गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात परब्रह्म तस्मै श्रीगुरवे नमः। હિંદુસ્તાનમાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે જેમણે આ શ્લોક ન સાંભળ્યો હોય. કમસે કમ હિંદુ ઘરોમાં તો આ શ્લોક ક્યારેકને ક્યારેક તો ઉચ્ચારાતો જ હોય છે. બાળમંદિર હોય કે પ્લેગ્રૂપથી માંડીને મોટા થયા ત્યાં સુધી અનેક જગ્યાએ આપણે આ શ્લોકનું પોપટની જેમ રટણ કરી ગયા છીએ. આવતા શુક્રવારે ગુરુપૂર્ણિમા આવી રહી છે ત્યારે આ શ્લોકનું ઉચ્ચારણ લગભગ દરેક મંદિરોમાં, આશ્રમોમાં કે અન્ય ગુરુસ્થાનોમાં થશે જ. નાનપણથી આપણે આ શ્લોક બોલતા આવ્યા છે અને કેટલાક તો રોજ જ એનો પાઠ કરે છે પણ ભાગ્યે જ કોઈ એ પ્રશ્ન પૂછે છે કે ગુરુ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કઈ રીતે? આમ જુઓ તો ગુરુ બાહ્ય દેખાવમાં તો એક સર્વસામાન્ય માનવી જેવા જ લાગે છે. તેમના હાથમાં ગદા, શંખ, ચક્ર કે ત્રિશૂળ પણ હોતા નથી. નવાઈ લાગે એવી વાત તો એ છે કે આ શ્લોકમાં ગુરુને બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ સાથે સરખાવવામાં નથી આવ્યા; તેમને સ્વયં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહેવામાં આવ્યા છે. પહેલી નજરે જોઈએ તો લાગે કે યહ બાત કુછ હજમ નહીં હુઈ. પરંતુ સદીઓથી ગવાતો આવેલો આ મંત્ર અર્થહીન તો ન જ હોઈ શકે. આપણા શાસ્ત્રોમાં અનેક બાબતો ગૂઢ છે અને એટલે જ સર્વસામાન્ય માનવીને એનો ગૂઢાર્થ સમજાતો નથી. એક જાણીતા મહિલા સંતે બહુ સરસ રીતે આની સમજણ આપી છે એટલે કે એના ગહન અર્થને ઉજાગર કર્યો છે. આ શ્લોકને સમજવા માટે સૌથી પહેલાં તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કોણ છે એ સમજવું પડશે. સૃષ્ટિની રચના જે સર્જનશક્તિ થકી થાય છે એનું પ્રતીક છે બ્રહ્મા. આ સૃષ્ટિનું પાલનપોષણ અને એને ટકાવી રાખનાર શક્તિનું નામ છે વિષ્ણુ અને સૃષ્ટિમાં જે વિનાશ થઈ રહ્યો છે એ શક્તિ એટલે શંકર. બ્રહ્માંડમાં સતત સર્જન, પાલન અને સંહાર ચાલી જ રહ્યો છે. ચીજ-વસ્તુઓ, પશુ-પક્ષી, માનવી બધાનો જ જન્મ થાય છે, તે અમુક કાળ માટે ટકે છે અને પછી તેનો નાશ થાય છે. આ બધું જે શક્તિઓથી થાય છે એને આપણા શાસ્ત્રોએ નામ આપ્યા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ મંત્રમાં ગુરુને બ્રહ્મા કહ્યા છે. ગુરુ બ્રહ્મા છે એનો મતલબ એવો નથી કે ગુરુ ત્રણ મુખવાળા ચાર હાથ ધરાવનારા છે પણ ગુરુને બ્રહ્મા એટલા માટે કહ્યા છે કારણ કે તે શિષ્યની ભીતર સદ્ ગુણોનું સર્જન કરે છે, તે જ્ઞાાન આપે છે. ગુરુને વિષ્ણુ એટલા માટે કહ્યા કારણ કે જે જ્ઞાાન આપ્યું તેને મતલબ કે સત્ ને ભીતર ટકાવી રાખવામાં સહાય કરે છે. શિષ્યની તમામ શંકાઓનું નિવારણ કરી તે જ્ઞાાનની સ્થિતિમાં તે સ્થિત થાય એ માટે સહાય કરે છે એટલે ગુરુને વિષ્ણુ કહ્યા. ગુરુને મહેશ પણ કહ્યા કારણ કે શંકર એટલે એ શક્તિ જે નાશ કરે છે. ગુરુ શિષ્યની ભીતરના અજ્ઞાાનનો નાશ કરે છે, શિષ્યના અવગુણોનો નાશ કરવામાં સહાયતા કરે છે. જ્ઞાાનાગ્નિમાં આ અજ્ઞાાન અને અવગુણોને સળગાવીને ભસ્મ કરે છે એટલે ગુરુ મહેશ છે. આવા ગુરુ એ સાક્ષાત પરબ્રહ્મ એટલે કે ઈશ્વર સ્વરૂપ જ છે. આવા ગુરુને અમે નમન કરીએ છીએ એવો ભાવ આ શ્લોકમાં છે. આપણી ભીતરના અવગુણો, અજ્ઞાાન, અવિદ્યાનો નાશ કરી આપણી ભીતર સદ્ ગુણો, જ્ઞાાનનું સર્જન અને તેનું પાલનપોષણ કરે એવા ગુરુ જો જીવનમાં હોય તો તેમને નમન અને ન હોય તો આવા ગુરુનો જીવનમાં પ્રવેશ થાય એવી પ્રાર્થના આ ગુરુપૂર્ણિમાના દિને કરવા જેવી છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os6gnbCskJ34a4HRf-Ys0_dKNUEXqeii5NKAuxa05Aosg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment