હતું. દીવાલોને રંગ કર્યો હતો. બે ત્રણ દિવસ પૂર્વે લીનાએ એની મમ્મી સાથે મળીને સુંવાળી અને મઠિયા બનાવ્યા હતા અને એક મોટી બરણીમાં ભર્યા હતા. એ જ દિવસે બપોરે એમના ઘરે એક પાર્સલ આવ્યું. પાર્સલ વજનદાર હતું. ઘરના બધા સભ્યો હાજર હતા. લીનાએ પાર્સલ જોયું. તેણે રવાના કરનાર પાર્ટીનું નામ વાંચ્યું. લખ્યું હતું: દર્શિલ ઍન્ડ ફેમિલી, મહારાષ્ટ્ર. લીનાને તરત જ ઝબકારો થયો કે આ તો દર્શિલ અને એના પરિવાર તરફથી આવેલ પાર્સલ છે. લીનાએ પાર્સલ ખોલ્યું તો એમાંથી એક ચિઠ્ઠી નીકળી. ચિઠ્ઠીમાં લખ્યું હતું: લીના, તને જણાવતા આનંદ થાય છે કે તારા માર્ગદર્શન હેઠળ ભણેલો દર્શિલ હાલ 'ઈસરો'માં ઉચ્ચ હોદ્દા પર નોકરીએ લાગ્યો છે. તારા કામની કદરરૂપે આ ભેટ. લીનાએ જોયું તો એ જ્યાં રહેતી હતી એ જ શહેરમાં ખરીદેલા નવા મકાનની ચાવી હતી. જોનભાઈ, રાહુલ અને સવિતાબેન લીનાના સ્મિતસભર ચહેરાને જોઈ રહ્યાં. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtgwSZKe9gEVMssiEUxL%2BEhhDJWWR%3DFovhh_C%2BF%3DqB-Hw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment