Friday, 20 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મૌન - એક કઠિન તપ (Gujarati) [Posted by B D Jesrani]



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મૌન - એક કઠિન તપ!
ઉઘાડી બારી-ડૉ. દિનકર જોશી

ચાતુર્માસ એક રીતે વ્રતોત્સવ છે. અષાઢ મહિનાની દેવપોઢી એકાદશીથી માંડીને કાર્તિક મહિનાની દેવઊઠી એકાદશીના સમયગાળાને આપણી પરંપરામાં ચાતુર્માસ તરીકે ઓળખાવાયો છે. બાર મહિનાના ઘણા ખરા તહેવારો અને આપણે જેને વ્રત-વરતોલા કહીએ છીએ એવા દિવસો આ ગાળામાં જ આવે છે. હવામાન અને શરીરશાસ્ત્ર આ બંનેને સંયોજિત કરીને આ વ્રતો વિશે ચોક્કસ નિયમાવલિ પણ આપવામાં આવી છે. વ્રત એ કંઈ તત્પૂરતી કામચલાઉ માર્ગરેખા નથી. એની એક ચોક્કસ સમજણ અને લાંબા ગાળાની અસર હોય છે. સહેજ બારીકાઈથી જોઈએ તો આ ગાળાના મોટા ભાગનાં વ્રતો જાણે સ્ત્રીઓ માટે હોય એવું લાગે. જવારા વાવીને મોળાકત કરતી અણસમજુ બાળાઓથી માંડીને એવરત જીવરત કે વટસાવિત્રીના વ્રત કરતી મહિલાઓ માટે આ બધું આજ સુધી બહુ સહજ હતું. મોળાકત કે એવરત-જીવરત, સોળ સોમવારનું વ્રત હોય કે પછી બોળચોથ, નાગપાંચમ, રાંધણછઠ કે શીતળા સાતમ હોય. આ બધા માત્ર વ્રતો નહોતા, તહેવારો પણ નહોતા, વાસ્તવમાં આ બધા ઉત્સવો હતા. જીવન ઘડતરની પાઠશાળાઓ હતી. એ દરેકની પાછળ ચોક્કસ ઉદ્દેશો હતા. આ બધા ઉદ્દેશો અને વ્રતોની અહીં વાત નથી કરવી પણ 'મૂંગી વરત' નામનું એક ખાસ વ્રત અને એના મહિમા વિશે અહીં થોડીક ચર્ચા કરવી છે.

મૂંગી વરત એ લોકબોલીનો શબ્દ છે. એનું મૂળ સ્વરૂપ મૌન વ્રત છે. આ મૂંગી વરત પ્રૌઢ અને વૃદ્ધ સ્ત્રીઓ ક્ધયાઓને લેવડાવતી. આ વ્રત અનુસાર ક્ધયાઓ કેટલોક ચોક્કસ સમય, એક કલાક પણ હોઈ શકે અને એક દિવસ પણ હોઈ શકે મૌન વ્રત પાળતી.

મૌન વ્રત શારીરિક ઉપરાંત માનસિક તપ છે. બીજા બધાં વ્રતોમાં તપની વિભાવના તો છે જ પણ આવા તપમાં મુખ્યત્વે દેહદમન લક્ષમાં રખાય છે. મૂંગી વરતમાં માત્ર દેહ જ નહિ, પણ દેહમાં રહેલા આત્માને પણ બલિષ્ઠ બનાવવાની વિભાવના છે. આમ હોવાથી આ વ્રત સહુથી વધુ કઠિન છે અને આ કઠિન વ્રત અન્યોને નહિ પણ ઊગીને ઊભી થતી ક્ધયાઓને વિશેષ કરીને શીખવવામાં આવતું.

મૌનનો અર્થ માત્ર શબ્દોચ્ચારો ન કરવા એટલો જ નથી થતો. વિચારયાત્રા તો ચાલુ જ હોય છે એને રોકી શકાતી નથી અથવા તો એને રોકવી એ અત્યંત ભગીરથ કામ છે. વિચારો પણ શબ્દોનો આશરો લે છે. જો કે આ શબ્દો પ્રગટ ઉચ્ચારોનો આશરો લેતા નથી એ ખરું પણ અપ્રગટ સ્વરૂપે સુધ્ધાં મૌનની પાયાની વિભાવનાને ખંડિત તો કરે જ છે. આમ હોવાથી મૌનને તપસ્યાનું સહુથી ઊંચું સ્વરૂપ આપવામાં આવ્યું છે.

મૌન એટલે અશબ્દ રહેવું આ વહેવારિક અર્થ મૂંગી વરત પૂરતું બરાબર છે. પણ મૌન એટલે કોણે, ક્યાં, કેટલું અને કેવું બોલવું અથવા ન બોલવું એની સમજણ એ પણ એક પ્રકારનું મૌન જ છે. હસ્તિનાપુરની દ્યુત સભામાં જ્યારે જેટલું બોલવાની જરૂર હતી ત્યારે પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, પિતા ધૃતરાષ્ટ્ર આ બધાએ જે બોલવું જોઈએ એ બોલ્યા નહિ. આ નિષેધાત્મક મૌન હતું. આ નિષેધાત્મક મૌન એ વ્રત નથી. એનાથી મહાસંહારને નોતરું મળ્યું. બરાબર આ જ વખતે સભાગૃહમાં બેઠેલી કુરુકુળની વરિષ્ઠ મહિલાઓ ગાંધારી અને કુંતી સુધ્ધાં કશું બોલતા નથી. રાજ પરંપરા પ્રમાણે આ મહિલાઓનું આ મૌન એ સંસ્કાર છે પણ સંસ્કાર સુધ્ધાં વિધાયક હોવા જોઈએ એ વાત ભુલાઈ ગઈ.

ઈન્દ્રપ્રસ્થના અશ્ર્વમેધ યજ્ઞ વખતે મયદાનવે રચેલા રાજમહેલમાં જળ અને સ્થળ બંને વચ્ચે દૃશ્યની માયાજાળ રચાતી હતી ત્યારે દુર્યોધન પડી ગયો અને એનું પતન જોઈને આંધળાનો પુત્ર તો આંધળો જ હોય ને!' એવું કવેણ દ્રૌપદીએ ઉચ્ચાર્યું. જ્યાં મૌન રહેવું જોઈતું હતું ત્યાં એનું પાલન ન થયું. પરિણામે અહીં પણ મહાયુદ્ધના જ મંડાણ થયા હતા એવું કહી શકાય.

અરણ્યવાસ દરમિયાન એકવાર શ્રીકૃષ્ણ અને સત્યભામા પાંડવોને મળવા માટે આવે છે. આ મુલાકાતમાં દ્રૌપદી અને સત્યભામા વચ્ચે સંવાદ થાય છે. આ સંવાદમાં એક જગ્યાએ દ્રૌપદી સત્યભામાને એવું કહે છે કે હું કોની સાથે કેટલું બોલવું એની મર્યાદા જાળવું છું. એટલું જ નહિ. સેવકો હોય કે અતિથિઓ હોય, આ સહુ સાથે જરૂર પૂરતું જ સંભાષણ કરું છું.

જરૂર પૂરતું જ બોલવું એ પણ મૌનનો જ એક પ્રકાર છે. આ વાત સમજવી સહેલી નથી. જરૂર એટલે કોની અને કેટલી એનો નિર્ણય વ્યક્તિગત વિવેક ઉપર આધારિત છે. એટલું જ નહિ, સાંભળનારની ક્ષમતા પણ લક્ષમાં લેવી પડે છે. ઘણીવાર એવું બને છે કે જેનો જવાબ એક શબ્દથી જ આપી શકાય એવી વાતને આખા વાક્ય સુધી લંબાવીએ છીએ અને જે વાત એક વાક્યમાં પૂરી થઈ શકે એમ હોય એને આપણે આખો પરિચ્છેદ કે આખું પૃષ્ઠ ભરીને લંબાવી દઈએ છીએ. આપણા પ્રાચીન વૈયાકરણીઓએ એવું કહ્યું છે કે જો કોઈ લેખિત રચનામાં ક્યાંય એક હૃસ્વ, દીર્ઘ કે કાનો માત્ર પણ મૂળ ભાવને અકબંધ રાખીને ઘટાડી શકાય તો એને પુત્ર જન્મોત્સવ જેવો આનંદ ગણવો જોઈએ. લેખિત રચનામાં આ કાનામાત્રનું જે મહત્ત્વ વૈયાકરણીઓએ આલેખ્યું છે એ જ મહત્ત્વ વાચિક સંવાદમાં પણ એવું ને એવું જ લાગુ પાડી શકાય એમ છે. વાણી દ્વારા વેડફાતા વધારાના શબ્દોને આપણે મૌખિક અતિસાર કહી શકીએ. એ જ રીતે, નર્યો ઘોંઘાટ પેદા કરતા આવા શબ્દોને ધાતુપાત્રમાં ખખડતાં કાંકરા સાથે સરખાવી શકાય. શબ્દનું બ્રહ્મ સ્વરૂપ આવા વધારાના વ્યક્તિકરણથી ભારે કદરૂપું થઈ જાય છે.

અહીં એક બીજી વાતની પણ નોંધ લેવી જોઈએ કે મૌનને મીંઢાઈની બીજી બાજુ બનવા દેવી જોઈએ નહિ. મીંઢાઈ પણ અશબ્દ છે પણ અહીં આ અશબ્દતા સતીનું શીલ નથી બનતી, અસતીના ચારિત્ર્યની જાળ બની જાય છે. દુર્ભાગ્યે સાંપ્રત કાળમાં બન્યું છે એવું કે એલિઝાબેથ ટેલર સીતાને શીલ અને ચારિત્ર્યના પાઠ શીખવતી નજરે પડે છે. આવું નજરે પડે ત્યાં સુધી તો એ સહ્ય છે પણ એ વ્યાપક બનીને પ્રધાન સ્થાને સ્થાપિત થઈ જાય ત્યારે ભારે અનર્થ સર્જાય છે. મૌનને આવા અનર્થનું મૂળ બનવા ન દેવાય.

મૌનની સાધના એક કઠિન તપશ્ર્ચર્યા છે એ ખરું પણ સ્ત્રીઓ માટે આ તપ જેટલું કઠિન છે એ કરતાં પુરુષો માટે એ વધુ કઠિન છે. સ્ત્રી પ્રકૃતિએ અંતર્મુખી હોવાને કારણે મૌનની આરાધના એના માટે સરળ છે. પુરુષ પ્રકૃતિ એ બહિર્મુખી હોવાને કારણે એના માટે પેલું મૂંગી વરત વધારે અઘરું છે. અઘરું છે એટલે અસાધ્ય નથી. માત્ર કષ્ટસાધ્ય છે. સ્ત્રી માટે એ પ્રમાણમાં સુસાધ્ય છે. અહીં આપણે જ્યારે સ્ત્રી અને પુરુષ એવું વિભાગીકરણ કરીને વાત કરીએ છીએ ત્યારે એ પણ યાદ રાખવા જેવું છે કે અહીં આપણને દૈહિક રચના અભિપ્રેત નથી, માનુષી લક્ષણ અભિપ્રેત છે. કેટલીક સ્ત્રીઓ અંતર્મુખી નથી પણ હોતી - બહિર્મુખી હોય છે અને આવા સંજોગોમાં મૌન વ્રત માટેનું એનું લક્ષણ પણ પૌરુષી હોય છે. પુરુષ માટે પણ આમ જ કહી શકાય.

મૌન અઘરું છે એના સ્વીકાર સાથે એ પણ સરખાવવા જેવું છે કે કહેવા જેવી મુદ્દાની વાતને ટૂંકાવીને કહેવી એ વધારે અઘરું કામ છે. બ્રિટિશ વડા પ્રધાન ડિઝરાઈલીના નામે એક પ્રસંગ બહુ જાણીતો છે. ડિઝરાઈલી કોઈક સત્તાવાર કામે કશેક જવાના હતા. કાર્યક્રમ ભરચક હતો અને કાર્યક્રમના સ્થાનથી થોડે દૂર ડિઝરાઈલીનું ખુદનું મતદાર ક્ષેત્ર હતું. આ મતદાર ક્ષેત્રના આગેવાનોએ ડિઝરાઈલીને આ ક્ષેત્રમાં આવીને કશાક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવાનું કહ્યું. આ ઉદ્ઘાટન પ્રસંગે જે વિષય ઉપર બોલવાનું હતું એ વિષયને લક્ષમાં રાખીને ડિઝરાઈલીએ એમને કહ્યું - "મિત્રો, આ વિષય ઉપર બોલવા માટે તમારે મને અગાઉથી કહેવું જોઈએ. મારે તૈયારી કરવી પડે

"સાહેબ પેલા લોકોએ કહ્યું: "તમે આ વિષય ઉપર માત્ર દસ જ મિનિટ બોલજો. તમારો વધારે સમય નહિ લઈએ.

"દસ મિનિટ? ડિઝરાઈલીએ આંખ પહોળી કરીને કહ્યું, "જો આ વિષય ઉપર મારે દસ મિનિટ જ બોલવાનું હોય તો તમારે મને ઓછામાં ઓછું એક મહિના પહેલાં કહેવું જોઈએ.

"શું વાત કરો છો સાહેબ? આપની જેવા માણસ માટે દસ મિનિટના વક્તવ્ય માટે જો એક મહિનાનો સમય જોઈતો હોય તો, આ જ વિષય ઉપર જો બે કલાક વ્યાખ્યાન આપવાનું હોત તો-

"તો હું અબઘડી તૈયાર છું. ડિઝરાઈલીએ કહ્યું.

લાંબું બોલવું સહેલું છે, ટૂંકું બોલવું અઘરું છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે.





--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvNcTvLLuC4Ww%2BPtQOohnFWGGRnxHomHXF%2BmbMCZXru0g%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment