Friday, 20 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સૂફીવાદ પુરુષને સંપૂર્ણ સ્ત્રી માને છે? (Gujarati) [Posted by B D Jesrani]



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.

સ્ત્રીને સંપૂર્ણ પુરુષ માનતો સૂફીવાદ પુરુષને સંપૂર્ણ સ્ત્રી માને છે?
મોન્ટાજ-અભિમન્યુ મોદી

ફિલ્મોમાં, ડોક્યુમેન્ટરી અને નાટકોમાં ઇસ્લામિક વાતાવરણ પ્રસ્થાપિત કરવા માટે બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં 'અલ્લાહ-ઓ-અકબર'ની કર્ણપ્રિય અઝાન સંભળાય. મસ્જિદના લાઉડસ્પીકરમાંથી દૂર સુધી સંભળાતી દસેક સેક્ધડની તે પોકાર થોડા સમય સુધી એવી અનુભૂતિ કરાવવા સક્ષમ છે કે ત્યાં હાજર દરેકને એવું લાગે કે આ સમય પાક છે-પવિત્ર છે. પરંતુ ક્યારેય 'અલ્લાહ-ઓ-અકબર'ની અઝાન કોઈ સ્ત્રીના અવાજમાં સાંભળી હોવાનું યાદ છે? એ જ શબ્દો એ જ રાગમાં કોઈ મહિલાના કંઠે ગવાય તો કાન સહિત આખા અસ્તિત્વને કેવી અદ્ભુત ભેટ મળે! શું કોઈ સ્ત્રી ક્યારેય મસ્જિદમાંથી બાંગ પોકારી શકે? ડેન્માર્કની રાજધાની કોપનહેગનના એક વ્યસ્ત રસ્તા ઉપર સ્ત્રીના અવાજમાં અઝાન રોજ સાંભળી શકાય છે; કોપનહેગનના રહીશો નસીબદાર છે.

 

માનવ ઈતિહાસના ખૂંખાર વિલન સમાન હિટલરનું નામ જે દેશ સાથે જોડાયેલું છે તેવા જર્મની સાથે જોડાયેલો સ્કેન્ડેનેવિયન દેશ એટલે ડેન્માર્ક. તે દેશના પાટનગરમાં એક રસ્તા ઉપર નીચે શોપિંગ મોલ અને ફાસ્ટ ફૂડ જોઈન્ટ આવેલો છે. પગથિયા ચડીને ઉપલા માળે જાઓ તો અમુક રેફ્યુજી ઓફિસ પછી ટર્કીશ કાર્પેટ પાથરેલો સફેદ વિશાળ હોલ જોવા મળે. ૨૦૧૬ના એક શુક્રવારનું દૃશ્ય: હોલની બહાર એક માતા તેના બચ્ચાને સ્તનપાન કરાવી રહી હતી. બીજી એક મહિલા પોતાને લિપ્સ્ટીક લગાવી રહી હતી. હોલમાં ઘણી બધી યુવતીઓ અને સ્ત્રીઓ હાજર હતી જેમાંથી મોટા ભાગની સ્ત્રીઓએ વેસ્ટર્ન પ્રકારના કપડાં પહેર્યાં હતાં. થોડી વાર પછી પ્રાર્થના-અઝાન શરૂ થઇ અને છૂટી પડતી વખતે બધી સ્ત્રીઓ એકબીજાને ભેટી. આ જગ્યા એટલે સ્કેન્ડેનેવિયાની સૌપ્રથમ સ્ત્રી સંચાલિત મસ્જિદ. તેની સ્થાપકનું નામ છે: શેરીન ખંકાન.

 

શેરીન ખંકાન એક ઈમામ છે. હા, ઇસ્લામ ધર્મમાં આપણે સ્ત્રી-ઈમામ જોયા નથી. પ્રચલિત ખ્યાલ મુજબ ઇસ્લામમાં કોઈ સ્ત્રી ઈમામ ન બની શકે. પરંતુ શેરીન ખંકાન કહે છે કે કુરાનમાં ક્યાંય એવું સ્પષ્ટ લખ્યું નથી કે કોઈ સ્ત્રી ઈમામ ન બની શકે. કુરાનના કે અમુક ધાર્મિક લખાણોના 'પેટ્રીઆર્કલ ઇન્ટરપ્રીટેશન' કરવામાં આવે છે. રૂઢિચુસ્તતાના આગ્રહી એવા અમુક પુરુષોએ ધાર્મિક લખાણોના કરેલા 'અર્થવિસ્તાર' ડેન્માર્કના આ 'ઈમામ'ને માન્ય નથી. માટે જ શેરીન ખંકાન ગાડીમાં ફરે છે, મેકઅપ કરે છે, પ્રાર્થના વખતે જ માથે સ્કાર્ફ બાંધે છે અને મોટા ભાગે વેસ્ટર્ન ક્લોથમાં જ ફરે છે. ઇસ્લામને મોડર્નિઝમનો ટચ આપી તે નાની ક્રાંતિ કરવા માંગે છે અને તેના માટે તે ભોગ આપવા તૈયાર છે.

 

ફિનિશ માતા અને સિરિયન શરણાર્થીની ચુમાલીસ વર્ષીય પુત્રીએ ક્યારેય વિચાર્યું ન હતું કે એકવીસમી સદીમાં ઇસ્લામમાં નવતર યુગના મંડાણ કરવાની એક નિમિત્ત તે પણ હશે. શેરીન ખંકાને ઘણાં રૂઢિવાદી ખ્યાલો જેને 'ઇસ્લામિક' લેબલ મારવામાં આવે છે તેને ફગાવવાની શરૂઆત કરી દીધી છે. 'તલાક' આપવાનો કે નિકાહ પઢાવવાનો હક સામાન્ય રીતે માન્ય શરિઆ કોર્ટને જ હોય છે. તેણે લંડન શરિઆ કાઉન્સિલ પાસેથી ઈજાઝત લીધી અને મુસ્લિમ સ્ત્રીઓને જરૂર મુજબ છૂટાછેડા આપવાનું કામ ચાલુ કર્યું. ફક્ત સ્ત્રીઓ માટે બનાવેલી મરીઅમ 'મસ્જિદ'માં શેરીને એક મેરેજ કોન્ટ્રાક્ટ બનાવ્યો છે જેમાં બહુપત્નીત્વને કોઈ સ્થાન જ નથી. ઉપરાંત ઘરેલુ હિંસાની સમુળગી મનાઈ છે અને છૂટાછેડા થાય તો છૂટા પડનાર દંપતીના બાળકો ઉપર તેની માતાનો પણ બરોબર હક રહે તેવી જોગવાઈ છે. આડેધડ ફતવા કરનારા જડબુદ્ધિઓની સામે આ શેરીન ખંકાન બહુ જ સૌમ્ય રીતે મક્કમ લડત આપી રહ્યા છે અને તેને ખાસ વિવાદ વિના સફળતા મળતી જાય છે.

 

ધાર્મિક ગ્રંથો સેંકડો વર્ષો પહેલા લખાયેલા છે અને તે પણ સાહિત્ય સ્વરૂપમાં. કુરાનમાં પણ કંડિકાઓ છે, વર્સીઝ છે. સમીના અલી જેવી પ્રોગ્રેસિવ મુસ્લિમ લેડી કે શેરીન ખંકાન દૃઢપણે માને છે કે કુરાન સ્ત્રીઓને કોઈ ચોક્કસ કપડાં જ પહેરવા કે બુરખો ફરજિયાત પહેરવો એવી કોઈ સૂચના આપતું નથી. શેરીન કહે છે કે નવમી સદીના રીતરિવાજો ઉપર બનેલા નિયમો એકવીસમી સદીમાં ન ચાલે. ડેન્માર્કની સરકાર પણ ઓપન માઈન્ડેડ છે એટલે કોઈ ફતવાબાજ ઘુરીયલ માણસ આજ સુધી શેરીન ખંકાન ઉપર હુમલો કરવામાં સફળ થઇ શક્યું નથી. ફ્રાન્સના વર્તમાન પ્રેસિડેન્ટ ઈમાન્યુએલ મેક્રોન જયારે પહેલી વાર શેરીન ખંકાનને મળ્યા ત્યારે શેરીન તેમને ગિફ્ટ આપવા પોતાની લખેલી બુક લઇ ગયા હતા તો ફ્રેન્ચ પ્રેસિડેન્ટે કહ્યું કે તે પુસ્તક તેમણે વાંચેલું છે.

 

વાત અહીં ફક્ત શેરીન ખંકાનની નથી. તેઓ ઈતિહાસના પહેલાં મહિલા ઈમામ કે સ્ત્રીઓ માટેની મસ્જિદના પ્રથમ સ્થાપક નથી. ચાઈનામાં તો ૧૮૨૦થી મહિલાઓ માટેની મસ્જિદ છે. અત્યારે લોસ એન્જલસ, કેનેડા, બ્રિટન સહિત બીજી ઘણી જગ્યાએ મહિલાઓ માટેની મસ્જિદ છે જ. મહિલા ઈમામને 'ઓથોરિટી' તરફથી ઈમામના દરજ્જા માટેની માન્યતા મળે કે ન મળે તે અલગ વાત છે. પણ આજના આધુનિક સમયમાં જીવતી હજારો મુસ્લિમ છોકરીઓના સપનાઓને શેરીન ખંકાન જેવા પ્રોગ્રેસિવ માણસો વડે ખૂલતા ભવિષ્ય માટે આશાનું કિરણપુંજ મળ્યું છે. ઇસ્લામ એક શાંતિપ્રિય ધર્મ છે આ વાત ફક્ત ક્વોટ તરીકે જ સુશોભન પામતી હોય છે, ઘણાં બધા લોકો એવું માનતા હોતા નથી. અમુક બહાદુરો લોકમાનસની આ ગેરમાન્યતા બદલાવવા મથી રહ્યા છે.

 

ખદીજા. મોહમ્મદ પયગંબર સાહેબના પત્ની. જેમણે ઇસ્લામ ધર્મ માટે, લોકોના ભલા માટે ઘણું બધું કર્યું હતું. ઇસ્લામ ધર્મ અપનાવનાર સૌપ્રથમ કોઈ પુરુષ ન હતો, પણ તે ખદીજા હતા, પયગંબર સાહેબના પત્ની. ઇસ્લામમાં મોટું કોન્ટ્રિબ્યુશન આપનાર મહિલાઓમાં આઈશા કે ફાતિમાને યાદ કરી શકાય. પણ એ ઐતિહાસિક મહિલાઓની યાદી આપણો મુખ્ય વિષય નથી. મુદ્દો છે વિશ્ર્વમાં બીજા નંબરની વસ્તી ધરાવતા મુસ્લિમ લોકો પરત્વે બિનમુસ્લિમ લોકોના મનમાં વધતો જતો ઇસ્લામોફોબિયા. મુદ્દો છે ધર્મના નામે કરવામાં આવતા આતંકી કૃત્યનો, ડરના સામ્રાજ્યનો અને આત્યંતિક વર્તનનો. જો ધર્મ અને ધર્મનું આધિપત્ય ધરાવતા દેશના સુકાનની બાગડોર આવી સ્ત્રીઓના હાથમાં હોય તો અત્યારે જે અમુક રણમેદાન બની ગયેલા દેશોની દયનીય હાલત છે તે હોય ખરી? શેરીન ખંકાન જેવા ઈમામ વધુ હોય તો સ્વર્ગની લાલચમાં દુષ્કૃત્યો કરી નાખતા ઘણાં લોકોએ વર્તમાનમાં જ દોજખમાં જીવવું પડે ખરું?

એક બીજો સવાલ. આવી મહિલા માટેની મસ્જિદ કે સ્ત્રી-ઈમામ ડેન્માર્કમાં જ કેમ છે? અમેરિકા કે કેનેડામાં જ કેમ છે? બીજા દેશોમાં કેમ નહિ? એશિયાઇ દેશોમાં ચીન સિવાય કેમ નહિ? મુસ્લિમ દેશોમાં કેમ નહિ? જ્યાં આ પ્રકારની લિબર્ટી છે એ દેશનો પ્રગતિ આંક અને ત્યાંના લોકોની સુખાકારીની સરખામણી જ્યાં આવી સ્વતંત્રતા નથી તે દેશના નાગરિકો સાથે કરી છે?

 

એટલું યાદ રાખવું પડે, સમય એ બધાનો બાપ છે, બ્રહ્માંડનો પણ. સમય સાથે માણસ હોય કે આખેઆખો ગ્રહ, બદલાવવું જ પડે. નહીંતર સમય કોઈના અવશેષ પણ નથી સાચવતું. જયારે મોટા ભાગની દુનિયા પુરુષપ્રધાન છે માટે જ કદાચ એક સૂફી માસ્ટર અને શાસ્ત્રજ્ઞ એવા ઈબ્ન અરબીનું ક્વોટ ભુલાઈ ચૂક્યું છે : 'ધ પરફેક્ટ મેન ઈઝ અ વુમન'.




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtFDG5vxjqPsY4%2BXcK-1Jve9iKm3W0Y_Rsf7SCFrZ%2BiUw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment